તમારા માટે, તમારી સાથે, સતત…

બિઝનેસમેન તરીકે મુંબઈમાં નામના કાઢી

બિઝનેસમાં ખૂબ જ આગળ વધી નામના મેળવ્યા બાદ સત્યેને સમાજ કલ્યાણમાં રસ લેવા માંડ્યો

0 253

સત્-અસત્ ( નવલકથા પ્રકરણ –  4 )
લે. – સંગિતા સુધીર

( વહી ગયેલા વાર્તાનો સાર )

સત્યેન શાહે જોતજોતામાં ઈમાનદાર
પ્રેસ ક્લબમાં ડેનિયલે કરેલા કથને અટલને સત્યેન શાહ નિર્દાેષ હશે અને મહિલાઓએ કરેલા આક્ષેપો પાછળ કોઈ ભેદ હશે તેવું વિચારતો કરી મૂક્યો. બીજી તરફ મિસિસ મયૂરીનો ઇન્ટરવ્યૂ લેનાર ધર્મેશે તે સાચું બોલતી હોવાની વાત પર ભાર મૂકી સત્યેન શાહ જ લંપટ હોવાનો પુનરોચ્ચાર કર્યાે. ડેનિયલે પણ અમેરિકામાં બનેલા આ પ્રકારના કિસ્સાઓને ટાંકીને ધર્મેશના કથનને સમર્થન આપ્યું. મદને પણ બોલિવૂડમાં આવું જ ચાલતું હોવાનો અભિપ્રાય આપ્યો, પરંતુ અટલ તો પ્રસિદ્ધિ મેળવવા મહિલાઓ સેલિબ્રિટી પુરુષો સામે આક્ષેપો કરતી હોવાની પોતાની વાતને વળગી રહ્યો. સત્યેન શાહ સામે કોઈ ભયંકર કાવતરું ઘડી રહ્યું હોવાની તેણે શંકા વ્યક્ત કરી. આ દરમિયાન સુરતની એક કૉફી શોપમાં બેઠેલી બે વ્યક્તિએ સત્યેન શાહ વિશે ચર્ચા કરી. એક વ્યક્તિએ બીજી વ્યક્તિને બે મોટી સૂટકેસ આપી અને બાકીના પૈસા કામ પત્યા પછી મળી જશે તેમ જણાવ્યું. અજાણી વ્યક્તિએ સલીમને કામ થઈ જશે તેમ જણાવી પૈસા તૈયાર રાખવા જણાવ્યું. આ બધા ઘટનાક્રમમાં સત્યેન શાહનો ઉજળો અતીત જાણે ફરી પ્રગટ થયો. કાંતિલાલ જગજીવનદાસ શાહ મુંબઈના વૈભવી કુટુંબના જ્યેષ્ઠ પુત્ર હતા. સ્ટેટ બ્રોકરના બિઝનેસ ઉપરાંત કાપડની મિલમાં, કન્સ્ટ્રક્શન બિઝનેસમાં, લાકડાની વખારમાં, દવાની તેમજ ઝવેરાતની દુકાનમાં ભાગીદારી ઉપરાંત નાણા ધીરવાનો બિઝનેસ પણ કરતા હતા. આ સાથે બીપીટીના દસ ગંજાવર ગોડાઉનોના ભાડૂત હતા. કાંતિલાલની પાંચેય આંગળીઓ ઘીમાં હતી. કાંતિલાલના ચાર પૈકી ત્રણ સંતાન શશીકાંત, ભાનુમતી અને જ્યોત્સના મોડર્ન સ્કૂલમાં ભણતાં હતાં. સ્કૂલના પ્રિન્સિપાલ ત્રણેયના તોફાનોથી ત્રાસેલા હતા. આથી તેમણે કાંતિલાલના સૌથી નાના પુત્ર સત્યેનને ઍડ્મિશન આપવાનો ઇનકાર કરતાં નારાજ થયેલા કાંતિલાલ પુત્ર શશીકાંત પર ભડક્યા, પરંતુ બંને નાની બહેનોએ મોટા ભાઈ શશીકાંતનું ઉપરાણુ લીધું. ત્રણે સંતાનોથી થાકેલા કાંતિલાલે ઘણા પ્રયાસો બાદ સત્યેનને ન્યુ એરા સ્કૂલમાં ઍડ્મિશન અપાવ્યું. એક જ અઠવાડિયામાં સત્યેન ક્લાસનાં બધાં બાળકોનો પ્રિય અને શિક્ષકોનો વહાલો થઈ ગયો. ન્યુ એરા જેવી સ્કૂલમાં સત્યેનની પ્રતિભા ઓર ખીલી. એસએસસીમાં તે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. સત્યેને પ્રતિષ્ઠિત કોમર્સ કૉલેજમાં પ્રવેશ લઈ એમ.કોમ.ની સાથે લૉ કર્યું. બીજી તરફ શશીકાંત મોટો થયા બાદ પણ ન સુધર્યાે. ક્રિકેટના સટ્ટામાં તેણે મોટી રકમ ગુમાવી. તો બંને બહેનોએ પણ અભ્યાસ અધૂર્યાે છોડી દીધો. ત્રણેય સંતાનોથી ત્રાસેલા કાંતિલાલે તેમને પરણાવી દીધાં. શશીકાંતનાં લગ્ન નાઇરોબીમાં ઉછરેલી હસુમતી સાથે કરાવ્યાં અને તે સીધોદોર થઈ ગયો. તેણે સસરા મદનલાલનો કેન્યામાં આવેલો રિસોર્ટ સંભાળી લીધો. પંકજ પટેલને પરણેલી ભાનુમતીએ ન્યુજર્સીમાં પતિની મોટેલ સંભાળી લીધી. જ્યોત્સના ઓક્સફર્ડના પ્રોફેસર જયવદન સાથે લગ્ન કરી ઇંગ્લેન્ડમાં સ્થાયી થઈ ગઈ. આ તરફ સત્યેને કાંતિલાલનો બિઝનેસ વિસ્તાર્યાે. તેણે ઈમાનદાર બિઝનેસમેન તરીકે નામના કાઢી. મુંબઈના બિઝનેસમેન જમનાદાસની પુત્રી સાવિત્રી સાથે તેનાં લગ્ન થયાં.

હવે આગળ વાંચો…

સત…સાવિત્રી એના પતિને એકાંતમાં ટૂંકાક્ષરે સતકહીને સંબોધતી હતી.

શું છે? આજે સવારના આટલી વહેલી, હજુ તો મારી આંખ ખૂલે એ પહેલાં જ તો તું નાહીને તૈયાર થઈ ગઈ છે. આ આટલી મોંઘી સાડી અને ઘરેણા! આજે છે શું?’

ભૂલી ગયો? આજે આપણા લગ્નને બરાબર એક વર્ષ પૂરું થયું છે.

ઓહ! એટલે અમારાં મૅડમે શણગાર કર્યો છે!

તે કરું જ ને? લગ્નની પહેલી વર્ષગાંઠ છે, પણ મારા વરને તો એ યાદ જ નથી.

તે યાદ કરાવને?’

કરાવ્યું તો ખરું.

ના. એમ નહીં.

તો કેવી રીતે?’

જો આમ.આટલું બોલીને સત્યેને સાવિત્રીનો હાથ પકડીને એને પોતાના તરફ ખેંચી. અચાનક આવી રીતે ખેંચાતાં સાવિત્રીએ સમતોલપણુ ખોયું. એ સત્યેનની ઉપર ઢળી પડી. સત્યેને ક્ષણનો પણ વિલંબ ન કરતાં એના હોઠ સાવિત્રીના હોઠ ઉપર ચાંપી દીધા. પત્નીને એક લાંબું ચુંબન આપ્યું. સાવિત્રીએ સત્યેનની આ ચેષ્ટાનો બિલકુલ વિરોધ ન કર્યો. સત્યેનનું ચુંબન પૂરું થયું એટલે સાવિત્રી બોલી ઃ

બીજી વાર યાદ કરાવું?’ પત્નીના પ્રશ્નનો ભાવાર્થ સમજી જતાં સત્યેને હવે એની પત્નીને બાથમાં ભરી લીધી. એ પછી એ પતિ-પત્ની એમનાં લગ્નને એ દિવસે એક વર્ષ પૂરું થયું છે એની યાદ લાંબો સમય સુધી એકબીજાને અપાવતાં રહ્યાં.

* * *

સત્યેન અને સાવિત્રીની જોડી સ્વર્ગમાં ઘડાઈ હતી. એ બંનેનાં મન અને વિચારો એકમેકમાં ભળી ગયાં હતાં. તેઓ એકમેકને અનહદ ચાહતાં હતાં. એના ફળસ્વરૃપે સાવિત્રીએ લગ્નના બીજા વર્ષે જ મંથનને જન્મ આપ્યો હતો. સાવિત્રી બાહોશ, સંસ્કારી અને ઘરરખ્ખુ યુવતી હતી. સત્યેન ઉપર સાવિત્રીને અનહદ વિશ્વાસ હતો. પતિના દરેક કાર્યમાં એ ખભેખભો મિલાવીને સાથ આપતી હતી.

બિઝનેસમાં ખૂબ જ આગળ વધી નામના મેળવ્યા બાદ સત્યેને સમાજ કલ્યાણમાં રસ લેવા માંડ્યો. જુદી-જુદી એનજીઓ તેમ જ સામાજિક સંસ્થાઓમાં આગળ પડતો ભાગ લેવા માંડ્યો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું રોકાણ કરતો હોવાને કારણે સત્યેનના બોલિવૂડના ટોચના ઍક્ટરો, ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો જોડે સંબંધ ખૂબ જ ગાઢ હતા. ફિલ્મનો કોઈ પણ પ્રીમિયર શૉ એવો નહોતો જેમાં સત્યેનની હાજરી ન હોય. રાજકારણીઓમાં પણ સત્યેન ખૂબ જ જાણીતો હતો. રાજ્યકક્ષાના જ નહીંં, પણ કેન્દ્રના મિનિસ્ટર્સ જોડે પણ સત્યેનને ઘરોબો હતો. સાહિત્યમાં પણ બિઝનેસ જેટલો જ સત્યેનને રસ હતો. જાણીતા લેખકો અને કવિઓ જોડે એને ઘરોબો હતો. મુંબઈની સૌથી મોટી પ્રકાશન કંપનીમાં એણે સારું એવું રોકાણ કર્યું હોવાથી પણ લેખકો સત્યેન જોડે સંબંધો જાળવવા પડાપડી કરતા હતા. ટૂંકમાં, સત્યેન ઑલરાઉન્ડર હતો, બિઝનેસમૅન હતો, સમાજસેવક હતો, સામાજિક સંસ્થાઓમાં મોભાનું પદ ધરાવતો હતો અને રાજકારણીઓ જોડે એની ઊઠક-બેઠક હતી. દરેક ક્ષેત્રમાં એની વગ હતી.

* * *

ચારેય સંતાન આમ ઠેકાણે પડી જતાં કાંતિલાલે નિરાંતનો શ્વાસ લીધો હતો. ધીરેધીરે બધો જ કારભાર એમણે એમના માનીતા, મુંબઈમાં જ એમની જોડે રહેતા પુત્ર સત્યેનને સોંપીને એમનું ધ્યાન ધર્મમાં અને એમના પુત્ર સત્યેન જેટલા જ સંસ્કારી, સભ્ય, હોશિયાર અને વ્હાલ ઊપજે એવા પૌત્ર મંથનમાં પરોવ્યું હતું. ૭૦-૭૫ની વયે એક ખાધે-પીધે અત્યંત સુખી વિધુર પુરુષ બીજું કરે પણ શું?

* * *

મિસિસ મયૂરી મહેશકુમાર મહેતાએ મિસિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં કરેલા ધડાકાએ અને ત્યાર બાદ બીજી ચાર-ચાર સ્ત્રીએ પણ સત્યેન સામે કરેલા આક્ષેપોને કારણે કાંતિલાલના નિવૃત્ત શાંત જીવનમાં ખળભળાટ મચાવી મૂક્યો હતો. શશીકાંત સામે આવા કોઈ આક્ષેપો કરે તો તેઓ એ માની લે, પણ સત્યેન સામે કોઈ આવા આક્ષેપો કરે એ એમના માન્યામાં જ આવતું નહોતું.

નક્કી કોઈ વ્યાપારી સ્પર્ધક કે રાજકારણીનું આ કાવતરું હોવું જોઈએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ કોઈએ આવું કાવતરું રચ્યું હોવું જોઈએ. મારો પુત્ર સત્યેન આવાં કોઈ દુષ્કૃત્ય આચરે જ નહીં. આ બધી જ સ્ત્રીઓ ઉપજાવી કાઢેલી, બનાવટી, જુઠ્ઠી વાતો કરી રહી છે.

કાંતિલાલનું આવું દૃઢપણે માનવું હતું.

સત્યેન ચુપકીદી કેમ સેવે છે? શા માટે એણે રિપોર્ટરોને નો કમેન્ટ્સએવું કહ્યું?’  આ પ્રશ્નોએ કાંતિલાલની મનની શાંતિ છીનવી લીધી હતી. રાત્રિની ઊંઘ ઉડાડી દીધી હતી. વારંવાર તેઓ પોતાની જાતને પ્રશ્નો કરતા હતા ઃ

મારો સત્યેન શું આવું કરી શકે?’

વારંવાર તેઓ પોતાની જાતને પોતે જ જવાબ આપતા હતા ઃ

અસંભવ. સત્યેન આવું કરે જ નહીં.

આમ છતાં કાંતિલાલનું મન શંકાથી પર તો નહોતું જ.

માણસ માત્ર ભૂલને પાત્ર. કદાચ મારા સત્યેનથી આવી ભૂલો થઈ તો નહીં ગઈ હોય ને? વિશ્વામિત્ર પણ મેનકા આગળ ચળી ગયા હતા. મિસ ઇન્ડિયા, જાણીતી ઍક્ટ્રેસ, સ્વિમિંગ ચૅમ્પિયન, પ્રખ્યાત લેખિકા તેમ જ સમાજસેવિકા, આ બધી યુવાન, ચંચળ અને સ્વરૃપવાન સ્ત્રીઓ પાસે મારો સત્યેન ચળી તો નહીં ગયો હોય?’

કાંતિલાલ કોઈ પાક્કા નિર્ણય પર આવી શકતા નહોતા.

* * *

મંથન પણ પિતા વિરુદ્ધ થયેલા આક્ષેપોથી ડઘાઈ ગયો હતો. એને તો વિશ્વાસ હતો કે એના પિતાએ આવાં કૃત્યો આચર્યાં જ ન હોય. આમ છતાં એના મિત્રોના ટોણા-મહેણાએ એને વિચાર કરતો કરી મૂક્યો હતો.

સત, પાંચ પાંચ સ્ત્રીઓએ તને બદનામ કર્યો છે. આટલા બધા ખોટા આક્ષેપો કર્યા છે તોય તું શાંત કેમ બેઠો છે?’

સત્યેનની શાંતતા સાવિત્રીને પણ અકળાવતી હતી. પતિ ઉપર સાવિત્રીને સંપૂર્ણ વિશ્વાસ હતો. એના સસરાની જેમ એને પણ એવું જ લાગતું હતું કે નક્કી કોઈ કાવતરું સત્યેન વિરુદ્ધ ઘડાયું હતું. એ કારણે જ સત્યેન શાહે અમારું જાતીય શોષણ કર્યું છેએવા આક્ષેપો એક સામટી પાંચ સ્ત્રીઓએ કર્યા હતા. સત્યેન આવાં કૃત્યો કરે જ નહીંં. આમ છતાં પતિની ખામોશી સાવિત્રીને મૂંઝવતી હતી. શા માટે સત્યેન મારી સામે કરવામાં આવેલા આ બધા આક્ષેપો સાવ ખોટા છેએવું નથી કહેતો? શા માટે સત્યેન એ દરેકેદરેક સ્ત્રીને તું ખોટી છે, તું જે કંઈ કહે છે એ બધું જુઠાણુ છે એવું નથી કહેતો? શા માટે સત્યેને ભરી સભામાં રિપોર્ટરોને નો કમેન્ટ્સ કહ્યું? શા માટે એણે આ બધી વાતો વાહિયાત છે, મારા ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે, મિસિસ મહેતા મારી ઉપર જુઠ્ઠો આરોપ મૂકીને પ્રસિદ્ધિ મેળવવા ચાહે છે એવું તુરંત જ મિસિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટમાં સૌને ન જણાવ્યું? શા માટે સત્યેન રિપોર્ટર અટલ, જે સત્ય હકીકત જાણવા દિવસોથી એની મુલાકાત લેવા ચાહે છે એને સતત ટાળે છે?

આ સર્વે પ્રશ્નોએ સાવિત્રીના મનમાં ઉલ્કાપાત મચાવ્યો હતો. છેવટે એણે સત્યેનને પૂછી જ નાખ્યું ઃ

સત, પાંચ પાંચ સ્ત્રીઓએ તને બદનામ કર્યો છે. આટલા બધા ખોટા આક્ષેપો કર્યા છે તોય તું શાંત કેમ બેઠો છે? એવું તો નથી ને કે મિસિસ મહેતા અને એની સાથે સાથે બીજી ચાર સ્ત્રીઓએ તારા માટે જે કંઈ કહ્યું છે એ સાચું છે?’

સત્યેન સાવિત્રીની શંકા દૂર કરવા કંઈ બોલે એ પહેલાં જ એનો મોબાઇલ રણક્યો. અટલનો જ ફોન હતો. આગલા દિવસે પ્રેસ ક્લબમાં જે ચર્ચાઓ થઈ હતી અને ધર્મેશે એનો જે નિર્ણય જણાવ્યો હતો ત્યાર બાદ અટલ સત્ય હકીકત જાણવા બેબાકળો બની ગયો હતો. અટલનો સત્યેનને આજનો આ બારમો કૉલ હતો.

હલ્લો…..

અટલ આશ્ચર્ય પામી ગયો. એનો કૉલ સત્યેન રિસીવ કરશે એવી એને આશા જ નહોતી.

મિસ્ટર સત્યેન શાહ, હું રિપોર્ટર અટલ વાત કરું છું.

મને ખબર છે. બોલો, શું કામ છે?’

મારે આપને મળવું છે.

શા માટે?’

આપની વિરુદ્ધ જાહેરમાં જેને બદનક્ષી કહી શકાય એવા સ્ટેટમેન્ટ્સ મિસિસ મહેતાએ બ્યુટી કૉન્ટેસ્ટ દરમિયાન કર્યાં.

હા, તો…

એનું શું છે?’

મારે સત્ય શું છે એ જાણવું છે.

મેં એ સમયે જ બધા જ રિપોર્ટરોને, જેમાં તમે પણ હતા કહ્યું હતું ને કે નો કમેન્ટ્સ.

હા, અને ત્યાર બાદ અભિનેત્રી મહેક મોમિન, સ્વિમર સુઝન સેલવમ, લેખિકા રંજના સેન અને સમાજસેવિકા રમણી લચ્છુ અદનાની આ સર્વેએ પણ તમારી સામે માનવામાં ન આવે એવા આક્ષેપો કર્યા છે.

ધીસ ઈઝ અ ફ્રી કન્ટ્રી. આપણા દેશમાં વાણીસ્વાતંત્ર્ય છે. જેને જેમ બોલવું હોય એમ બોલવાની છૂટ છે.

હા, પણ વાણીસ્વાતંત્ર્યનો અર્થ એવો નથી થતો કે તમે તમારી વાણી દ્વારા કોઈ પ્રતિષ્ઠિત માણસની વગોવણી કરી શકો.

વગોવણી પ્રતિષ્ઠિત માણસોની જ થઈ શકે. સામાન્ય માનવીઓ વિરુદ્ધ આવા આક્ષેપો કોઈ કરતું નથી.

Related Posts
1 of 34

યસ, યસ, મિસ્ટર સત્યેન શાહ, તમે પ્રતિષ્ઠિત તો છો જ, પણ ચારિત્ર્યવાન પણ છો. સંસ્કારી છો. પરિણીત છો. એક પુખ્ત વયના પુત્રના પિતા છો અને એટલે જ મારે જાણવું છે કે સત્ય શું છે?’

એ જાણીને શું કરશો?’

સત્ય હકીકત જાહેર કરીશ.

અને સત્ય જો એ સ્ત્રીઓએ જે કહ્યું છે એ હોય તો?’

મારું દિલ અને દિમાગ બંને કહે છે કે એ સ્ત્રીઓએ એક પછી એક તમારી ઉપર કોઈ ખાસ કારણસર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો પાછળ મને કોઈ ભયંકર કાવતરું લાગે છે. એટલે જ મારે સત્ય હકીકત જાણવી છે. તમે આજે સમાજમાં એવું સ્થાન ધરાવો છો કે સત્ય શું છે એ સમાજને જણાવવું ખૂબ જ જરૃરી છે. નહીં તો સમાજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો વિશ્વાસ નહીં કરે.

પણ જો મારી વિરુદ્ધના આક્ષેપો સાચા હોય તો?’

સમાજને એ પણ જાણવાનો હક છે. જો તમારી વિરુદ્ધના આક્ષેપો સાચા હોય તો સમાજે એ જાણીને તમારા જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી ચેતી જવું જોઈએ, પણ હું એ આક્ષેપો સાચા છે એ વાત માનવા જ તૈયાર નથી. તમે કોઈ ચોક્કસ કારણસર આવાં જુઠાણાંને રદિયો નથી આપ્યો. એ શું કારણ છે? તમે શું છુપાવો છો? આ બધું મારે જાણવું અને જાહેર કરવું ખૂબ જ જરૃરી છે. મારે તમને એટલા માટે જ મળવું છે. સત શું છે? અસત શું છે? એ તમે જ કહી શકો છો.

અને જો હું તમને સત-અસત જણાવવાની ના પાડું તો?’

તો તમે તમારી ફરજ ચૂકશો. આજે તમે જે સ્થાન ભોગવો છો એ સ્થાન ધરાવનારી વ્યક્તિની એ જવાબદારી છે કે એ સત-અસત જાહેર કરે. જો તમે સાચી હકીકત શું છે, એ પાંચ સ્ત્રીઓએ તમારા વિશે જે કહ્યું છે એમાં કેટલી સચ્ચાઈ છે, કેટલું જુઠાણુ છે, એ નહીં જણાવો તો તમે તમારી ફરજ ચૂકશો. મને ખાતરી છે કે તમે તમારી ફરજ જરૃરથી બજાવશો જ. જવાબદારી નિભાવશો જ.

અને હું જે કંઈ પણ જણાવું એ બધું જ તમે સચ્ચાઈપૂર્વક લોકોને જણાવશો? કે પછી એમાં તમારા અભિપ્રાયનો ઉમેરો કરશો? તમારા તર્ક-વિતર્ક જોડશો?’

મિસ્ટર સત્યેન શાહ, હું સત્ય રજૂ કરનાર રિપોર્ટર તરીકે જાણીતો છું.

તમારો રિપોર્ટ અસત્ય ભલે ન કહે, પણ સત્ય પણ ન જણાવે એવો પણ હોઈ શકે. મોટા ભાગનાં છાપાંના રિપોર્ટો એમના વાચકોને ગમે એવા જ હોય છે.

હું એવો રિપોર્ટર નથી. હું વાચકોને ગમાડવા માટે નથી લખતો. અખબાર કે મૅગેઝિન્સ ચપોચપ વેચાય એવાં સનસનાટીભર્યાં મથાળાં મારા રિપોર્ટને નથી આપતો. વાંચતાં ગલગલિયાં થાય, લોકો હોંશેહોંશે વાંચે, એવું રિપોર્ટિંગ હું નથી કરતો. હું સત્ય જાણીને ફક્ત એનું જ રિપોર્ટિંગ કરું છું. એમાં મારા અંગત અભિપ્રાયનો એક શબ્દ પણ નથી ઉમેરતો.

અચ્છા! કાલે રવિવાર છે. પરમ દિવસે સોમવારે સવારના બરાબર ૧૦ વાગે મારી ઑફિસમાં આવજો.

આખો વાર્તાલાપ સાંભળતી સાવિત્રીની મૂંઝવણ ઓર વધી ગઈ.

એને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો સત્યેન અટલને હકારમાં આપશે કે નકારમાં? સાવિત્રી નિર્ણય લઈ ન શકી.

* * *

અને સત્ય જો એ સ્ત્રીઓએ જે કહ્યું છે એ હોય તો?’

સત્યેન શાહના આ શબ્દો અટલના કાનમાં ગુંજ્યા કરતા હતા.

સત્ય હોય તો?’

એટલે સત્યેન શાહ શું એવું કહેવા માગતા હતા કે એમની વિરુદ્ધ એ પાંચ સ્ત્રીઓએ જે આક્ષેપો કર્યા હતા એ સત્ય હતા? શું સત્યેન શાહ જાતે જ એમના ગુનાનો એકરાર કરી રહ્યા હતા? એમણે આટલા દિવસો સુધી એટલે જ એમની બદનક્ષી કરતાં સ્ટેટમેન્ટ્સનો વિરોધ નહોતો કર્યો? એ સ્ત્રીઓએ વર્ણવેલી વાતોથી પારાવાર નુકસાન વેઠવા છતાં સત્યેન શાહે એ બધી વાતો ખોટી છે એવું એટલા માટે તો નહીં કહ્યું હોય કે એ બધી વાતો સાચી છે?

ના… ના. સત્યેન શાહ એવા હોઈ જ ન શકે, પણ તો પછી એમણે એવું શું કામ કહ્યું, ‘પણ જો મારી વિરુદ્ધના આક્ષેપો સાચ્ચા હોય તો?’ શું ખરેખર સત્યેન શાહ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો સાચ્ચા હશે?

અટલનું મગજ ચકરાવે ચઢી ગયું હતું. એનું મન કહેતું હતું કે સત્યેન શાહ નિર્દોષ છે. એમણે આવાં કૃત્યો કર્યાં જ ન હોય. બીજી ક્ષણે જ એનું મગજ કહેતું હતું કે તો પછી સત્યેન શાહે મયૂરીના કથનનો એ જ ક્ષણે વિરોધ કેમ ન કર્યો? શા માટે એમણે રિપોર્ટરોને ખુલાસો ન કરતાં નો કમેન્ટ્સએવું કહ્યું? શા માટે દિવસો સુધી એમણે મારા ફોન રિસીવ ન કર્યા? શા માટે એમની ઑપરેટર સતત મિસ્ટર સત્યેન શાહ કોઈ રિપોર્ટરને મળવા નથી માગતાએવું જણાવતી હતી? શા માટે આજે અગિયાર અગિયાર વાર મારા કૉલ રિસીવ ન કર્યા?

આવું વિચારતા અટલને ફરી પાછો વિરોધાભાષી વિચાર આવ્યો. મારો બારમો કૉલ તો સત્યેન શાહે રિસીવ કર્યો. એટલું જ નહીં, મને મુલાકાત આપવાની પણ હા પાડી. શા માટે?

એક વાત અટલને ખૂબ જ આશ્ચર્ય પમાડતી હતી. સત્યેન શાહે એને એવા એવા સવાલો કર્યા હતા, જે દર્શાવતા હતા કે એ પાંચ સ્ત્રીઓનાં કથનોમાં સચ્ચાઈ હતી.

આખા દિવસ દરમિયાન અટલને આવા વિરોધાભાષી વિચારોએ અકળાવી મૂક્યો. આખરે આજના સમયમાં સુખમાં કે દુઃખમાં જેમ સૌ એમના મોબાઇલ ફોન ઉપર વૉટ્સઍપ, ફેસબુક અને ગૂગલમાં સર્ચ કરીને એમના વિહ્વળ મનને વાળવાનો પ્રયત્ન કરે છે એમ અટલે પણ એનો આઈફોન ખોલ્યો. ગૂગલમાં જઈ મિસિસ ઇન્ડિયાઉર્ફે મિસિસ મયૂરી મહેશકુમાર મહેતાની વેબસાઈટ ખોલી.

મયૂરી આકર્ષક તો હતી જ.

વેબસાઈટ ઉપર એનો પ્રોફાઈલ દર્શાવવામાં આવ્યો હતો. મયૂરીની ઉંમર મિસિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટ દરમિયાન એણે ફરજિયાત જાહેર કરવી પડી હતી એટલે અટલને જાણ હતી કે મયૂરી સિનિયર સિટીઝન ભલે ન હોય, પણ જિંદગીની અડધી સદી તો વટાવી ચૂકી હતી, પણ મયૂરી કયા મહિનામાં કયા દિવસે જન્મી હતી એની જાણ અટલને હમણા થઈ.

મયૂરીનો જન્મ જે તારીખે અને જે મહિનામાં થયો હતો એ સૂચવતું હતું કે એ સ્કોર્પિયન હતી. આ બર્થસાઈન ધરાવતા લોકો માટે એવું માનવામાં આવે છે કે તેઓ સ્વાર્થી, લુચ્ચા અને જુઠ્ઠા હોય છે. આ જાણકારી પ્રાપ્ત થતાં જ અટલના મુખ ઉપર સ્મિત ફરકી ગયું. નક્કી મયૂરી જુઠ્ઠી છે. એણે સત્યેન શાહ ઉપર જે આક્ષેપો કર્યા હતા એ જુઠ્ઠા જ હતા. ફોટાઓ અને વેબસાઈટમાં જે પ્રકારનાં લખાણો હતાં એ દર્શાવી આપતાં હતાં કે મયૂરી ગર્વિષ્ઠ તેમ જ સ્નોબિશ હતી.

અટલે મયૂરીના મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટ સમયના ફોટાઓ પણ એની વેબસાઈટ ઉપર જોયા. મનોમન એ સ્ત્રીની સુંદરતાની પ્રશંસા કર્યા સિવાય અટલથી ન રહેવાયું. આવી સુંદર સ્ત્રીને જોઈને કયા પુરુષનું મન ન લલચાય? આવો એક ક્ષણિક વિચાર પણ અટલના મગજમાંથી પસાર થઈ ગયો. મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટ અને મિસિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટ એ બે સ્પર્ધાઓની વચ્ચેના સમયગાળામાં મયૂરીના ફોટાઓ જોતાં અટલને એવું લાગ્યું કે મયૂરી અંગપ્રદર્શન કરવામાં કોઈ પણ પ્રકારનો છોછ અનુભવતી નથી. કામોત્તેજક પોઝ આપવા એને પસંદ છે. જુદી-જુદી જાણીતી વ્યક્તિઓ જોડે જુદા-જુદા પ્રસંગો અને સમારંભોમાં મયૂરીએ ફોટા પડાવ્યા હતા. એેમાં સત્યેન શાહ જોડેના પણ ઘણા પ્રસંગોએ લેવામાં આવેલા ફોટાઓ હતા.

અટલે હવે મયૂરીએ સત્યેન શાહ જોડે પડાવેલા બધા જ ફોટાઓ અલગ તારવ્યા. ડાઉનલોડ કર્યા. પચ્ચીસેક જેટલા એ ફોટાઓનું અટલે બારીકાઈથી નિરીક્ષણ કર્યું. એને સ્પષ્ટ જણાઈ આવ્યું કે એ બધા જ ફોટાઓમાં મયૂરી સત્યેન તરફ ઢળેલી હતી. એક પણ ફોટામાં સત્યેનના મુખના હાવભાવ કે એના હાથ, શરીરનું એક પણ અંગ એવા સ્થાને નહોતું જે એવો સંકેત કરે કે સત્યેન મયૂરીનાં અંગોને સ્પર્શ કરવાની ઇચ્છા ધરાવતા હોય.

આ સ્ત્રીએ આવા સત્યેન શાહને શા કારણે વગોવ્યો હશે? શા માટે એણે આવું, પોતાની જાતને પણ નીચાજોણુ થાય એવું હલકું અને સત્યેન શાહ જેવી પ્રતિષ્ઠિત અને માનવંતી વ્યક્તિની બદનક્ષી થાય એવું ખીચોખીચ માનવમેદની વચ્ચે જણાવ્યું હશે?

આ પ્રશ્નનો ઉત્તર મેળવવા અટલે મયૂરીના પતિ મહેશકુમાર મહેતા કોણ છે? કેવા છે? શું કરે છે? એ જાણવા એમની વેબસાઈટ ખોલી. ઉંમરમાં મહેશકુમાર મયૂરીથી ખૂબ જ મોટા હતા. વેબસાઈટ ઉપર આપેલ માહિતી મુજબ મહેશકુમારનો જન્મ આજથી ૬૮ વર્ષ પહેલાં થયો હતો. સત્યેન શાહની ઉંમર ચોક્કસ કેટલી હશે એની અટલને જાણકારી નહોતી, પણ એમને જાતે જોયેલા એટલે દેખાવ ઉપરથી અટલ અટકળ કરી શકતો હતો કે સત્યેન શાહ સાઠની આસપાસના હશે.

સત્યેન શાહની જેમ જ મહેશકુમારનું ધંધાદારી ક્ષેત્ર ખૂબ જ બહોળું હતું. સત્યેન શાહ બીપીટીમાં દસ ગોડાઉનો ધરાવતા હતા. મહેશકુમાર બીપીટીનાં બાવીસ ગોડાઉનોના ભાડૂત હતા. મહેશકુમાર પણ નાણા ધીરધારનો બિઝનેસ ખૂબ જ મોટા પાયે કરતા હતા. એમના ક્લાયન્ટોમાં બિલ્ડરો અને ફિલ્મ પ્રોડ્યુસરો મુખ્ય હતા. વર્ષો પહેલાં મહેશકુમારની એક કંપનીએ નાદારી નોંધાવી હતી. છેલ્લાં ત્રણ-ચાર વર્ષોથી તેઓ સોશિયલ વર્ક કરતા હતા. અનેક એનજીઓ તેમ જ ધાર્મિક ટ્રસ્ટો જોડે તેઓ સંકળાયેલા હતા. ચુસ્ત વૈષ્ણવ હતા. રોજ ભુલેશ્વરમાં આવેલ મોટા મંદિરે દર્શને જતા હતા. એના તેઓ ટ્રસ્ટી હતા. વર્ષમાં વધુ નહીં તો ઓછામાં ઓછું એક વાર તો તેઓ શ્રીનાથજીનાં દર્શને અચૂક જતા. થોડા સમયથી રાજકારણમાં પ્રવેશેલા મહેશકુમાર આગામી કૉર્પોરેશનના ઇલેક્શનમાં ઊભા રહેવાની ઇચ્છા ધરાવતા હતા.

અટલને મહેશકુમારની કંપનીની નાદારીમાં રસ પડ્યો. શા કારણે એમણે આટલી બધી સંપત્તિઓ હોવા છતાં નાદારી નોંધાવી હશે? એવું કોણ હતું જેનું દેવું એમણે ચૂકવ્યું નહોતું? ગૂગલ ઉપર વધુ સર્ચ કરતાં અટલને એના આ પ્રશ્નનો પણ ઉત્તર મળી ગયો. આજથી પચ્ચીસ વર્ષ પહેલાં મહેશકુમારની એક કંપનીએ સત્યેન શાહની ભાગીદારીની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપનીને એક કૉન્ટ્રાક્ટ સોંપ્યો હતો. કામ પૂરું થયે બાકી રહેલ કૉન્ટ્રાક્ટની બે લાખ જેટલી રકમ મહેશકુમારની એ કંપનીએ ચૂકવી નહોતી. આથી સત્યેન શાહની કંપનીએ મહેશકુમારની કંપની વિરુદ્ધ મુંબઈની હાઈ કોર્ટમાં વાઇન્ડિંગઅપ પિટિશન દાખલ કર્યું હતું. એમાં મહેશકુમારના અન્ય અનેક લેણદારો જોડાયા હતા. કોર્ટે એમની કંપનીને નાદાર જાહેર કરી હતી. થોડાં વર્ષો બાદ કાયદા મુજબ એ કંપની નાદારીમાંથી છૂટી થઈ. આ સર્વે વાંચતાં અટલને ખ્યાલ આવી ગયો કે મહેશકુમાર એક લુચ્ચા જ નહીં, પણ ખૂબ જ કુનેહ ધરાવનાર બદમાશ માણસ છે.

મયૂરીએ સત્યેન શાહ વિરુદ્ધ કરેલા આક્ષેપો કોઈના કહેવાથી કે કોઈ કાવતરાના ભાગ રૃપે હતા એ શંકા અટલને સાચ્ચી પડતી લાગી. મયૂરીએ એના પતિ મહેશકુમાર મહેતાના ચઢાવ્યે જ સત્યેન શાહ વિરુદ્ધ ખોટા આક્ષેપો કર્યા હશે. જરૃર આ મહેશકુમારનું સત્યેન શાહ વિરુદ્ધ બદલો લેવાનું કાવતરું હતું.

* * *

તેજાનીજી, આપને અભી તક બાકી કે પૈસે નહીં ભેજે. સિર્ફ ટોકન દેને સે બાત નહીં બનતી.તેજાનીએ સત્યેન શાહને ખોખરો કરવા એની ઇન્ડસ્ટ્રીના જે મવાલીને સોપારી આપી હતી એણે ફરિયાદ કરી.

હા… હા. એક-બે દિવસમાં મોકલાવીશ. પંદર લાખ કંઈ નાનીસૂની રકમ નથી.

જુઓ શેઠ, મેં બધી તપાસ કરી છે. સોમવારની સવાર તમારું કામ પૂરું પાડવા માટે ઉત્તમ સમય છે. આજે શનિવાર છે. કાલ સવાર સુધી મને રકમ પહોંચાડી દો. રકમ મળશે પછી જ સત્યેન શાહને ખોખરો કરવાનો પ્લાન બનાવીશ.

ચિંતા નહીં કર. તારી રકમ તને આજે રાતના જ મળી જશે. બસ, પ્લાન ઘડવાનું શરૃ કરી દે.

* * *

ફર્નાન્ડીસ, તું ક્યાં છે? મને આજે રાતના જ મળ.ડેવિડ ગોન્સાલ્વિસે એના જોડીદાર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર, બૉડીબિલ્ડર રોડ્રિગ્સ ફર્નાન્ડીસને મોબાઇલ ઉપર જણાવ્યું.

એવી શું અર્જન્સી છે, ડેવિડ?’

સુઝનનું સ્ટેટમેન્ટ તેં વાંચ્યું નથી?’

હા… હા. આવું ગંદું કૃત્ય સુઝન જ્યારે પંદર વર્ષની જ હતી ત્યારે એના ઉપર કોઈ કરશે એવી તો આપણે કલ્પના પણ ન કરી શકીએ, પણ ડેવિડ, તેં સુઝનને પ્રપોઝ કર્યું કે નહીં? તમે ક્યારે પરણવાના છો?’

આવતા મહિને. બાવીસમી તારીખે. સન્ડે છે, યાદ રાખજે, પણ એ પહેલાં આપણે મારી સુઝન ઉપર જેણે જોરજુલમ કર્યો છે એ સત્યેન શાહને પાઠ ભણાવવાનો છે.

માય ફ્રેન્ડ, ડોન્ટ યુ વરી. એ સત્યેન ક્યાં મળશે એ મને કહે. સાલાને ઊંચકીને એવો પછાડીશ કે એનાં હાડકાં તૂટી જશે.

નો… નો રોડ્રિગ્સ, સત્યેન ખૂબ મોટો માણસ છે. આવી રીતે જો તું એને ઈજા પહોંચાડશે તો જેલમાં જશે. આપણે બળ વાપરવાનું છે, પણ કળથી. તું મને મળ. હું તને બધું સમજાવીશ. આપણે એ સાલાને એવી રીતે ખોખરો કરશું કે કોઈને ગંધ સુદ્ધાં નહીં આવે કે એનાં હાડકાં કોણે ભાંગ્યાં છે.

ઓકે… ઓકેે. આઈ વિલ મીટ યુ, એટ એઈટ. આપણા અડ્ડા ઉપર. આજે તારે સ્કૉચ પીવડાવવી પડશે.

* * *

અમર્ત્યે છેલ્લા ચાર દિવસમાં એણે વાંચેલી જેમ્સ હેડલી ચેઝની પચાસેપચાસ નવલકથાઓના પ્લૉટ્સ મનોમન અનેક વાર વિચાર્યા. એને એમાંથી ટાઈગર બાય ધ ટેલએ નવલકથાનો પ્લૉટ પસંદ પડ્યો. એમાં જે પ્રમાણે મર્ડર કરવામાં આવે છે એ જ રીતે સત્યેન શાહનું મર્ડર કરવાનું એણે વિચાર્યું. એ પ્લાન અમલમાં મૂકવા માટે એણે સોમવારની સવાર નક્કી કરી.

(ક્રમશઃ)
———————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »