તમારા માટે, તમારી સાથે, સતત…

મર્સિડીઝમાં બેઠેલી વ્યક્તિએ કહ્યું, ‘તમારે હજુ અજ્ઞાતવાસમાં રહેવું જ પડશે’

'મિસ્ટર સત્યેન, તમે ભલે વર્ષોથી પોલિટિક્સમાં છો. તમારી પાર્ટીએ ભલે તમને એમના ટ્રેઝરર નિમ્યા હોય...'

0 145

સત્ – અસત્ – નવલકથા – પ્રકરણ – ૧૮

  • લે. સંગિતા-સુધીર

મર્સિડીઝમાં બેઠેલી વ્યક્તિએ સત્યેન શાહને કહ્યું, ‘તમારે હજુ અજ્ઞાતવાસમાં રહેવું જ પડશે

રિપોર્ટર જાગૃતિ જોશી મિસિસ ઇન્ડિયાકોન્ટેસ્ટનાં વિજેતા મિસિસ મયૂરી મહેશકુમારના ઘરે તેનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચે છે. પચ્ચીસ વર્ષ અગાઉ સત્યેન શાહે કરેલા જાતીય શોષણની રજેરજની વિગતો આજે પણ યાદ હોય તો જીવનમાં બનેલા અન્ય બનાવો પણ યાદ હોવા જોઈએ તેવા જાગૃતિના સવાલથી મયૂરી ભડકી જાય છે. સમય પારખીને જાગૃતિ વાતને એમ કહીને વાળવાનો પ્રયાસ કરે છે કે સત્યેન શાહના ઍડ્વોકેટ્સ અને પોલીસ પણ ઊલટતપાસમાં તેને આવા જ પ્રશ્નો કરશે આથી તે તેને અત્યારથી જ તૈયાર કરી રહી છે. જાગૃતિ મયૂરીને કહે છે કે, સત્યેન શાહ પ્રેસ કૉન્ફરન્સમાં સાચી હકીકત બહાર લાવવાના હતા, પરંતુ તેણે તેમને ગુમ કરી દીધા છે તેવી અખબારી આલમમાં ચર્ચાઓ થઈ રહી છે. જાગૃતિ તેને જણાવે છે કે, શંકાની સોય માત્ર તેની તરફ નહીં,

પરંતુ અન્ય ચાર સ્ત્રીઓ તરફ પણ તકાઈ રહી છે. આ સાંભળી મયૂરી ગભરાઈ જાય છે. મયૂરીને ચિંતામાં પડેલી જોઈને જાગૃતિ તેને વધુ ભીંસમાં લેવાનો પ્રયાસ કરે છે. તે સત્યેન શાહ અને મયૂરીના પતિ મહેશકુમારની બિઝનેસ પ્રતિસ્પર્ધા વિશે દાણો દાબી જુએ છે. મયંક અને મહેશકુમાર, બંને સાળા-બનેવીએ ભેગા મળી તેની પાસે સત્યેન શાહ વિરુદ્ધ જાતીય શોષણના ખોટા આક્ષેપો કરાવ્યાની ચર્ચાઓ થતી હોવાની જાગૃતિની વાતો સાંભળી મયૂરી ધ્રુજી ઊઠે છે અને હોશકોશ ગુમાવી બેસે છે. તેને એવું લાગે છે કે નક્કી તેના ભાઈ અથવા તો પતિએ જ સત્યેન શાહને ગુમ કરી દીધો છે. થોડીક સ્વસ્થતા કેળવીને મયૂરી પોતાના ભાઈ અને પતિ વિશે લોકો શું વાતો કરી રહ્યા છે તે જાગૃતિ પાસેથી જાણવા માગે છે. જાગૃતિ પોતે તેમની હિતેચ્છુ હોવાનો ઢોંગ કરે છે. બીજા દિવસે મળવા આવશે તેમ કહી ત્યાંથી નીકળી જાય છે. તે અટલને મયૂરી સાથે થયેલી વાતચીતથી અવગત કરે છે. અટલને આખી વાત સમજાઈ જાય છે. તે તરત મયૂરીને ફોન લગાવે છે. સત્યેન શાહની કંપનીને તેમના ગુમ થવા પાછળ તમારો હાથ છે અને પોતાને આ કેસ તપાસ માટે સોંપ્યો હોવાનો તે ફોન પર ગપગોળો ફેંકે છે. ગુસ્સે ભરાયેલી મયૂરી ફોન કાપી નાંખે છે, પરંતુ અંદરથી હચમચી જાય છે. ત્યાં જ એને રિપોર્ટર અચલાનો ફોન આવે છે.

ભડકી ઊઠેલી મયૂરી તેને મળવાની ના પાડી દે છે. પોતે મયૂરીના પક્ષમાં હોવા છતાં તે મળવાની શા માટે ના પાડે છે તેવો અચલાના મનમાં સવાલ ઊઠે છે. બીજી તરફ મયૂરીના ઘરેથી નીકળેલી જાગૃતિ મહેક મોમિનના ઘેર પહોંચે છે. પ્રોડ્યુસર તેજાનીની હાજરીમાં જ તે રિપોર્ટરોના સર્કલમાં ચર્ચાતી વાતોનું પડીકંુ ખોલે છે. મહેક પાસે તેજાનીએ જ સત્યેન શાહ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરાવ્યાની ચર્ચાઓ થઈ રહી હોવાનું તે તેમને જણાવે છે. આથી તેજાની ગભરાઈ જાય છે. બંનેને ગભરાવી મુકીને જાગૃતિ યુક્તિપૂર્વક તેમની પાસેથી પુરાવા મેળવી લે છે. આ જ પ્રકારે તે રંજના સેનને મળવા તેની સેક્રેટરીને ફોન કરે છે, પરંતુ રંજનાના પતિએ કોઈ જ કારણ વિના ડિવૉર્સ આપ્યા હોઈ રંજનાએ આપઘાતનો પ્રયાસ કર્યાે હોવાની તેને માહિતી મળે છે. આ તરફ મર્સિડીઝ બેન્ઝમાં બેઠેલી વ્યક્તિ સત્યેન શાહને એવું કહે છે કે, આખી વાતનો તાગ મેળવવા, ગુનેગારોને સજા અપાવવા અને લૂંટની રકમ પાછી મેળવવા તેમણે અજ્ઞાતવાસમાં રહેવું જ પડશે…

હવે આગળ વાંચો…

ઇતિહાસમાં જો કોઈ જાતિ સૌથી વધુ દૃઢનિશ્ચયી હોય તો એ છે જ્યુ. જેરુસલેમથી ૨૦ માઈલના અંતરે ત્રણ હજાર ફૂટની ઊંચાઈએ આવેલ જ્યુડિયન ટેકરીઓમાં આવેલી ગુફામાં જ્યુ ધર્મના સ્થાપક અને જ્યુ જાતિના પૂર્વજ અબ્રાહમના અચેતન અવશેષો આવ્યા છે. અબ્રાહમની બાજુમાં એની પત્ની સારાહની કબર છે. નજીકમાં જ એમના પુત્ર ઈસાક અને એની પત્ની રેબેકા તેમ જ અબ્રાહમ અને સારાહના પૌત્ર જેકબ અને એની પત્ની લેહની કબરો છે. એ ગુફાની બહાર જેકબના પુત્ર જોસેફની કબર છે. એ સર્વે જ્યુ લોકોના દૃઢનિશ્ચયપણાનો પુરાવો આપે છે. આ એવું સ્થળ છે જ્યાં જ્યુ જાતિનો ચાર હજાર વર્ષ જૂનો ઇતિહાસ  ઉજાગર થાય છે.

જ્યુડિયન હિલ્સ જ્યાં આવેલ છે એ હિબ્રૂ સ્થળ કદાચ વિશ્વનું સૌથી અગત્યનું સ્થળ હશે, જેના માટે કંઈકેટલાંય યુદ્ધો ખેલાયાં છે. એ સ્થળ ઉપર ગ્રીક, રોમન, બ્રિટિશર્સ, આરબ આ સૌએ આક્રમણ કર્યાં છે, યુદ્ધો કર્યાં છે, રાજ કર્યું છે અને ત્યાંના વતની જ્યુ લોકોની હકાલપટ્ટી કરી છે. આમ છતાં જ્યુ લોકોએ એમનું મૂળ ઉદ્ભવસ્થાન ટકાવી રાખ્યું છે.

બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની નાઝી સેનાએ યુરોપમાં વસેલા સાઠ લાખ જ્યુ લોકોનું ગૅસ ચૅમ્બરમાં નિકંદન કાઢ્યું હતું. ત્યાર બાદ ઇજિપ્તના પ્રેસિડન્ટ નાસિરે એલાન કર્યું હતું કે ‘અમારો મુખ્ય ઉદ્દેશ ઇઝરાયલને નષ્ટ કરવાનો રહેશે.’ એણે ઈરાનમાંથી ઇઝરાયલમાં તેલ લઈ આવતાં વહાણોને અટકાવી દીધાં હતાં.

ઇઝરાયલ જ્યુડાઇઝમ અને ક્રિશ્ચિયાનિટીનું જન્મસ્થળ ગણાય છે. ઇસ્લામધર્મીઓ જેરુસલેમને એમનું મક્કા-મદીના બાદ ત્રીજું પવિત્ર સ્થળ ગણે છે અને બહાઈ શ્રદ્ધાળુઓ ઇઝરાયલમાં આવેલ હાઈફા અને અકોને એમનાં સૌથી વધુ પવિત્ર સ્થળો ગણે છે. આમ ઇઝરાયલ એ ફક્ત જ્યુ લોકો માટે જ નહીં, પણ ક્રિશ્ચિયનો, મુસલમાનો અને બહાઈઓ માટે પણ એક પવિત્ર દેશ છે.

આમ છતાં ઈ.સ. ૧૯૪૮માં અમેરિકા અને બ્રિટનની મદદથી ઇઝરાયલને એક સ્વતંત્ર જ્યુ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. જ્યુ ધર્મનું ઉદ્ભવસ્થાન ધરાવતા આ દેશને ચારે બાજુથી ઇસ્લામધર્મી દેશોએ ઘેર્યો હોવા છતાં મુઠ્ઠીભર જ્યુ લોકોએ એમનો આ દેશ અને એમનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આ હકીકત પણ દર્શાવે છે કે જ્યુ લોકો કેટલા દૃઢનિશ્ચયી અને મક્કમ મનોબળ ધરાવે છે.

ઇઝરાયલે જૂન, ૧૯૬૭માં એમના આરબ પડોશી દેશો ઇજિપ્ત, સિરિયા ને જોર્ડનનાં વિમાનમથકો અને ભૂમિ પરનાં લશ્કરી દળોનો ‘સિક્સ ડે વૉર’ છ દિવસની લડાઈમાં ખાતમો બોલાવીને ઇજિપ્ત પાસેથી સિનાઈ અને ગાઝા, જોર્ડન પાસેથી વેસ્ટ બેન્ક અને ઈસ્ટ જેરુસલેમ અને સિરિયા પાસેથી ગોલ્ડન પાછા મેળવ્યા હતા.

જર્મનીમાં જેમનો ઉદ્ભવ થયો હતો એવા એશ્કેનાઝી જ્યુ લોકો જેમની વિશ્વના માનવીઓની ગણતરીમાં ફક્ત ૦.૨૫ ટકા જેટલી જ વસતિ છે એમણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેડિસિનના અઠ્ઠાવીસ ટકા નોબેલ પ્રાઇઝ મેળવ્યાં છે. દુનિયાની ચેસની રમતના ચૅમ્પિયનોમાંના અડધાથી વધુ લોકો એશ્કેનાઝી જ્યુ છે. હિટલરે જે હોલોકાસ્ટ ઊભો કર્યો હતો ત્યાર બાદ જ્યુ લોકોની વસતિ માંડ એક કરોડ અને એંસી લાખની બચવા પામી હતી. આજે એમાંના ફક્ત એક કરોડ અને ત્રીસ લાખ લોકો રહ્યા છે. આમાંના સાઠ લાખ અમેરિકામાં રહે છે. દસ લાખ વિશ્વના જુદા જુદા દેશોમાં રહે છે. ફક્ત સાઠ લાખ લોકો ઇઝરાયલમાં વસવાટ કરે છે.

તેલ અવીવના બેન ગુરિયન ઍરપોર્ટથી સડસડાટ જેરુસલેમ જતી એસ ક્લાસ મર્સિડીઝ બેન્ઝની પાછલી બેઠકમાં બેઠાં બેઠાં સત્યેન જ્યુ લોકો વિશે વિચારતો હતો. એકદમ એના મનમાં એક સવાલ ઊઠ્યો. આ સવાલ વર્ષો પહેલાં, જ્યારથી ઇઝરાયલે જય જનતા પાર્ટીને સહાય અને સપોર્ટ આપવાનું શરૃ કર્યું હતું ત્યારથી એટલે કે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના દિવસે જ્યારે પાકિસ્તાની યુવક કસાબ અને એના સાગરીતોએ મુંબઈમાં ઠેર ઠેર ગોળીબાર કર્યા હતા એ પછી ઇઝરાયલની સરકારે ભારતમાં આવેલ સૌથી મોટી વિપક્ષ જય જનતા પાર્ટીને પક્ષે કાર્ય કરવાનું શરૃ કર્યું હતું ત્યારે ઉદ્ભવો જોઈતો હતો. જેવો સત્યેનના મનમાં સવાલ ઊભો થયો કે એણે કારમાં બાજુમાં બેઠેલ ઇઝરાયલ ગવર્મેન્ટના ટ્રેઝરરને પૂછ્યું ઃ

‘મિસ્ટર અબ્રાહમ, તમારી ગવર્મેન્ટ અમારી પાર્ટીને શા માટે આટલી મદદ કરી રહી છે? તમારી ગવર્મેન્ટને એમાં શું લાભ છે?’ જાણીજોઈને સત્યેને ‘સ્વાર્થ’ને બદલે ‘લાભ’ શબ્દનો ઉપયોગ કર્યો. હકીકતમાં એ જાણવા ઇચ્છતો હતો કે ઇઝરાયલ ગવર્મેન્ટનો જય જનતા પાર્ટીને સહાય કરવા પાછળ શું સ્વાર્થ હતો.

‘મિસ્ટર સત્યેન, તમે ભલે વર્ષોથી પોલિટિક્સમાં છો. તમારી પાર્ટીએ ભલે તમને એમના ટ્રેઝરર નિમ્યા હોય…’

‘સૉરી, નિમ્યો હતો. હવે મને બરતરફ કરવામાં આવ્યો છે.’ અબ્રાહમને વચ્ચેથી અટકાવીને સત્યેને એની ઉપર કરવામાં આવેલા જાતીય શોષણના આક્ષેપોનું જે પરિણામ આવ્યું હતું એ જણાવ્યું.

‘હા, મને ખબર છે. તમારી પાર્ટીના વડાએ આવું નાટક કર્યું છે. એનું કારણ પણ મને અને તમને ખબર છે, પણ મારી વાત સાંભળો. તમે હજુ એક બિઝનેસમૅન, એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જ રહ્યા છો. દરેક વાતમાં, દરેક સહાય પાછળ કંઈ સ્વાર્થ છુપાયેલો નથી હોતો.’ સત્યેન ‘સ્વાર્થ’ શબ્દ જ વાપરવા માગતો હતો, પણ એના બદલે એણે ‘લાભ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો એ કળી જતાં ઇઝરાયલ ગવર્મેન્ટના ટ્રેઝરર અબ્રાહમે આવું જણાવતાં આગળ કહ્યું ઃ

‘જુઓ, તમારો દેશ સ્વતંત્ર થયો એ પછી ફક્ત એક વર્ષમાં જ ઈ.સ. ૧૯૪૮માં ઇઝરાયલને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. એ વખતે ઇઝરાયલમાં ઇસ્લામધર્મીઓની વસતિ માંડ એક લાખ છપ્પન હજારની હતી. આજે ઇઝરાયલમાં એમની વસતિ એ સમય કરતાં દસ ગણી વધી ગઈ છે. તમારો દેશ જ્યારે આઝાદ થયો અને બ્રિટિશરોએ જ્યારે તમારા દેશના ભાગલા કરીને મુસલમાનો માટે પાકિસ્તાનની સ્થાપના કરી, ત્યારે તમારા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઉદાર દિલે ભારતમાં રહેતા બધા જ મુસલમાનોને એમના નવા સ્થપાયેલ ઇસ્લામધર્મી દેશ પાકિસ્તાનમાં જવાની ફરજ ન પાડી. જેમને ભારતમાં જ રહેવું હોય એમને રહેવાની છૂટ આપી. એ વખતે ભારતમાં મુસલમાનોની વસતિ ૯.૮ ટકા હતી. આજે ભારતમાં ૧૪.૯ ટકા ઇસ્લામધર્મીઓ છે.’

‘હા, આ વાતનો તો મેં વિચાર જ નહોતો કર્યો. આપણા બંને દેશમાં આ એક સમાનતા છે. તમારા અને અમારા બંને દેશમાં ઇસ્લામધર્મીઓની વસતિ કૂદકે અને ભૂસકે વધી રહી છે.’ સત્યેને કબૂલ્યું.

‘એટલું જ નહીં, આપણા બંને દેશો વચ્ચે એક બીજું પણ સામ્ય છે.’

‘શું?!’ આશ્ચર્ય પામી સત્યેને પૂછ્યું.

‘જેમ ઇજિપ્ત, જોર્ડન, સિરિયા અને અન્ય ઇસ્લામધર્મી આરબ દેશો વડે ઇઝરાયલ દેશ ઘેરાયેલો છે એમ તમારો ભારત દેશ પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન આ સર્વે ઇસ્લામધર્મી દેશો તેમ જ અન્ય અનેક દેશો જ્યાં મુસલમાનોની વસતિ ખૂબ જ મોટા પ્રમાણમાં છે એના વડે ઘેરાયેલો છે.’

‘અબ્રાહમ, તમારી વાત સોએ સો ટકા સાચી છે. આપણા બંને દેશની ભૌગોલિક તેમ જ ધાર્મિક પરિસ્થિતિ લગભગ સરખી જ છે.’

‘એક ત્રીજું સરખાપણુ પણ આપણા બે દેશો વચ્ચે છે.’

‘એક ત્રીજું સરખાપણુ?’

‘હા, જેમ ઇઝરાયલ ઉપર સતત એના પડોશી ઇસ્લામધર્મી દેશો આક્રમણ કર્યા જ કરે છે અને ઇઝરાયલીઓની કોઈ ને કોઈ રીતે સતામણી કર્યા કરે છે તેમ જ પાકિસ્તાન પણ તમારા દેશની સતામણી કર્યા જ કરે છે. તમારી સરહદો ઉપર પણ હંમેશાં તંગદિલી જ વર્તાતી હોય છે.’

‘હા, અને ચોથું સામ્ય એ છે કે જેમ તમે ૧૯૬૭માં છ દિવસની લડાઈમાં ઇજિપ્ત, જોર્ડન અને સિરિયાને એમની ખો ભુલાવી દીધી હતી એમ અમે પણ વર્ષ ૧૯૯૯માં કારગિલના યુદ્ધમાં પાકિસ્તાનની ખો ભુલાવી દીધી હતી.’ હવે અબ્રાહમ શું કહેવા માગતો હતો એનો આછો આછો અણસાર સત્યેનને આવવા માંડ્યો હતો.

‘પણ અમારી સરકાર અને તમારી સરકાર વચ્ચે એક બહુ મોટો તફાવત પણ છે.’

‘તફાવત? કેવો તફાવત છે?’

‘અમારી સરકારના બધા જ સભ્યો, અમારા પ્રાઈમ મિનિસ્ટર, પ્રેસિડન્ટ, મિનિસ્ટરો બધા જ દેશના હિત માટે કાર્ય કરે છે. સ્વતંત્રતા મેળવ્યા બાદ થોડાં વર્ષો પછી તમારા નેતાઓમાંથી દેશદાઝ અદૃશ્ય થઈ ગઈ છે. એનું સ્થાન નિજી સ્વાર્થે લીધું છે. સત્તા દ્વારા તેઓ દેશનું કલ્યાણ નહીં, પણ પોતાનો સ્વાર્થ સાધે છે. તમારા નેતાઓ અને મિનિસ્ટરો એમના દેશને એમની જાગીર સમજે છે અને એ સત્તા વંશ પરંપરાગત એમના જ વંશજોને મળે એવું ઇચ્છે છે. તમારે ત્યાં મિનિસ્ટરનો છોકરો જ મિનિસ્ટર થાય છે. સત્તા ઉપરના લોકો કરોડો-અબજો રૃપિયાના ગફલા કરે છે. પોતાના ઘર ભરે છે. સત્તા ટકાવી રાખવા, એ પાછી મેળવવા તેઓ ભારતના મુસલમાનો, જેમાંના મોટા ભાગનાઓએ કદીય ભારતને પોતાનો દેશ ગણ્યો જ નથી, જેઓ પાકિસ્તાનને જ વફાદાર છે એમને પ્રોત્સાહન આપે છે. ભારતના હિન્દુઓને તેઓ જાણીજોઈને પોતાની સત્તા ટકાવી રાખવા અન્યાય કરે છે. મુસલમાનોને હજ માટે લાખો-કરોડો રૃપિયાની સબસિડી આપે છે. હિન્દુઓને બદરીનાથ, કેદારનાથ, રામેશ્વર કે અમરનાથની જાત્રા કરવા માટે એક રૃપિયો પણ નથી પરખાવતા. ભરબપોરે, ગમે ત્યાં રસ્તાની વચ્ચોવચ બેસી જઈને મુસલમાનો નમાજ પઢે છે. મસ્જિદોમાં મોટાં મોટાં લાઉડસ્પીકરો વડે દિવસ-રાત પાંચ-પાંચ વાર બાંગ પોકારવામાં આવે છે. એ બધું જ તમારી સરકાર ફક્ત ચલાવી જ નથી લેતી, એને ઉત્તેજન પણ આપે છે. જ્યારે હિન્દુઓના

નવરાત્રિના તહેવારમાં તમે જે દાંડિયારાસ રમો છો એ રાત્રિના અમુક કલાક પછી ઘોંઘાટનું બહાનું કાઢીને ન રમવા જણાવે છે. તેઓ આ એક ખૂબ જ મોટો પક્ષપાત કરી રહ્યા છે. ખોટું કાર્ય કરી રહ્યા છે. અમે રોજેરોજ તમારાં જ ન્યૂઝપેપરોમાં લવ જિહાદના સમાચારો વાંચીએ છીએ. અમારી ઇન્ટેલિજન્સ અમને એવું જણાવે છે કે ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુઓને સામ, દામ, દંડ અને ભેદ આ સર્વે ઉપયોગમાં લાવીને મુસલમાન ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડવામાં આવે છે. હિન્દુઓને એકથી વધુ પત્ની રાખવા પર પ્રતિબંધ છે, પણ મુસલમાનો ચાર-ચાર સ્ત્રીઓ કરી શકે છે. તેઓ મનફાવે ત્યારે ફક્ત ત્રણ વખત તલાક બોલીને એમની સ્ત્રીઓને છૂટાછેડા આપી શકે છે. મુસલમાનો એમની વસતિ વધારવા બાળકો ઉપર બાળકો પેદા કર્યે જ રાખે છે. તમારી સરકાર આ બધાની સામે આંખ આડા કાન કરે છે. આના લીધે ભારતના મૂળ વતની હિન્દુઓને અન્યાય થાય છે અને થતો રહેશે. મુસલમાનોની સંખ્યા વધતી રહેશે. થોડા સમય બાદ તમારી રૃલિંગ પાર્ટીની આવી નીતિને કારણે ભારતના મુસલમાનો ભારતને પાકિસ્તાનનું ગુલામ બનાવી દેશે.’

અત્યાર સુધી ઇઝરાયલના એક આગળ પડતા જ્યુ અને એ દેશના ટ્રેઝરર અબ્રાહમની વાત શાંતિપૂર્વક સાંભળી રહેલા સત્યેને એની જોડે સંમત ન થતાં જણાવ્યું,

‘અબ્રાહમ, તમારી વાત મને વાહિયાત લાગે છે. હું એની જોડે બિલકુલ સહમત નથી. ભારત એક સહિષ્ણુ દેશ છે. એમાં બધા જ ધર્મના લોકોને સરખી રીતે સમભાવથી જોવામાં આવે છે.’

‘તમારી આ સેક્યુલારિઝમ વિચારસરણીને કારણે જ તમે તમારી પોતાની હિન્દુ જાતિ તરફ થતા અન્યાયો વિશે એક હરફ સુદ્ધાં નથી ઉચ્ચારતા. તમને બીક લાગે છે કે તમે જો હિન્દુઓની તરફેણનું અને મુસલમાનોની વિરુદ્ધનું બોલશો તો તમે અસહિષ્ણુ ગણાશો. આમ તમે તમારી જાતને જ, હિન્દુ કોમને અન્યાય કરો છો. શું મેં આ જે બધી વાતો જણાવી એ સાચી નથી?’

અબ્રાહમના આ સવાલનો સત્યેને કોઈ જવાબ ન આપ્યો. આથી અબ્રાહમે એનું કહેવાનું આગળ ચલાવ્યું ઃ

‘તમારું મૌન મારા સવાલનો જવાબ આપી દે છે. તમારી અને તમારા દેશવાસીઓની આવી નીતિને કારણે અમને ભીતિ લાગે છે કે જો આવું ને આવું જ ચાલ્યા કરશે, અત્યારના જે પાર્ટી તમારા દેશમાં રૃલિંગ પાર્ટી છે એ ફરી પાછી સત્તા પર આવશે તો ખૂબ જ ઝડપથી મુસલમાનો તમારા દેશમાં સત્તા ઉપર આવી જશે. અમને ઇઝરાયલીઓને આ વાત પસંદ નથી. અમે ઇસ્લામ ધર્મની વિરુદ્ધ નથી. જેરુસલેમમાં આવેલ ઇસ્લામધર્મીઓની મસ્જિદને અમે મુદ્દલે નુકસાન નથી પહોંચાડ્યું. આમ છતાં અમારી આજુબાજુના ઇસ્લામધર્મી રાષ્ટ્રો અમને શાંતિથી રહેવા નથી દેતા. ભારતનું પણ એવું ન થાય એવું અમે ઇચ્છીએ છીએ. દુનિયામાં ઇસ્લામધર્મીઓની સત્તા વિસ્તરે નહીં એવું અમે ઇચ્છીએ છીએ. આથી જ અમે તમારી જય જનતા પાર્ટીને સપોર્ટ કરીએ છીએ.’

‘આ તમારો અમને મદદ કરવા પાછળનો લાભ છે.’

‘હા, તમને મદદ કરવા પાછળ આ અમારો સ્વાર્થ છે, પણ લાભ આપણા બંનેનો છે. ઇસ્લામધર્મીઓ દુનિયામાંથી બધા જ ધર્મોને નાબૂદ કરી નાખવા ઇચ્છે છે. અમે એવું નથી ઇચ્છતા કે જ્યુ સિવાય બીજા બધા ધર્મોનો નાશ થવો  જોઈએ. દરેક વ્યક્તિને એનો ધર્મ પાળવાની છૂટ હોવી જોઈએ એવું અમે દૃઢતાથી માનીએ છીએ. અમે મુસલમાનો, ક્રિશ્ચિયનો, હિન્દુઓ, બૌદ્ધધર્મીઓ કોઈનો પણ વિનાશ નથી ઇચ્છતા. અમારા જ્યુ ધર્મ સિવાય વિશ્વમાં બીજો કોઈ પણ ધર્મ હોવો ન જોઈએ એવું પણ અમે નથી ઇચ્છતા. આથી જ અમે ઇસ્લામધર્મીઓ એમના રાજકીય વિસ્તાર ન ફેલાવે એવું ઇચ્છીએ છીએ. આથી જ અમે જય જનતા પાર્ટીને બધી જ રીતે સહાય આપીએ છીએ અને આપવા ઇચ્છીએ છીએ.’

બાપુના વિચારો ઉદાર હતા, પણ ઇસ્લામધર્મીઓ એની કદર કરી ન શક્યા. બાપુએ હઠાગ્રહ કરીને, ઉપવાસો આદરીને જે સ્વતંત્ર દેશ અપાવ્યો એને બાપુના દેશ સામે જ દુશ્મન બનાવીને એમણે ઉપકારનો બદલો અપકારથી આપ્યો. ઇઝરાયલ એના અસ્તિત્વને ટકાવી રાખવા માગે છે અને ભારતના અસ્તિત્વને પણ જેમનું તેમ ટકાવી રાખવાની ઇચ્છા ધરાવે છે. એનો જય જનતા પાર્ટીને મદદ કરવા પાછળનો સ્વાર્થ આટલો જ છે. સત્યેન હવે આ વાત બરાબર કળી ગયો.

‘તમે મને આમ એકદમ જ અહીં આવવા શા માટે જણાવ્યું? અને એ પણ છૂપી રીતે?’

‘એની પાછળ ઘણા કારણો છે. આમાં પણ હું તમને મારા દેશનો દાખલો આપું.’

‘તમારા દેશનો દાખલો? એ વળી કયો દાખલો?’

‘જુઓ, પહેલાં મિસિસ મયૂરી અને એ પછી તુરંત જ ચાર-ચાર સ્ત્રીઓએ તમારી સામે વર્ષો પહેલાં તમે એમનું જાતીય શોષણ કર્યું છે એવા આક્ષેપો કર્યાં.’

‘હા, હા, એ બધા જ આક્ષેપો જુઠ્ઠા છે અને હું એ જુઠ્ઠાણુ પ્રેસ કૉન્ફરન્સમાં બહાર પાડવાનો હતો.’

‘તમારી સચ્ચાઈ કોણ માનત? તમે ઓપોઝિશન પાર્ટીના માણસ છો. એ પાર્ટીના ટ્રેઝરર હતા. રૃલિંગ પાર્ટી તમારી બધી કેફિયત બનાવટ છે એવું કહીને તમને જુઠ્ઠા પાડી જેલમાં નખાવત. તમારી પાર્ટીના અમુક સભ્યો પણ એ જ ઇચ્છે છે. તમારી વિરુદ્ધ કાવતરું તો એમણે જ કરાવ્યું છે, પણ એ બધી વાત જવા દો. તમને ખબર છે ૨૦૦૦થી ૨૦૦૭ સુધી જે ઇઝરાયલના પ્રેસિડન્ટ હતા એ ઈરાનમાં જન્મેલા મોશે કાત્સવ સામે એમના હાથ નીચે કામ કરતી સ્ત્રીએ ‘મારું આમણે જાતીય શોષણ કર્યું છે. મારા પર આમણે બળાત્કાર કર્યો છે’ એવો આક્ષેપ કરતાં એમને ઇઝરાયલના પ્રેસિડન્ટ પદ ઉપરથી રિઝાઇન કરવું પડ્યું હતું. ૨૦૧૧માં એમને સાત વર્ષ માટે કારાગારની સજા થઈ હતી. હજુ આજે પણ તેઓ કહે છે કે તેઓ નિર્દોષ છે.’

‘ઓહ માય ગૉડ, એટલે તમારો દેશ તમારા પ્રેસિડન્ટને પણ સજા કરવાની હિંમત દેખાડે છે?’

‘હા, અને તમે જો અહીં આવી ગયા ન હોત તો તમારી રૃલિંગ પાર્ટી જ તમને જેલમાં નખાવત, પણ અત્યારના તમારે દુશ્મન તમારી રૃલિંગ પાર્ટી નથી, તમારા પક્ષની જ વ્યક્તિ છે. પ્રેસ કૉન્ફરન્સમાં તમે જે સત્ય હકીકત બહાર લાવત એ બહાર ન આવે અને તમે ખરેખર રેપિસ્ટ છો એટલે પાર્ટીના ટ્રેઝરર પદે રહેવા લાયક નથી એવું પુરવાર કરવા ઇચ્છતી તમારી પાર્ટીની એ વ્યક્તિ તમને હાનિ પહોંચાડત. આથી જ મારે તમને પ્રેસ કૉન્ફરન્સ પહેલાં અહીં બોલાવી લેવા પડ્યા.’

‘ઓહ, એમ વાત છે?’

Related Posts
1 of 34

‘હા, અને બીજું કે તમારા ભૂતપૂર્વ ખજાનચી અને એના ઘનિષ્ઠ મિત્ર આરજે અને એમના મળતિયા, તમારી પાર્ટીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ ત્રણેયે મળીને અમારી સરકારે તમારી પાર્ટીને જે કરોડો રૃપિયા આપ્યા અને અપાવ્યા છે એની જે ઉચાપત કરી છે એ બધા પૈસા પણ આપણે પાછા મેળવવાના છે. એ લોકોને સજા પણ અપાવવાની છે. એટલે પણ અમે એવું નહોતા ઇચ્છતા કે તમે પ્રેસ કૉન્ફરન્સમાં બધો ખુલાસો કરો. તમારી નિર્દોષતા અને તમારી પાર્ટીના વર્કરોની કામગીરી જાહેર કરવાનો સમય હજુ પાક્યો નથી. આપણે હજુ વધુ પુરાવાઓ ભેગા કરવાના છે. ઉચાપત થયેલા પૈસા પહેલા સુરક્ષિત કરીને તમારી પાર્ટીને પાછા સુપરત કરવાના છે.’

‘ઓહ.’

‘હા અને મિસ્ટર સત્યેન શાહ, તમારા પ્રતિસ્પર્ધીઓને બરાબર જાણ હતી કે તમે તમારી જાતને નિર્દોષ સાબિત કરવા સક્ષમ છો, પાર્ટીનાં એકાઉન્ટ્સમાં થયેલા ગોટાળાઓ પકડી પાડવા અને ગુનેગારોને સજા કરવા તત્પર છો એટલે પણ તમારો જીવ જોખમમાં હતો. તમારી કાબેલિયત તમારા મૃત્યુનું કારણ બની જાત એટલે તમને મુંબઈથી અહીં બોલાવવાનું અનિવાર્ય હતું.’

જેરુસલેમની કિંગ ડેવિડ સ્ટ્રીટ ઉપર આવેલ કિંગ ડેવિડ હોટેલ ૧૯૩૦થી એ શહેરની પૌરાણિકતા પ્રદર્શિત કરતી ખૂબ જ પ્રતિષ્ઠિત હોટેલ છે. અબ્રાહમ અને સત્યેનને લઈને મર્સિડીઝ બેન્ઝ કાર એ હોટેલના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભી રહી. હોટેલનો દરવાન એ લાંબી-પહોળી આકર્ષક કારનો પાછલો દરવાજો ખોલે અને સત્યેન એમાંથી બહાર નીકળે એ પહેલાં જ એ કાર ઉપર ધડાધડ પાંચ-છ ગોળીઓની વર્ષા થઈ. સત્યેને કારનો અડધો ખૂલેલો દરવાજો ઝડપથી બંધ કર્યો અને અબ્રાહમ તરફ એક સૂચક દૃષ્ટિ કરી. જાણે પૂછતો ન હોય, ‘શું તમે મને મારી હત્યા કરવા માટે મુંબઈથી છેક ઇઝરાયલ બોલાવ્યો હતો? અને એ માટે તેલ અવીવથી જેરુસલેમ લઈ આવ્યા હતા?’

* * *

અટલનો મોબાઇલ રણક્યો. એ ફોન બીજા કોઈનો નહીં, પણ સાવિત્રી સત્યેન શાહનો છે એ જોતાં એ ચમક્યો.

‘હલ્લો મૅડમ, મને કેમ યાદ કર્યો? મિસ્ટર સત્યેનના કંઈ સમાચાર મળ્યા?’

‘ના, પણ તમે હમણા ને હમણા મને આવીને મળો.’ કહીને સાવિત્રીએ મોબાઇલ કટ કર્યો.

શું હશે? અટલ અટકળ કરવા માંડ્યો. એટલામાં જ એનો મોબાઇલ ફરી પાછો રણક્યો. કૉલ કરનાર વ્યક્તિ આ વખતે અચલા હતી.

‘હલ્લો… અચલા…’

‘અટલ, તેં હમણા મિસિસ મયૂરીની અને મહેક મોમિનની મુલાકાત લીધી હતી?’

‘ના…’ અટલે અચલાને જણાવ્યું નહીં કે એના કહેવાથી જાગૃતિએ એ બંને સ્ત્રીઓની મુલાકાત લીધી હતી અને એણે પોતે પણ ફોન ઉપર મિસિસ મયૂરીનો સંપર્ક સાધ્યો હતો. ‘શું તું હજુ પણ સત્યેન શાહ સામે થયેલા આરોપો વિશે પૂછતાછ કરી રહી છે? જો એવું હોય તો નાહકનો તારો સમય વ્યય ન કર. મારી સલાહ માન. પાછી લંડન જા અને અજય મોતાની મુલાકાત લે. એ કામ તું અધૂરું મૂકીને આવી છે. એ બધી જ સ્ત્રીઓ જુઠ્ઠી છે. સત્યેન શાહ નિર્દોષ છે.’

‘અને એટલે જ એમનો પત્તો નથી. સત્યેન શાહ એક હવસખોર ઇન્સાન છે. હું એ પુરવાર કરીને જ જંપીશ.’ ગુસ્સામાં અચલાએ ફોન કટ કર્યો.

‘જો અટલે આ બે સ્ત્રીનો સંપર્ક નથી કર્યો તો કોણે એમનો સંપર્ક કર્યો હશે?’ અચલાએ એક પછી એક બધા જ રિપોર્ટરો, જેઓ સત્યેન શાહે બોલાવેલી પ્રેસ કૉન્ફરન્સમાં હાજર હતા એમનો સંપર્ક કર્યો. બધાએ ‘હવે સત્યેન શાહની વાત પતી ગઈ છે. અમને એમાં રસ નથી રહ્યો. અમે આ બે સ્ત્રીઓ તો શું, કોઈનો પણ સત્યેન શાહની બાબતમાં સંપર્કમાં નથી કર્યો’ એવું અચલાને જણાવ્યું. ‘કોણ હશે? જેણે આ બે સ્ત્રીઓનો સંપર્ક કરીને એમને એવી ઉશ્કેરી હશે કે એમણે મને મળવાની ચોખ્ખી ના પાડી દીધી.’ અચલા વિચારવા લાગી. એને યાદ આવ્યું કે એ પ્રેસ કૉન્ફરન્સમાં નવીસવી આવેલી રિપોર્ટર જાગૃતિ પણ હતી. જાગૃતિ મહેક મોમિનનો ઇન્ટરવ્યૂ આ પહેલાં લઈ ચૂકી હતી. અચલાએ આથી જ એની ગણના કરી નહોતી. હવે એણે જાગૃતિને ફોન જોડ્યો.

‘હલ્લો, સિનિયર રિપોર્ટર…’ અચલાનો મોબાઇલ રિસીવ કરતાં જાગૃતિએ વાતચીતની શરૃઆત જ ટોણો મારતાં કરી.

‘જાગૃતિ, તું હમણા મિસિસ મયૂરી અને મહેક મોમિનને મળવા ગઈ હતી?’ જાગૃતિએ કટાક્ષમાં એને કરેલ સંબોધનને અવગણતાં અચલાએ એને સીધો પ્રશ્ન કર્યો.

‘શું મૅડમ, મહેક મોમિનનો મારો ઇન્ટરવ્યૂ તો ક્યારનો છપાયો છે.’

‘ના, હું હમણાની વાત કરું છું.’

‘તમારા જેવા સિનિયર રિપોર્ટરો જેમનો ઇન્ટરવ્યૂ કરવાના હોય એવી વ્યક્તિઓ અમારા જેવી જુનિયર રિપોર્ટરોને થોડી મળે?’ અચલાના પ્રશ્નનો ઉત્તર આપવાનું ઉડાવી દેતાં જાગૃતિએ ફરી પાછો અચલાને ટોણો માર્યો. અચલાએ જાગૃતિએ એના ઉપર બબ્બે વાર કરેલા કટાક્ષને ગળી જતાં એની પૂછપરછ ચાલુ રાખી.

‘જો જાગૃતિ, તું જેમ સત્યેન શાહે બોલાવેલ પ્રેસ કૉન્ફરન્સમાં આવી હતી એમ હું પણ એમાં ગઈ હતી. આપણને બંનેને એમના કેસમાં રસ છે એટલે મને લાગે છે કે તું એ પાંચમાંની બે સ્ત્રીઓને હમણા મળી હશે, ખરી વાત?’

‘તમે તો સાચી વાત શોધવામાં નિષ્ણાત છો એટલે એ સ્ત્રીઓને કોણ મળવા ગયું હતંુ એ તમે જ શોધી કાઢો ને. મને શું કામ પૂછો છો?’

‘મને લાગે છે કે તું ગઈ હશે.’

‘તમને જો એમ લાગતું હોય તો એમ રાખો.’

‘એટલે તું સીધેસીધો જવાબ આપવા નથી માગતી.’

‘અચલા મૅડમ, હું તો બહુ જુનિયર રિપોર્ટર છું. મારા જવાબની તમને શું જરૃર છે? તમે તો ખૂબ મોટાં રિપોર્ટર છો. તમારા સવાલનો જવાબ તો તમે જ મેળવી શકો છો.’ વધુ કંઈ ન બોલતાં અચલાએ ફોન કટ કર્યો. જાગૃતિ જરૃરથી આ બે સ્ત્રીઓને મળવા ગઈ હશે. તો શું આ કેસમાં જાગૃતિ જાતે જ શોધખોળ કરી રહી છે કે અટલની સાથે એ આ કેસ ઉપર કાર્ય કરી રહી છે? જવા દે. જે હશે તે, થોડા સમયમાં ખબર પડશે, પણ પેલી સ્વિમર સુઝન સેલવમ, રંજના સેન, રમણી અદનાની, આ ત્રણ સ્ત્રીઓનો સંપર્ક અટલ કે જાગૃતિ કરે એ પહેલાં મને કરવા દે. મનોમન આવું વિચારી અચલાએ ફરી પાછો એનો મોબાઇલ ઉપાડ્યો. આ વખતે એણે બાકીની ત્રણ સ્ત્રીઓમાંથી કોઈને ફોન ન કરતાં ઓલા ટૅક્સી બુક કરી. હવે હું ફોન કરીને ઍપૉઇન્ટમૅન્ટ માગવાની નથી. સીધી જ એ સ્ત્રીઓ પાસે પહોંચી જવાની છું. જોઉં છું, તેઓ મને મળવાની ના કઈ રીતે પાડે છે?

* * *

‘મહેશ, તું ગુસ્સે ન થાય તો મારે તને એક વાત કહેવી છે.’ બપોરના લંચ માટે ઘરે આવેલ પતિને મયૂરીએ કહ્યું.

‘ડાર્લિંગ, મેં તારા પર ક્યારેય ગુસ્સો કર્યો છે? હા, તું જ્યારે ડાયમન્ડના સેટની માગણી કરે છે ત્યારે હું થોડોક નારાજ થાઉં છું.’

‘આમ દરેક વાતમાં મશ્કરી ન કર. મારે તને કંઈક સિરિયસ વાત કહેવી છે.’

‘બોલ, એવી શું સિરિયસ વાત છે?’ પત્નીની વાત કોઈ દાગીના કે સાડીની માગણી હશે એવું વિચારતાં ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ મહેશે પૂછ્યું.

‘મહેશ, મેં સત્યેન શાહ સામે કોઈકના કહેવાથી આક્ષેપ કર્યો હતો.’

‘વ્હૉટ? તેં કોઈના ચઢાવવાને લીધે આવો ગંભીર આક્ષેપ કર્યો હતો?’

‘ડાર્લિંગ, બ્યુટી કૉન્ટેસ્ટના બે દિવસ પહેલાં મને જણાવવામાં આવ્યું હતું કે વર્ષો પહેલાં હું જ્યારે કુંવારી હતી ત્યારે ભલે બ્યુટી કૉન્ટેસ્ટમાં પ્રથમ આવી હોઉં, પણ હવે જો મારે વિજેતા બનવું હોય તો તેઓ જે કહેશે એ પ્રમાણે મારે કરવું પડશે.’

‘તેઓ એટલે? અને તને શું કહેવાનું કહેવામાં આવ્યું હતું?’

‘તેઓ કોણ હતા એની તો મને ખબર નથી. મારો સંપર્ક જુદા જુદા ફોન દ્વારા કરવામાં આવ્યો હતો. એ વ્યક્તિ વગદાર છે એના જાતજાતના દાખલાઓ મને આપવામાં આવ્યા હતા. સત્યેન શાહ અને તારી જે બિઝનેસની દુશ્મનાવટ છે એની પણ મને બે-ત્રણ ચોંકાવનારી વિગતો કહેવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે જો હું બ્યુટી કૉન્ટેસ્ટમાં વર્ષો પહેલાં સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું હતું એ વાત જણાવીશ તો મને સ્પર્ધામાં પ્રથમ વિજેતાનું પદ આપવામાં આવશે.’

‘આ વાતની તેં મને જાણ કેમ ન કરી?’ મયૂરીની વાત સાંભળતાં મહેશને ગુસ્સો આવી ગયોઃ ‘અને સત્યેને તારા ઉપર પચ્ચીસ વર્ષ પહેલાં બળાત્કાર કર્યો હતો એની એને જાણ કેવી રીતે થઈ? અને તેં તો તું વિજેતા બની પછી આ વાત જણાવી હતી. એક વાર વિજેતા બની ગયા પછી આવી વર્ષો પહેલાં બનેલી અંગત વાત શું કામ જણાવી? ખબર છે, એના લીધે મારી કેટલી નાલેશી થઈ છે? આ તો હું ઉદાર દિલનો છું એટલે તારી આવી વાત જાણીને મેં તને માફ કરી દીધી. હું જાણુ છું કે એમાં તારો વાંક નહોતો. તારા ઉપર જુલમ ગુજારવામાં આવ્યો હતો.’

‘મહેશ, તને ખબર છે ને હમણા જ પેલી વર્લ્ડ બ્યુટી કૉન્ટેસ્ટમાં એક લેડીને પ્રથમ વિજેતા જાહેર કરી મુગટ પહેરાવવામાં આવ્યો હતો? બધાએ એનાં ખૂબ વખાણ કર્યાં. થોડી વાર પછી આયોજકોએ જાહેર કર્યું કે જે વ્યક્તિ પ્રોગ્રામનું સંચાલન કરતી હતી એની આ જાહેરાત કરવામાં ભૂલ હતી. હકીકતમાં પ્રથમ વિજેતા અન્ય યુવતી હતી.’

‘હા, પણ એનું શું છે?’

‘મને પણ એવું કહેવામાં આવ્યું હતું કે જો હું પ્રથમ વિજેતા તરીકે ડિકલેર થાઉં પછી સત્યેન શાહ ઉપર આક્ષેપ નહીં કરું તો તેઓ પણ આ જાહેરાત કરવામાં ભૂલ થઈ છે એવું જણાવીને મારા માથા ઉપરથી મુગટ ઉતારી લેશે. એટલું જ નહીં, પણ એમણે એવી પણ ધમકી આપી હતી કે તેં બિઝનેસમાં સત્યેન શાહ વિરુદ્ધ જે ગરબડ કરી છે એ પણ તેઓ ઉઘાડી પાડશે.’

‘વ્હૉટ નૉનસેન્સ! કોણ હતો એ હરામખોર? પણ કંઈ નહીં. તું ગભરાય છે શેની? તેં તો બધું સાચું જ કહ્યું છે ને? પેલા ‘ગજગામિની’ મૅગેઝિનમાં તેં આપેલા ઇન્ટરવ્યૂમાં એ બનેલા બનાવની રજેરજની માહિતી આપી છે.’

‘મહેશ… આવો આક્ષેપ કરવા માટે જો સત્યેન શાહ મારી સામે બદનક્ષીનો કેસ કરે, મારી ઊલટતપાસ લેવામાં આવે તો ડિયર, મને એ બનાવ સિવાય પચ્ચીસ વર્ષ પહેલાં મારી લાઈફમાં બનેલા બીજા કોઈ બનાવો યાદ નથી.’ મયૂરીએ એ આખો ઇન્ટરવ્યૂ અને એમાં એ જે બોલેલી હતી એ બધું જ કોઈ બીજાએ એને લખીને તૈયાર કરી આપ્યું હતું એ વાત મહેશને ન જણાવી.

‘અરે, સત્યેન શાહમાં એવી હિંમત જ નથી કે તેં કરેલ આક્ષેપ ખોટો છે એવું કહીને તારી સામે બદનક્ષીનો દાવો કરે. તેં કંઈ ખોટું તો કહ્યું જ નથી.’

મયૂરીએ જવાબ ન આપ્યો, પણ એની બીક ફરીથી રજૂ કરી.

‘મહેશ, તું આ વાત આમ આટલી સાહજિક ન લે. ધારો કે સત્યેન શાહ મારી સામે બદનક્ષીનો દાવો કરે અને મારી ઊલટતપાસ લેવામાં આવે તો…’

‘તો શું… તારે ગભરાવાની કંઈ જરૃર નથી. બધું સાચું જ કહેવાનું છે અને આપણે મુંબઈનો ટોચમાં ટોચનો વકીલ રાખશું. તું ગભરાય છે શું કામ? અને ડાર્લિંગ, એ સત્યેન પોતે જ ગભરાઈને ભાગી ગયો છે. હવે તારી સામે કેસ કરવા કોણ આવવાનું છે?’

મયૂરીએ એના પતિને જાગૃતિએ એને જણાવેલ વાત કે સત્યેનના કુટુંબીજનો કે એની કંપની પણ એની સામે બદનક્ષીનો દાવો કરી શકે છે એ ન જણાવ્યું.

આ વાત થતી હતી એટલામાં જ એમનો ઘરનોકર દોડતો દોડતો ડાઇનિંગ ટેબલ પાસે આવ્યો અને એકશ્વાસે બોલ્યો ઃ

‘સાહેબ, મૅડમ, પેલાં ઍક્ટ્રેસ મહેક મોમિન આવ્યાં છે. તેઓ મૅડમને મળવા માગે છે.’

(ક્રમશઃ)

—————

Leave A Reply

Your email address will not be published.

Translate »