બિટકોઈન કાંડમાં નલિન કોટડિયાની ભૂમિકા શું?
બિટકોઇન ખંડણી કેસમાં નલિન કોટડિયાની અંતે સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે.
- ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની
ગુજરાતના રાજકીય મોરચે બિટકોઈન કેસ હોટ ટોપિક બન્યો છે. આ કેસ હાઈપ્રોફાઈલ એટલા માટે બન્યો છે કે એક એસ.પી. અને ધારાસભ્ય રહી ચૂકેલા રાજકીય નેતાનું નામ આ ખંડણી પ્રકરણમાં સામે આવ્યું હતું. ભાજપના આગેવાન ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની આ કેસમાં ધરપકડ થઈ છે. અનામત આંદોલનમાં એક સમયે નેતૃત્વ કરી રહેલા અને જેમની ઇમેજ પાટીદાર સમાજના એક સ્વચ્છ આગેવાનની હતી તેઓ આ ચલણના ચક્કરમાં કેમ ફસાયા? આ સવાલ ચર્ચાઈ રહ્યો છે.
અમરેલી જિલ્લાની ધારી વિધાનસભાની સીટ પરથી કેશુભાઈ પટેલની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે નલિન કોટડિયા વર્ષ ર૦૧રમાં સૌ પહેલાં ચૂંટાયા હતા. તેમની ઇમેજ સમાજના એક બેદાગ આગેવાન તરીકેની હતી. એ સમયે કેશુભાઈની પાર્ટીમાંથી માત્ર બે જ ધારાસભ્યો ચૂંટાયા હતા તેમાં એક નલિન કોટડિયા હતા. ભાજપની સામે તેઓ લડ્યા હતા. શાસકો સામે તેમણે અનેક મુદ્દે લડાઈ લડી છે. પાટીદાર સમાજના એક ધારાસભ્ય તરીકે તેઓ અનામત આંદોલનમાં પણ જોડાયા હતા. પાટીદાર અનામત આંદોલનના મંચ પરથી તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેઓ એક માત્ર એવા ધારાસભ્ય હતા કે પાટીદાર સમાજમાંથી સૌ પહેલાં અનામત આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું. પાસના આંદોલન બાદ વિધાનસભાની ચૂંટણી આવી. નલિન કોટડિયા ભાજપમાં જોડાયા હતા. તેમને ફરી ધારીથી ટિકિટ ન મળી અને આ બેઠક કોંગ્રેસે મેળવી હતી.
થોડી પૂર્વ ભૂમિકા બાદ હવે મૂળ વાત પર આવીએ તો ચર્ચાસ્પદ બિટકોઇન ખંડણી કેસમાં નલિન કોટડિયાની અંતે સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. એક સમયે પાટીદાર સમાજમાં મોભાનું સ્થાન ધરાવનાર કોટડિયા બિટકોઈન કેસમાં ફસાતા સહુ કોઈને આંચકો લાગ્યો હતો. ધારાસભ્ય રહી ચૂકેલા આ નેતાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. પાંચેક મહિના સુધી તેઓ ફરાર રહ્યા બાદ અંતે સીઆઈડી ક્રાઇમે તેમને મહારાષ્ટ્રના ધુલિયા નજીકથી એક કોન્ટ્રાક્ટરના ઘરેથી ઝડપી પાડ્યા હતા. કોેર્ટે તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં કોટડિયાનું નામ સામે આવતા લોકમાનસમાં જનપ્રતિનિધિની એક ઇમેજને પણ ધક્કો લાગ્યો છે. સવાલ એ થઈ રહ્યો છે કે એક ધારાસભ્ય કક્ષાના નેતા અને સમાજમાં સ્વચ્છ ઇમેજ ધરાવનાર નેતા આવા ચલણના ચક્કરમાં કેમ ફસાયા?
બિટકોઈન કેસના તાણાવાણા ઝડપથી કોઈને સમજમાં ન આવે તેવા છે. તપાસનીસ અધિકારીઓને પણ આ કેસમાં ખૂબ પરસેવો પાડવો પડ્યો છે. નલિન કોટડિયાની આ કેસમાં કેવી ભૂમિકા રહી છે તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. તપાસમાં હાલ એવું ખૂલ્યું છે કે કોટડિયાને આ કેસમાં રૃ. ૬૬ લાખ મળવાના હતા તેમાંથી ૩પ લાખ ચૂકવાયા હતા. તપાસ એજન્સીએ રપ લાખ રિકવર કરી લીધા છે.
નોટબંધી બાદ બિટકોઈન એકાએક ચર્ચામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે કાળા નાણાને ધોળા કરવા કેટલાક લોકોએ બિટકોઈનમાં નાણાકીય વ્યવહાર કર્યા હતા. ગુજરાતમાં કોઈએ બિટકોઈનમાં ખંડણી લીધી હોય તેવો પણ આ પહેલો બનાવ હોવાથી આ કેસ ચર્ચામાં આવ્યો છે. આ કેસની તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ મોટાં માથાંઓનાં નામ બહાર આવતાં ગયાં. એક આઈપીએસનું નામ ખૂલ્યા બાદ પૂર્વ ધારાસભ્યનું નામ ખૂલ્યંુ હતું. આ કેસમાં અમરેલી કેન્દ્ર સ્થાને એટલે રહ્યું છે કે કેસમાં સંડોવાયેલાના કોઈ ને કોઈના છેડા અમરેલી જિલ્લા સાથે જોડાયેલા રહ્યા છે. શું નલિન કોટડિયા આ ચલણના ચક્કરમાંથી ઝડપથી નાણા કમાવવા માગતા હતા? કે પછી અન્ય કોઈ કારણ તેમની સંડોવણી પાછળનું છે? આ સવાલનો જવાબ તો સમય જ કહેશે.
હાલ તો તેઓ સતત એ વાતનું રટણ કરી રહ્યા છે કે હું રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યો છુંં. મારી પાસે રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ વિરુદ્ધના પુરાવાઓ છે એટલે મને રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ સીઆઈડી ક્રાઇમ બિટકોઈન કેસમાં કોટડિયાની સંડોવણીના વધુ ને વધુ પુરાવાઓ એકત્ર કરી રહી છે. કોણ સાચું એ તો તપાસ જેમ જેમ આગળ વધશે ત્યારે ખબર પડશે, પણ હાલ તો એક રાજકીય નેતાની ધરપકડથી સ્થાનિક રાજકારણમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
————————