ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
ધાર્મિક બંદૂક વાપરે તો ધર્મ ખરાબ ના કહેવાય
બંદૂક શોધનાર વિજ્ઞાનને પાપી કરાર ના દેવાય
ગોલી માર ભેજે મેં, કે ભેજા શોર કરતા હૈ. બચ્ચા બચ્ચાને ભાન છે કે ગોળી શેમાંથી છૂટે. બજારમાં વેચાતાં મળે તેવા રમકડાંથી રમ્યો હોય ‘ને રમકડાંની બંદૂકથી ના રમ્યો હો એવો નરબંકો શોધવો મુશ્કેલ છે. શક્ય છે એવું અસામાન્ય બાળપણ શોધતાં વાંસળી કે બાજરીના ડૂંડાને બંદૂકડી ગણીને રમ્યા હોય તેવા મરદ મળી જાય. બેશક એવા વાલીઓ આ દેશમાં હતાં જે બંદૂકનુમા પિચકારી પણ નકારી કાઢતાં. સામે ગેસનો ચૂલો કે તંબાકુદંડિકા પ્રગટાવવા પિસ્તોલ કે રિવૉલ્વર જેવા દેખાવના લાઇટર પસંદ કરતાં વડીલો પણ હતાં. લેસર પ્રકારનો પ્રકાશ ફેંકતી ટૉર્ચ રમકડાંની દુનિયામાં જન્મી એ પહેલાં વાહન ધોવા વપરાતી પાઇપના અગ્ર ભાગે લગાડવા ગન આકારની સિમ્પલ મિકેનિઝમ અવતરી ચૂકેલી, એવી ગનમાંથી પાણીનો પિચકારો મારવાની મજા અનોખી હશે. સંભવ છે કે વાણંદજનો કેશ છેદન પહેલાં ફુવારા છોડીને સુષુપ્ત રીતે વિસર્જનનો લુત્ફ ઉઠાવતાં હોય. અમુક ઉપયોગ માટે આપણે ટેવાઈ ગયા છીએ જેવી કે ટીકડી ફોડતી, ખીલી ખીલા ઠોકતી ‘ને સિગ્નલ આપવા વપરાતી ફ્લેર બંદૂકડી. છ રસ્તા પર અલગ-અલગ દિશામાં મોટીમસ બંદૂક અલગ-અલગ રંગ વરસાવે એવું શિલ્પ હોય તો? પંજાબમાં ઘણા ધાબા પર તમને ગનના આકારની ટાંકી જોવા મળશે. ટૂથપેસ્ટ, શેમ્પૂ કે લોશન બહાર કાઢવા ગન શેપનું કન્ટેનર હોય તો? આનંદ-મેળો હોય કે પ્રાયવેટ બર્થ ડે પાર્ટી, ઍર-રાઇફલથી ફુગ્ગા ફોડવાનો જલસો આપણે કરેલો છે. ફુગ્ગામાંથી હવા કાઢે એટલે એને ઍર-રાઇફલ કહે છે કે નહીં, એવું વિચારવા સામાજિક માનવી નવરો નથી. એને તો જ્યારે બંદૂક પોતાના તરફીઓ પર ગોળી છોડે ત્યારે જ અમુક તમુક વિચાર આવે.
ન્યૂઝીલેન્ડમાં ગોળીઓ ત્રાટકી અને ફરી એક વાર બંદૂક અંગે ક્વેશ્ચન્સ ખડા થયા છે. એક તરફ બૌદ્ધિક બદમાશો છે તો બીજી તરફ લાગણીશીલ લંપટ, લબાડ ‘ને લુખ્ખાઓ છે. સામાન્ય વા સરેરાશ ભારતીયને ઘરમાં બંદૂક રાખવા અંગે વિચાર નથી આવતો, કારણ કે એણે કોઈના પર ગોળી ના ચલાવવાના સંસ્કાર મળ્યા છે. એ ઉપરવાળાથી ડરે છે કે એને માન આપે છે. એણે કોઈના પર ગોળી ના ચલાવવી હોય તો બંદૂક રાખીને કોઈ કામ નથી, પરંતુ પશ્ચિમના દેશો એવું નથી માનતા. એમણે બાપદાદાના સમયથી બંદૂકબાજી કરેલી છે. એક બાજુ હિટલર, લેનિન ‘ને માઓ એમની સત્તા પલટાવાની ક્રાંતિમાં સફળ થયેલાં કારણ કે એ સમયે મુખ્ય પ્રજા પાસે બંદૂકો નહોતી. માઓએ કહેલું કે દરેક સામ્યવાદીએ આ સત્ય પચાવી લેવું જોઈએ કે રાજકીય તાકાત બંદૂકના નાળચામાંથી વિકસે છે. અંતે એ દેશોમાં બંદૂક રાષ્ટ્ર ‘ને રાષ્ટ્રને ચલાવનારા પાસે રહી. જ્યારે બીજી બાજુ અમેરિકામાં પ્રજાએ બંદૂક હાથમાં લીધી અને ક્રાંતિ કરી. પરિણામ એ આવ્યું કે સરમુખત્યારશાહી પ્રકારના લાગણીશીલ દેશોમાં સરકાર બંદૂકવાન થઈ ‘ને લોકશાહી પ્રકારના બૌદ્ધિક દેશોમાં પ્રજા.
ભારતમાં એક કરોડ આસપાસ ગન કાયદેસર લાઇસન્સવાળી છે. એથી સાતેક ઘણી ગેકા. સો માણસે ૫.૩ માણસ ગનવાન છે, ૯૪.૭% વસ્તી બંદૂકહીન છે. સિંગાપુર ‘ને જાપાનમાં સો માથે પોઇન્ટ ત્રણ જ. મહાકાય ચીનમાં ૩.૬ તો પાકિસ્તાનમાં સોમાંથી ત્રેવીસેક જોડે ગન છે. રશિયામાં ૧૨.૩ ‘ને જર્મનીમાં આશરે ૭. ફ્રાન્સમાં ૧૯.૬, કુલ વસ્તી સામે સમજો પાંચમા ભાગ જોડે બંદૂક છે. શાંતિપ્રિય ગોરા દેશો જોઈએ તો- સ્વિડનમાં ૨૪, સ્વિત્ઝરલેન્ડમાં ૨૮ ‘ને ન્યૂઝીલેન્ડમાં ૨૭. કહેવું છે કાંઈ? વિશ્વભરમાં રાજ કરી ચૂકેલા બ્રિટનમાં સોમાંથી માંડ ૬ જણ જોડે બંદૂક છે. ઓસ્ટ્રિયામાં ૩૦. નોર્વેમાં ૨૯. ઓસ્ટ્રેલિયામાં કડક કાયદાને કારણે હન્ડ્રેડમાંથી પંદરેક જોડે ગન છે. કેનેડામાં ૩૫% જેટલાં લોકો પાસે ગન છે અને જેના વિઝા માટે ભારતના મહાભાગ બૌદ્ધિક ‘ને લાગણીશીલ દીવાના છે તે ધ ગ્રેટ અમેરિકામાં કમ સે કમ સવા સો ટકા ગન છે.
શું બંદૂક બનાવતી કંપનીઓમાંથી બંદૂક ક્યાં ક્યાં ‘ને કેટલી જાય છે એ જે-તે સરકારોને ભાન નથી હોતું? એક સાવ ફાલતુ કહી શકાય એવી સેન્સ ત્યાંની સરકાર ‘ને પ્રજામાં નથી કે બંદૂક સ્વયં હિંસક એવં અમાનવીય ચીજ છે. ભારતની સંસ્કૃતિના પ્રતીક સમા તહેવાર દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે કડક નિયમો બને છે અને બડે બડે લોગ સિદ્ધાંત ‘ને આદર્શની વાતો અંગ્રેજી ભાષામાં હાંકી ભારતને ફટાકડાને જાકારો આપવામાં દુનિયામાં પહેલ કરવી જોઈએ એવી સફાઈઓ ઠોકે છે. બે પાંચ દિવસનું પ્રદૂષણ ખાસું ગંભીર હોય તો પણ તે બંદૂકબાજી કરતાં વધુ ચિંતા ઉપજાવે એવું હોય? પડદા પર ગામ આખાની બંદૂકબાજી ગ્લોરિફાઈ કરીને ફિલ્મ ઉદ્યોગના લેખક-કલાકારો સાચી દુનિયામાં શાંતિની અપીલ કરે ત્યારે આપણે તાળીઓ પાડીએ એ આપણી દુર્બળતા કહેવાય. આ તો એવી વાત થઈ કે અહિંસાવાદી ગાંધીજીના પક્ષ સામે વાંધાઓ પર વાંધાઓ પાડી ભારતમાં સામ્યવાદીઓએ પોતાના અસમ, કુસમ ‘ને દુઃસમ એવા ચોકાઓ બનાવી પાકિસ્તાન ‘ને ચીન તરફી બંદૂકવાન હિંસક તત્ત્વોને ટેકો આપી અને લાકડીધારીઓ સામે ઉપવાસ કર્યા. બંદૂક બનાવવા, વેચવા ‘ને રાખવા-વાપરવા અંગે લિબરલ રહી અને પછી દેશ-સમાજમાં હિંસા ના થાય એવી આશા કોણ રાખે? શેખચલ્લી પ્રજા ‘ને તેની ગંડુ ગવર્નમેન્ટ.
હોલિવૂડના સૌથી મહાનમાંના એક એવા હિચકોક કહેતાં કે કોઈ સીનમાં ક્યાંક પાછળ બંદૂક દેખાતી હોય તો પછીના કોઈક સીનમાં એ ફૂટવી જોઈએ. પશ્ચિમના મનોરંજન જગતમાંથી બંદૂક કાઢી નાખવામાં આવે તો? અમેરિકન વિલિયમ ફોકનરને પણ સાહિત્યમાં નોબલ પ્રાઇઝ મળેલું, પરંતુ લોકોને નોબલ વિજેતા અમેરિકન હેમિંગ્વે વધુ માફક આવ્યા. સરળ કે પ્રવાહી અંગ્રેજીનો ઉપયોગ તો નોબલ વિજેતા અમેરિકન ફિટઝગેરાલ્ડ પણ કરતાં. ફર્ક બંદૂકનો હતો. હેમિંગ્વે સાહેબે વિશ્વના નગરજનોમાં બંદૂક પરત્વે કામના કે વાસના તો ઠીક, હવસ જાગે એવી બંદૂકની માલિશ કરતી કલમ ચલાવેલી. જસ્ટ સોચો કે ભારતમાં બંદૂકો પ્રત્યે અહોભાવ ધરાવતી કૃતિઓના સર્જકને જ્ઞાનપીઠ ઍવૉર્ડ મળે તો? આજે આપણે એવા બંદૂકવિલાસી વિદેશોની ચિંતા કરીએ છીએ કે પછી પ્રશંસા. બંદૂકનો ભોગ બનેલા દેશો તથા બંદૂકનો ભોગ કરતા દેશો સિવાય જે કોઈ બચ્યા છે એ પ્રજા પર આશા રાખીએ તો ખરું. બાકી, કોઈનો કોઈ ભૂલો ભટક્યો બંદૂક ઉપાડીને કાળો કેર વર્તાવે અને આપણે ધર્મની વાતોએ ચઢીશું તો આપણને ભોળા ભટકેલા બનાવવામાં બંદૂકવાન તત્ત્વો સફળ થશે.
નિઃસંદેહ જે જે ગોરા દેશોમાં ઇમિગ્રેશન દ્વારા અન્ય દેશના નાગરિકોને પોતાના કરવાનો પ્રોગ્રામ ઓન હોય છે એ દેશની સરકાર ‘ને મૂળ પ્રજા ક્યાંક જાતે ભૂલ કરે છે ‘ને ઇમિગ્રેશન પર આવનારને ભૂલ કરાવે છે. ‘ત્યાં‘ સ્થાયી થયેલા ઇમિગ્રન્ટ્સ સામાન્યતઃ દિવસભર એક નિશ્ચિત ક્ષેત્રફળમાં જોબ, શોપિંગ ‘ને આઉટિંગ કરીને જીવન જીવતા હોય છે. પોતાના મૂળ દેશના ઓળખીતા યા સગાને કહેશે કે અમારે ત્યાં બધું જોરદાર છે, કોઈ ભેદભાવ નથી. અત્રે વધુ ઊંડાણમાં નથી જવું, ફક્ત એટલું જ કહેવાનું કે અમુક ભેદભાવ હોય જ છે, રાખવામાં આવે જ છે. કોઈ પણ દેશમાં અમુક ભેદભાવ ના હોય તેવી આજના સમયમાં કલ્પના કરવી એ અગેન બૌદ્ધિક બારકસવેડા છે કે લાગણીમય લુચ્ચાઈ છે. વિદેશીઓને પોતાના દેશમાં વસવાટ કરવા માટે બારણા ખોલીને બેઠેલા આ દેશો પોતાના દેશવાસીઓને જે-તે દેશમાંથી આવનારા અંગે કોઈ રીતે ટ્રેઇન નથી કરતાં કે નથી નવા આવનારને પોતાના દેશ તેમ જ દેશવાસીઓ અંગે સાચી ‘ને વ્યવહારમાં કામમાં લાગે એવી પૂર્ણ બાબતોથી વાકેફ કરતાં. ગોરા ખ્રિસ્તીઓને ટોપી ‘ને દાઢીધારી બિનગોરા મુસ્લિમોને હકારાત્મક રીતે સ્વીકારવાનું કોઈ શીખવાડે છે ખરું? કે પછી બિનગોરા બિનખ્રિસ્તીઓને નવા દેશની પ્રજાની સર્વસામાન્ય બાબતોમાં આપણે ત્યાં પારસીઓ ભળી ગયા એમ ભળી જવા અંગે કોણ સમજાવે છે? યાદ રહે કે માણસ સ્વયમ ઈશ્વર, ગોડ કે ખુદા નથી. માણસ પાસે સહિષ્ણુતા, સમાનતા ‘ને સમન્વયતા અંગે મર્યાદામાં જ આશા રાખી શકાય, વિશ્વાસ મૂકી શકાય. દેશ વા સમાજને પ્રયોગશાળા બનાવીને સાધારણ તેમ જ સ્વચ્છ જીવન જીવતાં માણસોનું જીવન આદર્શના પ્રયોગ કરવા જોખમમાં ના મૂકી શકાય. એમાંય જ્યારે બંદૂક આમ જનતાના લાભાર્થે જાહેર દુકાનોમાં મળતી હોય ત્યારે આદર્શના પ્રયોગો દંભ, ભ્રમ ‘ને છેતરપિંડી જ સાબિત થાય. અલબત્ત, દુકાનોમાં ના મળે તો પણ શું થાય એ આખું જગત કાશ્મીર પરથી શીખી શકે છે, શીખવું હોય તો. બાકી મૃત્યુ જેટલું જ બેસ્વાદ સત્ય એ છે કે પુલવામા જેવા આસુરી બનાવ વખતે હોઠ પર લીલી લિપસ્ટિક કરી અને ક્રાઇસ્ટચર્ચના દાનવી બનાવ વખતે આંખ લાલ કરવાની દોગલી ચાલ પાછળ બંદૂક આબાદ બચી જાય છે.
ન્યૂઝીલેન્ડ પહેલાં પણ શીખી ચૂકેલું હતું. ૧૩ નવેમ્બર, ૧૯૯૦ વિશ્વ ભૂલ્યું હશે, પણ ન્યૂઝીલેન્ડ કેમ ભૂલી શકે? ડેવિડ ગ્રે નામક શખ્સ ડ્યુનેડિન પાસે અરામોઆના ગામમાં બંદૂકો લઈને ફરી વળેલો. એણે ૧૩ મનુષ્યો મારી નાખેલા. જે દેશમાં કોઈ લગીર ચપ્પુ ઘસે તોય ઘટના રાષ્ટ્રીય સમાચારમાં બે પાંચ દિવસ ધણધણે એ દેશમાં એ ઘટના આખો દેશ ધ્રુજાવી દેનારી હતી. અંતે? બુક્સ, મૂવી ‘ને સોન્ગ સિવાય ન્યૂઝીલેન્ડ સરકારને એમના બંદૂક અંગેના કાયદામાં ‘૯૨માં કડક સુધારા લાવવાની ફરજ પડેલી. ક્રાઇસ્ટચર્ચમાં લીલાછમ શુક્રવારને લાલઘૂમ કરી નાખનાર હિચકારા કૃત્યને પગલે ફરી એક વાર ન્યૂઝીલેન્ડ સરકાર બંદૂકો અંગેના કાયદા કડક કરીશું એમ જાહેર કરી ચૂકી છે. અડતાલીસેક લાખની વસ્તીમાં ત્રણ લાખ ઓલરેડી બંદૂકનું લાઇસન્સ ધરાવે છે. પચ્ચીસ-ત્રીસ હજાર રૃપિયામાં ત્યાં નવી બંદૂક મળી શકે છે. એવામાં બંદૂકબાજીના ભવિષ્યની વાસ્તવિકતા શું સર્જાશે એ ભવિષ્ય જ બતાવી શકે.
ફટાકડી, સામાન, ભાણિયો, ઘોડો વગેરે આમ તો સીડી ‘ને ડીવીડીની કક્ષામાં કહેવાય. જમાનો ફ્લેશ ડ્રાઇવનો છે. બોમ્બનો છે. નો ડાઉટ, કેસેટ ઉર્ફે તલવાર વગેરે પણ અસર ઉપજાવી જ શકે એની ના નથી. વારુ, ભાવાર્થનું કહેવાનું સીધું સાદું એ છે કે જ્યાં સુધી સરકાર પોતે હિંસક હથિયારોને પરવાનો આપશે ત્યાં સુધી જેના મનમાં થોડી કે ઘણી જાગતી કે ઊંઘતી હિંસકતા ભરી છે તેને કોઈનો કોઈ સરળ ‘ને સ્પષ્ટ મોકો મળશે. એણે જાતે દેશી કટ્ટા કે તમંચા બનાવીને ખેલ કરવા સુધીની મહેનત નહીં કરવી પડે. બોમ્બ બનાવવા તો જાતે જ મથવું પડે, દરમાં ભરાઈને. જસ્ટ ઇમેજિન કે બંદૂક વેચાતી મળતી જ ના હોય તો હિંસકતાને કેટલું પોષણ યા ઉત્તેજન મળે? કાશ્મીરમાં કોઈની પાસે બંદૂક હોત જ ના તો હકીકત સાવ અલગ જ હોત. સૂફીઓ ‘ને શૈવવાદીઓની ધરતી ખરેખર સ્વર્ગ રહી શકી હોત. આતંકવાદી તરફી બુદ્ધિના બહારવટિયા ‘ને લાગણીના લૂંટારાઓ કોઈ સાચા ‘ને સર્જનાત્મક કામ કરતાં હોત. સો વાતની એક વાત કે બંદૂક રેશનાલિસ્ટ ચ એથિસ્ટના હાથમાં છે કે કોઈ સાયન્ટિસ્ટના હાથમાં એ મુદ્દો પછીનો છે, પ્રાથમિક મુદ્દો એ જ છે કે બંદૂક હિંસક ચીજ છે.
ઇન્દિરા ગાંધીના માર્ગદર્શક ધીરેન્દ્ર બ્રહ્મચારી બંદૂકની ફેક્ટરીના ધંધામાં ના પડ્યા હોત તો તેઓ એ સમયના રામદેવ બની શક્યા હોત. લેકિન, બંદૂકનું આકર્ષણ અજીબ છે. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે કેનેડા, અમેરિકા પાસે પાકિસ્તાન કે ચીન નથી. એ દેશોમાં એમના પોતાના માણસો ‘પાકિસ્તાની‘ કે ‘ચીની‘ તરીકે કામ કરે છે. ક્રૂર કોમેડી તો એ છે કે વિશ્વભરમાં બંદૂકો બહુમત દેશના અર્થશાસ્ત્ર પર પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ રીતે અસર પાડે છે છતાં અર્થશાસ્ત્ર વિષયમાં શસ્ત્રોને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું નથી. નોપ, યુદ્ધ સિવાયની વાત છે. માત્ર બંદૂકો જ યુદ્ધ વગર શુંનું શું બદલી કાઢે છે એ વિષે સમસ્ત સંસાર જેટલું જાણે છે એટલું પૂરતું છે. ગાંધીજી જેવા અહિંસાવાદીએ લૉર્ડ લિટન કાળના ઇન્ડિયન આર્મ્સ ઍક્ટ, ૧૮૭૮ની ગંભીર નોંધ લઈને બિનઅંગ્રેજોને બંદૂક વગરના કરી દેતા એ કાયદા સામે અસહમતી દર્શાવેલી.
સાચી સમાનતા તો એને કહેવાય કે બધાં પાસે બંદૂક હોય અથવા કોઈની પાસે ના હોય. જેની પાસે બે વક્તની રોટીના પૈસા માંડ છે એ બંદૂક ક્યાંથી ખરીદી શકે? જે નાગરિક કાયદાથી ગભરાતો હોય એ ગેરકાયદેસર બંદૂક રાખનાર સહસમાજી સાથે એક જ સમાજમાં સુરક્ષિત રહી શકે જ ના. કાશ્મીરમાં પંડિતો પાસે બંદૂક કે બંદૂકધારી સરકારી મનુષ્ય સમયસર હોત તો પથ્થરો વિરુદ્ધ પેલેટની કવિતાના આ વિકૃત દિવસો ના આવ્યા હોત. મુસ્લિમો બંદૂક સાથે નમાજ પઢવા જાય એ તદ્દન નાપાક વિચાર છે. જેહાદ ‘ને ક્રુસેડ આખો અલગ મામલો છે. અગાઉ અમેરિકામાં ગન વાયોલન્સ અર્થાત્ માસ કિલિંગના જે બનાવો બન્યા છે તેમાં બહુમત બનાવોમાં ધર્મનો સંદર્ભ બિલકુલ નહોતો. ન્યૂઝીલેન્ડના માનનીય વડાપ્રધાન જેસિંગા અર્ડનને એટલું જ કહેવાનું કે કાળા યા લીલા હિજાબ પહેરવાથી દુઃખમાં સહભાગી થઈ શકાય, પણ બંદૂકને જ્યાં સુધી પૂરી ના નહીં પાડો ત્યાં સુધી હિંસામાંથી ભાગીદારી રદબાતલ નહીં કરી શકો. જ્યાં સુધી બાળકો રમકડાની બંદૂકથી રમશે ત્યાં સુધી હિંસાની સાચી બાજુ કોઈ સ્વીકારી નહીં શકે. જ્યાં સુધી બંદૂક તરફી કોઈ પણ બાબતને હિંસક ગણીને તેનો વિરોધ નહીં કરો ત્યાં સુધી અહિંસાને સમજવાનો દાવો કરવો એ તમે વૈશ્વિક માનવતાનો અધૂરો અર્થ કાઢ્યો એમ જ ગણાશે.
બુઝારો – સંસ્કૃતમાં ગન એટલે ગોલિકાસ્ત્ર, શતઘ્ની ‘ને ગુલિપ્રક્ષેપણનાલી. ગુજરાતીમાં બંદૂક શબ્દ અંગે ભગવદ્વોમંડલ જણાવે છે- એક અગ્ન્યસ્ત્ર; દારૃ ભરીને ગોળી ઉડાડવાનું એક નલિકાયંત્ર; નલિકા; ગોળી ફેંકવાનું યંત્ર; દારૃથી ગોળી મારવાનું એક શસ્ત્ર. આ શબ્દ તુર્ક અથવા ઈરાનીઓને જાણવામાં ન હતો. આફ્રિકન અરબી શબ્દ બંદૂકિય્યાનો અર્થ વેનિસનું થાય છે. અગાઉ તે એક જાતના બાણને માટે વપરાતો, પણ હવે એનો અર્થ બંદૂક થાય છે, કારણ કે ઇજિપ્ત, મોરોક્કો અને બાર્બરીના આરબો પોતાને માટેનાં હથિયાર વેનિસથી મંગાવે છે.
————————–