તમારા માટે, તમારી સાથે, સતત…

મેનકાએ અટલ પર જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો

તમે કંઈ બદઇરાદાથી મને આલિંગન નહોતું આપ્યું.'

0 317

નવલકથા – સત્ – અસત્   પ્રકરણઃ ૦૬

લે. – સંગીતા-સુધીર

વહી ગયેલી વાર્તાનો સાર…

મેનકાએ અટલ પર જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો

સત્યેન શાહે પત્ની રમણીનું જાતીય શોષણ કર્યાના ખુલાસા બાદ સમાજ સમક્ષ જતાં ક્ષોભ અનુભવી રહેલા લચ્છુ અદનાનીએ પિતાએ ખરીદેલી રિવોલ્વર વડે આપઘાત કરી લેવાનું વિચાર્યું, પરંતુ શ્યામ તેજનાનીએ સમયસૂચક્તા વાપરી તેમને અટકાવ્યા. સાથે રમણીના અપમાન બદલ સત્યેન શાહ સામે પગલાં લેવાં સિંધી સમાજની બેઠકમાં મુદ્દો ઉપાડવાનો લચ્છુ અદનાનીને દિલાસો આપ્યો. બીજી તરફ પોતાના લોખંડવાલા કોમ્પ્લેક્સમાં આવેલા ફ્લેટમાં અટલ વિચારમાં પડ્યો. સત્યેન શાહ શા માટે અચાનક જ મુલાકાત આપવા તૈયાર થયા તે વાત તેને ગળે ઊતરતી ન હતી. અટલના દિલ અને દિમાગ પર સત્યેન શાહના વિચારોએ કબજો જમાવ્યો હતો. તેણે ઇન્ટરવ્યૂમાં સત્યેન શાહને પૂછવાના સવાલો નોંધવાનું શરૃ કર્યું. અખબારોમાં સત્યેન શાહ વિરુદ્ધ જાતીય શોષણના આક્ષેપો કરનારી અન્ય ચાર સ્ત્રીઓના ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ થવાના હતા. અટલે અખબારોમાં જોયું તો જાતીય શોષણનો આરોપ કરનારાં બધાં જ સ્ત્રી-પુરુષો એમની જિંદગીની અડધી સદી વટાવી ગયાં હતાં. અટલને સમજાયું કે એક સમયે સેલિબ્રિટી એવાં આ લોકોનો ઇરાદો નેગેટિવ તો નેગેટિવ, પણ પબ્લિસિટી મેળવવાનો હતો. અનુભવી અટલને ખાતરી હતી કે જાતીય શોષણના આક્ષેપો કરનારી એ બધી વ્યક્તિઓ જૂઠી હતી. અટલને પાંચ વર્ષ પહેલાંનો પોતાના જીવનનો જ એક કિસ્સો યાદ આવ્યો. જેમાં બે સંતાનના પિતા, સફળ બિઝનેસમેન, પસાસ વર્ષની વય વટાવી ચૂકેલા વિધુર પુરુષ સાથે લગ્ન કરનારી વીસ-બાવીસ વર્ષની સુંદર એવી મહત્ત્વાકાંક્ષી યુવતીની સેક્રેટરીએ એ યુવતીનો ઇન્ટરવ્યૂ કરવા માટે અટલને ખાસ આમંત્રણ આપ્યું હતું. યુવતીનો લગ્નનો હેતુ એ બિઝનેસમેનની સફળતા અને સંપત્તિ હતો એ ચોખ્ખું દેખાઈ આવતું હતું. અટલને એ યુવતી ઇન્ટરવ્યૂ કરવા યોગ્ય ન લાગી એટલે એણે ના પાડી હતી. એકવાર મેનકા નામની એ યુવતી ખુદ અટલના ફ્લેટ પર આવી પહોંચી હતી. તેણે પોતાની અશિષ્ટ ચેષ્ટાઓ અને પૈસા દ્વારા અટલને લલચાવી જોયો હતો, પણ અટલે તેને પોતાના ફ્લેટની બહાર કાઢી મુકી હતી. તે સમયે અટલે ધાર્યું હતું એમ જ થયું હતું. બીજા જ દિવસે મેનકાએ અટલ પર જાતીય શોષણનો આરોપ મુકી દીધો હતો. અટલને બરોબર ઓળખનારા અને તે આવું કામ ન જ કરે તેવી ખાતરી ધરાવતા અખબારના તંત્રીઓએ પણ મેનકાનો જૂઠો આક્ષેપ છાપ્યો હતો, પરંતુ મેનકાને બરોબર ઓળખતા તેના પતિએ આ આક્ષેપને રદિયો આપ્યો હતો. મેનકાના અન્ય પુરુષ સાથે સંબંધો પકડાતાં તેના પતિએ છૂટાછેડા લઈ લીધા હતા. સ્વાનુભવના કારણે અટલને ખાતરી હતી કે સત્યેન શાહ સામે કરવામાં આવેલા આક્ષેપો સાવ ખોટા હતા. ચાર સ્ત્રીઓના ઇન્ટરવ્યૂ વાંચ્યા બાદ અટલ સત્યેન શાહને જે પ્રશ્નો કરવા માગતો હતો તેમાં તેણે વધુ એક સવાલનો ઉમેરો કર્યાે.        

હવે આગળ વાંચો…

સર…

સત્યેન શાહ જ્યારે પણ મુંબઈમાં હોય ત્યારે સવારના સાત વાગે મહાલક્ષ્મી  રેસકોર્સ ઉપર આવેલ અમેચ્યૉર્સ રાઈડર્સ સ્કૂલમાં ઘોડેસવારી કરવા જતા. સિલ્વરનામની એમની પસંદગીની ઘોડી હતી. સંપૂર્ણ શ્વેત રંગની, છ ફૂટ ઊંચી, રેસમાં અનેક વાર પ્રથમ આવી ચૂકેલી એ તરવરાટભરી કાઠિયાવાડી ઘોડી હતી. સત્યેન શાહ એના ઉપર જ સવારી કરવાનું પસંદ કરતા. રેસકોર્સના પ્રથમ બે રાઉન્ડ એ ટ્રોટએટલે કે સેડલ ઉપર જ વન ટુ, વન ટુ એમ ઊઠક-બેઠક કરીને લેતા. ત્યાર બાદ બે રાઉન્ડ કેન્ટરમાં એટલે કે ઘોડો એક આગલો પગ અને એક પાછલો પગ આગળ મૂકે અને ત્યાર બાદ બીજો આગલો પગ અને બીજો પાછલો પગ આગળ મૂકે અને ઝડપથી દોડે એવા લેતા. છેલ્લે તેઓ એક રાઉન્ડ એમની સિલ્વર ઘોડીને જાણે પાંખો આવી હોય એમ ચારેય પગે ગેલપ્સકરાવતા એટલે કે દોડાવતા. સત્યેન શાહનો વર્ષોથી આ નિત્યક્રમ હતો. રવિવારના દિવસે પણ તેઓ જો મુંબઈમાં હોય તો એમની આ ઘોડેસવારી અને એના દ્વારા શરીરને મળતી કસરત તેઓ ચૂકતા નહોતા. આજે પણ અડધો કલાક આ મુજબ એમણે ઘોડેસવારી કરી, રેસકોર્સના પાંચ રાઉન્ડ માર્યા. પછી ઘોડેસવારી કરવા માટે પહેરેલ ખાસ ડ્રેસ અને રાઇડિંગ શૂઝ કાઢીને સાદા પંપ શૂઝ પહેરીને તેઓ સ્કૂલમાંથી બહાર નીકળતા હતા કે ત્યાંની સેક્રેટરી રોઝીએ સર…કહીને એમનું ધ્યાન ખેંચ્યું.

હા રોઝી, શું છે?’

સર, ગઈકાલે સાંજના એક લેડી રિપોર્ટર આપણી ઑફિસમાં આવી હતી. તમારી પૂછપરછ કરી હતી.

મારી પૂછપરછ?’

હા સર, એણે પહેલાં તો તમે ક્લબના કેટલાં વર્ષથી મેમ્બર છો? અહીં નિયમિત આવો છો? સ્કૂલની ઍક્ટિવિટીમાં ભાગ લો છો? એવી પૂછપરછ કરી. પછી…

પછી શું, રોઝી? એણે પછી શું પૂછ્યું?’

સર, એણે મને પૂછ્યું કે, તમે મારું ક્યારેય જાતીય શોષણ કર્યું છે?’

વ્હૉટ? આવો સવાલ કરનાર એ રિપોર્ટર કોણ હતી?’

સર, એણે એનું નામ અચલા ઠાકોર જણાવ્યું હતું. આ જુઓ, એનું વિઝિટિંગ કાર્ડ.

હં… ફ્રીલાન્સ જર્નાલિસ્ટ અચલા ઠાકોર.વિઝિટિંગ કાર્ડ હાથમાં લઈને સત્યેન શાહ બોલ્યા ઃ પછી તેં શું કહ્યું?’

સર, તમારા માટે આવો સવાલ કર્યો એટલે પહેલાં તો મને ગુસ્સો આવ્યો. મેં જણાવ્યું કે તમે એક બહુ જ ખાનદાન વ્યક્તિ છો.

પછી?’

આમ છતાં એણે મને જાતજાતના પ્રશ્નો કર્યા. આપણી સ્કૂલમાં ઉજવાયેલા પ્રસંગોના ફોટાના આલ્બમ જોયા. એમાં સર, તમને યાદ હોય તો ચાર વર્ષ પહેલાં જ્યારે મને પ્રમોશન મળ્યું ત્યારે તમે મને અભિનંદન આપતાં ગળે વળગાડી હતી એ ફોટો એણે જોયો અને ઝડપથી એના મોબાઇલમાં એ ફોટો ઝડપી લીધો.

રાસ્કલ. હવે એ રિપોર્ટર આ ફોટાના આધારે મને વગોવશે, અખબારના વાચકોને જણાવશે કે હું આવી રીતે સ્ત્રીઓનું જાતીય શોષણ કરું છું.

પણ સર, તમે તો એક પિતાની જેમ ઉમળકાથી મને ભેટ્યા હતા. તમે કંઈ બદઇરાદાથી મને આલિંગન નહોતું આપ્યું.

હા… હા, પણ લોકોને મારી ભાવનાની થોડી ખબર પડે છે. તેઓ તો રિપોર્ટરો જે મુજબનું લખાણ લખે એ મુજબનું ધારે છે.

આઈ એમ સૉરી, સર. મારે એ રિપોર્ટરને આપણા આલ્બમ જોવા જ દેવા નહોતાં જોઈતાં.

નો… નો રોઝી, તારો એમાં કંઈ વાંક નથી.

સત્યેન શાહ જાણતા હતા કે હવે આવતીકાલના અખબારમાં પહેલા પાને એમનો આ ફોટો છપાશે અને જાતીય શોષણનો એક વધુ આક્ષેપ એમના ઉપર કરવામાં આવશે.

* * *

કાંતિલાલના કુટુંબનો એક નિયમ હતો. આખું અઠવાડિયું કુટુંબના સભ્યો એમની સગવડ પ્રમાણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર લે, પણ રવિવારની સવારના કુટુંબના જેટલા સભ્યો મુંબઈમાં હોય તેઓ બધા જ ૮ઃ૩૦ના ટકોરે ડાઇનિંગ ટેબલ ઉપર હાજર થઈ જાય. બધા જ બ્રેકફાસ્ટ સાથે કરે. જો કોઈ સભ્ય મુંબઈની બહાર હોય તો એ પણ એ સમયે કુટુંબના વડા કાંતિલાલને ફોન કરે. એમની ખબરઅંતર પૂછે અને ત્યાર બાદ કુટુંબના બીજા બધા સભ્યો જોડે પણ હાય-હલ્લોકરે. એકબીજાની શું પ્રવૃત્તિઓ ચાલે છે એ જાણે અને જણાવે.

આજે રવિવાર હતો. સાડા આઠ વાગે બધાએ બ્રેકફાસ્ટ ટેબલ ઉપર મળવાનું હતું. સ્કૂલની સેક્રેટરીએ જે વાત જણાવી એનાથી સત્યેન શાહ થોડા ડિસ્ટર્બ થઈ ગયા હતા. એમણે એ બીના તાત્પૂરતી અવગણી અને બરાબર સાડા આઠે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર પહોંચી ગયા. કાંતિલાલ સવારના નાસ્તામાં હરહંમેશ બાજરાનો રોટલો અને તાજું માખણ આરોગતા હતા. ચાને બદલે તેઓ બદામ-પિસ્તાનું ઉકાળેલું ગરમ દૂધ જ પીતા. માખણ લગાડેલ રોટલાનો ટુકડો ચાવતાં ચાવતાં એમણે એમના સૌથી હોનહાર નાના દીકરા સત્યેનને કહ્યું,

સત્યેન, આમ મૂંગો મૂંગો ક્યાં સુધી બેસી રહીશ. તારે માથે માછલાં ધોવાય છે. લોકોમાં ઉટપટાંગ વાતો થાય છે. છાપાં મનફાવે તેમ લખે છે અને તું સાવ ચૂપચાપ બેસી રહ્યો છે! છાપાવાળાઓને મળવા પણ રાજી નથી. કોઈ મેસેજ પણ આપતો નથી. ફક્ત નો કમેન્ટ્સકહીને બધાને ટાળે છે. દીકરા, તારા આવા વર્તનથી, આ પ્રમાણે ચુપકીદી પાળવાથી હવે તો મને પણ એવું લાગવા માંડ્યું છે કે તારી સામેના આક્ષેપો સાચા તો નહીં હોય?’

બાપુજી, હું પણ સત્યેનને ક્યારની આ વાત જ સમજાવવાની કોશિશ કરું છું. મેં એને કેટલી વાર કીધું કે આ બધી સ્ત્રીઓ જુઠ્ઠી છે એવું જાહેર કરી દે, પણ સત્યેન માનતો જ નથી.સાવિત્રીએ સસરાને સપોર્ટ કરતાં જણાવ્યું.

હવે મંથન પણ દાદાના સપોર્ટમાં બોલ્યો ઃ

પપ્પા, પ્લીઝ… તમે સ્પષ્ટતા કરો. સાચું હોય તો એ કબૂલી લો. અમે તમને માફ કરી દઈશું અને જો ખોટું હોય…

મંથન, આ તું શું બોલે છે? સાચું હોય તો એટલે શું? તને તારા પપ્પા માટે શંકા છે? એ બાઈઓનાં જૂઠાણાં તને સાચાં લાગે છે?’ સાવિત્રીએ દીકરાને ખખડાવ્યો.

નો, નો મમ્મી, મને ખબર છે. પપ્પા આવું કરે જ નહીં, પણ તેઓ કેમ કંઈ બોલતા નથી? આ બધી સ્ત્રીઓ જુઠ્ઠી છે એવું કેમ કહેતા નથી?’

સત્યેન, આ તું જે રોજ રાત્રિના બે કલાક બેસીને ગાંધીજીની જેમ તારી રોજનીશી લખે છે એ જાહેર કરી દે ને. ન્યુ એરામાં હતો ત્યારથી તેં રોજનીશી લખવાનું શરૃ કર્યું છે. ચાર કબાટ ભરીને તારી ડાયરીઓ છે એમાં તેં રોજેરોજની વિગતો ટાંકી છે. તું કહે છે એ મુજબ તેં એમાં તારા જીવનના પ્રત્યેક દિવસ દરમિયાન જે કંઈ અગત્યની બીનાઓ બની હતી એ બધી જ સાચેસાચી ટપકાવી છે. તો પછી છતી કરી દે એ બધી ડાયરીઓ. દેખાડી દે દુનિયાને કે આ બધી બાઈઓ જુઠ્ઠી છે.સાવિત્રીને એના પતિની ખામોશી અકળાવતી હતી. રોજેરોજ સત્યેન વિરુદ્ધ છાપાંમાં આવતી બાતમીઓએ એને ગાંડી કરી મૂકી હતી.

મમ્મી, પપ્પા એ ડાયરીઓ જાણે કોઈ મોટું સિક્રેટ હોય એમ એકાંતમાં લખે છે. પછી એને લૉક ઍન્ડ કીમાં મૂકી દે છે. કોઈને એ વાંચવા સુદ્ધાં નથી દેતા. તો પછી એ જાહેર કેમ કરતાં કરશે?’

સત્યેન, તું એ ડાયરીઓ તારા મૃત્યુ બાદ જ વંચાય એવું ઇચ્છે છે? એમાં એવું તે શું લખ્યું છે?’ કાંતિલાલે એમના દીકરાને પ્રશ્ન કર્યો.

પપ્પા, મારી રોજનીશીમાં હું સત્ય અને સત્ય સિવાય કંઈ નથી લખતો. એટલે જ જો મારી ડાયરીઓ મારા જીવતા કોઈ વાંચે તો એમાં લખેલા સત્યને કારણે ઉલ્કાપાત મચી જશે.

ઉલ્કાપાત તો હમણા પણ મચી ગયો છે.અકળાયેલી સાવિત્રીએ જણાવ્યું.

હા, પણ એ ફક્ત મારા ઉપર કરવામાં આવેલા આક્ષેપોને કારણે મારા સુધી જ સીમિત છે. જો મારી ડાયરીઓ આજે કોઈ વાંચશે અને એ પ્રસિદ્ધ કરશે તો મારી જોડે સંકળાયેલી વ્યક્તિઓમાંની અનેકમાં હું અળખામણો અને અપ્રિય થઈ પડીશ. ઘણી બધી ગેરમાન્યતાઓ ઊભી થશે. ઘણા બધાના ભોપાળાઓ બહાર પડશે.

હા, હા, પણ પપ્પા, તમારી સામેના આક્ષેપો જૂઠાણા છે એની પણ લોકોને ખાતરી થશે ને. આ બધી સ્ત્રીઓ તમારી વિરુદ્ધ એલફેલ બોલવાનું બંધ કરશે. છાપાવાળાઓ ગમે તેમ ભરડી મારે છે તેઓ અટકી જશે.મંથનથી બોલ્યા વગર ન રહેવાયું.

અરે દીકરા, તારે તો આ બધી સ્ત્રીઓ સામે બદનક્ષીનો દાવો માંડવો જોઈએ.પિતા કાંતિલાલે પુત્ર સત્યેનને સલાહ આપી.

અને મને તો એ વાતની નવાઈ લાગે છે કે તું જે જે સંસ્થાઓ જોડે વર્ષોથી સંકળાયેલો છે, રાજકીય પાર્ટી માટે તેં જે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે, અરે તારી બધી કંપનીઓને ઊંચે લાવવામાં તેં જે જહેમત ઉઠાવી છે એ બધા લોકો પણ તને ઓળખતા હોવા છતાં તારી સામે કરવામાં આવેલા આક્ષેપો માની લે છે. ખરેખર માણસનું મન સારું ભૂલી જવામાં જેમ મોખરે હોય છે તેમ જ ખરાબને માની લેવામાં પણ મોખરે જ હોય છે.

પપ્પા…સત્યેન એમના ઉપર પિતા, પુત્ર તેમ જ પત્ની તરફથી જે સતત શિખામણો મળી રહી હતી એનો જવાબ આપવા કંઈ બોલે ત્યાં તો નિયમ પ્રમાણે કાંતિલાલનો મોબાઇલ રણક્યો. આફ્રિકાથી શશીકાંતનો ફોન હતો.

બોલ દીકરા, તારા ઝેબ્રા ને જિરાફ, વિલ્ડરબીસ્ટ ને હરણા અને બિગ ફાઈવ કેમ છે?’ કાંતિલાલે આફ્રિકાના જંગલમાં લૉજ ચલાવતા જ્યેષ્ઠ પુત્રને હરહંમેશના જેવો સવાલ કર્યો. બિગ ફાઈવ એટલે સિંહ, દીપડો, હાથી, ગેંડો અને જંગલી ભેંસ- આફ્રિકાનાં જંગલોમાં જોવા મળતાં પાંચ ખૂંખાર પ્રાણીઓ.

પપ્પા, આ હું શું સાંભળી રહ્યો છું?’ પિતાના પ્રશ્નને અવગણતા શશીકાંતે નાના ભાઈ સત્યેન માટે સાંભળેલી વાતો વિશે સવાલ કર્યો.

તું શું સાંભળી રહ્યો છે એની મને કેવી રીતે ખબર પડે. સિંહની ગર્જના હશે નહીં તો ચિત્તાના ઘૂરકિયા હશે.ગંભીર પ્રશ્નને હસવામાં ઉડાડી દેતાં કાંતિલાલે કહ્યું.

પપ્પા, મજાક છોડો. સત્યેન માટે છાપાઓમાં કેવું કેવું આવી રહ્યું છે.

દીકરા, તું તારા ભાઈને ઓળખે છે ને? એ બધી જ વાતો ખોટી છે.

Related Posts
1 of 34

પણ તો પછી ભાઈ કેમ કંઈ બોલતો નથી?’

શશીકાંત, અમે તારા ભાઈને અત્યારના એ જ સમજાવી રહ્યા હતા.

પપ્પા, આમાં તો મારી અને મારા સાસરિયાંઓની પણ આબરૃ જઈ રહી છે.  મારી લૉજમાં જે ગેસ્ટ આવે છે એ બધા સૌથી પહેલાં એ જ સવાલ કરે છે કે, ‘આ મિસ્ટર સત્યેન શાહ તમારા સગા બ્રધર છે?’

તું આમ આકળો ન થા. આ બધા આક્ષેપો ખોટા છે.

પણ તો સત્યેનને કહો કે એ જાહેર કરે કે એની સામે કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે. એ પાંચેય સ્ત્રીઓ સામે ડિફેમેશનના કેસ કરે.

ઓકે, ઓકે. હવે તું તારી વાત કર. તું કેમ છે? બિઝનેસ કેમ ચાલે છે?’

પપ્પા, વાત બદલો નહીં. સત્યેન સામેના આક્ષેપોથી હું ખૂબ હેરાન થયો છું. આ બધા આક્ષેપોનો તુરંત રદિયો આપવા સત્યેનને કહો.

હા, હા, કહીશ. તું અકળા નહીં. જો સાંભળ, આ વખતે જુલાઈ મહિનામાં ધ ગ્રેટ માઈગ્રેશન વખતે અમે બધાં ત્યાં આવવા ઇચ્છીએ છીએ. અમારા માટે બે સ્યૂટ રિઝર્વ રાખજે.

પપ્પા, તમે ટૉપિક બદલવામાં એક્સ્પર્ટ છો. સત્યેનને કહેજો આમ ચૂપ ન રહે. ચૂપ રહેવાથી લોકો એની સામેના આક્ષેપો સાચા છે એવું માની લે છે.

શશીકાંત પછી ઓક્સફર્ડથી જ્યોત્સ્ના અને ત્યાર બાદ ન્યુ જર્સીથી ભાનુમતીના ફોન પણ એમના પિતા ઉપર આવ્યા. બંને બહેને પણ એમના પિતાને એ જ ફરિયાદ કરી, જે શશીકાંતે કરી હતી.

પપ્પા, સાવિત્રી અને મંથન, તમે લોકો ફિકર નહીં કરો. હું જલદીથી ઘટતું કરીશ.અત્યંત ગંભીર બની જતાં સત્યેને ધરપત આપી. એ આખો દિવસ સત્યેન શાહે એમના વરલી સી ફેસ ઉપર આવેલ બંગલામાં એમણે ખાસ ઊભી કરેલી લાઇબ્રેરીમાં ગાળ્યો.

* * *

સત્યેન શાહે એ દિવસે એમની લાઇબ્રેરી, જેને એ રજાના દિવસે ઑફિસ તરીકે વાપરતા હતા એમાં એમની કંપનીઓના સેક્રેટરીઓ અને બિઝનેસ પાર્ટનરોને બોલાવ્યા. એ બધાને એ વારાફરતી બંધબારણે મળ્યા. કંપનીના સૉલિસિટર અને એમના પર્સનલ ફ્રેન્ડ મિસ્ટર જોશીને પણ એ દિવસે સત્યેન મળ્યા. એમની જોડે તો એમની મિટિંગ બહુ લાંબી ચાલી. બપોરનું લંચ પણ સત્યેને ન લીધું. સાંજના છેક છ વાગે એ એમની લાઇબ્રેરી કમ ઑફિસમાંથી બહાર નીકળ્યા અને પત્નીને કહ્યું ઃ

સાવિત્રી, ચાલ, સામે દરિયાકિનારે લટાર મારીએ. ઘણા વખતથી વરલી સી ફેસની પાળી ઉપર આપણે સાથે નથી ચાલ્યાં. ડૂબતો સૂરજ કેવો હોય છે એ મારે તને આજે દેખાડવું છે.એમના ઇવનિંગ વૉક દરમિયાન સત્યેને સાવિત્રીને જે જણાવ્યું એનાથી સાવિત્રી આભી બની ગઈ.

સત્યેન આવો હોઈ શકે? આવું કરી શકે?’

સાવિત્રીના માન્યામાં જ ન આવ્યું.

* * *

અચલા ઠાકોર રિપોર્ટરોના સર્કલમાં ટાઈગ્રેસતરીકે ઓળખાતી હતી. જો કોઈ રસપ્રદ વિષય એને હાથ લાગી જાય, કોઈનાં કાળાં કરતૂતોની એનેે જાણ થાય તો પછી તે એ વિષયની શોધખોળમાં ઊંડી ઊતરી જતી. જે વ્યક્તિએ કાળાં કરતૂતો કર્યાં હોય એની પાછળ એ વિફરેલી વાઘણની જેમ પડી જતી. એનાં બધાં જ કૃત્યો શોધી કાઢી, બહાર પાડીને જ એ જંપતી.

વાઘણની જેમ અચલા ફિયરલેસ હતી. કોઈનાથી ગભરાતી નહોતી. કોઈની શેહમાં તણાતી નહોતી. સત્યવક્તા જ નહીં, આખાબોલી પણ હતી. યુધિષ્ઠિરની જેમ નરો વા કુંજરો વાકહેવામાં એ માનતી નહોતી. એ સાચા ને સાચો ને જુઠ્ઠાને જુઠ્ઠો જ કહેતી. ભલભલા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો, ઍક્ટરો, સાધુ-સંતો અને રાજકારણીઓ એનાથી થરથરતા.

મિસિસ ઇન્ડિયાનું બિરુદ પામ્યાં બાદ મિસિસ મયૂરી મહેશકુમાર મહેતાએ સત્યેન શાહ સામે જાતીય શોષણનો આક્ષેપ કર્યો હતો ત્યારે થોડા દિવસો દરમિયાન અચલા ઇંગ્લેન્ડમાં હતી. એક મહત્ત્વના કૌભાંડનું પગેરું એને ત્યાં લઈ ગયું હતું, પણ ત્યાં જ એણે મયૂરીએ કરેલા આક્ષેપ વિશે વાંચ્યું અને એને આ કેસમાં રસ પડ્યો હતો. ભારત આવતાંવેંત જ અચલાએ સત્ય શું છે એ જાણવાના પ્રયત્નો આદરી દીધા હતા, પણ જેમ સત્યેને અટલને મળવાની ના પાડી હતી તેમ જ અચલાને પણ સત્યેનને મળવામાં નિષ્ફળતા સાંપડી હતી.

અચલાએ આથી એનું ધ્યાન મિસિસ મયૂરી મહેશકુમાર મહેતા ઉપર કેન્દ્રિત કર્યું હતું. એણે મયૂરી મિસ હતી એ સમય, એ પહેલાંનો સમય અને મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટની સંપૂર્ણ વિગતો અને ત્યાર બાદ મયૂરીની કારકિર્દી, એના મહેશકુમાર જોડેનાં લગ્ન આ સર્વેનો ઊંડેથી અભ્યાસ કરવા માંડ્યો હતો. આમ કરતાં એને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. હવે એણે યેનકેન પ્રકારેણ કોઈ પણ ભોગે સત્યેન શાહને મળવાનો નિશ્ચય કર્યો હતો. એ જાંબાઝ પત્રકારે મનમાં એવું નક્કી કરી લીધું હતું કે જો સત્યેન શાહ એને સીધી રીતે એમની માતાનું નામ ધરાવતા મધુરિમાબંગલાના દરવાજામાંથી એન્ટ્રી નહીં આપે તો એ એની બારી તોડીને પણ પ્રવેશ મેળવી લેશે અને સત્યેન શાહની સામે જઈને ઊભી રહી જશે. એણે મેળવેલી બધી બાતમીઓ સત્યેન શાહ પાસે રજૂ કરીને એના વિશે બધા ખુલાસાઓ મેળવશે.

અચલાને પણ અચાનક રવિવારે બપોરના સત્યેન શાહનો ફોન આવ્યો. અનેક વાર જેણે એનો ફોન રિસીવ પણ નહોતો કર્યો, એણે સામેથી ફોન કરતા અચલાને એનું કારણ સમજાઈ ગયું.

હલ્લો, મને લાગે છે કે મારી અમેચ્યૉર્સ રાઇડિંગ સ્કૂલની મુલાકાતે તમને ચોંકાવી દીધા છે.અચલાએ ધારી લીધું કે એણે અમેચ્યૉર્સ રાઇડિંગ સ્કૂલની સેક્રેટરી પાસેથી જે બાતમીઓ અને ફોટો મેળવ્યો હતો એને કારણે જ સત્યેન શાહે ફોન કર્યો હતો.

મિસ અચલા ઠાકોર, તમે મારો ઇન્ટરવ્યૂ કરવા માગતાં હતાં ને?’

યસ.

તો કાલે સવારના દસ વાગે મારી ઑફિસમાં આવજો.

અચલા કંઈ જવાબ આપે એ પહેલાં સત્યેન શાહે એમના મોબાઇલ ઉપરનો સંપર્ક કટ કરી નાખ્યો.

જે માણસ વારંવાર નો કમેન્ટ્સકહીને એની વિરુદ્ધ પાંચ-પાંચ સ્ત્રીઓએ કરેલા અતિ ગંભીર જાતીય શોષણના આરોપો વિશે કંઈ પણ કહેવા ઇચ્છતો નહોતો, એ સ્ત્રીઓના આક્ષેપો સાચા છે કે ખોટા એ જણાવવા ઇચ્છતો નહોતો, જેણે મોબાઇલ ઉપર વારંવાર કૉન્ટેક્ટ કરવા છતાં એકેય વાર કૉલ રિસીવ કર્યો નહોતો, જેની ઑફિસે    અનેક વાર સત્યેન શાહ કોઈ રિપોર્ટરોને મળવા નથી ઇચ્છતાએવું જણાવ્યું હતું, એ માણસે આમ અચાનક સામેથી ફોન કરીને ઇન્ટરવ્યૂ માટેનો સમય આપ્યો એટલે એ ફ્રીલાન્સર રિપોર્ટર અચલા ઠાકોરને નવાઈ લાગી. જરૃરથી મેં એનો અમેચ્યૉર્સ રાઇડિંગ સ્કૂલમાંથી ત્યાંની સેક્રેટરીને આલિંગન આપતો ફોટો મેળવ્યો છે એને લગતો ખુલાસો કરવા સત્યેન શાહે મને બોલાવી હશેરિપોર્ટર અચલા ઠાકોરે માની લીધું.

અચલા ઠાકોરની એ માન્યતા સાંજના પ્રેસ ક્લબના બારમાં એને મળેલ ધર્મેશ પંડ્યા, રાજેશ શાહ, ડેનિયલ ફર્નાન્ડિસ, પવન મિશ્રા, મદનસિંહ તેમ જ જુદાં જુદાં અખબારો અને મૅગેઝિનોના બીજા રિપોર્ટરોએ ખોટી પાડી. સત્યેન શાહે સોમવારે સવારના દસ વાગે મુંબઈનાં બધાં જ અખબારો અને મૅગેઝિનોના રિપોર્ટરોને પોતાની ઑફિસમાં બોલાવ્યા હતા.

* * *

ઑલિમ્પિક્સમાં યોજાતી સ્વિમિંગ કૉમ્પિટિશનની તૈયારી માટે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે મને ખાસ સગવડ કરી આપી હતી. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો જે ઑલિમ્પિક્સ સાઈઝનો સ્વિમિંગ પુલ છે એનો સમય સવારના ૬થી બપોરના ૧૨ અને સાંજના ૪થી ૭ સુધીનો હોય છે. બાકીના કલાકોમાં એ સ્વિમિંગ પુલ વપરાયા વગરનો ખાલી હોય છે. કોર્પોરેશને મને બપોરના ૧થી ૪ ચાર તેમ જ સાંજના ૭ઃ૩૦થી ૯ઃ૩૦ દરમિયાન એ સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરવાની સગવડ કરી આપી. એ સમય દરમિયાન સ્વિમિંગ પુલમાં મારા સિવાય બીજી કોઈ જ વ્યક્તિને પ્રવેશવા દેવામાં ન આવે, જેથી હું નિર્વિઘ્ને કૉમ્પિટિશન માટે પ્રેક્ટિસ કરી શકું, આવી ખાસ સગવડ કરી આપવામાં આવી હતી.

એક સાંજના લગભગ ૭ઃ૪૦ કલાકે કપડાં બદલી સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરીને હું સ્વિમિંગ પુલમાં ઊતરી. હું હંમેશાં શરૃઆતમાં છીછરા પાણીમાં આમતેમ હાથ હલાવી દસેક મિનિટ ચાલુ છું, જેથી વૉર્મઅપ થઈ જવાય. પછી હોજમાં ફ્રી સ્ટાઈલ તેમ જ બ્રેસ્ટસ્ટ્રોક એમ વારાફરતી બે રીતે રાઉન્ડ મારું છું. હોજમાં ઊતર્યાને મને પાંચેક મિનિટ થઈ હશે. અચાનક પાછળથી કોઈએ એના બંને હાથ વડે મારો ખભો પકડ્યો. પછી ધીરેથી કહ્યું, ‘ગભરા નહીં, હું તારો ઇન્સ્ટ્રક્ટર છું.મારો કોઈ ઇન્સ્ટ્રક્ટર ન હતો. મને એની જરૃર પણ ન હતી. મેં કોઈ ઇન્સ્ટ્રક્ટરની માગણી કરી નહોતી. આથી મને નવાઈ લાગી. મેં ડોકું ફેરવ્યું. જોયું તો કોઈ અજાણ્યો ચાલીસેક વર્ષની ઉંમરનો પુરુષ હતો. મારી તરફ એણે સ્મિત કરીને કહ્યું,

એકલા એકલા પ્રેક્ટિસ કરવાની શું મજા આવે? એટલે જ હું તને કંપની આપવા આવ્યો છું.આટલું બોલીને એના બે હાથના પંજા જે મારા ખભા ઉપર મૂક્યા હતા ત્યાંથી સરકાવીને મારા વક્ષસ્થળ ઉપર લઈ ગયો. પછી બંને પંજા જોરથી દબાવ્યા. મારા શરીરને એના શરીર જોડે પાછળથી બળપૂર્વક ભીંસી દીધું.

તમે કોણ છો? મારે કોઈ ઇન્સ્ટ્રક્ટરની જરૃર નથી. આવું વર્તન કરતાં શરમ નથી આવતી?’ આમ કહી મેં મારા પગ વડે એ પુરુષને ઊંધી લાત મારી. જોર કરીને હું એની પકડમાંથી છૂટી થઈ. એ પુરુષ નફ્ફટની જેમ હસવા લાગ્યો. એણે મને કહ્યુંઃ

છટકીને આમ તું ક્યાં જશે? હું પણ તારી જેમ એક અચ્છો તરવૈયો છું. તરતાં તરતાં તું ગમે તેટલી દૂર જશે હું તને પકડી પાડીશ. અહીં બીજું કોઈ નથી. મારી તારી સાથેની રમતમાં કોઈ ભંગાણ પડાવી નહીં શકે.

નાલાયક, શરમ નથી આવતી. મારા બાપની ઉંમરનો તું છે અને તું છે કોણ?’

મને નહીં ઓળખ્યો. અરે ઇન્ડિયાની ઑલિમ્પિક્સ કમિટીનો હું ચૅરમેન છું. મારા કહેવાથી તો તને આ બધી સગવડો આપવામાં આવી છે. જો અકળામણ છોડ. આપણે બંને પાણીમાં ગેલગમ્મત કરશું. મને પણ મજા પડશે, તને પણ મજા પડશે અને જો તું મને મજા કરાવશે તો તને જે પણ કંઈ વધારાની સગવડો જોઈતી હશે એ હું અપાવીશ.

નફ્ફટ, નાલાયક, નીચ… મેં એ વ્યક્તિને ભાંડવાનું શરૃ કર્યું. એટલામાં એ તરતો તરતો મારી નજીક આવી પહોંચ્યો. અમારી વચ્ચે પછી પાણીમાં જ બાથમબાથ શરૃ થઈ. એનું બળ મારા કરતાં ઘણુ વિશેષ હતું. અંતે એ નાલાયકે એનો બદઈરાદો પૂરો જ કર્યો. મારા કૌમાર્યનું એ સાંજના એણે ખંડન કર્યું.

એ સમયે હું બાલ્યાવસ્થામાંથી યુવાનીમાં પગરણ માંડી રહી હતી. સેક્સ વિશે મને કંઈ પણ જાણકારી નહોતી. હું તો બસ, ઑલિમ્પિક્સની હરીફાઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા દિવસ-રાત પ્રેક્ટિસ કરતી હતી. મારી નાદાનીનો ભારતીય ઑલિમ્પિક્સ કમિટીના ચૅરમેને લાભ લીધો. ૧૭મા વર્ષે મારા શિયળનો એણે ભંગ કર્યો.

એ નરાધમ બીજો કોઈ નહીં, સત્યેન શાહ હતો.

અંગ્રેજી અખબાર ગુડ આફ્ટરનૂનના રવિવારના ઇશ્યૂમાં સ્વિમિંગ ચેમ્પિયન, ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર, ભારતનું નામ ઊજળું કરનાર સુઝન સેલવમનો ચીફ રિપોર્ટર ડેનિયલ ફર્નાન્ડિસે કરેલ ઇન્ટરવ્યૂ અટલે વાંચ્યો.

એ પહેલાં એણે અભિનેત્રી મહેક મોમિન, વખણાયેલી નવલકથાઓ લખનાર સક્સેસફુલ રાઇટર રંજના સેન તેમ જ સમાજસેવિકા રમણી લચ્છુ અદનાનીના પણ અન્ય અખબારોમાં પ્રસિદ્ધ થયેલા રાજેશ શાહ, પવન મિશ્રા અને મદનસિંહે લીધેલા ઇન્ટરવ્યૂ વાંચ્યા હતા. વારંવાર એ ચારેય ઇન્ટરવ્યૂ વાંચતાં અટલનો સત્યેન શાહ પ્રત્યે જે પક્ષપાત હતો એ ઓસરવા લાગ્યો.

શું ખરેખર સત્યેન શાહ આવો હલકટ, નીચ અને કામવાસના ધરાવતો પુરુષ હશે? શું આ ચારેય સ્ત્રીઓ જેઓ વર્ષો પહેલાં એમનું સત્યેન શાહે જાતીય શોષણ કર્યું હતું એવા આક્ષેપો કરે છે અને એ ઘટનાઓનું એમના ઇન્ટરવ્યૂમાં તાદૃશ્ય વર્ણન પણ કરે છે, એ બધું સત્ય હશે?

સાઉદી અરેબિયામાં શહેરના ચોકમાં વચ્ચોવચ આવેલા થાંભલા ઉપર ગુનેગારને બાંધીને લોકો પથરાઓ મારી મારીને એના જીવનનો અંત આણે છે. આ બધી સ્ત્રીઓએ એમના ઇન્ટરવ્યૂમાં જે જે જણાવ્યું છે એ બધું સાચ્ચું હોય તો એવી જ સજા સત્યેન શાહને કરવી જોઈએ આવો વિચાર અટલને સ્પર્શી ગયો. બીજી જ ક્ષણે અટલને થયેલા જાતઅનુભવ પરથી એના મને આ સ્ત્રીઓએ એમના ઇન્ટરવ્યૂમાં જે ઘટનાઓ વર્ણવી હતી એ સાચી હોવાની ના પાડી.

અટલને મૂંઝવતો મુખ્ય સવાલ એ જ હતો, ‘જો આવાં કૃત્ય સત્યેન શાહે ખરેખર આચર્યાં હોય તો પછી શા માટે આ ચારેય સ્ત્રીઓ અને પેલી, સૌપ્રથમ આક્ષેપ કરનાર મયૂરીએ પણ વર્ષો સુધી સત્યેન શાહ વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો? શા માટે? શા માટે? શા માટે? આ પાંચેય સ્ત્રીઓએ આવાં ઘોર કૃત્યો માટે વર્ષો સુધી મૌન સેવ્યું હતું?

શા માટે આજે અચાનક એ સૌએ સત્યેન શાહ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ સામે એક પછી એક સામટા આક્ષેપો કર્યા હતા? દિવસોથી મૂંઝવતો બીજો પ્રશ્ન પણ અટલના મનમાં ફરી પાછો ઊભો થયો.

શા માટે સત્યેન શાહે એની વિરુદ્ધ કરવામાં આવેલા પાંચ પાંચ સ્ત્રીઓના આક્ષેપો જો ખોટા હોય તો એ બદલ અત્યાર સુધી એક પણ હરફ ઉચ્ચાર્યો નથી?’

અટલે મનોમન વિચાર કર્યો. જે કંઈ પણ હશે એનો ખુલાસો આવતીકાલે સવારના દસ વાગ્યે મળી જશે. અટલને જાણ નહોતી કે સત્યેન શાહે સોમવારે સવારના દસ વાગે એમની ઑફિસમાં ફક્ત અટલને જ નહીં, પણ મુંબઈ શહેરનાં બધાં જ અખબારોના રિપોર્ટરોને બોલાવ્યા હતા.

સત્યેન શાહે સોમવારે સવારના એમની ઑફિસમાં પ્રેસ કૉન્ફરન્સ બોલાવી હતી!

(ક્રમશઃ)
—————————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »