તમારા માટે, તમારી સાથે, સતત…

સત-અસતનાં પારખાં હવે કેવી રીતે કરવાં?

દેવદત્તે નવોદિત અભિનેત્રી મહેકને રિઝવવા મોકલી હતી.

0 498

સત્ – અસત્

નવલકથા – સંગીતા-સુધીર

પ્રકરણઃ ૧૪

ડાયરીમાં લખેલી વિગતો વાંચી અટલ ચકરાવે ચડ્યો, સત-અસતનાં પારખાં હવે કેવી રીતે કરવાં?

રિપોર્ટર અટલ સત્યેન શાહની ડાયરીમાંની વિગતો વાંચે છે. ૨૪ જૂન, ૧૯૭૦ને બુધવારના દિવસે સત્યેન શાહ ડાયરીમાં લખે છે- જે રીતે ગાંધીજી રોજનીશી લખતા તે જ રીતે પ્રિન્સિપાલ વ્યાસે અમને રોજેરોજની દિનચર્યા ડાયરીમાં લખવાનું જણાવ્યું છે. મને આ વિચાર ખૂબ ગમ્યો છે અને હું આજથી આખા દિવસ દરમિયાન જે કંઈ બન્યું હોય એ આ ડાયરીમાં ટપકાવીશ.સત્યેન શાહે તેનાં ભાઈ-બહેનો આખો દિવસ કેવાં તોફાન કરે છે, મોટા ભાઈ કેવી રીતે પપ્પાના પાકીટમાંથી પૈસા ચોરે છે, સિગારેટ પીવે છે, બહેનો ભાનુમતી અને જ્યોત્સના કેવી રીતે જૂઠું બોલીને બહાર જાય છે તેનો ડાયરીમાં ઉલ્લેખ કરેલો છે. પોતાના પિતા, ક્લાસમાં ભણતી સહાધ્યાયી લતા, ડ્યૂટીમાં મોડો આવતો ડ્રાઇવર, ઘેર રસોઇકામ કરતો મહારાજ કેવી રીતે જૂઠું બોલે છે તેની નોંધ સત્યેન શાહે પોતાની ડાયરીમાં કરી છે. સત્યેન શાહ આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારથી પોતાની રોજનીશી લખવાનું શરૃ કરેલું. જાગૃતિની રાહ જોતો અટલ પોતાના મોબાઇલમાં ક્લિક કરેલું ડાયરીનું આ પહેલું પ્રકરણ ફરી વાંચે છે. નાની ઉંમરમાં તેમના સત્યનિષ્ઠ વિચારો જાણીને અટલને આશ્ચર્ય થાય છે. ૧૬ જાન્યુઆરી, ૧૯૯૩ને બુધવારના રોજ સત્યેન શાહ લખે છે કે, તેમણે ડાયરી લખવાની બંધ કરી દેવી જોઈએ. કાં તો એમાં જુઠ્ઠાણા લખવા જોઈએ કાં તો સત્ય હકીકત ન લખવી જોઈએ. પોતાના જીવનમાં ઉલ્કાપાત મચાવતી મિસ ઇન્ડિયા સ્પર્ધાદરમિયાન બનેલી ઘટનાનો ઉલ્લેખ પણ ડાયરીમાં છે. ગોવામાં સ્પર્ધાની ફાઇનલમાં ભાગ લેનારી યુવતી કેવી રીતે પોતાના સ્યૂટમાં પ્રવેશી દરવાજો બંધ કરીને પોતાને ચુંબનો કર્યાં તેની વિગતવાર સચ્ચાઈ રજૂ કરે છે. સત્યેન શાહ તે સમયે ગુસ્સે થઈને એ યુવતીને રૃમની બહાર ધકેલી મુકે છે. જતાં જતાં એ યુવતી બદલો લેવાની ધમકી આપતી જાય છે. તેના આવા બીભત્સ વર્તનને કારણે સત્યેન શાહ તેને મિસ ઇન્ડિયાનું બિરુદ આપવા રાજી ન હતા, પરંતુ કમિટીના અન્ય સભ્યો તરફેણમાં હોઈ મયૂરી માણેકલાલ ભટ્ટને તે ખિતાબ અપાયો હતો. તે યુવાન છોકરીનું ભવિષ્ય ન બગડે માટે સત્યેન શાહ આ વાત કોઈને નથી કરતા, પરંતુ તેની વિગતો ડાયરીમાં નોંધે છે. આ વાંચીને અટલના મનમાં સાચું કોણ? તેવો સવાલ ઊઠે છે. ૧૮ એપ્રિલ, ૧૯૯૮ને શનિવારના દિવસે ડાયરીમાં સત્યેન શાહ પોતાના ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેના ગાઢ સંબંધો વિશે જણાવે છે. ટોચના ડિરેક્ટર દેવદત્ત સાથે સારા સંબંધો છતાં નવી ફિલ્મની સ્ટોરી પસંદ ન પડતાં સત્યેન શાહે ફાઇનાન્સ કરવાની ના પાડી હતી. આથી દેવદત્તે નવોદિત અભિનેત્રી મહેકને રિઝવવા મોકલી હતી. મહેકે સત્યેન શાહની ઓફિસમાં આવી બધી મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું. સત્યેન શાહે તેને બે તમાચા ઝીંકી દીધા હતા. જેથી તે રડી પડી હતી. તેને ફરી ચાન્સ નહીં મળે એમ વિચારી સત્યેન શાહે દેવદત્તની ફિલ્મને ફાઇનાન્સ કરવાનું નક્કી કર્યું હતું. આ બધી વાતો સત્યેન શાહે ડાયરીમાં સમાવી લીધી હતી. સત્યેન શાહની ડાયરીનું બીજું પાનું વાંચી અટલ ફરી ચકરાવે ચડે છે. દરમિયાન જાગૃતિ જોશી અટલને ફોન કરી એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટે સગીર બાળાનું જાતીય શોષણ કરતાં તેની વિગતો મેળવવા વ્યસ્ત હોઈ પોતે આવી ન શકી હોવાની સ્પષ્ટતા કરે છે. બીજી તરફ મનમાં અનેક વિચારો સાથે અચલા મધુરિમા બંગલે સાવિત્રીને મળવા પહોંચે છે. ડ્રોઇંગરૃમની ભવ્યતા જોઈને તે અચંબામાં પડી જાય છે.    

હવે આગળ વાંચો…

——–.

‘સૉરી, તમને સમય આપ્યો હતો, એ છતાં વાટ જોવડાવી, પણ તમે આવ્યાં ત્યારે જ મારા સસરાએ અમને જમવા બોલાવ્યાં. હું એમને ના ન પાડી શકી. બાય ધ વે, આ મારા ફાધર-ઇન-લૉ છે, મિસ્ટર કાન્તિલાલ અને આ મારો સન મંથન છે. તમે એની જોડે તો ફોન ઉપર વાતચીત કરી છે.’ સાવિત્રીએ અચલાને આવકારતાં અને એના સસરા અને દીકરાનો પરિચય આપતાં કહ્યું.

‘ઇટ્સ ઑલ રાઇટ… અમે રિપોર્ટરો વાટ જોવા માટે ટેવાયેલા છીએ. શ્રીમંતોને તો અન્યોને વાટ જોવડાવવાની ટેવ હોય જ છે.’ ડ્રોઇંગ રૃમનો વૈભવ જોઈને અચલાના મનમાં થોડીક ઈર્ષા ઊપજી હતી એ એનાં આવાં કટાક્ષમય વેણ કહી આપતાં હતાં. અચલાએ શરૃઆત જ ખોટી કરી.

‘બોલો, આપને મારી પાસેથી શું જાણવું છે?’ અચલાના કટાક્ષને અવગણતાં સાવિત્રીએ પૂછ્યું.

‘તમને વાંધો ન હોય તો પહેલાં તમારી ઓળખ આપશો?’ અચલા સાવિત્રીને કોઈ સવાલ કરે એ પહેલાં કાન્તિલાલે કહ્યું.

‘મારી ઓળખ માગો છો? મારી જાતે એ હું શું આપું? ભણેલા-ગણેલા ન્યૂઝપેપર વાંચતા લોકો મને બહુ સારી રીતે ઓળખે છે.’ અચલાનો જવાબ ફરી પાછો કટાક્ષયુક્ત હતો. કાન્તિલાલને તો એ કઠ્યો જ. સાવિત્રીને પણ અચલાનું આવું કહેવું એના સસરાના અપમાનસમું લાગ્યું.

‘મૅડમ, મારા ફાધર-ઇન-લૉએ તમારી ઓળખ માગી છે. જ્યાં સુધી એમને જાણ ન થાય કે તમારું નામ શું છે ત્યાં સુધી તમે ભલે ગમે તેટલાં જાણીતાં રિપોર્ટર હો, એમને કેમ ખબર પડે કે એમણે જે રિપોર્ટો વાંચ્યા છે એ તમે લખ્યા છે. હા… ભૂલ મારી છે. મેં તમને એમની ઓળખાણ કરાવી, પણ તમારી ઓળખાણ એમને આપી નહીં. બાપુજી, આ મિસ અચલા એક ફ્રીલાન્સ જર્નાલિસ્ટ છે અને મિસ અચલા તમારી જાણ ખાતર મારા ફાધર-ઇન-લૉ, મિસ્ટર કાન્તિલાલ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટની સાથે-સાથે એક લેખક પણ છે. તમે ગુજરાતી છો એટલે ‘સત્ય’ ઉપનામથી લખેલ એમની પંદર નવલકથાઓમાંની એકાદ તો જરૃરથી વાંચી હશે. એમની સોળમી નવલકથા ‘તમારી આત્મશ્લાઘા’નો સત્તરમો હપ્તો ગયા રવિવારે જ ‘ગરવો ગુજ્જુ’માં પ્રસિદ્ધ થયો હતો. તમે એ વાંચ્યો હશે.’

વાત વણસતી જતી હતી. શરૃઆત જ અચલાએ કટાક્ષમય રીતે ખોટી કરી હતી. એના પડઘા રૃપે સાવિત્રીએ પણ અચલાને કટાક્ષયુક્ત વેણ કહ્યાં. હવે મંથન વચ્ચે પડ્યોઃ

‘મિસ અચલા, અમે બધાં જ ખૂબ થાકેલાં છીએ. તમારે જે બે-ચાર સવાલો પૂછવા હોય એ જલદીથી મમ્મીને પૂછી લો.’

‘તમે આપેલા સમયે જ હું આવી હતી. તમે મને બરાબર ચાલીસ મિનિટ બેસાડી રાખી. હવે કહો છો કે તમે બધાં ખૂબ થાકેલાં છો અને જલદી કરવાનું કહો છો?’

અચલાએ આજે કોણ જાણે કેમ એનું માનસિક સમતોલપણુ ગુમાવ્યું હતું. સામાન્ય રીતે એ જ્યારે પણ કોઈનો ઇન્ટરવ્યૂ કરવા જતી ત્યારે એ વ્યક્તિની સહાનુભૂતિ મેળવી લેતી. વાતની શરૃઆત જ એવી રીતે કરતી કે ઇન્ટરવ્યૂ આપનાર વ્યક્તિને એ અંગત મિત્ર જેવી લાગતી ને આપોઆપ મનની બધી વાત એે કહી દેતી. એક તો અટલ એની પહેલાં આ લોકોને મળી ગયો હતો એટલે અને એ આપેલા સમયે જ આવી હતી તે છતાં એને લાંબો સમય સુધી બેસી રહેવું પડ્યું એટલે અચલાનું મગજ આજે ફટકી ગયું હતું. વાતની શરૃઆત જ એણે ખોટી રીતે કરી.

‘બહેન… જુઓ, તમે ખૂબ આગ્રહ કર્યો હતો એટલે મળવાનો સમય આપ્યો હતો. વાતચીતની શરૃઆત જ તમે થોડી ઉદ્ધતાઈથી કરી છે. મારા દાદાના સવાલનો જવાબ કટાક્ષમાં આપ્યો છે. જો આવી જ રીતે વર્તવું હોય તો મારે તમને અહીંથી ચાલ્યા જવાનું કહેવું પડશે.’ મંથનથી રહેવાયું નહીં એટલે એણે અચલાને કહ્યું.

‘મને ખબર જ હતી. મિસ્ટર કાન્તિલાલ, તમારું ઉપનામ ભલે સત્ય હોય, પણ તમે બધાં સત્ય જણાવવા જ નથી ઇચ્છતાં. મિસ્ટર સત્યેન શાહે પણ એટલે જ રિપોર્ટરોને ભેગા કર્યા અને પછી પોતે ભાગી ગયા.’

‘ઇનફ મૅડમ, તમે ફરી પાછું મારા દાદાનું અપમાન કરી રહ્યાં છો. હાઉ ડેર યુ સે ધૅટ માય ફાધર હેઝ રન અવે.’ મંથનનું મગજ હવે ફરી ગયું.

‘ભાગી નથી ગયા તો ક્યાં છે એ કહો.’

‘અમે તમને કંઈ કહેવા બંધાયેલા નથી.’

‘ક્યાંથી કહો? પાંચ-પાંચ સ્ત્રીઓનો બળાત્કાર કર્યો છે. તમારા ફાધર એટલે જ ઘર છોડીને, શહેર છોડીને, કદાચ દેશ છોડીને પણ ભાગી ગયા છે. મને તો એવું લાગે છે કે આ સ્ત્રીઓ જોડે તો એમણે અપકૃત્યો કર્યાં જ છે, પણ બીજાં કૌભાંડો પણ કર્યાં હશે. હી મસ્ટ બી ઇન્વોલ્ડ ઇન ફાઇનાન્સિયલ મૅટર્સ ઑલ્સો. રાજકીય પક્ષ જેના તેઓ ખજાનચી હતા એ પક્ષે એટલે જ એમને નિલંબિત કર્યા છે.’

હવે મંથન જ નહીં, સાવિત્રી અને કાન્તિલાલના ગુસ્સાનો પારો પણ આસમાને પહોંચી ગયો.

અચલા ગમે તેટલી નામાંકિત રિપોર્ટર હોય એનું આવું વર્તન, આવા આક્ષેપ અને એ પણ એમના પોતાના ઘરમાં? એક તો તેઓ બધા સત્યેનના આમ અચાનક ચાલી જવાથી વિહ્વળ હતાં, એમાં અચલાએ આવા આક્ષેપ કર્યા એટલે સાવિત્રીથી રહેવાયું નહીં. એણે બૂમ મારીને નોકરને બોલાવ્યો. નોકરને કહ્યું કે તુરંત જ સિક્યૉરિટી ગાર્ડ્સને બોલાવી લાવે. પછી અચલાને કહ્યું ઃ

‘મૅડમ, મહેરબાની કરી તમે મારા બંગલાની બહાર જાઓ. મારે તમને કોઈ પણ પ્રકારનો ઇન્ટરવ્યૂ આપવો નથી.’

‘મને ખબર જ હતી આવું જ કોઈ ગતકડું કરીને તમે ઇન્ટરવ્યૂ આપવાનું ટાળશો.’

‘હું ઇન્ટરવ્યૂ આપવાનું ટાળતી નથી. ઇન્ટરવ્યૂ આપવા તૈયાર હતી. એટલે જ તમને બોલાવ્યાં હતાં, પણ તમારું વર્તન અસભ્ય અને અણછાજતું છે. તમે કંઈ પણ જાણ્યા સિવાય મારા પતિ ઉપર ખોટા આક્ષેપો કરો છો.’

‘તો પછી સાચી વાત શું છે એ કહોને! શું ખરેખર તમારા પતિ મિસ્ટર સત્યેન શાહે આજથી પચ્ચીસ વર્ષ પહેલાં મિસિસ મયૂરીનું જાતીય શોષણ નહોતું કર્યું?’

‘ના…’

‘એમણે ઍક્ટ્રેસ મહેક મોમિનનો રેપ નહોતો કર્યો?’

‘બિલકુલ નહીં!’

‘સ્વિમર સુઝન સેલ્વમ, રંજના સેન, રમણી અદનાની આ બધી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ સાથે મિસ્ટર સત્યેન શાહે ગેરવર્તાવ નહોતો કર્યો?’

‘નહીં…નહીં, અને નહીં !’

‘તમે કેવી રીતે ના કહી શકો? તમે એ વખતે ત્યાં હાજર હતાં?’

‘તમે એ કેવી રીતે કહી શકો કે આ પાંચેય સ્ત્રી જે કહે છે એ સાચું છે? એ વખતે તમે ત્યાં હાજર હતાં?’

‘પાંચ-પાંચ ખૂબ જ પ્રતિષ્ઠિત અને નામાંકિત સ્ત્રીઓ બધી જ તમારા હસબન્ડ સામે ખોટા આક્ષેપ શા માટે કરે?’

‘એ તો એ સ્ત્રીઓ જ જાણે. એક રિપોર્ટર તરીકે મારા પતિ સામે આક્ષેપ કરતાં પહેલાં તમે એ સ્ત્રીઓએ જે આક્ષેપ કર્યા છે એના પુરાવાઓ માગ્યા છે? એમને પૂછ્યું છે કે આટલાં વર્ષો સુધી તેઓ ચૂપ કેમ રહ્યાં હતાં? શા માટે આમ અચાનક વર્ષો પહેલાંની આ વાત જાહેર કરવાનું એમને મન થયું? છે એમની આગળ એમની વાતનું સમર્થન કરે એવા કોઈ સાક્ષી?’

‘જો એ સ્ત્રીઓ ખોટી હોય તો તમારા પતિએ કેમ તુરંત જ એવું ન જણાવ્યું, શા માટે તેઓ રિપોર્ટરોને મળતા નહોતા? શા માટે નો કમેન્ટ્સ કહ્યા કરતા હતા? શા માટે પ્રેસ કૉન્ફરન્સ બોલાવી અચાનક ગુમ થઈ ગયા? બોલો, બોલો, મારા સવાલના જવાબ છે તમારી પાસે?’

‘હા… છે. મારા પતિ સામે કરવામાં આવેલા આક્ષેપ એક ખાસ કારણથી કરવામાં આવ્યા છે. તેઓ એ બધા આક્ષેપનો રદિયો આપવાના હતા. પ્રેસ કૉન્ફરન્સ એટલે જ એમણે બોલાવી હતી. તમને પણ એમાં બોલાવ્યાં હતાં. એક ચોક્કસ કારણસર એમને એ પ્રેસ કૉન્ફરન્સ રદ કરવી પડી.’

‘શું છે એ ચોક્કસ કારણ? પાંચ-પાંચ એકબીજાથી અજાણી સ્ત્રીઓએ એવા કયા ખાસ કારણથી એમની સામે આવા ગંભીર આક્ષેપો કર્યા છે? અને આ બધી વાત બાજુએ મૂકો, મિસ્ટર સત્યેન શાહ ગયા ક્યાં છે?’

‘જુઓ, મિસ અચલા, હાલના સંજોગોમાં હું તમને આ વિશે કંઈ પણ કહી શકું એમ નથી. પણ હું, મિસિસ સાવિત્રી સત્યેન શાહ, તમને ચોખ્ખેચોખ્ખું જણાવું છું કે અમારી પાસે એવા લેખિત પુરાવાઓ છે-એવા સાક્ષીઓ છે, જે આ પાંચેય સ્ત્રીઓના આક્ષેપો સદંતર જુઠ્ઠા અને ખોટા પુરવાર કરે છે. યોગ્ય સમયે અમે એ જાહેર કરીશું. બીજું મારા પતિ નાસી નથી ગયા, એમની ગેરહાજરી હોવા પાછળ એક ચોક્કસ કારણ છે. હાલના સંજોગોમાં અમે એ કોઈને જણાવવા નથી ઇચ્છતા અને હા… અત્યારના તમને મેં જે કહ્યું છે એ બધું, તમારી અહીંની વર્તણૂક પણ, આ જુઓ, આ ડ્રોઇંગ રૃમમાં મૂકવામાં આવેલ આઠ-આઠ સીસીટીવી કૅમેરા અને ટેપ-રેકૉર્ડરમાં રેકૉર્ડ થઈ ચૂક્યું છે. જો આજની આપણી આ મુલાકાત વિશે તમે કંઈ પણ આડુંઅવળું, ખરું-ખોટું, મીઠું-મરચું ભભરાવીને કોઈ પણ અખબારમાં લખ્યું છે તો યાદ રાખજો, તમે મિસ્ટર સત્યેન શાહ, ઇન્ડિયાના એક નામાંકિત ઇન્ડસ્ટ્રિયાલિસ્ટની સામે ખોટા આક્ષેપો કરી રહ્યાં છો. ભારે પરિણામ ભોગવવું પડશે. હવે તમે જઈ શકો છો.’

સાવિત્રીનું આ રૃપ જોઈને અચલા શેહ પામી ગઈ.

મંથને એની મમ્મીનો આવો ઉગ્ર સ્વભાવ હજુ સુધી ભાળ્યો નહોતો.

‘મારો દીકરો જેટલો બાહોશ, સાહસિક અને સત્યવક્તા છે, મારી પુત્રવધૂ પણ એટલી જ નીડર છે.’ કાન્તિલાલને એમની પુત્રવધૂ ઉપર માન ઊપજ્યું.

* * *

મધુરિમા બંગલામાંથી અપમાનિત થઈને  બહાર નીકળેલી અચલાનું મગજ ફાટફાટ થતું હતું. આદત મુજબ એણે ઓલા ન મગાવી, પણ રસ્તો ઓળંગી સામે આવેલી પહોળી ફૂટપાથ ઉપર એ જઈ પહોંચી. ત્યાં આવેલી પાળી ઉપર બેસીને એ વરલી સી ફેસ ઉપરના સૌથી સુંદર, સત્યેન શાહના, બંગલાને તાકવા લાગી.

‘આ પૈસાદાર લોકો એમના મનમાં સમજે છે શું? મારું, અચલાનું, આ દેશની સર્વશ્રેષ્ઠ ગણાતી લેડી રિપોર્ટરનું આ લોકોએ અપમાન કર્યું? મને બહાર કાઢવા સિક્યૉરિટી ગાર્ડ્સને બોલાવ્યા? “હવે તમે જઈ શકો છો” એમ કહીને બંગલાની બહાર કાઢી? મારું આવું ઘોર અપમાન આજ સુધી કોઈએ કર્યું નથી. ભલભલા નેતાઓ, અભિનેતાઓ, રમતવીરોના મેં ઇન્ટરવ્યૂ કર્યા છે, એમના ઘરે ગઈ છું, વણબોલાવ્યે પણ ગઈ છું, પણ કોઈએ મને આવી રીતે કાઢી નથી મૂકી.’  વિચારોએ અચલાને ગાંડી કરી મૂકી.

‘સત્યેન શાહ ખરેખર રેપિસ્ટ જ છે. એટલે જ એ ભાગી ગયો છે. એણે આ પાંચ સ્ત્રીઓનું જ નહીં, બીજી પચાસ સ્ત્રીઓનું પણ જાતીય શોષણ કર્યું હશે. નક્કી એણે કોઈ નાણાકીય કૌભાંડ પણ કર્યું જ હશે. નહીં તો એની પાર્ટી એને ટ્રેઝર પદેથી દૂર ન કરે. અરે, આવા સમયમાં એ જો ખરો હોય તો એની પાર્ટી એના પડખે ઊભી રહે. એના સગાંવહાલાં, મિત્રો, બિઝનેસ કલીગ્સ બધાં એની વહારે ધાય. સત્યેન શાહની પડખે કોઈ નથી. કોઈએ એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. કહ્યું નથી કે સત્યેન શાહ એક સજ્જન વ્યક્તિ છે. એની સામે કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે.’

રાત્રિના લગભગ સાડા નવ વાગ્યા હતા. પૂનમ નહોતી, પણ આકાશનો ચંદ્ર અડધા ઉપરાંત ખીલેલો હતો. કદાચ અગિયારસ યા બારસ હશે. તારાઓ ઝાંખાઝાંખા, પણ સ્પષ્ટ દેખાતા હતા. ભરતી હતી. દરિયાનાં મોજાં વરલી સી ફેસની દીવાલ સાથે અથડાઈને એના છાંટાઓ ફૂટપાથ પર દૂર સુધી ઉડાડતા હતા. એ છાંટાઓને કારણે અચલા થોડી ભીંજાઈ. દરિયાના શીતળ જળે એના મનનો ઉદ્વેગ ઠાર્યો. એને શાતા બક્ષી.

દસેક મિનિટ આવા વિપરીત વિચારો કર્યા બાદ અચલાને એવા વિચારો પણ આવ્યા કે સત્યેનની પત્નીએ છાતી ઠોકીને, જોરશોરથી એનો પતિ રેપિસ્ટ નથી, એણે કોઈ જાતીય શોષણ કર્યું નથી એવું જણાવ્યું હતું. એક પત્ની સિવાય એના પતિ વિશે બીજું કોણ કહી શકે? બેવફાઈનો સવાલ ઊભો થાય ત્યારે પતિ એની પત્ની પ્રત્યે વફાદાર છે કે બેવફા? એ પત્ની સિવાય બીજું કોણ જાણી શકે? કુદરતે સ્ત્રીઓમાં આ પ્રકારની સિક્થસેન્સ મૂકી છે. સ્ત્રીઓ પુરુષોના ઇરાદાઓ તરત જ પારખી શકે છે. વર્ષો સુધી લગ્નજીવનમાં સાથે રહેતી સ્ત્રી એના પુરુષને, એમાં પણ ખાસ કરીને એની જાતીય વૃત્તિઓને બરાબર ઓળખી શકે છે.

સાવિત્રીએ ખાતરીપૂર્વક વારંવાર સત્યેન શાહ કોઈ સ્ત્રી જોડે ગેરવર્તાવ કરે જ નહીં એવું જણાવ્યું હતું. જે કૉન્ફિડન્સથી એણે એ જણાવ્યું હતું એ કારણે એના કથનમાં સત્ય હોવું જોઈએ.

સાવિત્રીએ એ પણ કહ્યું હતું કે એમની આગળ સત્યેન શાહના નિર્દોષ હોવાના લેખિત પુરાવાઓ છે. સાક્ષીઓ પણ છે. શું હશે એ લેખિત પુરાવાઓ? ક્યાં હશે એ લખાણો? કોણ હશે એ સાક્ષીઓ? જો સત્યેન શાહ સાચ્ચા હોય તો આટલા દિવસ સુધી મૂંગા કેમ રહ્યા? પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને ભાગી કેમ ગયા? આજે મને બોલાવીને સાવિત્રીએ શા માટે એમનો ઇન્ટરવ્યૂ લેવા ન દીધો? ના… ના, સાવિત્રી સાવ જુઠ્ઠું બોલે છે અને મને લાગે છે કે જાતીય શોષણ કરતાં પણ વધુ ઘેરો ગુનો પૈસાની ગોલમાલમાં એ સંડોવાયેલો હશે. મારે આ આખી વાતના ઊંડાણમાં ઊતરવું જ પડશે. એ સ્ત્રી અને એના દીકરાએ આજે મારું જે અપમાન કર્યું છે એનો બદલો હું સત્યેન ગુનેગાર છે, એણે અધમ ગુના કર્યા છે એ પુરવાર કરીને આપીશ.

સાવિત્રીએ શું અટલને એમનો ઇન્ટરવ્યૂ લેવા દીધો હશે? અટલના મોં ઉપર જે ખુશાલી હતી એ જોતાં જરૃરથી એણે સાવિત્રીનો ઇન્ટરવ્યૂ કર્યો હશે. મારે અટલને મળવું જોઈએ. અમે બંને સત્યેન શાહના કેસમાં સાથે કામ કરીએ તો કેવું?

આગલા દિવસે અટલની પાછળ હાર્લી ડેવિડસન ઉપર બેસતાં અચલાના વક્ષઃસ્થળને અટલની પીઠનો જે સંપર્ક થયો હતો અને એ સમયે અચલાએ જે રોમાન્ચ અનુભવ્યો હતો, એના શરીરમાં જે મીઠી ઝણઝણાટી પ્રસરી હતી એ અચલાને કોણ જાણે કેમ અચાનક યાદ આવી ગયું. શું હું અટલ પ્રત્યે આકર્ષાઈ છું? મને એનો સ્પર્શ ગમે છે? ના… ના, અટલ મારો કટ્ટર પ્રતિસ્પર્ધી છે. મને એની સાથે કામ કરવાનો જે વિચાર આવ્યો, એ વિચાર જ ખોટો હતો. પણ શા માટે અમે બંને સાથે કામ ન કરીએ? ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટોમાં અમે બંને મોખરે છીએ. જો અટલને સાવિત્રીએ કોઈ બાતમી આપી હશે તો એ સત્યેન શાહની બાબતમાં મારા કરતાં આગળ હશે. અમે બંને જો સાથે કામ કરીએ તો એમાં મને ફાયદો છે.

Related Posts
1 of 34

અચલાનું મન ચકડોળે ચઢ્યું. મધુરિમામાંથી બહાર નીકળતાં એના મનમાં જે ગુસ્સો હતો એ ધીરે-ધીરે ઓગળી રહ્યો હતો. ચિત્ર-વિચિત્ર, એકબીજાથી વિરોધાભાષી વિચારોએ એને ચકરાવે ચઢાવી દીધી. વિચારમાં ને વિચારમાં એ પાળી પરથી ઊભી થઈ અને વરલી સી ફેસની ફૂટપાથ ઉપર ચાલવા માંડી. ચાલતાં-ચાલતાં ત્યાં મૂકવામાં આવેલ કાર્ટૂનિસ્ટ સ્વર્ગસ્થ આર.કે. લક્ષ્મણનું એ ફૂટપાથ ઉપર મૂકવામાં આવેલ પૂતળું આવ્યું. એને જોતાં અચલા એકદમ અટકી ગઈ. અચલાએ મોટેથી પોતાને કહ્યું ઃ

‘ર્રૃે જીટ્ઠૈઙ્ઘ ૈંં.’

‘અચલા, તેં તારી જાતને અટલ જોડે સત્યેન શાહના કેસમાં કામ કરવાનું જે કહ્યું છે એ વિચાર સારો છે. અટલની જોડે કામ કરતા તને અટલની બધી જાણકારીનો લાભ મળશે. સત્યેન શાહનાં કરતૂતો ઉઘાડા પાડનાર પ્રથમ અટલ નહીં હોય, અચલા અને અટલ હશે.’

* * *

‘મમ્મી, આપણી પાસે આ પાંચેય સ્ત્રીઓના આક્ષેપો સદંતર જુઠ્ઠા અને ખોટા પુરવાર કરે એવા કયા લેખિત પુરાવા છે? કયા સાક્ષીઓ છે?’ અચલાના ગયા બાદ સાવિત્રીનાં અચલાને કહેલાં વચનોથી વિસ્મય પામેલા મંથને એની મમ્મીને સવાલ કર્યો.

‘અને હા, દીકરા, સત્યેનની ગેરહાજરી પાછળનું કયું ચોક્કસ કારણ છે? અત્યાર સુધી તેં અમને એ જણાવ્યું કેમ નથી?’ કાન્તિલાલ પણ સાવિત્રીએ અચલાને જે કહ્યું હતું એનાથી નવાઈ પામી ગયા હતા.

‘બાપુજી, મંથન, જો મેં આવું કહ્યું ન હોત તો આ માથાફરેલ રિપોર્ટર કાલે એવું છાપી મારત કે સત્યેન શાહની વાઇફે એની વિરુદ્ધના આક્ષેપો નકાર્યા નથી. એ પુરવાર કરે છે કે એ આક્ષેપો સાચા છે.’

કાન્તિલાલ અને મંથન, બંને સાવિત્રીના આ જવાબથી નિરાશ થઈ ગયા.

એ રાત્રિના શયનખંડના શાનદાર બેડમાં ઊંઘ ન આવતાં પડખાં ફેરવતાં ફેરવતાં શનિવારે સાંજના ઇવનિંગ વૉક દરમિયાન સત્યેને જે વાત જણાવતાં સાવિત્રી આભી બની ગઈ હતી અને વિચારવા લાગી હતી કે સત્યેન આવો હોઈ શકે? આવું કરી શકે? શું એ આ હદ સુધી જઈ શકે? સાવિત્રી આ વાત ફરીથી વિચારવા લાગી.

* * *

પોલિટિક્સ ગંદું હોય છે.

પોલિટિક્સમાં જે જે રમતો ખેલાય છે એટલી એટલી અને એવી એવી રમતો તો ઑલિમ્પિક્સમાં પણ નથી રમાતી.

પોલિટિક્સમાં આજે જે-જે કાવાદાવા રચાય છે એની કલ્પના પણ ચાણક્યએ કરી નહીં હોય.

પોલિટિક્સમાં જોડાવાનું કાચા-પોચા અને લાગણીશીલ માણસનું ગજું જ નથી.

પોલિટિકલ પાર્ટીમાં સામેલ થવું, કાર્યકર બનવું, અગત્યનો હોદ્દો ભોગવવો, અંતે નેતા બનવું અને દેશ ઉપર રાજ કરવું એ સર્વે પોલિટિશિયનોનું ધ્યેય હોય છે. તેઓ બધા જ એ જાણતા હોય છે કે એમની આ ઇચ્છા લોઢાના ચણા ચાવવા બરાબર છે અને તેમ છતાં એમની આ ઇચ્છાને પૂરી કરવા તેઓ જાતજાતના અને ભાતભાતના કાવાદાવા અને ધમપછાડા કરે છે

આઝાદી પહેલાં દેશમાં જે પોલિટિકલ પાર્ટીઓ હતી એ બધી જ પાર્ટી અને એમના સભ્યોનું લક્ષ્ય એક જ હતું, દેશને ગુલામીમાંથી આઝાદ કરાવવાનું. પાર્ટીના બધા જ સભ્યો દેશદાઝને કારણે જ પાર્ટીમાં જોડાયા હતા. દેશદાઝમાંથી જ પાર્ટીઓ ઉદ્ભવી હતી.

આઝાદી મેળવ્યા બાદ બહુ જ થોડા સમયમાં બધી જ પોલિટિકલ પાર્ટીના કાર્યકરોના મનમાંથી દેશદાઝ ઓસરી ગઈ. એનું સ્થાન આત્મઉત્કર્ષે લીધું. ગુલામીમાંથી મુક્ત કરેલા એમના દેશવાસીઓને ગુલામ મનોદશામાંથી બહાર લાવીને મુક્તપણે જીવાડવાનું, એમના દેશને વિશ્વના અન્ય વિકસિત દેશોની હરોળમાં મૂકવાનું એમનું લક્ષ્ય ન રહ્યું. આઝાદી બાદ પોલિટિકલ પાર્ટીમાં જોડાનારા લોકો ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થ માટે જ એમાં જોડાયા. આઝાદી પહેલાં તેઓનું જે લક્ષ્ય હતું એ હવે બદલાઈ ગયું. હવે એમણે સૌએ પોતપોતાનું વર્ચસ્વ જળવાઈ રહે, એમના પોતાના વિચારો દેશ અને એની જનતા ઉપર લાદી શકે, જાતને અને એમનાં સગાંવહાલાં, મિત્રગણો અને જીહજુરિયાઓને માલામાલ કરી શકે એ હેતુથી પોલિટિક્સમાં ઝંપલાવ્યું.

આઝાદી પહેલાં બધા જ પોલિટિશિયનોનું ધ્યેય હતું, ‘દેશ…’

આઝાદી બાદ એ બધાનું ધ્યેય બની ગયું ‘જાત…’

નિયમોમાં જેમ અપવાદ હોય છે એમ પોલિટિશિયનોમાં પણ અપવાદ તો હોવાનો જ. થોડા લોકો હજુ પણ દિલમાં દેશદાઝ ધરાવે છે. જાતને માટે નહીં, પણ દેશ માટે તેઓ પોલિટિક્સમાં કાર્યરત છે.

સત્યેન શાહ આવા એક અપવાદ હતા.

દેશની મુખ્ય પોલિટિકલ પાર્ટીમાં એ ક્યારે જોડાયા, ક્યારે કામ કરતા થયા, ક્યારે અગત્યના હોદ્દા ઉપર નિમાયા એની સત્યેન શાહને જાણ ન રહી.

એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હોવાને કારણે પાર્ટીએ ડૉનેશન મેળવવા એમનો સંપર્ક કર્યો હતો. એમાંથી સત્યેન શાહની પોલિટિકલ કરિયરની શરૃઆત થઈ. પહેલાં ડૉનેશન, પછી પાર્ટીના અધિકારીઓને મળવું, ત્યાર બાદ એમની પ્રચાર સભાઓમાં મુખ્ય મહેમાન બની ભાગ લેવો, એ પછી એમની સાથે સાથે સભાઓમાં ભાષણો આપવાં, પાર્ટીના સિદ્ધાંતો અન્યોને સમજાવી એમને પાર્ટીમાં સામેલ કરવા, લોકોના પ્રશ્નો હલ કરવા, એમની તકલીફો દૂર કરવી, આવાં આવાં કાર્યોને લીધે સત્યેન શાહ એમની પોલિટિકલ પાર્ટીનાં પગથિયાં એક પછી એક ચઢતા જ ગયા. દેશદાઝ અને કર્તવ્યનિષ્ઠાને કારણે તેઓ લોકોમાં પ્રિય થઈ ગયા હતા.

બે વર્ષ પહેલાં પાર્ટીના ખજાનચીનું હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુ થતાં સત્યેન શાહના સમર્થક પાર્ટીના કાર્યકરોએ એ પદ સત્યેન શાહને આપવાની ભલામણ કરી. દેશના સૌથી મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોમાં સત્યેન શાહની ગણના થતી હતી. આવી ધનકુબેર સમી વ્યક્તિ જો પાર્ટીનું ખજાનચી પદ સંભાળે તો એનાથી વધુ રૃડું બીજું શું હોઈ શકે? સત્યેન શાહ જો પાર્ટીના ખજાનચી બને તો પાર્ટીને અનેક પ્રકારે આર્થિક લાભ કરાવી શકે. આવા વિચારે સત્યેન શાહની પાર્ટીના ખજાનચી પદે નિયુક્તિ થઈ.

પાર્ટીના અગ્રણીઓની આ ભૂલ હતી.

* * *

‘સિદ્ધાંતભાઈ, મારે તમને કહેવાનું ન હોય. આપણી પાર્ટીના પ્રેસિડન્ટ પદે પહોંચતાં પહોંચતાં અને વર્ષોથી એ પદને સંભાળી રાખવા માટે તમને પાર્ટી કેમ ચલાવવી એની જાણ તો પૂરેપૂરી હોય જ.’ પાર્ટીના ટ્રેઝરર પદે નિયુક્ત થતાં તુરંત જ સત્યેન એની પાર્ટીના પ્રેસિડન્ટને મળ્યો. એના મનમાં જે ઘોળાઈ રહ્યું હતું એ એણે પાર્ટીના પ્રેસિડન્ટ સિદ્ધાંત સૂર્યકાંત સરવરિયાને જણાવ્યું.

‘મિસ્ટર સત્યેન, તમે મને શું કહેવા માગો છો?’

‘સિદ્ધાંતભાઈ, તમે તો જાણો છો કે એક પોલિટિકલ પાર્ટી ચલાવવી એ કંઈ ખાવાના ખેલ નથી. એમાં પણ એ પાર્ટી એવી હોય, જે રૃલિંગ ન હોય તો સત્તા ઉપર આવવા માટે એણે રૃલિંગ પાર્ટી સાથે બાથ ભીડવાની હોય છે. જો રૃલિંગ પાર્ટી શક્તિશાળી હોય તો એના બળ કરતાં વધુ બળ વાપરવાની, એની ચબરાકી કરતાં વધુ ચાલાકી દેખાડવાની, એની છેતરપિંડી કરતાં વધુ લુચ્ચાઈ આદરવાની જરૃરિયાત રહે છે.’

‘મિસ્ટર સત્યેન, તમે મને પોલિટિક્સના પાઠ શીખવાડો છો?’

‘સિદ્ધાંતભાઈ, તમને પોલિટિક્સના પાઠ શીખવાડવાવાળો હું કોણ? મેં તો હજુ હમણા જ પોલિટિક્સમાં પ્રવેશ કર્યો છે, પણ તમે અને આપણી પાર્ટીએ મને આ જે જવાબદારીભર્યું કામ સોંપ્યું છે એ સ્વીકારતાં પહેલાં મને જે વિચારો આવે છે એ હું તમને જણાવવા માગું છું.’

‘અચ્છા… અચ્છા. તમારે જે કંઈ પણ જણાવવું હોય, કહેવું હોય એ નિઃશંકપણે  કહો. મને ખાતરી છે કે તમે જે કંઈ પણ કહેશો, જે કંઈ પણ વિચારશો, જે કંઈ પણ કરશો એ પાર્ટીના હિતમાં જ હશે.’

‘સિદ્ધાંતભાઈ, આપણી પાર્ટી આગામી ચૂંટણીમાં પ્રતિસ્પર્ધી રૃલિંગ પાર્ટીને હરાવીને રૃલિંગ પાર્ટી બનવા ઇચ્છે છે. એ માટે આપણી પાર્ટી સક્ષમ પણ છે. હાલની રૃલિંગ પાર્ટીએ એની લોકપ્રિયતા ખોઈ નાખી છે. એમના આગેવાનોના હાથ દુષ્કર્મોથી ખરડાઈ ચૂક્યા છે. એમના નેતાઓનાં કૌભાંડોની જાણ લોકોને થઈ ચૂકી છે. એમના વર્કરો અને એમના નેતાઓમાંથી સામાન્ય પ્રજાનો વિશ્વાસ ઊઠી રહ્યો છેે. આથી આપણી પાર્ટી આગામી ચૂંટણીમાં રૃલિંગ પાર્ટીને હરાવીને રૃલિંગ પાર્ટી બનશે એવાં એંધાણ ચોખ્ખેચોખ્ખાં વર્તાય છે, પણ આપણી પાર્ટીની અંદરોઅંદર જ ફાટફૂટ હોય એવું જણાય છે. પ્રધાનપદ મેળવવાની મને બિલકુલ ઇચ્છા નથી, પણ પાર્ટીના અન્ય અનેક પ્રધાનપદ જ નહીં, મુખ્ય પ્રધાનપદ મેળવવાનાં સ્વપ્નાં સેવે છે. પાર્ટીના પ્રમુખ તરીકે તમે આવું સ્વપ્નું સેવો એ સ્વાભાવિક છે અને હું તેમ જ પાર્ટીના મોટા ભાગના સભ્યો તમે મુખ્ય પ્રધાન બનો એવું ઇચ્છીએ પણ છીએ, પરંતુ આપણી પાર્ટીની બીજી એક-બે વ્યક્તિ આપણી પાર્ટી રૃલિંગમાં આવે તો પોતે મુખ્ય પ્રધાન બને એવું ઇચ્છે છે.’

‘મિસ્ટર સત્યેન, મને આ વાતનો થોડો થોડો અણસાર છે.’

‘સિદ્ધાંતભાઈ, ચૂંટણીમાં જીતવા માટે અને જીત્યા બાદ મિનિસ્ટર બનવા માટે અને એમાં પણ સૌથી ઊંચું પદ, ચીફ મિનિસ્ટરનું પદ મેળવવા માટે જો સૌથી વધુ કશાકની જરૃરિયાત હોય તો એ જરૃરિયાત છે પૈસાની.’

‘તમારો ઇશારો કઈ તરફનો છે એ મને સમજાતું નથી. હા, તમારી વાત સાચી છે. પાર્ટીનાં દરેકેદરેક કાર્ય માટે અને ચૂંટણી માટે તો પૈસાની ખાસ જરૃરિયાત રહે છે. એટલા માટે તો પાર્ટીએ તમને એમના ખજાનચી બનાવ્યા છે.’

‘હું કુબેર નથી, એટલે પાર્ટીનો ભંડાર ખૂટશે જ નહીં એવું તમારે માની લેવું ન જોઈએ.’

‘તમે પાર્ટીને અઢળક નાણાકીય સહાય કરી છે. તમને પાર્ટીના ખજાનચી બનાવવા પાછળનો ઇરાદો તમારું ધન વધુ મેળવવાનો નથી. તમારામાં સૌને સંપૂર્ણ વિશ્વાસ છે. તમે પાર્ટીનું ફંડ આઘું-પાછું નહીં કરો એવી સૌને ખાતરી છે એટલે જ પાર્ટીએ તમને એમનું ખજાનચી પદ સોંપ્યું છે.’

‘મારામાં વિશ્વાસ મૂકવા બદલ તમારો અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, પણ હું આ જવાબદારી સંભાળું એ પહેલાં મારી આગળની વ્યક્તિએ એની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી છે કે નહીં એની ખાતરી પાર્ટીએ કરી લેવી જોઈએ, જેથી ભવિષ્યમાં જો મારા પુરોગામીએ કંઈ ભૂલ કરી હોય તો એનું આળ મારી ઉપર ન આવે.’

‘તમારી વાત સાચી છે, મિસ્ટર સત્યેન.’

‘તો મારી વિનંતી છે કે હું પાર્ટીનું નાણાખાતું સંભાળું, એને હાથમાં લઉં એ પહેલાં અત્યાર સુધીનો બધો જ હિસાબ-કિતાબ તપાસી લેવો જોઈએ.’

‘એ માટે આપણી પાર્ટીના નીમેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો છે જ. એમણે હમણા જ પાર્ટીનાં એકાઉન્ટ્સ ઑડિટ કરીને એ બધું વ્યવસ્થિત છે એવું સર્ટિફિકેટ આપ્યું છે.’

‘એ ઑડિટ આપણી પાર્ટીના ભૂતપૂર્વ ખજાનચી જીવિત હતા ત્યારે કરવામાં આવેલું. ત્યાર બાદ શું બન્યું છે એની કોઈને જાણ નથી. આ ઉપરાંત જે મિલકત, જે પૈસા ચોપડે નથી એનું ઑડિટ થોડું થયું છે?’

‘અરે, એમના મૃત્યુને તો હજુ માંડ એક મહિનો થયો છે અને એ દરમિયાન પાર્ટીમાં કોઈએ એકાઉન્ટ્સનો એવો કોઈ મોટો વહીવટ પણ નથી કર્યો અને તમે કહો છો એ મિલકતનો વહીવટ તો હું અને બીજા ખાતરીના માણસો જ કરીએ છીએ.’

‘સિદ્ધાંતભાઈ, પાર્ટીના એ ખાતરીના માણસો કોણ છે અને તેઓ કેટલા ખાતરીલાયક છે એની મને જાણ નથી. જો તમારે મને પાર્ટીનાં એકાઉન્ટ્સ સંભાળવાનું જવાબદારીભર્યું કામ સોંપવું હોય તો હું પાર્ટીનું ખજાનચી પદ હાથમાં લઉં એ પહેલાં મારો એવો આગ્રહ છે કે પાર્ટીનાં એકાઉન્ટ્સ બૅન્કના તેમ જ દેશના એક બીજા જ કાબેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આગળ તપાસી લેવડાવવા જોઈએ.’

‘જેવી તમારી ઇચ્છા… આપણી પાર્ટીના આર.જે. પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એમની સીએની ફર્મ ખૂબ જ મોટી અને પ્રતિષ્ઠિત છે. આપણે પાર્ટીનાં બંને એકાઉન્ટ્સ એમની ફર્મને તપાસવાનું કહીએ.’

‘નો… નો સર, મિસ્ટર રવીન્દ્ર જેસિંગલાલ ભગતની ફર્મ મોટી છે, પ્રતિષ્ઠિત છે, પણ મારી રિક્વેસ્ટ એ છે કે કોઈ ઇન્ડિપેન્ડન્ટ સીએની ફર્મને આ કામગીરી સોંપવામાં આવે.’

‘કેમ? આર.જે.ની ફર્મ સામે તમને કોઈ શંકા છે? આમ તો આપણી પાર્ટીના જે સીએ છે તેઓ પણ ખૂબ જ નિષ્ઠાવંત અને પ્રતિષ્ઠિત છે. તેમ છતાં તમે બીજા કોઈ આગળ હિસાબો તપાસવા માગો છો તો આર.જે.ની ફર્મ એ તપાસે એમાં ખોટું શું છે?’

‘સિદ્ધાંતભાઈ, માને હંમેશાં પોતાનું બાળક સાચું હોય એવું જ જણાય છે. હું કોઈના માટે કોઈ પણ જાતની શંકા નથી ધરાવતો, પણ વર્ષો પહેલાં મારા ફાધરે કહેલ એક રશિયન કહેવત મને બરાબર યાદ રહી ગઈ છે.’

‘રશિયન કહેવત! તમે પણ જવાહરલાલ નહેરુની જેમ રશિયા તરફી ક્યારથી થઈ ગયા?’

‘સિદ્ધાંતભાઈ, એ કહેવત છે ‘ટ્રસ્ટ બટ વૅરિફાઈ’ અર્થાત્ વિશ્વાસ કરો, પણ ખાતરી કરી લો. આ કહેવતને મેં આજ સુધી અક્ષરેઅક્ષર મારા બિઝનેસમાં અને અન્ય વહીવટમાં પાળી છે અને આપણી પાર્ટીનો વહીવટ સંભાળું એ પહેલાં પણ હું આ કહેવત મુજબ વર્તવા માગું છું.’

‘અચ્છા… તમારે કોઈ સીએને બે-પાંચ લાખ આપીને પાર્ટીને ખર્ચો કરાવવો હોય તો એ તમારી મરજી.’

‘સિદ્ધાંતભાઈ, આ સવાલ ખર્ચાનો નથી, વ્યવહારુપણાનો છે. ખર્ચાનો સવાલ હોય તો એ સીએની ફી હું આપી શકું છું, પણ હું જો એની ફી આપીશ તો એના રિપોર્ટના નિષ્પક્ષ હોવા માટે શંકા સેવાશે.’

‘અચ્છા… અચ્છા, મિસ્ટર સત્યેન, તમે કહો એ સીએ પાસે આપણે આપણી પાર્ટીનાં એકાઉન્ટ્સ ઑડિટ કરાવીએ.’

‘નહીં સિદ્ધાંતભાઈ, પાર્ટીના કાર્યકરોની આપણે એક મિટિંગ બોલાવીએ અને એ લોકો જે ફર્મનું નામ સજેસ્ટ કરે એમની આગળ આપણી પાર્ટીનાં એકાઉન્ટ્સ ફરીથી ઑડિટ કરાવીએ. ઉપરાંત તમારા સિવાયના જે ખાતરીના વર્કરો કૅશ સંભાળે છે એ કોણ છે અને એમનો હિસાબ શું છે એ બધી માહિતી પણ મારે જાણવી પડશે. ત્યાર બાદ જ હું આપણી પાર્ટીનું ખજાનચી પદ સંભાળીશ.’ સત્યેન શાહે ‘ફરીથી’ શબ્દ ઉપર ભાર મૂકતાં પાર્ટીના પ્રેસિડન્ટને જણાવ્યું.

(ક્રમશઃ)
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »