તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકાજ – એક વધુ આર્થિક નિષ્ણાતની સરકારમાંથી વિદાય

કુમારસ્વામીને કોંગ્રેસ હવે શંકાની નજરે જુએ છે

0 208

રાજકાજ

કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યમે તેમનો કાર્યકાળ પૂરો થવાના લગભગ એક વર્ષ પહેલાં રાજીનામું આપી દીધું છે. રાજીનામા માટે તેમણે અંગત કારણ જણાવ્યું છે અને સરકાર સાથે કામ કરવાના તેમના અનુભવને તેમણે જીવનનો સુવર્ણકાળ ગણાવ્યો છે. આમ છતાં મુદત પૂરી થતાં પહેલાં તેમની વિદાયને સામાન્ય માનવામાં આવતી નથી અને અનેક આર્થિક મુદ્દાઓ પરત્વે સરકાર સાથે તેમના ભિન્ન મત અથવા મતભેદોને પણ કારણભૂત ગણવામાં આવે છે. આ પહેલાં આવા જ એક આર્થિક નિષ્ણાત અરવિંદ પનગઢિયાએ પણ તેમની મુદત પહેલાં પદ છોડીને વિદાય લીધી હતી. તેઓ નીતિ આયોગના ઉપાધ્યક્ષ જેવા મહત્ત્વના પદ પર બિરાજમાન હતા.

નરેન્દ્ર મોદીની સરકારે આયોજન પંચને વિખેરી નાખીને નીતિ આયોગની રચના કરી છે. અરવિંદ પનગઢિયા સરકારના ખાસ પસંદગીના આર્થિક નિષ્ણાત હતા. મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ જેવા નીતિ આયોગની જવાબદારી સોંપી હતી. આવા બે શ્રેષ્ઠ આર્થિક નિષ્ણાતોએ મુદત પહેલાં જ કામગીરી છોડીને વિદાય લેવાનું પસંદ કર્યું હોય ત્યારે સરકારની આર્થિક નીતિઓ સામે પણ પ્રશ્નો ખડા થાય એ સ્વાભાવિક છે. આ બંને નિષ્ણાતો ખુલ્લા અર્થતંત્ર અને સરકારી ખર્ચમાં કાપ મૂકવાનો દૃષ્ટિકોણ ધરાવતા જમણેરી નિષ્ણાતો ગણાતા હતા. આમ છતાં તેઓ સરકાર સાથે સંકલન અને સુમેળ સાધી શક્યા નહીં. એટલે પ્રશ્નો તો ખડા થાય જ. આર્થિક નીતિની સાથે સરકારને રાજકીય મજબૂરીઓ લક્ષમાં લેવી પડતી હોય છે, પરંતુ આર્થિક નિષ્ણાતો આવી મજબૂરીને વશ ન થવાનું વલણ ધરાવતા હોય છે.

તેમના દિમાગમાં અર્થતંત્રની ગતિ અને સ્વાસ્થ્ય મહત્ત્વના હોય છે. એટલે હવે સામાન્ય ચૂંટણીને જ્યારે માત્ર એક વર્ષ બાકી રહ્યું હોય અને સરકાર હવે રાજનીતિને પ્રાધાન્ય આપવા જઈ રહી હોય ત્યારે શક્ય છે કે રાજનૈતિક મજબૂરીઓ આર્થિક અગ્રતાઓ પર સવાર થઈ જાય. એટલે એક અનુમાન એવું પણ છે કે વર્તમાન આર્થિક માહોલ પર ચૂંટણી વર્ષમાં સંભવિત ઉગ્ર ચર્ચાથી પોતાની જાતને દૂર રાખવાના ઇરાદાથી તેમણે પદ છોડવાનું પસંદ કર્યું હોય. કેમ કે આવી ચર્ચા દરમિયાન ક્યારેક પોતાના વિશુદ્ધ વિચારો વ્યક્ત થઈ જાય જે સરકારની નીતિ કરતાં ભિન્ન હોય. એ સ્થિતિમાં સરકારને અને તેમને માટે ધર્મસંકટ જેવી સ્થિતિ સર્જાય. બજેટ પછીની પોતાની પ્રતિક્રિયામાં તેમણે રોજગાર વૃદ્ધિની બાબતમાં પોતાના વિચારો છૂપાવવાનુંં મુનાસિબ માન્યું ન હતું અને સ્પષ્ટ કહ્યું હતું કે રોજગારી સર્જનના મોરચે અપેક્ષિત સફળતા મળવાની આશા ઓછી છે. અરવિંદ સુબ્રહ્મણ્યમની કામગીરીને ન્યાય આપવા કહેવું જોઈએ કે જનધન બેન્ક ખાતાઓથી માંડીને આધારકાર્ડ યોજના અને જીએસટી જેવા કાર્યક્રમોને સફળ બનાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

કેટલાક લોકો એવું માને છે કે એક હજાર અને પાંચસોની નોટોને ચલણમાંથી રદ કરવાના નિર્ણયને તેમનું સમર્થન ન હતું. એ એક એવો આર્થિક નિર્ણય હતો જેનો સામાજિક પ્રભાવ ઘણો વધારે હતો. અલબત્ત, એ નિર્ણયને સામાન્ય જનતાનું અદ્ભુત સમર્થન મળ્યું, પણ અનેક ક્ષેત્રોમાં આજે પણ તેની વિપરીત અસરો જોવા મળે છે. એ જ રીતે ડિજિટલ લેવડ-દેવડનો સંબંધ સામાન્ય નાગરિકના આર્થિક સશક્તિકરણ સાથે જોડાયેલ હોવાથી અરવિંદ સુબ્રહ્મણ્યમ્ આ બાબતમાં ક્યારેય બહુ ઉત્સાહિત ન હતા. એટલું જ નહીં આ અંગે તેમણે હંમેશાં સંયમિત ભાષામાં પ્રતિભાવ આપ્યા હતા. બેન્કોના કામકાજ અંગે પણ તેમની માન્યતા અને રિઝર્વ બેન્કની માન્યતા વચ્ચે તફાવત રહેતો. આ બધા મુદ્દાઓ આર્થિક બાબતોમાં સરકારના વલણ સાથે તેમની મતભિન્નતાના સંકેત આપે છે.

Related Posts
1 of 37

અલબત્ત, માત્ર આર્થિક નિષ્ણાતો જ નહીં તો કોઈ પણ ક્ષેત્રના નિષ્ણાતોને સરકાર સાથે કામ કરવામાં મુશ્કેલી પડે છે. કેમ કે સરકારમાં કોરો આદર્શવાદ ચાલી શકે નહીં. રાજનીતિની વ્યાવહારિકતા સાથે સુમેળ સાધી શકે એવા લોકો જ તેમાં ટકી શકતા હોય છે. અરવિંદ સુબ્રહ્મણ્યમ્ના રાજીનામાને પણ એ સંદર્ભમાં જ લેવું જોઈએ.
———-.

કુમારસ્વામીને કોંગ્રેસ હવે શંકાની નજરે જુએ છે
કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બે લાંબી મિટિંગ કરી તેનાથી પાટનગર દિલ્હીના કોંગ્રેસી મોવડીઓ તેમના પર શંકા કરવા લાગ્યા છે. કોંગ્રેસી અગ્રણીઓ એવું માને છે કે કુમારસ્વામી ભાજપ સાથે કોઈક પ્રકારની ગોઠવણ અથવા કહો કે સેટિંગ કરવાના પ્રયાસમાં છે. કુમારસ્વામીએ જોકે એવું કહ્યું છે કે તેમણે વડાપ્રધાન સાથે કાવેરી જળવિવાદ અને કર્ણાટકના વિકાસ અંગે ચર્ચા કરી હતી, પરંતુ કોંગ્રેસી અગ્રણીઓ આવી સ્પષ્ટતાથી સંતુષ્ટ નથી. કોંગ્રેસની શંકાનું કારણ એ છે કે મુખ્યપ્રધાનોની પરિષદમાં આવેલા દેશના બાકીના રાજ્યોના મુખ્યપ્રધાનો વડાપ્રધાનને મળવા માટે સહેલાઈથી સમય મેળવી શક્યા નહીં એ સ્થિતિમાં કુમારસ્વામી વડાપ્રધાનને બે વખત મળ્યા અને લાંબી મિટિંગ કરી. તેનો અર્થ એ પણ થાય કે કુમારસ્વામી તેમની સરકારના સાથી પક્ષ કોંગ્રેેસ પર દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે.

કુમારસ્વામી મીડિયા સમક્ષ સતત એવું કહેતા રહ્યા છે કે તેઓ કોંગ્રેસની મહેરબાનીથી મુખ્યપ્રધાનપદ પર છે. રાજ્યના કોંગ્રેસી અગ્રણીઓ કુમારસ્વામી પર કોઈ ને કોઈ પ્રકારનું દબાણ કરતા રહેતા હોવાની ચર્ચા પણ છે. કહે છે કે કુમારસ્વામી રાજ્યના બજેટમાં ફેરફાર કરવા ઇચ્છે છે. જ્યારે કોંગ્રેસને એ મંજૂર નથી. રાજ્યનું બજેટ અગાઉની સિદ્ધરામૈયાની સરકારે તૈયાર કરેલું છે. કુમારસ્વામી રાજ્યના ખેડૂતોનાં દેવાં નાબૂદ કરી શકાય એ માટે જોગવાઈ કરવા ઇચ્છે છે. આ બાબતમાં કોંગ્રેસ અને કુમારસ્વામી વચ્ચે મતભેદ પ્રવર્તે છે. કુમારસ્વામી એવું માને છે કે સિદ્ધરામૈયા સરકારે નૈતિક દૃષ્ટિકોણથી જોતાં વોટ ઓન એકાઉન્ટ પસાર કરાવ્યું હતું. એ બજેટ ન ગણાય. કોંગ્રેસને શંકા છે કે કુમારસ્વામી કર્ણાટકમાં નીતિશકુમારના માર્ગે જશે અને ભાજપ સાથે ગઠબંધન કરશે.

———-.

જયરામ રમેશ અને શશી થરૂર આમને સામને
કોંગ્રેસ અગ્રણી જયરામ રમેશને તેમના નવા પુસ્તક ‘પી. એન. હકસર એન્ડ ઇન્દિરા ગાંધી’ને કારણે પક્ષમાં ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના અંદરના ઇન્દિરા ગાંધીના વફાદારોની દલીલ એવી છે કે જયરામ રમેશે તેમના પુસ્તકમાં હકસરની પ્રશંસા કરવાને નિમિત્તે દિવંગત પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની બિનજરૃરી ટીકા કરી છે. આ બાબતમાં સૌથી વધુ નારાજ અને રોષિત શશી થરૃર હોવાનું કહેવાય છે. થરૃર લાંબા સમય સુધી કોંગ્રેસના બુદ્ધિજીવી અગ્રણીનો દરજ્જો ભોગવતા આવ્યા છે. હવે તેમના દરજ્જાને બે નેતાઓ દ્વારા પડકાર અપાઈ રહ્યો છે. તેમાંના એક જયરામ રમેશ છે અને બીજા સલમાન ખુરશીદ છે. આ બંને નેતાઓ ઝડપભેર પુસ્તકો પ્રકાશિત કરાવી રહ્યા છે અને પોતાની જાતને સાહિત્યિક જગતના સિતારા સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. થરૃરે જયરામ રમેશના પુસ્તક વિશે ફરિયાદ કરતો પત્ર રાહુલ ગાંધીને લખ્યો હોવાનું પણ કહેવાય છે. જોકે રાહુલે થરૃરને કોઈ જવાબ આપ્યો નથી.
———-.

કોંગ્રેસ ઇચ્છે છે આમ આદમી પાર્ટીનો અસ્ત
આમ આદમી પાર્ટીના સભ્યોની ફરિયાદ એવી છે કે લેફ્ટેનન્ટ ગવર્નરના નિવાસસ્થાને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના ધરણાનો અપમાનજનક રીતે અંત લાવવો પડ્યો એ માટે કોંગ્રેસ જવાબદાર છે. કોંગ્રેસે છેક સુધી કેજરીવાલના ધરણાને સમર્થન આપ્યું નથી. છેલ્લા લગભગ એક વર્ષથી આમ આદમી પાર્ટી કોંગ્રેસને મનાવવા પ્રયાસ કરી રહી છે. લેફ્ટેનન્ટ ગવર્નરની સત્તા મર્યાદિત કરવા તેમજ ઇવીએમ મશીન જેવા સમાન મુદ્દાઓ અંગે એક એજન્ડાનો સ્વીકાર કરીને સાથે મળીને આગળ વધવાના આમ આદમી પાર્ટીના સૂચનને કોંગ્રેસે ફગાવી દીધું છે. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અજય માકન અને પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિત કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના જોડાણમાં અવરોધક બને છે. તેઓ એવું માને છે કે આમ આદમી પાર્ટીને વિપક્ષથી અળગા કરી દેવામાં આવે તો તે જે રીતે રાતોરાત ઊભરી આવી હતી એ જ ઝડપથી આ પાર્ટીનો અસ્ત થઈ જશે. જોકે પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી કેજરીવાલ પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »