તમારા માટે, તમારી સાથે, સતત…

મૈત્રી સંબંધનું મનોવિજ્ઞાન શું કહે છે?

તમારા ઉમંગ અને ઉત્સાહ પાછળ મિત્રતા-ફ્રેન્ડશિપ કામ કરતી હોય છે.

0 469

સાયન્સ – સત્યજીત પટેલ

શું તમને એ વાતની ખબર છે કે મિત્રતા અને મગજ વચ્ચે સીધો સંબંધ હોય છે? આપણે આપણા ખાસ મિત્ર સાથે આપણા મગજના તરંગોની પણ વહેંચણી કરતા હોઈએ છીએ. દોસ્તી ફ્રેન્ડશિપ-ડેની મોહતાજ નથી. એ તો બારમાસી મોસમ છે. એટલે જ અહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મૈત્રી સંબંધની પડતાલ કરી છે.

એક જૂની પ્રચલિત કહેવત છે કે, એક મિત્ર તમને જવા-આવવામાં તમારી સહાય કરશે, જ્યારે એક સાચો મિત્ર તો તમને ઊંચકીને ફરશે અને શા માટે તે આવું ન કરે? કેમ કે, એક ખૂબ જ ગાઢ મિત્ર તો નૈતિકતા, નિયમો, કાયદાઓ – આ બધું જ બાજુ પર મુકીને લગીરેય ખચકાટ વિના અને કશા પણ તર્કનો ઉપયોગ કર્યા વગર તમારી સાથે સંમત થશે અને તમારી વાતને જ ટેકો આપશે. પછી ભલે ને તમે ખોટા કેમ નથી હોતા?

સંશોધનકારોએ તેમના લાંબા રિસર્ચ પછી એ વાતને સાબિત કરી છે કે, લોકો એવા મિત્રોને પસંદ કરતા હોય છે, જે મોટા ભાગે તેમના જેવા જ હોય છે. એક મિત્રની પસંદગીની બાબતમાં લોકો સમાન વય, જાતિ, ધર્મ, સામાજિક-આર્થિક દરજ્જો, શિક્ષણનું સ્તર, રાજકીય ઝુકાવ જેવાં ઘણાં બધાં પાસાંઓને ધ્યાનમાં લેતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હાથ મિલાવવાની સ્ટાઇલ અને કાંડાની મજબૂતાઈને પણ મિત્રની પસંદગી કરવા માટેના એક માપદંડ તરીકે જોવામાં આવે છે. સમાનાવેગોની અનુભૂતિ અને બીજાઓ પ્રત્યેનું બોન્ડિંગ પણ એકસરખી પ્રકૃતિ ધરાવતા મિત્રોમાં કોમન હોય છે.

નવું સંશોધન એવું કહે છે કે, અગાઉ આપણે માનતા હતા તેની સરખામણીએ ફ્રેન્ડશિપનાં મૂળ ક્યાંય વધુ ઊંડે સુધી ફેલાયેલાં હોય છે. વૈજ્ઞાનિકોએ એવું પણ શોધી કાઢ્યું છે કે, શોર્ટ વીડિયોની એક સિરીઝને નિહાળતી વખતે બે ખૂબ જ ગાઢ મિત્રોનું મગજ ગજબનાક રીતે એકસરખી પ્રતિક્રિયા આપતું હોય છે. બંને મિત્રોનું ધ્યાન અને આવેગો આ સમયે સમાન હોય છે. એટલું જ નહીં, અમુક દૃશ્ય જોતી વખતે બંને એક જ સમયે એકસરખી મૂંઝવણ પણ અનુભવતા હોય છે. આનંદની ટોચની અનુભૂતિનો સાથે જ અહેસાસ કરતા હોય છે. તો રસ પ્રમાણે કંટાળાની અનુભૂતિ પણ બંને મિત્રોને એકસાથે જ થતી હોય છે. બે ગાઢ મિત્રો પરસ્પર ‘એમ્પથી’ એટલે કે સમાનુભૂતિનો અનુભવ કરતા હોય છે. વૈજ્ઞાનિકોનું આ વિશ્લેષણ ખૂબ જ રસપ્રદ છે.

કૉલેજ ફૂટબોલનાં જોખમો, બાહ્ય અવકાશમાંના પાણીનું વર્તન અને કોમેડીમાં વધુ બહેતર કરવાનો પ્રયત્ન કરી રહેલા લાયમ નેસ્સન- જેવા વિવિધ વિષયોના વીડિયો જોતી વખતે મિત્રો વચ્ચે ઉદ્ભવતી મજ્જાતંતુકીય સંરચના ખૂબ જ સમાન હોવાનું એક અભ્યાસમાં પુરવાર થયું છે. આની સરખામણીએ મિત્રો ન હોય તેવા લોકોમાં આ સ્થિતિ આનાથી વિપરીત જ હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસના જાણીતા વૈજ્ઞાનિક કેરોલિન પાર્કિન્સન કહે છે, ‘મિત્રોમાં જોવા મળતી સામ્યતાના આ અપવાદરૃપ પરિમાણથી હું હેરાન હતી. મેં વિચાર્યું પણ ન હતું તેનાથી પણ વધારે ઉત્સાહજનક પરિણામો મને જોવા મળ્યાં હતાં. પાર્કિન્સન અને ડાર્ટમાઉથ કૉલેજના તેમના સાથી મિત્રોએ આ પ્રયોગના પરિણામોનો વિસ્તૃત અહેવાલ પણ જાહેર કર્યાે છે.

‘કનેક્ટેડઃ ધ પાવર ઓફ અવર સોશિયલ નેટવર્ક એન્ડ હાઉ ધે શેપ અવર વર્લ્ડ’ નામના પુસ્તકના લેખક અને યેલ યુનિવર્સિટી ખાતે બાયોસોશિયોલોજિસ્ટ તરીકે કાર્યરત નિકોલસ ક્રિસ્ટાકિસના મત મુજબ, આ ખૂબ જ ઉત્સાહ અને કુશળતાપૂર્વક તૈયાર કરવામાં આવેલું સંશોધન છે. આ સંશોધન એવું કહે છે કે, મિત્રોમાં ઉપરછલ્લી રીતે જ સામ્યતા હોય છે એવું નથી, બલકે તેમના દિમાગમાં પણ માળખાકીય એકરૃપતા ઘણી વધારે મજબૂત હોય છે.’

સમાન વિચારો ધરાવતા લોકોની ફેસબુક પ્રોફાઇલમાં સાચા બોક્સ ચેક કરવા કે પછી રસના વિષયોની વહેંચણી કરવી તે હરગિજ ફ્રેન્ડશિપ નથી. આને આપણે બે મિત્રો વચ્ચેની ગુડ કેમેસ્ટ્રી તરીકે પણ ઓળખી શકીએ.

પાર્કિન્સન કહે છે, અમારા રિસર્ચ પરથી એવું તારણ નીકળે છે કે- સાચા મિત્રો એ છે કે તેમની આસપાસની દુનિયામાં આકાર લેતી ઘટનાઓ વિશેનું તેમનું વલણ કે મંતવ્ય લગભગ એકસરખું કે સમાન હોય છે. સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાઓની અસર મિત્રો માટે લાભદાયી હોય છે તેવું રિસર્ચ કહે છે.

કોલંબિયા યુનિવર્સિટીના વિખ્યાત ન્યૂરોસાયન્ટિસ્ટ કેવિન એન.ઓકશ્નર સોશિયલ નેટવર્ક્સના સારા એવા જાણકાર અને અભ્યાસુ પણ છે. તેમના મતે નવું સંશોધન ગંભીર, ઉશ્કેરણીજનક અને ઉત્તરોની સરખામણીએ વધારે પ્રશ્નો સર્જે તેવું છે. કેમેસ્ટ્રી આમાં કેવો આગળ પડતો ભાગ ભજવે છે તે અંગે પોતાનું જ ઉદાહરણ આપતા ઓકશ્નર જણાવે છે કે, મારી ભાવિ પત્ની અને હું, અમે બંને ન્યૂરોસાયન્ટિસ્ટ્સના એક જ પ્રોફેશનમાં હતાં અને વેબસાઇટ પર ચેટિંગ પણ કરતાં હતાં, પરંતુ અમારો ક્યારેય એકબીજા સાથે મેળ પડ્યો ન હતો. ત્યાર બાદ અમે બંને સહકર્મચારી તરીકે મળતાં થયાં અને માત્ર બે જ મિનિટમાં અમને ખ્યાલ આવી ગયો કે, અમારા બંનેમાં એવી કોઈ કેમેસ્ટ્રી મોજૂદ હતી જે અમારી વચ્ચે રિલેશનશિપ પેદા કરતી હતી.

Related Posts
1 of 57

પાર્કિન્સન ૩૧ વર્ષનાં છે. તેઓ શિંગડા જેવી કિનારના ફ્રેમવાળાં ચશ્માં પહેરે છે. તેમનો દેખાવ પણ કોઈ તંદુરસ્ત અને ટીખળી યુવા જેવો છે. તેઓ પોતાની જાતને અંતર્મુખી માને છે છતાં તેઓ કહે છે કે, મિત્રોના મામલે હું હંમેશાં નસીબદાર રહી છું.

નવો અભ્યાસ મિત્રતાની પ્રકૃતિ, તેની સંરચના અને ઉત્ક્રાંતિનાં અનેક રસપ્રદ વૈજ્ઞાનિક પાસાંને ઉજાગર કરે છે. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ તમારા ઉમંગ અને ઉત્સાહ પાછળ મિત્રતા-ફ્રેન્ડશિપ કામ કરતી હોય છે. તમારા જીવનમાં મિત્રની ગેરહાજરી તમારા વ્યક્તિત્વ માટે ખૂબ જ ખતરનાક સાબિત થતી હોય છે. મિત્રતા વિના તમને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મોટું નુકસાન પહોંચતું હોય છે અને આ બાબતની કદાચ બહુ ઓછા લોકોને જાણકારી હોય છે. સારા મિત્રના અભાવે સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, બેકારી, કસરતનો અભાવ તેમજ ચેઇન સ્મોકિંગ જેવાં અનેક દૂષણો અને બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશી જતાં હોય છે.

વૈજ્ઞાનિકો હજુ પણ એ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ફ્રેન્ડશિપમાં ખરેખર એવી તે કઈ ચીજ મોજૂદ છે જે આપણને તંદુરસ્ત જીવન બક્ષે છે અને તેની ગેરહાજરીમાં શા માટે આપણને સામાજિક એકલતા કે ખાલીપો અનુભવાય છે, જેનાથી છેવટે તો આપણા શરીરને હાનિ પહોંચતી હોય છે. આ સવાલનો આજે પણ કોઈ સચોટ જવાબ મળતો નથી.

ક્રિસ્ટાકિસ અને તેમના સાથી મિત્રોએ તાજેતરમાં જ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે, જે લોકો સામાજિક રીતે ખૂબ જ મજબૂત રીતે જોડાયેલા હતા કે સક્રિય હતા તેમનામાં અન્ય લોકોની સરખામણીએ ફાઇબ્રિનોજેનનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું હતું. ફાઇબ્રિનોજેન એ પ્રોટીનનો એક પ્રકાર છે જેની શરીરમાં વધુ પડતી હાજરીથી કાયમી ઉચાટ અને ઉદ્વેગ અનુભવાતો હોય છે. આના કારણે શરીરમાં અનેક રોગો પણ ઉત્પન્ન થતા હોવાનું માનવામાં આવે છે. ઉચાટ અને ઉદ્વેગ ઊભા કરતા વિચારોનું, બળતરાઓનું વ્યક્તિની સામાજિક સહજતા કેવી રીતે શમન કરે છે તે કોયડો અલબત્ત આજે પણ વણઉકેલ્યો છે.

પાર્કિન્સન અને તેમના સાથીઓએ અગાઉ દર્શાવ્યું હતું કે, પોતાના સામાજિક વર્તુળમાં અન્ય ખેલાડીઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે તે જાણવા આ જ વર્તુળના અન્ય લોકો ખૂબ જ આતુર હોય છે અને તેમને આપમેળે જ આની ખબર પણ પડી જતી હોય છે. આવા જ કોઈ એક સામાજિક વર્તુળના નેટવર્કમાં શા માટે અમુક ખેલાડીઓ એકબીજાના ક્લોઝ ફ્રેન્ડ બની શકે છે, જ્યારે શા માટે અન્ય ખેલાડીઓ માત્ર તેમના પૂરક બનીને રહી જતાં હોય છે? આ સવાલનો જવાબ મેળવવા વૈજ્ઞાનિકો મથી રહ્યા છે.

અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના ઉરી હેસ્સનના રિસર્ચથી પ્રેરિત એક પ્રયોગમાં હાલના દિવસોમાં વીડિયો જોતી વખતે રોજેરોજની મજ્જાતંતુકીય પ્રતિક્રિયાઓ જાણવામાં આવી હતી. આ રિસર્ચ એક સ્પષ્ટ અને ચોક્કસ સોશિયલ નેટવર્કમાં હાથ ધરવામાં આવ્યું હતું. ડાર્ટમાઉથની સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરી ચૂકેલા જાણીતી યુનિવર્સિટીના ૨૭૯ સ્ટુડન્ટ્સ પર આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ સ્ટુડન્ટ્સ એકબીજાથી પરિચિત હતા અને અમુક કિસ્સાઓમાં તો ઘણા સ્ટુડન્ટ્સ સાથે પણ રહેતા હતા. તેમની એક પ્રશ્નોત્તરી ભરવા માટે આપવામાં આવી. જેના કેટલાક પ્રશ્નો આવા હતા – તમે તમારામાંથી કેટલા સાથી સ્ટુડન્ટ્સ સાથે સામાજિક સહજતા અનુભવો છો? કેટલાની સાથે તમે તમારું ભોજન વહેંચો છો? કોની સાથે મૂવી જોવા જાઓ છો? તમારામાંના કેટલા અને ક્યા મિત્રોને તમે તમારા ઘેર આવવાનું આમંત્રણ આપ્યું છે? વગેરે વગેરે. આ સર્વેના આધારે સંશોધનકારોએ આખું સોશિયલ નેટવર્ક બનાવ્યું. જેમ કે, મિત્રો, મિત્રોના મિત્રો, મિત્રોના મિત્રોના મિત્રો, કેવિન બેકનના મિત્રો વગેરે.

આ પછી સ્ટુડન્ટ્સને બ્રેઇન સ્કેનિંગ સ્ટડીમાં ભાગ લેવા જણાવાયું. આ માટે ૪૨ સ્ટુડન્ટ્સ સંમત થયા. એફએમઆરઆઇ નામના સાધનની મદદથી તેમના મગજમાં ચાલતા રક્તના પ્રવાહને નોંધવામાં આવ્યો. પાર્કિન્સન અને તેમના સાથીઓએ પૃથક્કરણ બાદ નોંધ્યું કે, આ સ્ટુડન્ટ્સના મગજના રક્ત પરિભ્રમણની સંરચનામાં એક મજબૂત એકતા જોવા મળી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે, આ તમામ ૪૨ સ્ટુડન્ટ્સે વંશીયતા, ધર્મ અને પરિવારની આવક બાબતે એકસરખો અને સમાન પ્રતિભાવ આપ્યો હતો.

આ રિસર્ચનાં પરિણામોનો ઉપયોગ કરીને સંશોધનકારો લગભગ સચોટ આગાહી કરી શકે તેવું કમ્પ્યુટર અલગોરિધમ વિકસાવવા માગે છે. બે લોકો વચ્ચેનું સામાજિક અંતર તેમની મજ્જાતંતુકીય સંરચના અનુસાર સમાનતાની સાપેક્ષ પ્રતિસાદ આપતું હોય છે.

જોકે, પાર્કિન્સન એ બાબત પર ભાર મુકે છે કે, આ તો માત્ર અભ્યાસનો પ્રથમ માર્ગ અને વિચારોનો એક પુરાવો હતો. પાર્કિન્સન અને તેમના સાથીઓ હજુ પણ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે, મજ્જાતંતુકીય પ્રતિસાદ આપતી સંરચનાઓ આખરે છે શું?

પાર્કિન્સન અને તેમની ટીમનો આગામી પ્લાન આનાથી બિલકુલ વિપરીત પ્રયોગ કરવાનો છે. નવા દાખલ થઈ રહેલા વિદ્યાર્થીઓ કે જેઓ હજુ એકબીજાને જાણતા પણ નથી તેઓ કેવી રીતે અંતે સારા મિત્રો બની જતા હોય છે તે વૈજ્ઞાનિક રીતે તેમને સમજવું છે. જેમના જીવનમાં સારા મિત્રો છે તેમણે આ પ્રયોગ અને તેનાં તારણો માટે થોડી રાહ જોવી રહી.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »