તમારા માટે, તમારી સાથે, સતત…

અંગ્રેજોનું, અમેરિકનોનું ‘ને આપણું ઇંગ્લિશ

વાઈફાઈ પ્રથમ વાર આવ્યું ત્યારે ફ્રાન્સમાં નક્કી થયેલું કે તેને ફ્રાન્સમાં વિફિ કહેવું.

0 1,053
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

અંગ્રેજીમાં કોને સાચું શું કહેવાય તે માટે ઝઘડીએ છીએ
આપણે પોતાના અંગ્રેજી શબ્દ આપતાં બહુ ડરીએ છીએ

અંગ્રેજી અર્થાત્ અંગ્રેજ લોકોની ભાષા એવો શબ્દકોશમાં અર્થ છે. ઇંગ્લિશ લેંગ્વેજ. અંગ્રેજ એટલે ઇંગ્લેન્ડનો વતની. થયું એવું કે અંગ્રેજોએ દુનિયાના ઘણા દેશ પર રાજ કર્યું ‘ને અંગ્રેજી ફેમસ તથા પોપ્યુલર ભાષા બની ગઈ. આપણે ત્યાં એમણે રાજ કર્યું એટલે આપણો અંગ્રેજી ભાષા સાથે સંબંધ બંધાયો. અમેરિકામાં અંગ્રેજો જાતે રોકાઈ ગયા એટલે જે અમેરિકન બન્યા એમનો નાતો અંગ્રેજી સાથે જોડાઈ ગયો. જે લોકો પાસે પોતાની મૂળ ભાષા હતી એવા સ્થાનિક ભારતીય કે અમેરિકન માટે અંગ્રેજી ભાષા મહદ્અંશે પોતાની માતૃભાષાના ભાષાંતર રૃપે જીવી. ભારતીયો પાસે બે ડઝન કરતાં વધુ ભાષા, એટલે અંગ્રેજી બોલવામાં ‘ને વાપરવામાં પોતપોતાની છાંટ આવતી રહી. ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી વા ઇંગ્લિશ ભાષાના મિક્ષ્ચરને ગુજરેજી, ઇંગ્રાતી કે ગુજલિશ, અંગરાતી જેવી ઓળખ પણ આપવામાં આવી. જેમ અંગ્રેજોના વ્યક્તિગત ઉચ્ચારોની ધમાચકડીને કારણે મુંબઈનું બોમ્બે, ખંભાતનું કેમ્બે ‘ને ડાંગનું ડાન્જિઝ, ગંગાનું ગેન્જિઝ થયું તેમ આપણા વોલ્યૂમને વાલૂમ બોલનારા અમુક ભારતીયો એક ડગલું આગળ વધી વાયઓજી લખવાને બદલે વાયઓજીએ લખતાં થયા ‘ને યોગા બોલતાં થયા તે આજે એ દિવસ આવ્યો છે કે આપણામાંથી ઘણા યોગા બોલીને ઇન્ટરનેશનલ ફીલિંગ ફીલ કરે છે, પરંતુ અમેરિકન દિલ ‘ને દિમાગ અલગ રીતે વર્ત્યું. એમણે પોતાની ભાષા યાને અમેરિકન ઇંગ્લિશને જન્મ આપ્યો અને બ્રિટિશ ‘ને અમેરિકન અંગ્રેજીના બે પ્રકાર વચ્ચે ક્યાંક આપણે સૅન્ડવિચ થયા તો ક્યાંક બે બિલાડીની લડાઈ વચ્ચે ફાવેલા વાંદરાની જેમ આપણે લાભ લીધો.

કોમ્પ્યુટર વત્તા ઇન્ટરનેટના આગમન અને એ પછી સ્માર્ટફોન એવમ સોશિયલ મીડિયાના હલ્લા પછી અમેરિકન ઇંગ્લિશ આપણા પર અભાન કે સભાન પણે છવાતું રહ્યું છે. મોટા ભાગે આપણને અમેરિકન ‘ને બ્રિટિશ ઇંગ્લિશ વચ્ચે કેવળ સ્પેલિંગનો ભેદ દેખાય છે. એક તરફ મૂળ અંગ્રેજી ભાષાનો હુંકારિયો વાસ્તવ છે તો બીજી તરફ વ્યવહારમાં અગ્રેસર એવો જયકારી વર્તમાન છે. બંને વચ્ચે સ્પેલિંગના સ્પષ્ટ તેમ જ જાણીતા તફાવત સિવાય અન્ય ઘણા ભેદ છે. વાત ગ્રામરની હોય કે યુસેજની, બંને ભાષા એકથી વધુ ઠેકાણે એકબીજાને બરડો બતાવે છે. વિલાયતીઓની ભાષા પહેલા આવેલી એટલે સ્વાભાવિક છે અમેરિકનોએ એમની ભાષાને પોતાના વિચાર, લાગણી ‘ને વપરાશ મુજબ થોડી બદલી છે. અમુક મુદ્દે એવું લાગે કે અમેરિકન્સ બસ જુદા પાડવા કે વિરોધ કરવા માટે જ આવું કર્યું હશે તો અમુક મુદ્દે અમેરિકન્સના માઇન્ડસેટ પર હસવું પણ આવી જાય. બેશક એમાં ના નથી કે અમુક મુદ્દે વર્ષોથી બ્રિટિશ ઇંગ્લિશમાં જે ફેરફાર કરવા જેવા હોવા છતાં ના આવ્યા તે અમેરિકનો પોતાની આડાઈ થકી સ્થાપિત કરી શક્યા છે.

આપણે અંગ્રેજોના ગુલામ હતા એટલે શાયદ આપણે ભારતીય અંગ્રેજી જેવું એક્ઝેટલી કશું વિકસાવી શક્યા નથી. આફ્ટરઓલ આપણે પેન, ટેબલ ‘ને બોટલ જેવા શબ્દો વગર લખીએ વાંચીએ તો આપણને ઑક્વર્ડ ફીલ થાય છે અને આપણે તો ઓસમ ફીલ કરવું હોય છે. જી, બ્રિટિશ બુકર પ્રાઇઝ જીતવાનો આપણને ભારી ગર્વ થાય છે. અમેરિકા સામે પક્ષે એવા અંગ્રેજોથી બન્યું હતું જે પોતાના માદરે વતનની વ્યાખ્યા બદલીને નવા દેશને સાચા અર્થમાં પોતાનો બનાવવા જઈ રહ્યા હતા. હશે. અંગ્રેજી ભાષાના વિવિધ વર્ઝનમાં ફક્ત સ્પેલિંગ અંગે વિભિન્નતા હોય છે તેવું નથી. ઘણા શબ્દો એકબીજાથી સાવ અલગ પડતાં હોય છે. અંગ્રેજીના વર્ઝન્સને ઇંગ્લિશ ડાયલેક્ટ્સ કહેવાય છે. એવા ૧૬૦ ઇંગ્લિશ ડાયલેક્ટ્સમાં ઇન્ડિયન ઇંગ્લિશનો પણ સમાવેશ છે. ભારતમાં અંદાજે ૧૫% આસપાસને થોડું કે ઘણુ અંગ્રેજી આવડે છે. મારી મચેડીને માંડ પા ટકા જેટલા ભારતીયની પણ મુખ્ય ભાષા ઇંગ્લિશ નથી. નોપ, એનઆરઆઇની વાત નથી થતી. અંગ્રેજી જાણનારા ૭૨ દેશમાંથી અંગ્રેજીની જાણકારી અંગે ભારતનો ક્રમ બાવીસમો છે. સુપ્રીમ કોર્ટની ભાષા બંધારણની રૃએ અંગ્રેજી છે. બિહાર, એમપી, યુપી ‘ને રાજસ્થાનની હાઈકોર્ટ રાષ્ટ્રપતિની સ્પેશિયલ સંમતિથી હિન્દીમાં પણ કામ કરે છે. પંજાબ ‘ને હરિયાણા હાઈકોર્ટમાં અંગ્રેજી સિવાયની ભાષા અંગેનો મસલો અમારી જાણ મુજબ હજુ પેન્ડિંગ છે.

ભારતીય અંગ્રેજીમાં આંકડા આપણી રીતે વપરાય છે. સ્પેલિંગમાં ક્યાંક અંગ્રેજોએ માથે મારેલા સીએયુવીઈઆરવાય યાને કાવેરીનો સ્પેલિંગ બદલીને કેએવીઈઆરવાય કરવામાં આવ્યો છે. કોમેડી એ છે કે આવા બદલાવને સ્થાનિક અસર કહેવાય છે, જ્યારે કે હકીકતમાં અંગ્રેજોએ જ ઘણા સ્પેલિંગ ‘ને ઉચ્ચાર વિકૃત કરેલા. રામને રામા કે રોમા કે રમ કે રમા કહેવું એ કેવું કહેવાય એ એવા તત્ત્વોને ત્યારે જ ભાન પડે જ્યારે લંડનને લોન્ડોન કહો ‘ને એજ સાચું છે એવી જીદ કરો. દુઃખની વાત એ છે કે આપણે ત્યાં ફ્રાન્સની માફક કોઈ

અધિકૃત અનન્ય સંસ્થા નથી જે સ્પેલિંગ ‘ને ઉચ્ચાર નક્કી કરે. દા.ત. વાઈફાઈ પ્રથમ વાર આવ્યું ત્યારે ફ્રાન્સમાં નક્કી થયેલું કે તેને ફ્રાન્સમાં વિફિ કહેવું. ટ્રેજેડી તો એય છે કે આપણે ત્યાં અપવાદ સિવાય અંગ્રેજી જાણવું એ શિક્ષણ એવમ બુદ્ધિમત્તાનું પ્રૂફ ગણાય છે. ભારતીય અંગ્રેજીમાં હિંગ્લિશની જેમ મંગ્લિશ, કંગ્લિશ, તેંગ્લિશ ‘ને તંગ્લિશ જેવા દક્ષિણના વર્ઝન્સ ‘ને બેંગોલીમય બેંગ્લિશ પણ આવી જાય છે. ઉચ્ચારોના ફર્ક સિવાય આપણા અંગ્રેજીમાં અમુક શબ્દો આપણા પોતાના છે. અલબત્ત, ઇંગ્લિશ એટલે વિદેશી દારૃ એવો શબ્દ આપણા સિવાય કોઈને ખબર ના પડે.

સિનેમા હૉલ ‘ને મૂવી થિયેટર. મૂવી કે ડ્રામા આગળ ના હોય તેવા થિયેટરનો સ્પેલિંગ બદલાય એટલે અમેરિકા ‘ને બ્રિટનમાં સિનેમા થાય બાકી નાટ્યગૃહ. સિનેમા શબ્દના મૂળમાં ફ્રેન્ચ છે. બ્રિટનમાં હૉલ વિના સિનેમા શબ્દ વપરાય. ફિલ્મ માટે પિક્ચર શબ્દ ઘણાને આશ્ચર્ય થશે કે બધે વપરાય છે. આપણે ત્યાં હવે મોટા શહેરમાં વપરાતો શબ્દ ફ્લિક્સ ત્યાં પુરાનો થઈ ગયો. આપણે ત્યાં હોમ થિયેટર હોય, હોમ સિનેમા નહીં. સારું છે હોમ મૂવી થિયેટર એવો શબ્દ નથી. બંગલો ઉર્ફે બંગ્લો એટલે મૂળે બંગાળી પ્રકારનું મકાન. ભારતમાં બંગ્લો એટલે મોટું મકાન. બ્રિટનમાં બંગ્લો એટલે એક માળનું સામાન્ય ચ નાનું ઘર. બસ, આવા મુખ્ય ફેરફાર છે. બાકી ચેઇન-સ્નેચિંગ જેવા જાતે બનાવેલા એવા સમાસ જે ફક્ત આપણા જેવા દેશના સંદર્ભમાં વાપરી શકાય. સ્પેનિશ વત્તા ઇંગ્લિશ એટલે સ્પેંગ્લિશ ‘ને સિંગાપુરના ઇંગ્લિશ સિંગ્લિશ જેવા વર્ઝન્સમાં પણ એવું બધું હોય છે. જે ભારત ‘ને ભારતીય ઉપખંડમાં જ વપરાતા હોય તેવા ભારતીય અંગ્રેજીના પોતીકા શબ્દોની ડિક્ષનરી હોવાનું જાણમાં નથી. હા, હિંગ્લિશની ડિક્ષનરી બજારમાં આવી ગયેલી છે.

એનિવેઝ, ઇન્ડિયન ઇંગ્લિશમાં કેવળ મૂળ અંગ્રેજી થકી એટલા બધા શબ્દો નથી બન્યા એટલે મામલો એટલો જ્યૂસી નથી થતો. જ્યારે અમેરિકન ઇંગ્લિશના ઘણા શબ્દો બ્રિટિશ ઇંગ્લિશથી ઇંગ્લિશ ભાષા વડે જે રીતે નોખા પડે છે એ જાણીએ તો યુઝફુલ ઇન્ફોર્મેશન મળવા સિવાય મોજ પડે. યસ, સાથે અપના અંગ્રેજી ભી અચ્છા ઔર પક્કા હોતા હૈ. પક્કા માને કડકડાટ નહીં, ઘડાયેલું કે પૂર્ણ. બાય ધ વે પક્કા શબ્દ અંગ્રેજીમાં આવી ગયો છે. પીયુડબલકેએ. એમ તો બીજા અમુક શબ્દ પણ ભારતીય ધરોહરના છે જે રસપ્રદ છે. પંચ શબ્દના મૂળમાં સંસ્કૃત છે ‘ને આલ્કોહૉલ સાથે સાકર, લીંબુ, પાણી ‘ને ચા કે કોઈક સ્પાઇસ મળે એટલે પાંચ વસ્તુથી પંચ બનતું. આ ચીજ બ્રિટિશ ખલાસીઓ બ્રિટન લઈ ગયેલાં ‘ને વિભિન્ના પીયુએનસીએચ આજે ભારતમાં ત્યાંની હાઈફાઈ ચીજ ગણીને પીવાય છે. નો વરિઝ, આવો આપણે સામ કાકા ‘ને અંગ્રેજોના અંગ્રેજી શબ્દોની વાત કરીએ.

ક્લોકવાઇઝ અર્થાત્ ઘડિયાળના કાંટાની જેમ ડાબી તરફથી જમણી તરફ જનારું, દક્ષિણાવર્ત, ઘડી ચક્રવત, ભૂગોળમાં પ્રતિદક્ષિણ, સવ્ય, સવળું. સંસ્કૃતમાં પ્રતિ-ઘટીવત. એન્ટિ-ક્લોકવાઇઝ એટલે તેથી ઊંધું એવું આપણે જાણીએ છીએ. અમેરિકામાં બ્રિટિશ કરતાં અલગ શબ્દ કાઉન્ટર-ક્લોકવાઇઝ વપરાય છે. બીજો એક વર્ડ છે કોન્ટ્રા-ક્લોકવાઇઝ. વિજ્ઞાનની ભાષામાં ડેક્સટ્રોરોટેટરી. બાય ધ વે, મિકેનિકલ ઘડિયાળનો જાહેર વપરાશ શરૃ થયેલો ૧૩૦૦ આસપાસ ‘ને સ્પ્રિંગવાળી ઘડિયાળ આવેલી ૧૫૦૦ આસપાસ, પણ ક્લોકવાઇઝ શબ્દ આવેલો ૧૮૬૯ પછી. અગાઉ સનવાઇઝ કે રાઇટહેન્ડેડ શબ્દ વપરાતો. બાવા આદમના જમાનામાં બ્રિટિશ ઇંગ્લિશમાં પાનખર માટે ઓટમ સાથે ફોલ શબ્દ હતો. બ્રિટિશરોએ પડતો મૂકેલો શબ્દ ફોલ આજે પણ અમેરિકામાં સામાન્ય રીતે ઓટમ માટે વપરાય છે. આપણે ત્યાં લોયર કહીએ છીએ. બ્રિટનમાં બેરિસ્ટર ‘ને અમેરિકામાં એટર્ની. બ્રિટિશ શબ્દ છે બિસ્કિટ તો અમેરિકન છે કૂકી ‘ને ક્રેકર. બ્રિટિશ ઇંગ્લિશ મુજબ કૂકી ‘ને બિસ્કિટ અલગ. બિસ્કિટ શબ્દ મૂળે બિસ અર્થાત્ લેટિનમાં બે વાર ‘ને કોક્ત્સ કે કોકર અર્થાત્ રાંધવું જોડીને બન્યો છે, કારણ એ જમાનામાં પહેલા બૅક ‘ને પછી અલગ ઓવનમાં સૂકવવાના એમ બે વાર કૂક કર્યા બાદ બિસ્કિટ બનતા.

Related Posts
1 of 57

ગાડી કે મોટરના એન્જિન પરનું મજાગરાવાળું ઢાંકણુ એટલે અમેરિકામાં હૂડ ‘ને બ્રિટિશ અંગ્રેજીમાં બોનેટ. આપણે ત્યાં પાર્કિંગ કે કાર-પાર્કિંગ કહે તેને બ્રિટિશમાં કાર-પાર્ક કહે તો અમેરિકામાં પાર્કિંગ-લૉટ કહે. ના, પાર્કિંગ-ફયૂ કે પાર્કિંગ-સમ જેવું ત્યાં કશું નથી હોતું. કારમાં પાછળ સામાન વગેરે મૂકવા જે ખાનું હોય તેને આપણે ડિકી કહીએ છીએ. મૂળે એ શબ્દ ઘોડાગાડીમાં બહારની બાજુ નોકર પ્રકારના વ્યક્તિ માટે બેસવાની જગ્યા માટે વપરાતો. અમેરિકામાં આપણી ડિકી, ડિક્કી કે ડેકી માટે ટ્રન્ક શબ્દ છે તો બ્રિટનમાં બૂટ. આપણે ‘ને બ્રિટિશર્સ જેને ટેક્સી કહીએ છીએ તેમાં ટેક્સ એટલે ફ્રેન્ચમાં ટેરિફ યાને ભાડું કે જકાત. યુએસમાં તે માટે જેનું રૃફ ફોલ્ડ થઈ શકતું હોય તેવી કાર કે એક ઘોડાથી ચાલતી બે પૈડાંની છાપરાંવાળી ગાડી અર્થાત્ કેબ્રિઓલેટ પરથી કેબ શબ્દ વપરાય છે. કાપીને બનાવાતી હોવાથી બ્રિટનમાં જેને ચિપ્સ કહી કે પાતળી ‘ને કુરમુરી હોય તો ક્રિસ્પ્સ કહી તેને અમેરિકામાં તળીને બનાવાતી હોવાથી ફ્રાઇઝ કહે છે, પાછા ખબર નહીં ક્રિસ્પ્સને કેમ પોટેટો-ચિપ્સ કહે છે.

આપણે ત્યાં બ્રિટિશ ઇંગ્લિશ મુજબ ચૂલાને સ્ટવ કહીએ, તો અમેરિકામાં તેને કૂકર ‘ને એ પછી રેન્જ કહે છે. અરે, આટલામાં નહીં હસવાનું! પડદા ઉર્ફે કર્ટન માટે અમેરિકામાં ‘ને ક્યારેક અહીં પણ ડ્રેપ શબ્દ વપરાય છે. ધાવણા બાળકને અપાતી રબરની ટોટી કે ચૂસણી માટે ડમી શબ્દ છે, અમેરિકામાં આપણી નોર્મલ ડિક્ષનરીમાં જોવા ના મળે તેવો ‘ને વિન ડીઝલ જેમાં હીરો છે તેવી હોલિવૂડની ફિલ્મને કારણે વિશ્વમાં ફેમસ થયેલો શબ્દ પેસિફાયર છે. બાબાસૂટ યાને મૂળ હિન્દી પરથી આવેલ શબ્દ ડન્ગરિઝ યાદ છે? અમેરિકામાં તેને ઓવરઓલ્સ કહે. અમેરિકનો સામાન્ય કરતાં પણ ફાલતુ અક્કલને સમજાય તેવા અર્થપૂર્ણ શબ્દનો ઘણી વાર આગ્રહ રાખે છે. બ્રિટનમાં ડસ્ટમેન હોય, અમેરિકામાં ગાર્બેજ-કલેક્ટર. ફ્લેટની સામે અમેરિકા લાવ્યું અપાર્ટમેન્ટ. જૂની અંગ્રેજીમાં ફ્લેટનો સ્પેલિંગ એફએલઈડબલટી હતો. ફ્રેન્ચ ‘ને ઇટાલિયનમાં જે શબ્દનો અર્થ થતો જે મકાન એકમેકથી જુદા હોય તે પરથી આવેલા શબ્દ અપાર્ટમેન્ટ એક બિલ્ડિંગમાં જોડે-જોડે હોય તેવા રહેણાક માટે વપરાય છે, જ્યારે બ્રિટિશ કન્ટ્રીમાં એક સપાટી પર આવેલા રહેઠાણ માટેય ફ્લેટ વપરાય છે. યસ, સ્ટ્રેન્જ.

ફ્લાયઓવરને યુએસમાં ઓવરપાસ કહે છે. ગુડ વર્ડ. છતાં ઓવરડ્રાઇવ કે ઓવરરોડ કેમ નહીં કહ્યું હોય તેવો પ્રશ્ન ખોટો નથી. અમેરિકન ઇંગ્લિશમાં ફૂટબોલ એટલે સોકર. આપણે ત્યાં યાર્ડ સાંભળીએ એટલે રેલવે યાદ આવે, પણ ગાર્ડન એટલે અમેરિકામાં યાર્ડ. હેન્ડબેગ બ્રિટિશ વર્ડ જ્યાદા છે તો પર્સ શબ્દ અમેરિકન વધારે છે. હોલિડે એટલે અમેરિકામાં વૅકેશન. જેલીને જેલો કહે. લિફ્ટને ઍલિવેટર કહે. લોરીને ટ્રક. મેડને ક્રેઝી કે ઇનસેન. મોટરબાઇકને મોટરસાઇકલ. બ્રિટિશમાં જે મોટરવે છે તે અમેરિકનમાં હાઈવે છે. નેપિને ડાઇપર. નંબર-પ્લેટને લાઇસન્સ-પ્લેટ. અમેરિકનો ફૂટપાથના કાયદેસર બ્રિટિશ શબ્દ પેવમેન્ટને સાઇડવૉક કહીને ફરીથી સાબિત કરે છે કે અતિફાલતુ આઇક્યૂ હોય તેને સમજાય તેવા શબ્દો એ લોકો કોઇન કરે છે. તેમ છતાં, પેટ્રોલને ગેસોલિન કહેતાં ‘ને પછી વાયુનું અંગ્રેજી જે થાય તે લિક્વિડ માટે બિન્દાસ વાપરીને ગેસ જ કહે છે તે વાત અલગ છે. પોસ્ટને અમેરિકામાં મેલ કહે. વોશિંગ્ટન-પોસ્ટ છાપું છે ‘ને સૌરાષ્ટ્ર-મેલ ટ્રેન છે એ આપણે જાણીએ છીએ.

પબ એટલે અમેરિકામાં બાર. લૂ ભલે ટૂંકો પણ રફ લાગે એવો શબ્દ હોય, પબ્લિક-ટોઇલેટ અર્થપૂર્ણ ‘ને યોગ્ય શબ્દ નથી? અમેરિકામાં કુદરતી હાજતથી આરામ મળે તેવી ખાતરી હશે એટલે એ લોકો રેસ્ટરૃમ કહે છે. વારુ, આપણે ત્યાં અંદર જઈને સાફસફાઈને બદલે કાઇન્ડ ઓફ ગંદકી કરવાનું હોય છે છતાં અમુક સ્થળે વૉશરૃમ શબ્દ વપરાય છે. લેંઘો એટલે આપણે ત્યાં પાયજામો. બ્રિટનમાં પાયજામાઝ એટલે નાઇટડ્રેસ ‘ને અમેરિકામાં તેને પીજે કે પજામાઝ કહે. આપણે ત્યાં ડસ્ટબિન હોય, બ્રિટનમાં રબિશબિન ‘ને અમેરિકામાં ગાર્બેજબિન. બિન શબ્દ કોમન છે એટલું સારું છે. જોકે બ્રિટનમાં એકલું બિન પણ કહે તો અમેરિકામાં ટ્રેશ-કેન પણ કહે. ટ્રેશ-બિન ના કહેવાય? પેરામ્બ્યુલેટર પરથી બ્રિટનમાં પ્રામ શબ્દ પુશચેર માટે આવેલો, અમેરિકામાં તેને સ્ટ્રોલર કહે. શોપ માટે સ્ટોર શબ્દ અમેરિકા ચલણમાં લાવ્યું. આપણે નળને ટેપ કહીએ તો એ લોકો ફોસેટ કહે. આપણે ત્યાં ગામડિયા ઘરેલું ઇન્ગ્રેજીમાં જેને બેટરી કહીએ છે તે માટેના મૂળ મશાલ સાથે જોડાયેલા સાચા શબ્દ ટોર્ચને અમેરિકામાં ફ્લેશલાઇટ કહે છે.

સ્પોર્ટ-શૂઝને બ્રિટનમાં ટ્રેઇનર ‘ને અમેરિકામાં સ્નિકર કહે. પેન્ટ શબ્દ અમેરિકન છે, બ્રિટિશ શબ્દ છે ટ્રાઉઝર. સબવે માટેનો બ્રિટિશ શબ્દ છે ટ્યૂબ. વૉર્ડરોબને અમેરિકામાં ક્લોઝેટ કહે. વિન્ડસ્ક્રિનને વિન્ડશિલ્ડ કહે. પવન રોકવાનો નથી, પવનથી જીવતા બચવાનું છે! પેન્ટ કે થેલાની ચેઇન માટે અંગ્રેજી શબ્દ છે ઝિપ, અમેરિકામાં એ ઝિપર થઈ ગયો. જમ્પર ‘ને પુલઓવેર બ્રિટિશ શબ્દો છે, અમેરિકન શબ્દ છે સ્વેટર. આપણે ‘ને અમેરિકન્સ હંગ્રી અર્થાત્ ભૂખ્યા થઈએ, બ્રિટિશર પેકિશ થાય. અમેરિકામાં ઍરપ્લેન કહે, ઍરોપ્લેન નહીં. કુઅર્ઝેટ એટલે અમેરિકામાં ‘ને આપણે ત્યાં ઝુકિની. રીંગણ ઉર્ફે વંતાક એટલે બ્રિંજલ એટલે બ્રિટિશમાં આબર્જિન ‘ને અમેરિકનમાં એગપ્લાન્ટ. ના રે, એગટ્રી જેવું કશું શાક અમારા ખ્યાલમાં નથી. ગ્રાઉન્ડ ફ્લોર એ બ્રિટિશ કન્સેપ્ટ છે, અમેરિકામાં સામાન્યતઃ ફર્સ્ટ ફ્લોરથી શરૃ થાય. નોર્મલી બ્રિટનમાં કેમિસ્ટ હોય, અમેરિકામાં ડ્રગસ્ટોર કે આપણી જેમ ફાર્મસી હોય.

બ્રિટનમાં ટેકઅવે તો અમેરિકામાં ટેકઆઉટ હોય. ઇરેઝરને બ્રિટનમાં પણ રબર કહે, એટલે છોકરાંઓનું અંગ્રેજી સુધારતી વખતે ધ્યાન રાખવું. ટાઇમટેબલને અમેરિકામાં શિડ્યુલ માને સ્કેડ્યુઅલ કહે. મોબાઇલ બ્રિટિશ વર્ડ છે, અમેરિકન વર્ઝન છે સેલ. સરખા સ્કોર માટે બ્રિટિશ વર્ડ છે ડ્રો, અમેરિકનો ટાઇ વાપરે. ટિક-ટેક-ટો માટેનો બ્રિટિશ વર્ડ છે નોટસ એન્ડ કોર્સિસ.

ઝિબ્રા-ક્રોસિંગ અમેરિકામાં ક્રોસવૉક થઈ જાય. ઝેડ માટે ઝી શબ્દ અમેરિકા લાવ્યું. પોસ્ટલ કોડ જેને ભારતમાં પોસ્ટલ ઇન્ડેક્સ નંબર પરથી પિન કહે છે તેને અમેરિકામાં

ઝિપ-કોડ કહે. ફૂલ પોઇન્ટ કે સ્ટોપ માટે પિરિઅડ શબ્દ અમેરિકાએ આપ્યો. ડાયવર્ઝન એટલે અમેરિકામાં ડિટોર. કોટીને બ્રિટનમાં વેસ્ટકોટ તો અમેરિકામાં માત્ર વેસ્ટ કહે. બ્રિટનમાં શોપિંગ-ટ્રોલી હોય, અમેરિકામાં શોપિંગ-કાર્ટ હોય. દારૃની દુકાન યાને લિકર-સ્ટોર માટે વિલાયતી શબ્દ છે ઓફ-લાઇસન્સ. કસરત કે ખેલ માટે કૂદવાના હોય તે દોરડા બ્રિટનમાં સ્કિપિંગ-રોપ કહે તો અમેરિકામાં જમ્પ-રોપ. ભોજનની શરૃઆતમાં કે પહેલાં જે ભૂખ ઉઘાડનાર ખાદ્ય કે પીણુ લેવાય તે ક્ષુધોદ્દીપક કે ક્ષુધાપ્રદીપક માટે બ્રિટનમાં ટેક્નિકલ શબ્દ છે એપિટાઇઝર તો સામે અમેરિકામાં સિમ્પલી સ્ટાર્ટર કહે છે.

વેલ, અંગ્રેજી ભાષા સમયની દ્રષ્ટિએ આધુનિક સમાજમાં જૂની તો છે જ, પરંતુ સાથેસાથે આપણે જાણીએ છીએ તેમ ભૂગોળની દ્રષ્ટિએ દુનિયામાં ખૂણેખૂણા પર પ્રત્યક્ષ એવં પરોક્ષ રીતે છવાઈ ગયેલી છે. ઉપર જણાવેલા ઘણા શબ્દો થકી આપણે જાણી શકીએ છીએ કે આપણા પર પહેલેથી અમુક શબ્દોમાં અમેરિકન અસર છે તો મોટા ભાગના શબ્દો માટે બ્રિટિશ અસર છે. ઓફ કોર્સ, અમુક શબ્દો માટે એવું કહી શકાય કે નવો લાગેલો શબ્દ રોમાંચ આપે છે, ફેશન વા સ્ટેટસ માટે કામ લાગે છે ‘ને ટ્રેન્ડમાં હોવા સાથે ગ્લોબલ હોવાનો શૉ આપે છે એટલે પણ આપણે જૂના શબ્દના સ્થાને નવો વાપરીએ છીએ. ક્યારેક કોઈક શબ્દ સહેલો પડે છે દાખલા તરીકે સ્ટાર્ટર. તો ક્યારેક કોઈક શબ્દમાં ટ્રેડિશન સાથે પાસ્ટ જનરેશનના વીતેલા વખતની ના ગમતી ભાવના જાગે છે એટલે આપણે નવો શબ્દ અપનાવી લઈએ છીએ દાખલા તરીકે ખભે ભરવવાના થેલા એક જમાનામાં સ્કૂલી બચ્ચાઓ માટે વપરાતા એવું નજરોએ નોંધેલું ‘ને હવે એ જુવાનિયા વધુ વાપરે છે તો રકસેક જેને અમુક લોકો રુક્સેક કહે છે તેના બદલે બૅકપેક શબ્દ વધુ લોકપ્રિય છે. ખેર, અંગ્રેજી ભાષા સતત નવીનીકરણ આવકારતી રહે છે. જોવાનું એ છે કે તેમાં આપણુ કેટલું યોગદાન રહે છે.

બુઝારો  – બૂટ એટલે ઘૂંટી ‘ને ક્યારેક ઘૂંટણ સુધીનો પગનો ભાગ આવરી લે તેવાં પગરખાં. શૂઝ પહેર્યા હોય તો ઘૂંટી શૂઝની બહાર રહે.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »