તમારા માટે, તમારી સાથે, સતત…

અભિનંદનની મુક્તિ સાથે એક યુદ્ધ ટળી ગયું

વિંગ કમાન્ડર અભિનંદનની ભારત વાપસીનો ઘટનાક્રમ

0 99
  • રાજકાજ

અભિનંદનની મુક્તિ સાથે એક યુદ્ધ ટળી ગયું
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને બિનશરતે છોડી ભારતને સુપરત કરતાં બંને દેશો વચ્ચેના વાસ્તવિક યુદ્ધનો ખતરો ટળી ગયો છે. અન્યથા કારગિલ યુદ્ધની માફક ફરી એક વખતે એક પાઇલટ માટે જંગ ખેલાય એવી તમામ શક્યતાઓ હતી. અભિનંદનને ૨૮ ફેબ્રુઆરીની રાત્રે વાઘા સરહદે ભારતને સોંપવામાં આવ્યા. ૨૭ ફેબ્રુઆરીની સવારે પાકિસ્તાનનું યુદ્ધ વિમાન એફ-૧૬ ભારતીય સરહદમાં પ્રવેશ કરતાં તેને પાછું ખદેડવા માટે વિંગ કમાન્ડર અભિનંદને મિગ-૨૧ વિમાન દ્વારા પીછો કર્યો હતો અને તેને તોડી પાડ્યું હતું. દરમિયાન મિગ-૨૧ વિમાન પણ પાકિસ્તાનના પ્રહારનો ભોગ બન્યું અને તૂટી પડ્યું. પાઇલટ અભિનંદન પેરાશૂટ દ્વારા વિમાનમાંથી કૂદી પડ્યા, પરંતુ તેઓ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પડ્યા અને પકડાઈ ગયા.

આ ઘટનાક્રમના પગલે પાઇલટ અભિનંદનને છોડાવવા માટેના પ્રયાસો તત્કાલ શરૃ કરી દેવાયા હતા અને એ ઘટનાક્રમના જે અહેવાલો હવે મળી રહ્યા છે એ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મિટિંગ કરીને તમામ વિગતો મેળવ્યા પછી તેમને છોડાવવા માટેના તમામ વિકલ્પો અને ઑપરેશન વિશે વિમર્શ કરવામાં આવ્યો. ટોચના સ્તરે નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ પણ ભોગે પાઇલટને બચાવવામાં આવે અને તેને માટે જરૃર પડે તો ભારત વધુ હુમલા કરવા તૈયાર છે. પાકિસ્તાનને કહી દેવામાં આવ્યું કે ભારતના પાઇલટને કાંઈ પણ થયું તો એ ‘અજય આહુજા મોમેન્ટ’ હશે, મતલબ એ પછી ૧૯૯૯માં ભારતે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી. ઍરફોર્સ અધિકારી અજય આહુજાનું વિમાન ભારતમાં હતું એવે વખતે પાકિસ્તાને મિસાઇલથી પ્રહાર કર્યો હતો. એ પછી અજય આહુજા લાપતા બન્યા હતા. તેઓ એ વિસ્તારમાં પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખવાની કામગીરી કરી રહ્યા હતા. તેઓ એ ઑપરેશનના ફલાઈટ કમાન્ડર હતા. તેઓ સળગતા વિમાનમાંથી કૂૂદી પડ્યા પણ એ પછી તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પાછળથી સમાચાર મળ્યા કે પાકિસ્તાની સેનાએ તેમને પકડીને ગોળી મારી દીધી હતી. પછીથી એ ભૂલ પાકિસ્તાનને ભારે પડી ગઈ હતી.

અભિનંદનના કિસ્સામાં એવું ન બને એ માટે ભારતે તત્કાલ વ્યૂહરચના વિચારી અને પાકિસ્તાનના રાજદૂત દ્વારા એક ડેડલાઇન આપીને અભિનંદનને સોંપી દેવા જણાવ્યું. દરમિયાન ભારતે અન્ય દેશોનો સંપર્ક સાધી પુરાવા સાથે માહિતી આપવાનું શરૃ કર્યું. એ વખતે ચીનમાં રહેલા ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને તમામ વિગતો જણાવાઈ અને તેમણે ચીનને તેનાથી માહિતગાર કર્યા હતા. ભારતનો ઇરાદો સ્પષ્ટ હતો. વિશ્વ સમુદાયને જાણ કરીને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવી. વડાપ્રધાન બુધવારની સવારે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં હાજર હતા. એ વખતે જ કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે તેમને પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલાનો પ્રયાસ અને પાકિસ્તાનના યુદ્ધ વિમાનને તોડી પાડ્યા પછી ભારતીય પાઇલટ પાકિસ્તાનના કબજામાં હોવાની વાત કહી. વડાપ્રધાન તત્કાલ સૌનું અભિવાદન કરતાં બહાર નીકળી ગયા.

Related Posts
1 of 37

ભારતે જિનેવા સંધિનો હવાલો આપીને અભિનંદનને મુક્ત કરવા જણાવ્યું હતું. જિનેવા સંધિમાં યુદ્ધગ્રસ્ત દેશોના સૈનિકોની સુરક્ષાની વાત કહેવાઈ છે. આ સંધિની ખાસ વાત એ છે કે તેની તમામ જોગવાઈઓને ‘કસ્ટમરી ઇન્ટરનેશનલ લૉ’ બનાવી દેવામાં આવી છે. એટલે કે કોઈ દેશ આ સંધિ સાથે જોડાયેલ હોય કે ન હોય, તેણે તેનું પાલન કરવું જ પડે. દુનિયાના તમામ દેશો માટે આ સંધિ બંધનકર્તા છે.

બાલકોટમાં સર્જિકલ ઍર સ્ટ્રાઇક સાથે પાકિસ્તાન પર સર્જાયેલા દબાણમાં વિંગ કમાન્ડર અભિનંદનને પણ એવી જ વ્યૂહ રચના સાથે છોડાવવા માટે ઊભા કરેલા દબાણ પછી હવે સંરક્ષણ નિષ્ણાતો અને રાજદ્વારીઓ પણ એવી સલાહ આપી રહ્યા છે કે ભારતે દબાણની આ રીતરસમ લાંબા સમય સુધી ચાલુ રાખવી પડશે. કેમ કે પાકિસ્તાન સહેલાઈથી ત્રાસવાદના નિકાસનો માર્ગ છોડવાનું નથી. બ્રહ્મ ચેલાની જેવા સામરિક તજજ્ઞ કહે છે કે, એકાદી સર્જિકલ સ્ટ્રાઇકમાં જેટલા ત્રાસવાદી મર્યા હોય તે ખરું, પણ પાકિસ્તાની સેનાના વડાએ કોઈ કિંમત ચૂકવી નથી. એટલે જ બીજા દિવસે પાકિસ્તાને હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો. મુદ્દાની વાત એ છે કે ૧૯૮૦ના દાયકાથી ચાલતા આ પ્રોક્સી યુદ્ધમાં ભારતે હવે વધુ કિંમત ચૂકવવી ન જોઈએ બલ્કે પાકિસ્તાનને કિંમત ચૂકવવી પડે અને એ ભારે પડી જાય એવી સ્થિતિ કાયમી કરવી પડે. આજે જે ઇમેજ ભારતની બંધાઈ છે એમાં સાતત્ય જળવાવું જોઈએ.
———–.

વિંગ કમાન્ડર અભિનંદનની ભારત વાપસીનો ઘટનાક્રમ
ઍરફોર્સના પરાક્રમી વિંગ કમાન્ડર અભિનંદનની ભારત વાપસી એ માત્ર હવાઈ દળ અને અભિનંદનના પરિવાર માટે જ રાહતની વાત ન હતી બલ્કે દેશવાસીઓ માટે પણ એટલી જ ખુશીની ઘટના હતી. લોકોનો એ મિજાજ અને જુસ્સો એ દિવસે વાઘા બોર્ડર પર જ્યાંથી અભિનંદન ભારતને સોંપવામાં આવનાર હતા ત્યાં જોવા મળ્યો હતો. ઍર સ્ટ્રાઇકના બીજા દિવસે ૨૭ ફેબ્રુઆરીના રોજ મિગ-૨૧ વિમાન તૂટી પડતાં પાઇલટ અભિનંદન પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પડ્યા હતા અને પાકિસ્તાનીઓના હાથે પકડાઈ ગયા હતા. તેમને છોડાવવા માટે ભારતે પૂરી તૈયારી કરી લીધી હતી અને પાકિસ્તાનને કહી દેવામાં આવ્યું હતું કે, પાઇલટ અભિનંદનને ચોવીસ કલાકમાં છોડી મૂકવામાં નહીં આવે તો ભારત યુદ્ધની પરિસ્થિતિ સમજીને પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે. કહે છે કે એ દિવસે રાત્રે લગભગ નવ વાગે વડાપ્રધાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું હતું કે પુલવામાં પરના આતંકી હુમલાની વિસ્તૃત માહિતી અમે તમને આપી હતી. એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે અમારા પાઇલટને છોડાવવા માટે ભારત આ વખતે કોઈ સમજૂતી કરવાનું નથી. બલ્કે ભારત પાસે જવાબ આપવાની પૂરી ક્ષમતા છે.

ભારત હવે બહાવલપુર પર બેલાસ્ટિક મિસાઇલ છોડશે. ટ્રમ્પે મોદીને કોઈ કાર્યવાહી કરતાં પહેલાં પોતાને ઇમરાન ખાન સાથે વાત કરવા દેવા જણાવ્યું. એ પછી ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે વાત કરીને ભારતના પાઇલટને છોડી દેવા કહ્યું. ત્યાર બાદ ઇમરાન ખાને હોટલાઇન પર પાઇલટને મુક્ત કરવાની વાત જણાવવા ફોન લગાવ્યો, પરંતુ કહે છે કે મોદીએ ઇમરાનનો ફોન રિસીવ કર્યો નહીં. આખરે સાઉદી અરબના પ્રિન્સ સલમાનનો પાકિસ્તાને સંપર્ક કરીને તેમને વચ્ચે રાખ્યા અને અભિનંદન ભારતને સુપરત કર્યા.
———–.

વિરોધ પક્ષની એકતાનો  રાગ અને ખટરાગ
આજકાલ વિરોધ પક્ષના તમામ કદાવર નેતાઓ વિપક્ષી એકતાનો રાગ આલાપવામાં એક્સપર્ટ બની ગયા છે. સમાજવાદી પાર્ટીના પ્રોફેસર રામગોપાલ યાદવ અને માયાવતીના વિશ્વસ્ત સતીષ મિશ્રા રાજ્યસભામાં ક્યારેય એકબીજાની સામે જોતા ન હતા. એ હવે સંસદના સેન્ટ્રલ હૉલમાં એક ખૂણામાં બેસીને મસલત કરતાં જોવા મળે છે. ગત સપ્તાહે જ્યારે વિપક્ષી ગઠબંધન માટે કોમન મિનિમમ પ્રોગ્રામનો એજન્ડા નક્કી કરવા માટે દિલ્હીમાં વિપક્ષી નેતાઓ મળ્યા હતા ત્યારે મમતા બેનરજી અને રાહુલ ગાંધી એક અલગ રૃમમાં ગંભીર મંત્રણા કરતાં જોવા મળ્યાં હતાં. બીજા રૃમમાં ચંદ્રાબાબુ નાયડુ, શરદ પવાર જેવા નેતાઓ ગુફ્તેગો કરી રહ્યા હતા. સોનિયા ગાંધી પણ ત્યાં હતાં. રાહુલ સાથે ચર્ચા પૂરી કરીને મમતા બેનરજી એ રૃમમાં આવ્યાં અને સોનિયા ગાંધી સાથે અલગથી ચર્ચા કરવા લાગ્યાં હતાં. રૃમની બહાર સીપીએમના સીતારામ યેચુરી આંટાફેરા કરી રહ્યા હતા. પુલવામાના આતંકી હુમલાની ઘટના અંગે વિરોધ પક્ષોએ તેમનાં નિવેદનનો જે મુસદ્દો તૈયાર કરવાનો હતો તેની જવાબદારી મમતા બેનરજીના વિશ્વાસુ ડેરેક-ઓ-બ્રાયનને સોંપવામાં આવી હતી. યેચુરી તેમને મદદ કરી રહ્યા હતા.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »