ઢળતા ઢાળે શરદઋતુનો સૌન્દર્ય વિહાર….
શિવને રાત્રિ પ્રિય છે અને એ એમના દેવાધિદેવ હોવાનું એક કારણ પણ છે.
- હૃદયકુંજ – દિલીપ ભટ્ટ
છૂટક વેરાયેલી વાદળિયુંની વચ્ચે રમતા રમતા મધ્યાકાશે આવી જતો ચન્દ્ર મધરાતે ઊંઘમાં માતાના હૈયે અથડાતા શિશુ જેવો લાગે છે…
રાત્રિઓના અનેક રૃપથી જિંદગી દેદીપ્યમાન છે. સર્વ ઋતુમાં રાત્રિની શોભા અલગ-અલગ છે. એમાંય શરદની તો વાત અનોખી છે. એક કન્યાની જેમ રાત્રિ પણ શૃંગાર કરે છે. એકાકાર માટે અંધકાર આ પ્રકૃતિને આરાધ્ય છે. વન ઘટાટોપ થઈ ગયા છે. લીલ્લાછમ પાંદડાંઓ પર ચન્દ્ર કિરણો ઢોળાય છે ત્યારે કોઈ ટેકરીએ ચડીને અધમધરાતે ગીરના જંગલને જુએ તો આછા રેશમી ઘૂંઘટમાં વનશ્રી જંપી ગયેલી લાગે. ચન્દ્રકિરણોથી ગૂંથાયેલા આછા પાલવમાં પ્રકૃતિ ઢબુરાઈ જાય છે, લપાઈ જાય છે. એમાંય નદી કિનારાના કોઈ સીમસીમાડે ખાટલો ઢાળી ઊંચે આભમાં નજર કરો તો છૂટક વેરાયેલી વાદળિયુંની વચ્ચે રમતા રમતા મધ્યાકાશે આવી જતો ચન્દ્ર મધરાતે ઊંઘમાં માતાના હૈયે અથડાતા શિશુ જેવો લાગે.
આકાશમાં શરદ ઋતુના ચડતી કળાના ચન્દ્રનો પ્રવેશ થયો છે. પૂર્ણિમાના પ્રફુલ્લિત વદન પછી એ જ ચન્દ્ર હવે સહેજ ઝાંખો થયો છે તોય એનું લાવણ્ય ઓછું થયું નથી. ઘણા વરસો પછી શરદ ઋતુને વરસાદમાં ભીંજાવાની વેળા આવી છે. ઋતુઓના ચક્રમાં શરદને ભયાવહ ઘાત તરીકે મુનિજનોએ ગણાવી છે. સૌન્દર્યના આરાધકોને તો એ મોહક જ લાગે છે અને સાધકોને આ ઋતુ કસોટીથી વ્યાકુળ કરે છે. શરદના આકરા તડકા સિવાય ધાન્ય પરિશુદ્ધ થતા નથી. આ વખતે ભેજ રહી જવાનો છે. એ આવનારા વરસના આરોગ્ય પરનું જોખમ છે. પ્રાચીન ભારતીય પ્રજાએ દરેક ઋતુ પર જે સૌન્દર્ય વિચાર અને આરોગ્ય વિચાર રજૂ કર્યા છે એ તો જગતે જોટો જડે ન સ્હેલ છે. રાત્રિ માટે મહત્ જીવનો ધર્મ વિશ્રામ છે. નિશાચરોના અપવાદ સિવાય સહુને રાત્રિએ બંધનેત્રની જ આજ્ઞા કરેલી છે. આમ પણ ઉજાસનો અભાવ જ નેત્રવિરામ છે. માણસ જાતે આદિકાળે આંખ ખુલ્લી હોય કે બંધ – બેય એક સરખા અનુભવે જ ઝાડને ટેકે ઢળી પડવાનું ધાર્યું હશે.
શાન્ત-પ્રશાન્ત આસન જમાવ્યા વિના અમૃતતુલ્ય રાત્રિરસ અંતઃકરણમાં ન અવતરે. સોમરસના ઘણા અર્થ ભલે હોય એનો એક અર્થ રાતભર નીતરતી ચાંદનીનો આસવ એવો પણ થાય છે. બેસી રહેવું રાતભર એ પ્રથમ ટ્યુનઇન સ્થિતિ છે. પ્રાચીનકાળમાં ઋષિઓ વનમાં જપતપ કરતા હતા. તેઓ આદિત્ય પૂજક હતા અને ઉજાસના આરાધક હતા તો પણ આ બ્રહ્માંડમાંથી તેમણે જે કંઈ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું એમાંનો મહત્ અંશ તો તેમણે અખંડ રાત પછી રાતના સિલસિલામાંથી જ પ્રાપ્ત કર્યું હશે. રાતની અસલી ઓળખ વિનાનો કોઈ કલાકાર કે વિદ્વાન હોવો આસાન નથી. રાત સાથે જ દોસ્તી કરીને લોકો રંકમાંથી રાય અને કંકરમાંથી શંકર થયેલા છે. રાત પાસે એની પોતાની જાદુગરી છે. રાત એટલે જ એક મિસ્ટિરિયસ બ્લેક મેજિક, પરંતુ એ બધા માટે નથી. સામાન્ય લોકોએ તો રાતના કાંઠે કાંઠે જ છબછબિયાં કરીને પોઢી જવાનું હોય છે. યજુર્વેદમાં અહોરાત્ર શબ્દ અનેકવાર આવે છે તે રાતનું આકંઠ પાન કરનારા આદિપુરુષોએ જ ઉચ્ચારેલો છે.
શિવને રાત્રિ પ્રિય છે અને એ એમના દેવાધિદેવ હોવાનું એક કારણ પણ છે. રાત હોય ત્યાં જ તો ચન્દ્રને જિંદગી મળે છે. એટલે જ સંકટ સમયે ચન્દ્ર દોડીને શિવશરણે ગયેલો છે અને શિવ તો ભોળા ભગવાન છે, એમણે શરણે આવેલા ચન્દ્રને મસ્તક પર ધારણ કર્યો છે. પૂર્ણિમાની રાતે ચન્દ્ર જે દરિયાને આભમાં ઉછાળે છે એ જ ચન્દ્ર શિવના મસ્તક પર આસન જમાવીને જટામાંથી વહેતી ગંગાને ધરા પર વહેતી કરે છે. ગંગાને લોકગંગા બનાવે છે. શરદ ઋતુમાં ચન્દ્ર વરસના સર્વશ્રેષ્ઠ સૌન્દર્યને આકાશમાં પ્રવાહિત કરે છે. જ્યારે ચન્દ્ર અપાર શીતળતાનો અમૃતકુંભ લઈ ગગન વિહારે નીકળે છે એને ઘૂંટડે ઘૂંટડે પીવા માટે જ તો અગાસીમાં દૂધના કટોરા આપણે ધરીએ છીએ. ન્હાનાલાલ એટલે જ કહે છે કે, ચન્દ્રીએ અમૃત મોકલ્યા બેની, ફૂલડાં કટોરી ગૂંથી લાવ…!
ચન્દ્રની કળાઓ સોળ છે, પરંતુ સોળમી કળા તો માત્ર શરદની પૂનમે જ ચન્દ્ર રજૂ કરે છે. એ સોળમી કળા એટલે શું અને કેવો એનો વૈભવ એ જાણવા માટે તો કોઈ ગમતા સાગર કિનારે જ્યાં વારંવાર ઊછળતાં મોજાંની છાલક વાગે તેવી ભેખડ પર રાતભર એકાન્તે બેસો તો ખબર પડે, કારણ કે સોળમી કળા નિઃશબ્દ, અદ્ભુત અને અવર્ણનીય હોય છે. એ દરેકના હૈયે નવનવા રૃપે પ્રગટ થાય છે. રાતનો રંગ શરદ સ્વપ્રયત્ને બદલાવે છે. શરદની રાત્રિઓને સિલ્વર મૂન નાઈટ કહેવાય છે. આપણે ત્યાં ધાતુઓમાં રજતને ચાંદી કહીએ છીએ. ચાંદી શબ્દ ચાંદ અને ચન્દ્ર પરથી આવેલો છે. શરદની રાતના અંધકારનો એ જાણે કે ચાંદીના વરખમાં મઢાયેલો એવા માધુર્ય સાથે આસ્વાદ લેવા જેવો છે. હજુ થોડી શરદ અને થોડો ચન્દ્ર બાકી છે, ભલે એ હવે ઢળતા ઢાળે હોય!
રિમાર્ક – યે ચાંદ ભી તેરી તન્હાઈ લે કે આ ગયા તો અચ્છા હુઆ… સબ અકેલે અકેલે મિલ કે ચલો યે રાત કો ઔર અકેલી બનાયેંગે…!
(સુનીતિ સિંધુની નવલકથામાંથી)
——————————-