તમારા માટે, તમારી સાથે, સતત…

કશિશે ઘર છોડ્યાનું જાણી અતુલ નાણાવટી કૌશલ પર ભડકી ઊઠ્યા

મારું કામ મારી ઓળખ ઊભી કરશે.

0 295

નવલકથા – રાઇટ એન્ગલ – પ્રકરણઃ ૧૯

  • કામિની સંઘવી

ધ્યેયે અખબારના એડિટરને ફોન કરી રોષ ઠાલવ્યો. એડિટરે એમ કહી ધ્યેયને શાંત પાડવાનો પ્રયાસ કર્યાે કે કશિશને લોકો ઓળખે અને કેસને હાઈપ મળે માટે તેણે નાણાવટી પરિવારનું નામ લખ્યું હતું. આથી ધ્યેયને વિશ્વાસ બેઠો. કૉફી હાઉસ ઓપનિંગના દિવસે જ બંધ થઈ ગયું તેવા સમાચાર ઉછાળવાની એડિટરની દરખાસ્તને સ્વીકારવાની ધ્યેયએ ના પાડી દીધી. બીજી તરફ કશિશ ધ્યેયના ઘેર આવી પહોંચી. કેસ પાછો ન ખેંચવાનું મન બનાવતાં પોતે ઘર છોડવું પડ્યું હોવાનું કશિશે ધ્યેયને જણાવ્યું. કશિશની મક્કમતા પ્રત્યે ધ્યેયને માન થયું અને તેની હિંમતને બિરદાવી. ધ્યેયે પોતાના ગેસ્ટ રૃમમાં કશિશને ઇચ્છે ત્યાં સુધી રહેવાની વ્યવસ્થા કરી આપી. કૌશલ આટલી હદે કેવી રીતે જઈ શકે તેવા વિચારોમાં કશિશે આખી રાત પસાર કરી. બીજા દિવસે ધ્યેયે તેના ફ્લેટમાં ઇચ્છે તો શિફ્ટ થવા કશિશને જણાવ્યું. બીજી તરફ કશિશ ઘર છોડીને જતી રહી હોવાનું જાણી અતુલ નાણાવટી કૌશલ પર ભડકી ઊઠ્યા. પોતાની પત્નીને કન્ટ્રોલ ન કરી શક્તો હોવાનું સંભળાવી કૌશલ પર રોષ ઠાલવ્યો. આથી કૌશલને મનોમન કશિશ પર ગુસ્સો આવ્યો. ધ્યેયના ફ્લેટમાં શિફ્ટ થયેલી કશિશને અતુલ નાણાવટીએ ફોન કરી ઠપકો આપ્યો. પોતાને ઘર છોડવા કૌશલે મજબૂર કરી હોવાનો કશિશે ખુલાસો કર્યાે. અતુલ નાણાવટીએ ઘરે પાછા આવી જવાનો હુકમ કર્યાે તો કશિશે કેસ પાછો નહીં ખેંચવાની વળતી દલીલ કરી. કશિશને કેસ પાછો ખેંચી લેવા લાલચ આપી જોઈ તે પણ કામમાં ન આવી તો છેવટે અતુલ નાણાવટીએ ગર્ભિત ધમકી પણ આપી. કશિશે થોડીવાર મનોમન વિચાર્યું અને પછી શ્વશુરનું માન જાળવી સ્પષ્ટ જણાવી દીધું કે તે માત્ર નાણાવટી પરિવારની પુત્રવધૂ જ નથી, એક સ્ત્રી પણ છે અને તેનામાં રહેલી સ્ત્રી જ તેને અન્યાય સામે લડવાનું કહે છે.       

હવે આગળ વાંચો…

‘ડેડ, હું માત્ર નાણાવટી પરિવારની પુત્રવધૂ નથી, એક સ્ત્રી પણ છું અને મારામાં રહેલી સ્ત્રી મને કોર્ટમાં લડવાનું કહે છે.’

માથામાં ગોફણથી પથ્થરનો ઘા વીંઝાય અને માણસ થોડો સમય પથ્થરના મારથી હેબત ખાઈ જાય તેવી જ હાલત અતુલભાઈની હતી. આજ સુધી આવી સ્પષ્ટ રીતે મોઢામોઢ એમને સંભળાવવાની કોઈએ હિંમત કરી ન હતી. આજે એમની જ પુત્રવધૂએ આવી હિંમત દેખાડી, પણ આખરે હતા વેપારી એટલે ગુસ્સો કરીને પુત્રવધૂ સાથે સંબંધ બગાડવાના બદલે એમણે ફોન મુકી દેવાનું મુનાસિબ માન્યું.

સામેથી ફોન કટ થઈ ગયો એટલે ક્ષણવાર કશિશ ફોન સામે જોતી રહી. પછી એના ચહેરા પર સ્માઇલ આવ્યું. જો ડેડ ફોન મૂકી દેતા હોય તો એનો મતલબ છે કે હવે એની કોઈ પણ બાબતમાં તેઓ વચ્ચે નહીં પડે. આમ તો એથી કશિશને પોતે જે નિર્ણય કર્યો છે તેમાં કશો ફેર પડતો ન હતો, પણ તો ય એને આ ગમ્યું. એણે પોતાના નાનકડા ઘર પર નજર ફેરવી લીધી અને એના ચહેરા પર ફરી સ્માઇલ આવ્યું. કદાચ વર્ષો પછી એ પોતાનો રસ્તો બનાવી રહી હતી તે ખુશી એના ચહેરા પર ચમકી. એણે ધ્યેયને ફોન કર્યો,

‘વકીલ સાહેબ ઘર ગોઠવાઈ ગયું છે, આજે ડિનર માટે પધારો…!’

‘ના…ભાઈ, આજે બિઝી છું.’ ધ્યેયે જવાબ આપ્યો એટલે કશિશ બોલી,

‘ઓ.કે. બહેન ફરી ક્યારેક રાખજો!’ કશિશનો રિપ્લાય સાંભળીને ધ્યેય હસી પડ્યો, એને હતું કે કશિશ કદાચ હજુ મૂડલેસ હશે, પણ એની મજાક સાંભળીને ધ્યેયને ખ્યાલ આવી ગયો કે હવે એ નોર્મલ થઈ ગઈ છે. પરિસ્થિતિ માણસના હાથમાં નથી હોતી, પણ પોતાને ખુશ રાખવા કે ન રાખવા તે માણસના હાથમાં જરૃર હોય છે. એને કશિશનો સ્પિરિટ ગમ્યો.

‘ખાલી જમવા બોલાવવા માટે ફોન નથી કર્યો…ઘર તો જાણે ગોઠવાઈ ગયું, પણ હવે જોબ શોધવાની છે તેનું શું?’

‘હમમ…’ ધ્યેયે આવો જવાબ આપીને વિચારવાનો સમય લઈ લીધો. કશિશે ઘર છોડ્યું પછી જે વિચાર એના મનમાં રમતો હતો તે હવે અત્યારે એ વાત કર્યા વિના ચાલે તેમ જ નથી, કહી દેવું જોઈએ,

‘કિશુ….તું જોબ શોધવાના બદલે કૉફી હાઉસ ચલાવી ન શકે?’

‘નોઓ….વૅ…હું હવે કદી એ કૉફી હાઉસમાં પગ પણ ન મૂકું.’

‘પણ શું કામ? તે કેટલી મહેનત એની પાછળ કરી છે તે ભૂલી ગઈ?’

‘ના…હું એ ભૂલી નથી, પણ એમાં કૌશલે પૈસાનું રોકાણ કર્યું છે. હવે એ મારી સાથે રહેવા પણ ઇચ્છતો ન હોય તો હું ત્યાં કયા હક્કથી જાઉં?’

કશિશનું આ સેલ્ફરિસ્પેક્ટ ધ્યેયને ગમ્યું, પણ એને કારણે એની કેટલી મુશ્કેલી વધી જશે તે એને સમજાવવું જોઈએ,

‘લુક કિશુ…તારી પાસે કોઈ જ જોબ એક્સપિરિયન્સ નથી, તને કેવી રીતે જોબ મળશે? અને સૌથી મોટી વાત, મિસિસ કૌશલ નાણાવટી તરીકેની તારી ઓળખ તને જોબ શોધવામાં નડશે.’

‘હેય, તું ભૂલી ગયો? મેં ટીચર તરીકે બે વર્ષ જોબ કરી હતી અને રહી વાત મારા અનુભવની, તો એ તો માણસ કામ કરે તો અનુભવ મળે ને?’ કશિશની દલીલ માત્ર જુસ્સો ટકાવી રાખવા પૂરતી જ નહીં, ખૂબ વાજબી પણ છે એટલે ધ્યેયે સ્વીકારી લીધી.

Related Posts
1 of 34

‘હમમ…તો પછી મિસિસ નાણાવટી તરીકેની ઓળખનું શું કરશે?’

‘એ ઓળખને મિટાવીને મારે મારી નવી ઓળખ ઊભી કરવી છે અને એટલે જ

જોબ કરવી છે…મારું કામ મારી ઓળખ ઊભી કરશે. તેથી મારે એવી જોબ શોધવી જોઈએ જે સમાજને ભૂલાવી દે કે હું માત્ર મિસિસ કૌશલ નાણાવટી જ નથી, હું કશિશ પણ છું.’ કશિશના અવાજમાં માત્ર જોશ જ નહીં, ભારોભાર કંઈક કરી છૂટવાની તમન્ના છલકતી હતી.

‘રાઇટ! પણ એ માટે કેવી જોબ તું મેળવી શકે?’ બંને જણ થોડીવાર વિચારતા રહ્યાં. બે-ચાર આઇડિયા એકબીજાને કહ્યાં, પણ કશું જામતું ન હતું… અચાનક કશિશને સ્ટ્રાઇક થઈ, એણે ચપટી વગાડી,

‘ધી…હું ફરી કૉફી હાઉસ જ ખોલું તો કેવું?’

‘વ્હોટ?’

‘યસ…કૉફી હાઉસ… હું નાણાવટી જેવી તામઝામ ન કરી શકું.. પણ નાનકડું કૉફી હાઉસ ચોક્કસ ખોલી શકું….જે  મારી ઓળખ ઊભી કરશે અને પૈસા પણ કમાવી આપશે. વળી, એ મારું ડ્રીમ પણ છે અને મને લાગે છે કે સમાજ જ્યારે જાણશે કે, મારું સપનું સાકાર કરવા આવડા મોટા કૉફી હાઉસને લાત મારીને મારું ખુદનું કૉફી હાઉસ બનાવ્યું એ જ મારી ઇમેજ બનાવી આપશે કે હું માત્ર મિસિસ કૌશલ નાણાવટી નથી.’

‘ધેટ્સ રાઇટ…મારું સજેશન છે કે તારે કૉલેજ એરિયામાં કાફે ખોલવી જોઈએ. જેથી એ ચાલી શકે.’ ધ્યેયે એને ઉત્સાહ વધારવા પોતાનું સજેશન આપ્યું.

‘ગુડ સજેશન! આમ દેખાય છે ડોબો પણ સ્માર્ટ છે હો!’

‘જા…જા…દસ છોકરીઓ આગળપાછળ ફરે એટલો સ્માર્ટ દેખાઉં છું. તને જ મારી કિંમત નથી. સમજી!’ ધ્યેયનો જવાબ સાંભળીને કશિશ ખડખડાટ હસી પડી.

‘કાલે ઑફિસ આવી જા…આપણે કૉફી હાઉસ વિશે વિચારી લઈએ.’

‘ઓ.કે..ગુડ નાઇટ..’ કહીને કશિશે ફોન મૂકી દીધો.

એક-બે દિવસમાં ધ્યેય અને કશિશે કૉફી હાઉસ ખોલવા માટેની રૃપરેખા તૈયાર કરી દીધી. આ વખતે નાણાવટી જેવા પૈસા ન હતા. એટલે વધુ કશું કરી શકાય તેવો સ્કોપ ન હતો. કશિશ એ બધા ખરચાને પહોંચી વળે તે માટે ધ્યેયે પોતે એની સાથે પાર્ટનરશિપ કરવાની પ્રપોઝલ આપી. બીજે કશેથી લોન લઈને વ્યાજમાં પૈસા નાંખવા તે કરતાં પોતાને પાર્ટનર બનાવવો વધુ વાજબી છે. વળી, કૉફી હાઉસ ચલાવવામાં થોડી ઘણી એની મદદ મળી રહે તે વાત એણે કશિશને ગળે ઉતારવાની કોશિશ કરી, પણ એણે ઑફર સ્વીકારી નહીં.

‘હવે જે કાંઈ પણ કરીશ તે જાતે જ કરીશ. મારે મારા જ પગ પર ઊભા થવું છે અને કોઈનો પણ આધાર નથી લેવો.’ કશિશના આ અફર નિર્ણય પછી ધ્યેયે એને સમજાવવાનું માંડી વાળ્યું.

કશિશે શહેરના કૉલેજ એરિયા નજીકના શોપિંગ મૉલમાં નાનકડી જગ્યા ભાડે લઈને પછી ત્યાં કૉફી હાઉસ ચાલુ કરવાની કામગીરી કરી દીધી. બંનેની ગણતરી એવી હતી કે કૉલેજ નજીક કૉફી હાઉસ ખોલીને એકદમ રિઝનેબલ પ્રાઇઝ રાખવાથી કૉલેજ સ્ટુડન્ટને આકર્ષી શકાય, કારણ કે કૉલેજ સ્ટુડન્ટ પાસે બહુ લિમિટેડ પોકેટ મની હોય છે. તેથી વધુ સ્ટુડન્ટ ત્યાં આવે તો એનું કૉફી હાઉસ ચાલે તે માટે એણે કૉફીના ભાવ બહુ ઓછા રાખ્યા. પચીસ રૃપિયાથી લઈને બસો પચાસ રૃપિયા સુધીમાં કૉફી મળી શકે તેવું મેન્યુ તૈયાર કર્યું. સાથે બ્રેડ ટોસ્ટ, સેન્ડવિચીસ, સમોસા, કચોરી જેવા હળવા નાસ્તા પણ રાખ્યા. જેથી સ્ટુડન્ટને હળવા નાસ્તાના ઓપ્શન્સ પણ મળી રહે. એક હેલ્પર એણે રાખી લીધી જેથી એને મદદ મળે. કશિશે કૉફી હાઉસનું નામ આપ્યું ‘મેરાકી’. ધ્યેયે આ નામ  સાંભળ્યું ન હતું.

‘આ ગ્રીક વર્ડ છે…મેરાકી એટલે તમે જે કામ કરો છો તેમાં પૂરી દિલથી કે રસથી કરો તે…’

‘ગુડ….તું જે રીતે કામ કરે છે તેમાં આવું જ નામ યોગ્ય કહેવાય!’ ધ્યેયે એને પ્રોત્સાહન આપતાં કહ્યું. પંદર દિવસમાં એણે સિમ્પલ–સોબર ઇન્ટીરિયર સાથે કૉફી હાઉસ ઊભું કરી દીધું. કૉફી હાઉસનો પ્રચાર કરવા એણે શહેરના બે-ચાર પેપરમાં ઓપનિંગ ડેની ઍડ્. આપી. તેમજ કૉલેજમાં નોટિસ બોર્ડ પર કૉલેજ ઑથોરિટીની પરવાનગી લઈને પેમ્ફેલેટ્સ મુક્યા તેમજ કૉલેજ સ્ટુડન્ટમાં વહેંચ્યા. કશિશે પોતાનાં સાસુ-સસરા તથા પોતાના પિયરમાં અને કૌશલને પણ કાર્ડ્સ મોકલ્યાં હતાં, પણ કૉફી હાઉસના ઉદ્દઘાટનમાં બંને જગ્યાએથી કોઈ પણ  આવ્યું ન હતું. કૌશલ આવશે તેવી આશા પણ રાખી ન હતી. કશિશને ઉમીદ હતી કે પપ્પા આવશે, પણ કદાચ ઉદયે એમને નહીં આવવા દીધા હોય તેમ માની એણે એ વિશે વધુ વિચારવાનું ટાળ્યું. ગણતરીના મહેમાનો સાથે એણે કૉફી હાઉસની રિબન પોતાના હાથે જ કાપીને લોન્ચ કરી દીધું. થોડા કૉલેજ સ્ટુડન્ટ તેમજ આમંત્રિત મહેમાનો આવ્યા હતા. રાતે ઘરે જઈને એણે હિસાબ કર્યો તો ટોટલ પાંચ હજાર રૃપિયાની કમાણી થઈ હતી. એણે નિરાંતનો શ્વાસ લીધો. એક મહિનાનું કૉફી હાઉસનું ભાડું નીકળી ગયું, પણ કસોટી આવતીકાલથી શરૃ થવાની છે, કૉફી હાઉસ ચાલશે કે નહીં?

* * *

(ક્રમશઃ) અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર…… વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો….

 

Leave A Reply

Your email address will not be published.

Translate »