તમારા માટે, તમારી સાથે, સતત…

નિવૃત્તિ પહેલાં પરિવારને  કેટલો સમય આપો છો?

લોકો નિવૃત્ત થાય પછી એકાએક એમને ઘર વહાલું લાગે છે

0 313

હૃદયકુંજ –  દિલીપ ભટ્ટ

નિવૃત્તિ પછી તેઓ ઘરમાં અનફિટ હોય છે,
કારણ કે જ્યાં તમે સમય ડિપોઝિટ ન કર્યો હોય ત્યાંથી તમને મળે શું?

સમયમાં ભૂલચૂક હોવી તે આદ્યાત્મિક અર્થમાં દુર્જનતાની નિશાની છે. કાયમ ઑફિસમાં કે પછીથી પોતાના કામમાં મોડા પડતા લોકો સ્વયં એ સ્થિતિની યાતના તો અનુભવતા જ હોય છે, પણ પોતાની જ ભૂલો પણ જોઈ શકતા હોવાને કારણે કોઈને વેદના વર્ણવી શકતા નથી. એની સામે જેઓ એડવાન્સ અથવા તો સમયસર હોય તેઓનો આનંદ, સ્વસ્થતા અને નિરાંતને આજુબાજુના સહુ જોઈ શકે છે. મનુષ્યની જિંદગીમાં ઘડિયાળ એક બહુ મોટું પ્રકરણ છે જે સામાન્ય રીતે તો ક્યાંય અભ્યાસક્રમમાં ભણાવવામાં આવતું નથી. તમે જ્યારે જ્યાં હોવા જોઈએ ત્યાં જ હો અને જે કામમાં નિમગ્ન હો એ જ કામમાં હો તો એનો અર્થ એ છે કે આપની ઘડિયાળ સાથે આપ બરાબર વર્તન કરી રહ્યા છો. ઘડિયાળે પોતે તો કંઈ કરવાનું જ નથી, એ નાનકડી દેખાતી સમયની વિરાટ સંપત્તિ સાથે તમે કઈ રીતે વર્તો છો તે તમારું વર્તન જ તમારી ઘડિયાળ છે. બધાને કાંડે સરખો જ સમય દેખાતો હોવા છતાં સમય હોય છે સહુનો જુદો-જુદો, એનાં કારણોમાં ભેદનું રહસ્ય છુપાયેલું છે. ક્યો ભેદ? સમાન સમયમાં સહુની ઉપલબ્ધિ કે શૂન્યલબ્ધિ અસમાન હોય છે તે.

તમને એક ચોરસ કાપડનો ટુકડો આપવામાં આવે છે. એ એક કલાક છે. કેટલાક લોકો એમાં અજબ ભરતગૂંથણ કરે છે ને કેટલાક તો પાંચ પચીસ ટાંકા લઈને પાછું આપે છે. કોઈ એવા પણ છે કે એ ટુકડામાં કોઈ જ પ્રદાન કે કામ વિના પાછો આપે છે. જેઓ એમાં કંઈક એમ્બ્રોઇડરી જેવી ડિઝાઇન કરી આપે છે એનું મૂલ્ય વધી જાય છે અને ઓછું કામ કરેલા ટુકડાઓ રસ્તા બને છે. સાવ કોરા ‘ને કોરા પાછા આવેલા ટુકડાઓ તરફ જોવાનો તો આ મોહક સંસારમાં કોને રસ હોય? જો આપણને મળતા દરરોજના ર૪ ટુકડાઓમાંથી કોઈ એક સળંગ ડિઝાઇન ન નીપજે તો જિંદગી ધારણ કરવા જેવી રહેતી નથી. એક જિંદગીએ બીજી જિંદગી પાસેથી ડિઝાઇન્ડ ટુકડાઓ લેવા પડે છે. આમ તો સમયની સાપેક્ષતાના સહેલા લાગતા અને ખરેખર અઘરા સિદ્ધાંતમાં આ બધી વાત આવી જ જાય છે.

સમય પોતે રસશૂન્ય છે અને છતાં એ જ રસની ખાણ છે જો એની સાથે કામ પાડતા આવડે તો. બાહ્યાચાર એવો છે કે જેઓ સમયસર હોય છે તેઓ સમય સાથે કામ સારી રીતે પાડે છે – પણ આ અધૂરું સત્ય છે. એ તો માત્ર સમયના સ્ટ્રક્ચરને અનુસરવાની શિસ્ત છે. આપણે જાણીએ જ છીએ કે બાહ્ય શિસ્ત માત્રથી બધા સંસ્કાર આપણામાં કેળવાઈ જતા નથી. સમયનું બાહ્ય સ્ટ્રક્ચર અનુસરવું એ પહેલી શરત હોવા છતાં એ સમયમાં પછી તમે શું કરો છો? એનો વિશેષ મહિમા અને વિશેષ પરિણામો છે.

Related Posts
1 of 57

સમય હંમેશાં કામ કરવા માટેનો નથી હોતો અને એવા સમયને બહુ જ ઓછા લોકો ઓળખે છે. સંતોષ નાયર એને ‘માય ટાઇમ’ કહે છે. અમેરિકી નવલકથાકાર જેકી કોલિન્સ એને ‘આઈ એમ વિથ નો વન’ કહે છે. નો વન એટલે ઘર સિવાયની બહારની દુનિયાના કોઈ સાથે હું નથી. ડિકન્સે એમ કહ્યું હતું કે જ્યાં તમે સૌથી વધુ માત્રામાં ‘તમે’ હો ત્યાં જ વધુ સમય રહો અને કદાચ એ તમારું ઘર પણ હોય! જેઓ ભ્રષ્ટ આચરણથી લિપ્ત છે તેઓની સમસ્યા એક જ હોય છે કે તેઓ પોતાનામાં જ હોતા નથી. સંસ્કૃત સુભાષિતકારે રાજસભાનું વર્ણન કરતા કહ્યું છે કે સહુ, સહુને ઓળખે છે કે તેઓ કેટલા જુઠ્ઠા અને દંભી છે, છતાં જુઓ સહુ એકબીજાને કેવો વ્યર્થ આદર આપે છે. ભ્રષ્ટ આચરણ વ્યક્તિને નાચરણ સુધી લઈ જાય છે, જ્યાં પૈસા મળે ત્યાં તેઓ નર્તન કરવા કે આળોટવા તૈયાર થઈ જતા હોય છે. આત્મગૌરવને દફનાવ્યા વિના કોઈ ભ્રષ્ટ ન બની શકે. હૃદય કે જે વારંવાર સત્ય ઉચ્ચારતું હોય એને ચૂપ-ચૂપ કહેવું પડે. ક્યારેક એ સત્યપ્રિય હૃદય વ્યક્તિની જાણ બહાર બીજા માર્ગે પણ બોલી જતું હોય છે. જેઓ પોતાના કે પોતાનાઓના નથી તેમને વળી સમય સાથે શી લેવા-દેવા? એમની ઘડિયાળ સાવ અલગ અને બહારની દુનિયા માટે બનેલી હોય છે.

આજકાલ દંપતીઓ પોતાના પુખ્ત સંતાનોની ફરિયાદ કરતા થયા છે. તેઓની ફરિયાદ સામાન્ય છે. તેઓ કહે છે કે, આ અમારાં સંતાનો પાડોશમાં રહેતા લોકોને હલ્લો આન્ટી કેમ છો? અને ઓહો અંકલ કેમ મજામાં? એમ જે સૌજન્યથી વાત કરે છે, કમ સે કમ એટલી સારી રીતે તો અમારી સાથે વાત કરે! આ દંપતીઓએ એક આત્મખોજ કરી લેવાની હોય છે કે સંતાનોના શિશુકાળે તેઓએ તેમનામાં પોતાનો પૂરતો સમય ડિપોઝિટ કર્યો હતો કે નહીં! બધાં દેવતાઓમાં એક કાળ દેવતા પણ છે અને તે ન્યાયિક છે. નથી ક્રૂર કે નથી દયાળુ. આ કાળ દેવતા સમયના ત્રાજવે આપણને સતત તોલતા રહે છે. એના તોલ અને મોલ સંપૂર્ણ ગાણિતિક છે.

એ કાળ દેવતાનું રમતિયાળ પ્રતિનિધિત્વ ઘડિયાળ કરે છે. જિંદગીમાં જેને લક્ઝરી કહેવાય એ ‘બિફોર ટાઇમ’ એટલે કે નિયત સમયથી વહેલા હોવામાં છે. ઓન ટાઇમ તો મધ્યમ વર્ગ છે અને મોડા પડવું એ તો સામયિકી પછાત વર્ગ છે. જોકે જેઓ ખરેખર લક્ઝરી ભોગવતા હોય તેઓ બિફોર ટાઇમ હોય છે. સમય ચૂકી જતો ઇન્સાન એની જિંદગીમાં ઘણું બધું ચૂકી જતો હોય છે એમ એમ કહેવાની નહીં, સમજવાની જ જરૂર હોય છે.

લોકો નિવૃત્ત થાય પછી એકાએક એમને ઘર વહાલું લાગે છે. જોકે આખી જિંદગી મહેનત કરીને ઘરનો ભાર ઉપાડતા મોભીનો એ અધિકાર છે કે થોડો નિરાંતનો પણ અનુભવ લે, પરંતુ થોડાક જ દિવસોમાં તેમને ખ્યાલ આવી જાય છે કે તેઓ આ ઘરમાં એક અનફિટ વ્યક્તિ છે અથવા તો ઘરના સભ્યો એમને એવો પડઘો પાડી આપે છે જેને કારણે એક તબક્કે તો એમને ખબર પડે છે કે અરે, આટલી વહેલી ઉંમરે ઘરે આપણે ક્યાં બેસી ગયા. હજુ થોડા વરસ ઑફિસમાં પસાર કરવાની જરૃર હતી. ક્યારેક એમને છેવટે ખબર પણ પડે છે કે ઘરના જે મહત્ત્વના નિર્ણયો જાતે લેવાના હતા અને ન લીધા તે અહીં તો મામા-માસી કે કાકા – કાકી લઈ રહ્યાં છે. ઘર એમનાથી એટલું બધું આગળ નીકળી ગયું હોય છે કે તેમણે કહેવાની બધી વાતો અપ્રસ્તુત બની જાય છે.

ત્યારે તેમને ખ્યાલ આવે છે કે નિવૃત્ત થયા પહેલાંની જિંદગીમાં નહીં આપેલો સમય તેઓ હવે આપવા ધારે છે, પણ એ સમય લેનારાઓ હવે ક્યાં નવરા પડે છે? મકાનને કલર કરવાવાળા આવી પહોંચે ત્યારે જ ખબર પડે કે હવે કલર કરાવવાનો છે. ઑફિસરાજ ગયું ને ગૃહરાજ કંઈ સ્થપાયું નહીં. ખરી ત્રિશંકુની સ્થિતિ આ જ છે અને એનું એક જ કારણ હોય છે ઘડિયાળ. જુવાનીમાં મહેનત કરીને ઘર તરફની ઘડિયાળ રિપેર કરી લેતા નથી, એમના કાનમાં ઉંમર થતાં આખો દિવસ ડંકા પડવા લાગે છે. ઘડિયાળ સ્વયં પણ સમયસર રિપેર કરી લેવી જોઈએ.

રિમાર્ક – ઘર કોઈ એવી જગ્યા નથી જ્યાં ગૃહસ્થ અને ગૃહિણીને વિશ્રામ મળે જ. મળે તો મળે. ન મળે તો સાત ભવેય ન મળે.
—————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »