તમારા માટે, તમારી સાથે, સતત…

હાથ મળે, દિલ મળે, પણ દિમાગમાં પરિવર્તન ક્યારે?

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાએ ભાઈબંધી કરી લીધી

0 239

ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

આ સપ્તાહે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્ત્વની ઘટના સર્જાઈ. દાયકાઓથી જેની દુશ્મનીના કારણે અડધા કરોડથી વધુ માનવ મૃત્યુ થઈ ચૂક્યા છે, તેવા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાએ ભાઈબંધી કરી લીધી છે. ૧૯૫૩માં કોરિયન યુદ્ધ બાદ પહેલીવાર ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિએ દક્ષિણ કોરિયાની જમીન પર પગ મુક્યો છે. કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈનને પનમૂનજોમ ખાતે ઉમળકાભેર ભેટી પણ લીધું છે. લંબાણપૂર્વકની ચર્ચા, સરહદે વૃક્ષારોપણ, ડિનર અને ગુપ્ત ચર્ચા કરી લીધા બાદ બંને દેશોના નેતાઓએ પોતાના સંયુક્ત નિવેદનમાં દુનિયા સમક્ષ જાહેર કર્યું છે કે હવે કોઈ યુદ્ધ નહીં થાય અને કોરિયન ટાપુને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવામાં આવશે.

આ મુલાકાતમાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે બંને પક્ષે ઉમળકો અને સુલેહ-શાંતિના પ્રસ્તાવમાં પ્રમાણિકતા જણાતી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પ્રકારના સંબંધો છે તેના કરતાં અનેકગણા કડવાશભર્યા સંબંધો એ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો ઇતિહાસ રહ્યો છે. કોરિયાન યુદ્ધમાં ઉત્તર કોરિયા અને તેના મિત્ર દેશોના સાડા ૭.૫૦ લાખ અને દક્ષિણ કોરિયા અને તેના મિત્ર દેશોના ૧.૭૮ લાખ સૈનિકો ઉપરાંત ૨૫ લાખ નાગરિકો મૃત્યુ પામ્યાં હોવાના ભયંકર ભૂતકાળ પછી પણ જો આ બંને દેશો સફળ મંત્રણા અને નક્કર વાસ્તવિકતા સુધી પહોંચી શકતા હોય તો ભારત પાકિસ્તાન સહિત દુનિયામાં ઝઘડતા તમામ દેશોએ તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. કિમ અને મૂન બંને નેતાઓએ તેમની સરહદ પર ચાલી રહેલા પ્રોપેગંડાને બંધ કરી દઈ સૈનિકોના વિસ્તારને શાંતિ ઝોનમાં પરિવર્તિત કરી દેવા સંકલ્પ કર્યો છે. યુદ્ધ અને સરહદો પરની તંગદિલીના કારણે વિખૂટા પડેલા પરિવારોના પણ મિલન કરાવવા સરકાર સક્રિય બનશે. એટલું જ નહીં, બંને દેશો વચ્ચે માર્ગ અને રેલવે નેટવર્ક પણ સ્થાપિત કરાશે.

દુનિયામાં ઘણા દેશો વચ્ચે ઘણા પ્રકારની સંધિઓ અને સમજૂતીઓ થતી હોય છે. વાસ્તવિક સ્તરે એમાંની ઘણીખરી પ્રગતિ કરતી પણ હોય છે અને કેટલાકમાં પૂરી સફળતા ન પણ મળે, તેવું બનતંુ હોય છે. શક્ય છે કે શાસનતંત્ર બદલાતા ઘણીવાર જે-તે દેશોની નીતિરીતિમાં પણ પરિવર્તન જોવા મળતું હોય છે. આમ છતાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના વર્તમાન ઘટનાક્રમ પર વિચાર કરીએ તો બંને દેશો વચ્ચેના ભૂતકાળને વાગોળવાની જરૃર છે. ૧૯૧૦થી જાપાનના કબજામાં રહેલાના કોરિયાના ભાગલા ૧૯૪૫માં પડેલા. બીજા વિશ્વયુદ્ધના આખરી દિવસોમાં રશિયાએ જાપાનની સામે યુદ્ધ છેડ્યું હતું. તેમને માટે કોરિયા યુદ્ધનું મેદાન બની ગયું હતું, જ્યારે અમેરિકા પણ અહીં જાપાનની વિરુદ્ધ લડી રહ્યું હતું. વિશ્વ યુદ્ધ પૂરું થતાં રશિયા અને અમેરિકા વચ્ચે સંધિ થઈ, જે અનુસાર કોરિયાને ૩૮મા સમાનાંતરની સાથે બે ભાગ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચી દેવાયા. બંને દેશો ત્યાર પછી સંયુક્ત રીતે અહીં શાસન કરવા લાગ્યા.

Related Posts
1 of 37

૩૮મું સમાનાંતર એ અક્ષાંશ રેખા છે, જે પૃથ્વીની ભૂમધ્ય રેખાથી ઉત્તરમાં ૩૮ ડિગ્રી પર સ્થિત છે અને યુરોપ, ભૂમધ્ય સાગર, એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અમેરિકા અને એટલાન્ટિક સાગર થઈને પસાર થાય છે. બંને દેશોએ તે સમયે કોરિયાઈ નેતાઓને વચન આપ્યંુ હતું કે પાંચ વર્ષ બાદ એ દેશ તેમને સુપરત કરી દેશે, પરંતુ જનતા એ વ્યવસ્થાની વિરુદ્ધ હતી. પરિણામે કોરિયામાં વિરોધ પ્રદર્શનની શરૃઆત થઈ ગયેલી. ૧૯૪૯ સુધી આ સ્થિતિ રહેલી ત્યારે ઉત્તર કોરિયાના શાસનસૂત્રો વર્તમાન શાસક કિમ જોંગ ઉનના દાદા કિમ ઈલ સૂંગની પાસે હતા.

વર્ષ ૨૦૦૦માં કિમ જોંગ ઈલે દક્ષિણ અને ઉત્તર કોરિયાના જોડાણની યોજના ઘડી કાઢેલી અને તે ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટેની પહેલ પણ કરી હતી. એ સત્તાવાર સમિટ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં થઈ હતી. ત્યાર બાદ ૨૦૦૭માં પણ તે યોજનાને આગળ વધારાયેલી. હવે ૧૧ વર્ષ પછી બંને દેશોના નેતાઓ મળ્યા છે અને ૬૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાના કોઈ શાસક જો દક્ષિણ કોરિયા ગયા હોય તો તે કિમ જોંગ ઉન છે. અમેરિકા, જાપાન અને રશિયાએ બંને દેશો વચ્ચેની શિખર મંત્રણાને આવકારી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો ઘણી ખેલદિલીપૂર્વક કહ્યું કે દુનિયાને આજે જે ઐતિહાસિક ક્ષણ જોવા મળી તેનું શ્રેય ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના ફાળે જવું જોઈએ. તે સાચી વાત છે કે ચીની રાષ્ટ્રપતિની મહેનત વગર આ શક્ય બન્યું ન હોત. થોડા સમય પહેલાં જ કિમ જોંગ ઉને ચીન જઈને જિનપિંગની મુલાકાત કરેલી. બંને દેશોના આંતરિક રાજકારણમાં અને કોરિયાઈ દ્વીપ સમૂહમાં બંને નેતાઓને મંત્રણાના મેજ પર લાવવામાં કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગના યશસ્વી યોગદાનની પણ નોંધ લેવી ઘટે. આમ વિશ્વ શાંતિના ઇતિહાસમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેના દ્વિ-પક્ષીય સંબંધોએ લીધેલો સકારાત્મક વળાંક એ એક નવા અધ્યાયની શરૃઆત ચોક્કસ કહી શકાય.

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લાગે વળગે છે ત્યાં સુધી આ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અનૌપચારિક છતાં મહત્ત્વની મુલાકાતની પણ નોંધ લેવી રહી. વૈશ્વિકસ્તરે જોઈએ તો ૨૧મી સદીમાં એશિયાના બે વિશાળ દેશો ભારત અને ચીનનાં અર્થતંત્રો ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવનાર છે, તેવું અર્થશાસ્ત્રીઓના તારણ પર વિશ્વના દરેક દેશોની નજર છે. આગલા સપ્તાહે આપણા વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ શી જિનપિંગને મળી આવ્યાં અને વડાપ્રધાનની મુલાકાત થાય તે પહેલાંનું જરૃરી વાતાવરણ બનાવી આવ્યાં. મોદી અને જિનપિંગ ચીનના જે શહેર વુહાનમાં મળ્યા તે ૩૦૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવે છે. ત્યાંના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ માઓ ઝેદાંગનું તે હવા ખાવા માટેનું માનીતું સ્થળ હતું. આજે પણ વુહાન મધ્યચીનનું આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પાટનગર ગણાય છે. વડાપ્રધાનની બે દિવસની ચીન મુલાકાત દરમિયાન તેઓ જિનપિંગ સાથે છ વાર મળ્યા અને સરહદ પર શાંતિ જાળવવા સહિતના બીજા ચાર મુદ્દા પર બંને દેશો વચ્ચે સહમતી સધાઈ હતી…………

સુધીર એસ. રાવલ લિખિત ‘એનાલિસિસ’નું આગળનું વિશ્લેશણ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો

——————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »