રંજના સેનને પ્રસિદ્ધિ મેળવવાનું તરકટ ભારે પડ્યું
'મિસ રંજના સેન, પ્રેમમાં પડવા માટે કોઈ ઉંમર નથી હોતી અને લોકો લગ્ન તો સાઠ અને સિત્તેરમે વર્ષે પણ કરતાં હોય છે.
- સત્ – અસત્ ( નવલકથા ) – નવલકથાઃ પ્રકરણઃ ૨૨
– સંગીતા-સુધીર
લેખિકા રંજના સેન પોતાની ઘટી રહેલી લોકપ્રિયતાને કારણે હતાશ થઈ ગઈ હતી અને ડિપ્રેશનમાં સરી પડી હતી. મૅગેઝિનો તેની કામોત્તેજક નવલકથા પ્રકાશિત કરવાનો ઇનકાર કરવા લાગ્યા હતા. તેથી ધૂંઆપૂંઆ થઈ ગયેલી રંજના સેને લાઈમલાઈટમાં રહેવા તરકટ રચ્યું, જે અંતર્ગત તેણે સત્યેન શાહ સામે દુષ્કર્મનો આક્ષેપ કર્યો. જોકે, રંજનાને આ તરકટનો કોઈ લાભ ન મળ્યો. ઉલટાનું તેને સત્યેન શાહના વકીલ સૉલિસિટર જોશી તરફથી માનહાનિનો દાવો ફટકારતી નોટિસ મળી હતી. આ નોટિસને કારણે રંજના ખૂબ ગભરાઈ ગઈ હતી, કારણ કે તે જાણતી હતી કે તેણે કરેલા આક્ષેપો સદંતર ખોટા અને પાયાવિહીન છે. જુઠ્ઠા આક્ષેપો કરવા બદલ તેને જેલ પણ થઈ શકે એમ હતું. અન્ય ચાર સ્ત્રીઓ જેમણે સત્યેન શાહ સામે જાતીય શોષણનો આક્ષેપ કર્યો હતો તેમને પણ સૉલિસિટર જોષીએ નોટિસ પાઠવી હતી. આ ચારેય સ્ત્રીઓએ મુંબઈના જાણીતા ક્રિમિનલ લોયર બિપિન જાનીને રોક્યા હતા. પહેલાં તો ઍડ્વોકેટ જાનીએ આ ચારેય સ્ત્રીઓના કેસ લડવાની ના પાડી હતી, પણ રિપોર્ટર જાગૃતિના કહેવાથી ઍડ્વોકેટ જાની આ ચારેય સ્ત્રીઓનો કેસ લડવાની તૈયારી બતાવે છે. રંજના વકીલ રોકવાના પૈસા ન હોવાને કારણે અને બદનામીના ડરે હેરાન-પરેશાન થઈ જાય છે. રંજનાની નવલકથાનો એક ચાહક અમર્ત્ય રંજના સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. રંજના આ પ્રસ્તાવ સાંભળીને અસમંજસમાં મુકાઈ જાય છે. બીજી બાજુ રંજના સેન રિપોર્ટર જાગૃતિની સલાહ લેવા ફોન કરે છે. રંજના ઉપરાંત અન્ય ચારેય સ્ત્રીઓ જાણતી હતી કે તેમણે સત્યેન શાહ સામે જે આક્ષેપો કર્યા છે તે ખોટા છે, તો પણ તે ચારેય પોતાના ખોટાણાને વળગી રહે છે. વકીલ બિપિન જાની તેમને વારંવાર સત્ય પૂછે છે, તેમછતાં તે ચારેય પોતે સાચી હોવાનું રટણ કર્યા રાખે છે. આ બધાની વચ્ચે અબ્રાહમ અને સત્યેન શાહ આરજેને ઉઘાડો પાડવા અને તેણે ચોરેલા પૈસા પાછા મેળવવા માટે ચર્ચા કરે છે. ઉદ્યોગપતિ હર્ષદ ગાંજાવાલાને પોલીસ સ્ટેશનમાં હાજર કરવાનું ફરમાન આપવામાં આવે છે. ગાંજાવાલા પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે, રિપોર્ટર અચલા અને પોતે જેની પર બળાત્કાર ગુજાર્યો હતો એ યુવતી જાનકીને જોઈને ગાંજાવાલા ઉશ્કેરાઈ જાય છે. રંજના સેન પોતાના માથે આવી પડેલી મુશ્કેલીમાંથી ઉગારવા અમર્ત્યની મદદ લેવાનું નક્કી કરે છે અને અમર્ત્યને ફોન કરી પોતાના ઘરે બોલાવે છે.
હવે આગળ વાંચો…
‘એટલે તમે જે જે આક્ષેપો સત્યેન શાહ સામે કર્યા હતા એ બધા જ ખોટા હતા? અરે તમારા ઇન્ટરવ્યૂમાં તમે બળાત્કારનું જે વર્ણન કર્યું હતું એની જે રજેરજની જે વિગતો આપતી હતી, એ વાંચતાં તો એમ જ થાય કે ખરેખર સત્યેન શાહે તમારી ઉપર એક અત્યંત હિચકારું કૃત્ય આદર્યું હતું.’
‘મિસ્ટર અમર્ત્ય, તમે ભૂલી જાઓ છો કે હું એક સર્જક છું. રોમાન્ટિક નવલકથાઓ લખવામાં માહેર છું.’
‘હા, હા, પણ તમે જે જે વિગતો આપી હતી એટલી વિગતો જાત ઉપર વીતી ન હોય તો કોઈ પણ લેખક કલ્પી ન શકે.’
‘અન્ય સર્જકો અને મારી વચ્ચે એ જ તો ફરક છે. સૃષ્ટિને જોવાની મારી દૃષ્ટિ અને કલ્પનાશક્તિ ખૂબ જ ઊંડી છે.’
‘પણ તમે આવો જુઠ્ઠો આક્ષેપ શા માટે કર્યો?’
‘જુઓ, તમે મારા પ્રશંસક છો. ગઈકાલે તમે મારી સામે જે પ્રસ્તાવ મૂક્યો એના ઉપરથી હું અનુમાન કરું છું કે તમે મારા ચાહક છો એટલે તમને સાચું કહેવામાં કંઈ વાંધો નથી. મારી લોકપ્રિયતા ઘટતી જતી હતી. એટલે મને એમ વિચાર આવ્યો કે જો હું આવો કોઈ આક્ષેપ કરું તો ફરી પાછી લાઈમલાઈટમાં આવી જઈશ અને ફરી પાછી મારી નવલકથાની માગ ઊભી થશે, પણ કમનસીબે એવું કંઈ ન થયું.’
‘અને આ તો ઊલટાનું લેવાને બદલે દેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું.’
‘એટલે જ મેં તમને મદદ માટે બોલાવ્યા છે.’
‘હા, હા, બોલો, હું તમારી શું મદદ કરી શકું?’
‘જુઓ મિસ્ટર અમર્ત્ય, એક વાતની ચોખવટ હું પહેલાથી કરવા ઇચ્છું છું.’
‘બોલો, કઈ વાતની ચોખવટ કરવી છે?’
‘એ જ કે હું તમારી મદદ માગું છું એનો અર્થ એવો નથી કે તમે કાલે જે પ્રસ્તાવ મૂક્યો એનો હું સ્વીકાર કરું છું.’
‘પણ ઇનકાર નથી કરતાં ને?’
રંજના સેને અમર્ત્યના સવાલનો જવાબ આપવાનું ટાળતાં કહ્યું,
‘આ જુઓ, સત્યેન શાહના સૉલિસિટરે મેં એમની ઉપર કરેલા જાતીય શોષણના આક્ષેપ માટે મને નોટિસ પાઠવી છે.’
અમર્ત્યએ રંજના સેનના હાથમાંથી નોટિસ લીધી. એમ કરતાં એની આંગળીઓને રંજના સેનની આંગળીનો સ્પર્શ થયો. આધેડ વયના અમર્ત્યને એક યુવાન પુરુષને અજાણતા પણ કોઈ સ્ત્રીનો જરા જેટલો પણ સ્પર્શ થતાં જે ઝણઝણાટી ઉત્પન્ન થાય, જે રોમાન્સ જણાય એવી લાગણી થઈ. સૉલિસિટર જોશીની નોટિસ વાંચ્યા બાદ એમાં કરવામાં આવેલી માગણી પર અમર્ત્યએ ઊંડો વિચાર કર્યો. પછી રંજના સેન સામે જોઈને કહ્યું,
‘આનો એક જ ઉપાય છે.’
‘શું?’ અમર્ત્ય પાસે બચવા માટેનો કોઈ ઉપાય છે એવું વિચારતાં રંજના સેન આનંદિત થઈ ગઈ.
‘આપણે બંને પરણી જઈએ અને પછી ભાગી જઈએ.’ મલકાતાં મલકાતાં જેમ્સ હેડલી ચેઝની રહસ્યમય વાર્તાઓના વાચક અમર્ત્યએ કહ્યું.
‘વ્હૉટ નૉનસેન્સ? મિસ્ટર અમર્ત્ય, તમે શું બોલો છો એનું તમને ભાન છે? આ કંઈ મને મળેલ નોટિસનો ઉપાય નથી.’
‘કેમ? લોકો આખા ગામનું ખોટું કરીને ભાગી જ જતા હોય છે ને? તો તમે પણ સત્યેન શાહ માટે ખોટું બોલ્યાં છો તો ખોટું બોલીને ભાગી જાવ ને. એમ કરવામાં હું તમારો સાથ પણ આપીશ.’ મૂછમાં હસતાં અમર્ત્યએ રંજના સેનના સવાલનો જવાબ આપ્યો.
‘બોલ્યા, ભાગી જાવ. ભાગીને ક્યાં જાઉં?’
‘અરે! દુનિયામાં ઘણા દેશો છે. માલ્ટા, સાયપ્રસ, સેન્ટ કિટ્સ આ બધા દેશોમાં તમે પૈસા ફેંકો એટલે તેઓ એમના દેશની સિટીઝનશિપ આપી દે છે. તમે મારી જોડે લગ્ન કરશો એટલે તમારા વતીથી આમાંના કોઈ પણ દેશમાં, તમે કહેશો ત્યાં હું પૈસાનું રોકાણ કરી દઈશ.’ અમર્ત્ય રંજના સેનની ઠેકડી ઉડાડી રહ્યો હતો એવું એના મુખ પરના હાસ્યને જોતાં ચોખ્ખું જણાઈ આવતું હતું.
‘મિસ્ટર અમર્ત્ય, ફરી ફરીને તમે મારી જોડે લગ્ન કરવાની વાત ઉપર જ આવી જાવ છો. મેં તમને મારા એક ચાહક વાચક તરીકે મારી મદદ માટે બોલાવ્યા છે. નહીં કે એક પ્રેમી તરીકે.’ રંજના સેનને હવે લાગી રહ્યું હતું કે અમર્ત્ય એની મજાક ઉડાડી રહ્યો છે.
‘અરે! પણ પ્રેમ કરવામાં ખોટું શું છે?’ અમર્ત્યએ એની મજાક ચાલુ રાખી.
‘આ ઉંમરે? અને આવા સંજોગોમાં?’ રંજના સેન અમર્ત્યના આવા મજાકિયા ઉપાયોથી અકળાઈ ને ગુસ્સે થઈ ગઈ.
‘મિસ રંજના સેન, પ્રેમમાં પડવા માટે કોઈ ઉંમર નથી હોતી અને લોકો લગ્ન તો સાઠ અને સિત્તેરમે વર્ષે પણ કરતાં હોય છે. પણ ચાલો, તમને જો મારી જોડે લગ્ન કરીને ભાગી જવાનો ઉપાય પસંદ ન હોય તો આપણે બીજો કોઈ ઉપાય શોધીએ.’ અમર્ત્યએ એની ટીખળ ચાલુ રાખી.
‘હા… હા, જરા સેન્સિબલ ઉપાય શોધો.’
‘એક સેન્સિબલ ઉપાય છે, પણ એ માટે આપણે સૌ પહેલાં સત્યેન શાહને શોધવો પડે એમ છે.’
‘એવો કેવો સેન્સિબલ ઉપાય છે? જેમાં આપણે સત્યેન શાહને શોધવો પડે.’
‘જો આપણે સત્યેન શાહનું જ કાટલું કાઢી નાખીએ તો આ બધી જ પીડા ટળી જાય.
ન રહેગા બાંસ ઔર ન બજેગી બાંસૂરી.’
‘પાછો તમે કહેવતનો વાહિયાત ઉપયોગ કર્યો. મિસ્ટર અમર્ત્ય, મને લાગે છે કે તમે મારી મજાક કરી રહ્યા છો. મદદ કરવાને બદલે વધુ મુશ્કેલીમાં મૂકી દેવા માગો છો. મદદ માટે તમને બોલાવીને મેં ભૂલ કરી.’
‘ના, ભૂલ નથી કરી.’ અત્યાર સુધી મજાકમાં વાતો કરતો અને વાહિયાત ઉપાય સૂચવતો અમર્ત્ય એકદમ ગંભીર થઈ ગયો, ‘તમારી મુશ્કેલીઓનો એક જ ઉપાય છે.’
‘શું?’
‘સત્ય.’
‘એટલે?’
‘એટલે એમ કે તમારે કબૂલ કરી લેવું જોઈએ કે તમે જે આક્ષેપો કર્યા હતા એ બધા ખોટા હતા. આક્ષેપો કરવા માટે તમે મને જે કારણ આપ્યું એ જ કારણ, જે સાચું છે, એ જણાવો. સત્યેન શાહની બિનશરતી માફી માગી લો.’
‘અને જુઠ્ઠા આક્ષેપો કરવા બદલ નામોશી વહોરી લઉં.’
‘ના, મને નથી લાગતું કે તમે જો સાચી વાત કબૂલી લેશો તો સત્યેન શાહ તમારી સામે બદનક્ષીનો કેસ કરશે.’
‘શા માટે?’
‘કારણ કે જ્યારે બદનક્ષીનો કેસ કરવામાં આવે છે ત્યારે જે વ્યક્તિ એ કેસ કરે છે એની જ વધુ પડતી બદનક્ષી થાય છે. બીજું કે સત્યેન શાહ કોઈ ખાસ ગૂઢ કારણસર અલોપ થઈ ગયા છે. આથી તમારી સામે ક્રિમિનલ કેસ કરવા એ હાજર નહીં થાય.’
‘બસ, તમે મારી આટલી જ મદદ કરશો?’
‘જુઓ, તમે જેમ મારી પાસે સત્ય હકીકત કબૂલી. મેં પણ તમને એ જ પ્રમાણે સાચી સલાહ આપી છે. બાકી, તમારે જો તમારું જૂઠાણુ પકડી જ રાખવું હોય, ઍડ્વોકેટને રોકીને તમારા જૂઠાણાનો બચાવ કરવો હોય અને એ માટે નાણાકીય સહાય જોઈતી હોય તો એ આપવા પણ હું તૈયાર છું, પણ મારી વાત લખી રાખજો, જૂઠાણુ ચાલુ રાખવામાં નુકસાન તમારું જ છે.’
‘બેસો, હું કૉફી બનાવી લાવું છું.’
બંનેએ મૂંગાં મૂંગાં કૉફી પીધી. પછી અમર્ત્ય ઘરે જવા ઊભો થયો. જતાં જતાં એણે રંજના સેનને જણાવ્યું ઃ
‘મારી મદદ, આર્થિક રીતે યા અન્ય કોઈ પણ રીતે જોઈતી હોય તો તમારા એક ચાહક તરીકે હું કોઈ પણ જાતના બદલાની આશા સિવાય એ કરીશ, પણ મારી તમને ફરીથી એક સાચી સલાહ છે. કબૂલી લો કે તમે કરેલા આક્ષેપો ખોટા હતા.’
રંજના સેનને અમર્ત્યની વાત સાચી લાગી, પણ એ નિર્ણય લઈ ન શકી કે એણે પોતે ખોટા આક્ષેપ કર્યા હતા એવી કબૂલાત કરવી જોઈએ કે નહીં. એને બીક હતી કે જો એ સાચી કબૂલાત કરશે તો જુઠ્ઠો આક્ષેપ કરવા બદલ એ વગોવાઈ જશે. લેખિકા તરીકેની એની રહીસહી આબરૃ પણ વહી જશે. ભલે એની પાસેથી કંઈ વસૂલ ન થાય તોય સત્યેન શાહ કદાચ એની સામે માનહાનિનો દાવો કરશે.
રંજના સેનને વિચાર આવ્યો ‘શા માટે હું જાગૃતિની સલાહ પણ ન લઉં? એ મારી પાસે આવી તો હતી મને મદદ કરવા જ. મેં જ એનું અપમાન કરીને એને ઘરની બહાર કાઢી મૂકી હતી.’
રંજના સેને ઘડિયાળ સામે જોયું. રાત્રિના સાડા અગિયાર વાગવા આવ્યા હતા. રિપોર્ટરો તો આમેય મોડી રાત સુધી જાગતા હોય છે, આવું વિચારી સવાર સુધી જાગૃતિનો સંપર્ક સાધવાની વાટ ન જોતાં રંજનાએ એના મોબાઇલ ઉપરથી જાગૃતિને ફોન જોડ્યો…
* * *
પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરની સામેની ખુરસીમાં બેઠેલ અચલા અને એની બાજુમાં જાનકીને જોઈને હર્ષદના હાંજા ગગડી ગયા. આ છોકરી ફરી પાછી પોલીસ સ્ટેશનમાં કેમ? નક્કી આ રિપોર્ટરે એને ઉશ્કેરી હશે, પણ હવે એ લોકો મારું શું બગાડી શકે એમ છે. આ છોકરીએ તો એની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. હવે એ ફરી પાછી મારી સામે ફરિયાદ કરે તો કોણ એ સાચી માનશે. હવે તો એનું જાતીય પરીક્ષણ પણ નકામું ગણાશે. આ ઇન્સ્પેક્ટર સાલો પાંચ પેટી દબાવીને બેસી ગયો છે અને મને આવી રીતે બોલાવવાની ધૃષ્ટતા કરી છે. આવું વિચારતા હર્ષદના પગમાં જોર આવ્યું. ઝડપથી ગામદેવી પોલીસ સ્ટેશનનાં ચાર પગથિયાં ચઢીને એ ડાબી બાજુએ આવેલ ઇન્સ્પેક્ટરની કૅબિનમાં દાખલ થયો અને ચોર કોટવાલને દંડે એ મુજબ એણે ઇન્સ્પેક્ટરને ધધડાવ્યો.
‘આ શું માંડ્યું છે? મને કેમ આવી રીતે બોલાવ્યો?’
‘મિસ્ટર હર્ષદ, તમારી સામે ફરી પાછી ફરિયાદ કરવામાં આવી છે.’
‘ફરી પાછી? આ તમારું પોલીસ સ્ટેશન છે કે કૉમેડી સર્કસ? એક વાર ફરિયાદ કરી એ ખોટી હતી એટલે એને પાછી ખેંચી લીધી અને હવે ફરી પાછી ફરિયાદ કરી છે!’
‘જુઓ મિસ્ટર હર્ષદ, અમારે તો અમારી ફરજ બજાવવાની છે. કમિશનર ઑફ પોલીસે મને આદેશ આપ્યો છે કે મારે આ છોકરીની ફરિયાદ પાછી નોંધવી અને તમારી સામે ઘટતાં પગલાં લેવાં.’
‘વ્હૉટ? એટલે આ છોકરી એની ખોટી ફરિયાદ લઈને પોલીસ કમિશનર સુધી પહોંચી ગઈ?’
‘અને કમિશનરને એની ફરિયાદ સાચી છે, તમે ખરેખર એની ઉપર બળાત્કાર કર્યો છે એની ખાતરી થતાં આ ઇન્સ્પેક્ટરને જાનકીની ફરિયાદ પાછી નોંધવા અને તમારી સામે કાયદાકીય પગલાં લેવા જણાવ્યું છે.’ અત્યાર સુધી શાંત બેસીને હર્ષદના તુમાખીભર્યા વર્તનને જોઈ રહેલી અચલા બોલી.
‘યુ શટ અપ. સાલી, તે દિવસનો લાફો ભૂલી ગઈ?’
‘અને તમે ભૂલી ગયા કે મેં તમારી શું વલે કરી હતી?’
‘બસ… બસ, બહુ થયું. તમારી અંદરોઅંદરની બહસમાં મને રસ નથી. મિસ્ટર હર્ષદ, હું દિલગીર છું પણ મારે તમને આ છોકરી જાનકી, જે સગીર વયની છે એના ઉપર બળાત્કાર આચરવા બદલ એરેસ્ટ કરવા પડે એમ છે.’
‘એ… એ ઇન્સ્પેક્ટર, તું શું બોલે છે એનું તને ભાન છે? સાલા, મારો જ માલ ખાઈને મને જ એરેસ્ટ કરવા માગે છે.’
‘ઓહ, એટલે તમે આ ઇન્સ્પેક્ટરને માલ આપ્યો છે એવું કબૂલો છો. લે જાનકી, આ તો આ ભાઈ સામે પોલીસ ઇન્સ્પેક્ટરને લાંચ આપવાનો એક વધુ ગુનો આપણને સાંપડ્યો છે અને ઇન્સ્પેક્ટરે લાંચ લીધી છે એ માટે એમની ઉપર આપણે કેસ કરી શકીએ એમ છીએ.’
ગામદેવી પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્ટર ભડક્યો અને સાથે સાથે થોડો ગભરાયો, મૅડમ, આમ મારી સામે આક્ષેપ ન કરો. મેં કાંઈ પણ કબૂલ્યું નથી. મિસ્ટર હર્ષદ હમણા જે બોલ્યા એ જુઠ્ઠું છે. મેં કાંઈ માલ લીધો નથી.’
‘એ તો હવે ઍન્ટિ કરપ્શન બ્યૂરોવાળા નક્કી કરશે, પણ હમણા તમે તમારી કાર્યવાહી કરો. એરેસ્ટ ધીસ રેપિસ્ટ.’
* * *
‘મિસ્ટર અટલ, આમાં તમારે ફિકર કરવા જેવું કાંંઈ નથી. રોજ કોઈ ને કોઈ સમાજસેવક, તમારા જેવા રિપોર્ટર દેશમાં જે અવ્યવસ્થા પ્રવૃત્ત થઈ રહી છે એની સામે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરે છે. તમે એક રિપોર્ટર છો, ખૂબ જાણીતા રિપોર્ટર છો. તમારી સત્યનિષ્ઠા અને કાર્યદક્ષતાના લોકો ગુણગાન ગાય છે. તમે આ જે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન શરૃ કરશો એ વાજબી હશે.’
‘કઈ રીતે?’
‘તમે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને માગણી કરશો કે જય જનતા પાર્ટીના હિસાબોની તપાસણી માટે એક ઇન્ડિપેન્ડન્ટ ઑડિટર નીમવામાં આવે.’
‘હું એવી માગણી કેવી રીતે કરી શકું? મને જય જનતા પાર્ટી જોડે શું લાગે-વળગે?’
‘જય જનતા પાર્ટી એક રાજકીય પાર્ટી છે. રાજ્યના બધા નાગરિકોને એ પાર્ટીમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો હક્ક છે.’
‘અચ્છા.’
‘આવી માગણી કરીને જ્યાં સુધી તપાસણી થયા બાદ ઇન્ડિપેન્ડન્ટ ઑડિટર એમનો રિપોર્ટ કોર્ટને સુપરત ન કરે અને કોર્ટ તમે દાખલ કરેલ રિટ પિટિશન ઉપર એમનો નિર્ણય ન આપે ત્યાં સુધી એ પાર્ટીના કર્તાહર્તા આરજે અને અન્ય કાર્યકરો પાર્ટીનાં બૅન્ક એકાઉન્ટ્સ ઑપરેટ ન કરી શકે એવો મનાઈહુકમ તમે માગી શકો છો.’
‘ખરેખર?’
‘હા, જો તમે કોર્ટને દેખાડી શકો કે પહેલી નજરે પાર્ટીના હિસાબોમાં ગોટાળા થયા છે તો તમે એક સામાન્ય નાગરિક તરીકે એ અટકાવવા માટે આવો મનાઈહુકમ માગી શકો છો. આપણા બંધારણ હેઠળ તમારો એ હક્ક છે.’
‘ખરેખર? આપણુ બંધારણ સામાન્ય નાગરિકોને આવા હક્કો આપે છે?’
‘હા, જાહેર જનતાને આવો હક્ક છે.’
‘અચ્છા.’
‘તમે જેવું આ રિટ પિટિશન દાખલ કરશો કે જય જનતા પાર્ટીના અન્ય અનેક કાર્યકરો અને મેમ્બરો પણ તમારી સાથે જોડાશે. કોઈકે પહેલ કરવી જોઈએ. લોકો પહેલ કરતાં ખચકાય છે, પણ જો કોઈ પહેલ કરે તો પછી એના સમર્થકો એની જોડે જોડાય છે. એટલે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૃર નથી.’
સૉલિસિટર જોશીએ રિપોર્ટર અટલની શંકા દૂર કરતાં જણાવ્યું.
આ પ્રકારનું રિટ પિટિશન દાખલ કરતાં જય જનતા પાર્ટીમાં કેટલો મોટો ધરતીકંપ થશે એની ન તો સૉલિસિટર જોશીને કે અટલને જાણ હતી કે ન તો આવું કોઈ પગલું ભરાશે એની આરજેને કલ્પના હતી.
* * *
‘હલ્લો જાગૃતિ, હું ક્યારનો તારી વાટ જોતો હતો.’
‘સૉરી, આપણુ રિપોર્ટરોનું કામ જ એવું છે કે આપણે ઍપૉઇન્ટમૅન્ટ પાળી નથી શકતાં. વધારામાં હવેથી મુંબઈનો ટ્રાફિક પણ આપણી પંક્ચુઆલિટીમાં પંક્ચર પાડે છે.’
‘બેસ, બેસ, મારે તારી આગળથી કોઈ પણ પ્રકારનો ખુલાસો નથી જોઈતો.’ મુંબઈના પરેલ એરિયામાં થોડા સમયથી જ ડેવલપ થયેલ વિસ્તારમાં બંધાયેલ સેન્ટ રિગીસ હોટેલના ચાલીસમા માળે આવેલ રેસ્ટોરાંમાં પોતાની બાજુમાં સોફા પર બેસાડવા માટે અટલે હાથ પકડીને જાગૃતિને આમંત્રણ આપ્યું.
‘કેમ આટલી શરમાય અને સંકોચાય છે?’ સોફાના છેડે બેઠેલ જાગૃતિને પોતાની નજીક આવવાનું અટલે આહ્વાન આપ્યું.
જાગૃતિ આપોઆપ સોફામાં સરકી અને અટલને અડીને બેઠી. મિની સ્કર્ટ પહેરેલા એના ખુલ્લા પગ અટલના પગ જોડે ભટકાયા. જાગૃતિના શરીરમાં રોમાન્સની ઝણઝણાટી વ્યાપી ગઈ.
‘ડાર્લિંગ, હું તારી એક કલાકથી વાટ જોઉં છું.’ અટલે જમણો હાથ જાગૃતિના ખુલ્લા ડાબા પગ ઉપર મૂકતાં જણાવ્યું. જાગૃતિની ઝણઝણાટી અનેકગણી વધી ગઈ.
‘પણ હું તો ફક્ત વીસ મિનિટ જ મોડી પડી છું.’
‘હા, તને મળવાની ઉત્કંઠા એટલી હતી કે હું અહીં ચાલીસ મિનિટ વહેલો આવી ગયો હતો.’
જાગૃતિએ હવે એની દૃષ્ટિ અટલના મુખ ઉપરથી ખસેડીને સામેની ફ્રેન્ચ વિન્ડોમાંથી દેખાતા મહાલક્ષ્મી રેસકોર્સના લીલાછમ મેદાન તરફ કરી. ચાલીસમા માળેથી મુંબઈ શહેરનું દેખાતું દૃશ્ય અત્યંત રમણીય હતું.
‘બોલ, શું પીશે? કોલ્ડ કૉફી કે પછી ગરમાટો આવે એવું લિક્યોર.’ હાથ વડે પગ દબાવતાં અટલે પૂછ્યું.
જાગૃતિનો ડાબો હાથ આપોઆપ અટલના હાથ ઉપર ગયો. એણે અટલનો હાથ દબાવીને ધીમેથી કહ્યું ઃ
‘તું શું પીએ છે?’
‘મારું મીઠું ઝેર ડ્રામ્બુઈ છે.’
‘પણ આ ત્રણ ગ્લાસ કેમ? બીજા ગ્લાસમાં શું છે?’ અટલના હાથ ઉપર મૂકેલો પોતાનો હાથ ન હટાવતાં જાગૃતિએ પ્રશ્ન કર્યો.
‘બીજા ગ્લાસમાં જોની વૉકર, બ્લૅક લેબલ છે.’
‘અને આ ત્રીજો? ખાલી ગ્લાસ?’
‘એ ખાલી ગ્લાસમાં હું આ વ્હિસ્કી અને લિક્યોર ભેળવીશ. પછી એ બની જશે ‘રસ્ટિનેલ.’ આપણે જેમ એકબીજામાં ભળી જતાં ઉત્તમ રિપોર્ટર કપલ બની જઈશું તેમ જ આ બે પીણા પણ એકમેકમાં ભળી જતાં એક ઉત્તમ પીણુ બની જશે.’
‘રસ્ટિનેલ એટલે કે સડી ગયેલો ખીલો?’
‘હા, સડી ગયેલા ખીલાને કાટ લાગ્યો હોય. એ કાટ જો તમને લાગે તો ખૂબ જ ખતરનાક કહેવાય. મને પણ તારો કાટ લાગ્યો છે.’
‘પણ હું ખતરનાક નથી.’
‘ખૂબસૂરત સ્ત્રીઓ ખતરનાક જ હોય છે. પણ લે, આપણા બંને માટે એક જ ગ્લાસમાં વ્હિસ્કી અને લિક્યોરનું મિશ્રણ કરું છું. આપણે બંને વારાફરતી એક જ ગ્લાસમાંથી આ ખતરનાક પીણુ પીશું.’
‘પછી?’
‘પછી અહીં બેઠાં બેઠાં જ સૂર્યાસ્તને જોઈશું.’
‘પછી?’
‘નીચેના મજલે જ મેં સ્યૂટ બુક કરાવ્યો છે એટલે આપણે સૂર્યાસ્ત પછી નીચેના સ્યૂટમાં જઈશું.’
‘પછી?’
‘એ સ્યૂટનો જે ડબલ બેડ છે એમાં સૂતાં સૂતાં સામેની વિન્ડોમાંથી ચંદ્રનો ઉદય જોઈશું.’
‘પછી?’
‘પ્રભાતનાં કિરણો આપણને જગાડશે એટલે એકબીજાના બાહુપાશમાં જકડાયેલાં આપણે ક-મને ઊભાં થઈશું.
‘પછી?’
‘તું શરમાઈને બાજુમાં મૂકેલો નાઈટ ગાઉન પહેરશે.’
‘પછી?’
‘હું સૂતાં સૂતાં એ પહેરતા તારા સુંદર અને સુડોળ દેહને નીરખીશ.’
‘પછી?’
જાગૃતિના મોબાઇલની અચાનક વાગેલી ઘંટડીએ એના સ્વપ્નામાં ભંગાણ પાડ્યું. કોણ હશે આટલી મોડી રાત્રે? કોઈ ઇમર્જન્સી આવી ન ગઈ હોય તો સારું. આવું વિચારતી, અટલના વિચારોને મનમાંથી ખંખેરી નાખીને જાગૃતિએ એનો મોબાઇલ ઉપાડ્યો. એ ઉપાડતાં ખાસ્સો સમય લાગ્યો હતો એટલે જેણે એને ફોન કર્યો હતો એણે લાઇન કટ કરી નાખી હતી.
‘ખાલી ખાલી મને ડિસ્ટર્બ કરી. કેટલું સુંદર સ્વપ્નું હતું, પણ શું ખરેખર અટલ એની જોડે આવો રોમાન્ટિક થઈ શકે? વાસ્તવમાં ભલે એ રોમાન્સ કરે યા ન કરે, પણ સ્વપ્નામાં એની જોડે રોમાન્સ કરવામાં ખરેખર ખૂબ જ મજા પડી હતી. મોબાઇલની ઘંટડી જો રણકી ન હોત તો તો મારું આ રોમાન્ટિક સ્વપ્નું ક્યાંનું ક્યાં જઈ પહોંચત!’
આ વિચારે જાગૃતિ ખૂબ જ મલકાઈ ઊઠી. સ્વપ્નાની વાતે પણ એને આનંદિત કરી મૂકી.
પણ આવું સ્વપ્નું મને આવ્યું જ કેમ? અટલે તો એવો કોઈ જ સંકેત આપ્યો નહોતો, જે કારણે હું આવું સ્વપ્નું સેવી શકું. નક્કી લોકો જે કહે છે એ સાચું હશે. તમારા મનમાં જે પ્રબળ ઇચ્છા જાગે એ તમે પૂરી કરી ન શકો એટલે એ બધી ઇચ્છાઓ તમે સ્વપ્નામાં પૂરી કરો. કુદરતે સ્વપ્નાં એટલાં માટે જ ઘડ્યાં હોય છે કે માનવો એની
અતૃપ્ત ઇચ્છાઓ સ્વપ્નાં દ્વારા તૃપ્ત કરી શકે, પણ આ ફોન કોનો હશે? જાગૃતિ આવો વિચાર કરતી હતી એટલામાં જ મોબાઇલની ઘંટડી ફરીથી વાગી. આ વખતે જાગૃતિએ તુરંત જ બીજી ઘંટડી વાગી કે ફોન રિસીવ કર્યો.
‘હલ્લો, હું રંજના સેન બોલું છું. તમને આટલી મોડી રાત્રે ડિસ્ટર્બ કરવા બદલ સૉરી, પણ મારે તમારી જોડે થોડી અગત્યની વાત કરવી છે?’
‘કેમ? ધક્કો મારીને ઘરની બહાર કાઢી ત્યારે કંઈ કહેવાનું રહી ગયું હતું?’ જાગૃતિ એનું અપમાન ભૂલી ન હતી ને અત્યારના એના સ્વપ્નામાં ભંગાણ પડાવવા માટે એ રંજના સેન ઉપર વિશેષ ખફા થઈ હતી.
‘મારા એ વર્તન માટે હું ખૂબ જ દિલગીર છું. તમારી ખરા હૃદયથી માફી માગું છું.’
‘ઓહ! અને માફી માગવા માટે તમને અત્યારનો જ સમય યોગ્ય લાગ્યો?’ મનોમન જાગૃતિએ વિચાર્યું કે જો રંજના સેને એ સમયે એને ફોન કર્યો ન હોત તો એનું અટલ જોડેનું સ્વપ્નાનું પ્રેમ પ્રકરણ હજુ આગળ ચાલત અને સ્વપ્નામાં જ એ પ્રેમની પરાકાષ્ઠા ભોગવી શકત.
‘ના, ના, અત્યારના તમને ફોન એટલા માટે કર્યો કે એક વાત મને ખૂબ જ મૂંઝવે છે. મેં તમારું અપમાન ભલે કર્યું હોય, પણ તમે મારા હિતેચ્છુ છો. મારા લાભ માટે મારી પાસે આવ્યાં હતાં. આથી જ મારી મૂંઝવણ દૂર કરવાનો ઉપાય તમે સૂચવી શકશો. મારી અકળામણ દૂર કરવા મેં તમને અત્યારના ડિસ્ટર્બ કર્યાં છે.’
‘તારી અકળામણ દૂર કરવા તેં મારા સ્વપ્નામાં ભંગાણ પડાવ્યું. મારી મજા બગાડી નાખી.’ રંજના સેનને ભાંડતાં જાગૃતિ મનમાં ને મનમાં બોલી ઃ
‘અચ્છા, બોલો! તમારી એવી શું મૂંઝવણ છે કે રાત્રિના બાર વાગવા આવ્યા છે ત્યારે તમે મને ફોન કર્યો.’
‘તમને તો જાણ છે જ કે સત્યેન શાહે એમના સૉલિસિટર વતી મને નોટિસ પાઠવી છે.’
‘હા. તમને એકલાને નહીં, એની સામે જે જે સ્ત્રીઓએ જાતીય શોષણના આક્ષેપો કર્યાં છે એ બધી જ સ્ત્રીઓને સત્યેન શાહના સૉલિસિટર મિસ્ટર જોશીએ નોટિસ પાઠવીને જણાવ્યું છે કે તમારા આક્ષેપો ખોટા…’
‘હા. એ ખોટા છે.’ અચાનક જ રંજના સેનથી વચ્ચે બોલી જવાયું.
‘વ્હૉટ?!’ ચમકી જઈને જાગૃતિએ પ્રશ્ન કર્યો. એને અણસાર તો હતો જ કે આ બધી જ સ્ત્રીઓના આક્ષેપો ખોટા છે, પણ પાંચમાની ચાર સ્ત્રીઓએ એ વાતનો સાફ ઇનકાર કર્યો હતો, જ્યારે આ પાંચમી સ્ત્રીએ એકદમ જ એનો એકરાર કર્યો. જાગૃતિને રંજના સેનના કહેવાથી ખૂબ જ આશ્ચર્ય થયું.
‘હા, મેં સત્યેન શાહ સામે જાતીય શોષણનો, એણે મારા ઉપર બળાત્કાર આદર્યો હતો, મારા પર રેપ કર્યો હતો, એવા જે આક્ષેપો કર્યા હતા એ સદંતર ખોટા છે.’
‘તો પછી આવા અત્યંત ગંભીર આરોપ શા માટે કર્યા?’
‘પ્રસિદ્ધિ ખાતર.’
‘ઓહ! એટલે તમને એમ કે આવા પ્રતિષ્ઠિત માણસ સામે તમે આવા ગંદા આક્ષેપો કરશો એટલે તમને પ્રસિદ્ધિ મળી જશે.’
‘હા. મને લાગ્યું કે ચાર ચાર પ્રતિષ્ઠિત સ્ત્રીઓએ એમના ઉપર જાતીય શોષણના આક્ષેપો કર્યાં છે એટલે સત્યેન શાહ જરૃર લંપટ હશે. આથી મેં પણ એમની સામે બળાત્કારનો ઉપજાવી કાઢેલો આક્ષેપ કરેલો. મને એમ કે એમ કરતાં મને ખૂબ જ પ્રસિદ્ધિ મળશે. સત્યેન શાહની સામે બીજી સ્ત્રીઓએ જે આક્ષેપો કર્યાં છે એ ખરા છે એટલે મારો આક્ષેપ ખોટો છે એવો એમનો બચાવ કોઈ નહીં માને.’
‘વાહ! શું તમારો તર્ક!’
‘પણ મારી ધારણા ખોટી પડી. સત્યેન શાહે બધાના જ આક્ષેપો ખોટા છે એવું એમના સૉલિસિટર મારફતે જણાવ્યું.’
‘હં… અને તમને પણ એવું જણાવવામાં આવ્યું.’
‘હા. હવે મને બીક લાગે છે કે જો એ ચારેય સ્ત્રીઓ પણ મારી જેમ ખોટી હોય, સત્યેન શાહ જો સજ્જન પુરુષ હોય, એમના સૉલિસિટરે એમની નોટિસમાં જે ધમકી આપી છે એનો તેઓ ખરેખર અમલ કરે તો હું ખૂબ જ મુશ્કેલીમાં આવી પડું.’
‘તમારી વાત સાચી છે. હવે તમે શું કરવા માગો છો? હું તમને આમાં કઈ રીતે મદદ કરી શકું?’
‘જો હું સત્યેન શાહની માફી માગું તો મારા વતીથી તમે એમને મારી સામે કોઈ પણ કાર્યવાહી ન કરે એવું સમજાવી શકશો?’
‘પણ આવી માફી તમારે જાહેરમાં માગવી પડે અને એમ કરતાં તો તમારી બદનામી થશે.’
‘એટલે જ મને તમારી મદદની જરૃર છે.’
‘મને આ બાબતમાં વિચાર કરવા દો. આપણે કાલે રૃબરૃ મળશું.’
‘હા, હા, કાલે સવારના તમે મારા ઘરે આવો અને મને આ મુશ્કેલીમાંથી છોડાવો.’
‘ફરી પાછો ધક્કો નહીં મારોને?’
‘મિસ જાગૃતિ, મને શરમાવો નહીં. મેં તમને ધક્કો માર્યો અને ઘરની બહાર કાઢ્યા એ મારી બહુ જ મોટી ભૂલ હતી. એ માટે મને ખરેખર ખૂબ જ પસ્તાવો થાય છે. હા, તમે એ પણ વિચારી રાખજો કે આમાંથી માફી માગ્યા સિવાય ઊગરી જવાય એવો બીજો કોઈ વિકલ્પ છે..?’
(ક્રમશઃ)