તમારા માટે, તમારી સાથે, સતત…

કુદરત પણ બોલવા પૂરતું લાઇક/લવ કરશે તો?

લાઇક એન્ડ લવવાળા માણસ તું ત્યાં કુદરત 'ને પક્ષીઓ માટે શું કરે છે?

0 783

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

મા-મા કરવા ઈસ્ટમેન કલરની ચોપડી વાંચવાની કોઈ જરૃર નથી
લીલોછમ નિરક્ષર વનવાસી પોતાની કુદરતતા પર મગરૃર નથી

આઇ લવ યુ. તમને કોઈ અજાણી વ્યવસ્થિત વ્યક્તિ પહેલી વાર મળે અને મધુર કંઠે સારી રીતભાતથી સ્મિત સાથે કહે તો? આશ્ચર્ય કે આઘાત. સારું કે ખરાબ લાગે. રજૂઆતકર્તા રસપ્રદ કે આકર્ષક હોય તો કદાચ વાત આગળ વધે. કામ જાગે, અવકાશ હોય ‘ને શ્રોતા ‘એવા’ પ્રકારનો હોય તો શક્યતઃ કૉલ ઝીલી લે. તે છતાં મન ગમે તે પ્રતિક્રિયા આપે, પરંતુ મગજ કમ સે કમ એક પ્રશ્નાર્થચિહ્ન વાપરશે. કેમ? શું સાબિતી? ભવિષ્યનું શું? બીજા કોઈ પ્રત્યે કશું? તમે એ દરખાસ્ત કે દાવાને સાચો નહીં માનો. પ્રેમની કક્ષા કે ગુણવત્તા અંગેની વળતી દલીલો તો દૂરનો મામલો છે.

થોડું પરિચિત વ્યક્તિત્વ, ચહેરો જાણીતો હોય તો શાયદ એ પ્રશ્ન વિષે મગજ ‘ને અંતરમન હકારાત્મકતાથી ચર્ચા કરે. કિન્તુ શક રહેશે. છાનબીન કરવી જોઈએ એવું લાગશે. એમ કેમનું માની લેવાય? હા, તમે એ ઓળખતા જનના પ્રેમમાં હો તો કિસ્સો આસાનીથી સૂલઝી શકે. તું મને કહે વત્તા હું તને કહું એટલે પ્રેમ થઈ ગયો? બેશક મગજ સંદર્ભ વિના માત્ર આ વાક્યથી સંતુષ્ટ ના થાય. અંતરમન ચિંતન કરશે કે આ સંવાદની આપલે થઈ એટલો જ ફક્ત પ્રેમ થઈ ગયો? ના, વાત લાંબા સમયથી એક તરફો કે બંને તરફો પ્રેમ થતો હોય છે તેની નથી. વાત પ્રેમની નથી. વાત આશરે પ્રેમ જેવું કશુંક હશે તેને જોવાની-દેખાડવાની છે.

ફેસબુક પર ‘લાઇક’ થાય છે. ઉદાસીનતા ‘ને ગાંડપણની વચ્ચે ક્યાંક આ મનનો ઝોક અર્થાત્ ‘ગમવું’ છે. પસંદ પડવું. આકૃષ્ટ થવું. અભિરુચિ અર્થદ ખાસ. મૂળ વાત છે અલાઇક કે સિમિલર થવાની. જૂના અંગ્રેજીમાં ઙ્મૈષ્ઠૈટ્ઠહ શબ્દ હતો. પ્રસન્ન કરવું, પૂર્ણ થવું. કશુંક મારામાં ‘ને સામેના પાત્રમાં સદૃશ, સમાન છે. ક્યાંક પ્રતિરૃપતા હાજર છે. સમાકાર, સરૃપ, સધર્મ. એથી આગળ ઊંડે મારામાં જે ખૂટે છે એ તારામાં છે. તારે જે જોઈએ છે તે મારામાં છે. સમસ્થ કે સમાહિત થવાની વાત. જોડતી કડી વત્તા અરસપરસના સહજ જોડાણની વાત. પ્લગ-પિન. ડબ્બો-ઢાંકણું. ઓફ કોર્સ, આ પૂર્ણતાની વાત એ આદર્શ વાત.

વાત એમ છે કે આઇ લાઇક ‘ને આઇ લવ કરીને માણસ જે ‘જાહેરાત’ કરતો હોય છે કે જે ખુદને અહેસાસ આપતો હોય છે તે ક્યાંક મગજનો અધૂરો ઉપયોગ કે દુરુપયોગ છે, અંતરમનને પારકું ગણીને સારા સ્વભાવના પ્રદર્શનથી કરેલી સગવડભરી વાત છે. ઘણી વાર માણસ જે લાઇક ‘ને લવ પર શેરો મારે છે તેની પાછળ પોતાની મર્યાદિત હકીકત કે બાંધ્યા વિનાની કલ્પના હોય છે. શું માણસે પોતાના એ લાઇક/લવ વિષે તપાસ આદરી છે? તેની પરીક્ષા કરી છે? જવાબ હકારમાં હોય તો સલામ. મને ગળ્યો સ્વાદ આવે છે કે મને રડવું આવે છે તેની પાછળ કારણ હોય. મને ભૂખ લાગી હોય કે મારે હસવું હોય તો હું તે માટે આગળ પ્રયત્ન કરીશ.

‘રૉક ઓન’ ફિલ્મ જોઈને આઠમા ધોરણનો બાબો તેનો હક્ક માંગે ‘ને પપ્પા પોતાનું બાળપણ યાદ કરીને એને ગિટાર લાવી આપે. સ્કૂલમાં બેન્ડ બને, પરફોર્મન્સ પણ અપાય ‘ને પછી ઘરમાં ધડાકો થાય. ‘ફ્યૂચર રૉકસ્ટાર’ કહે- પપ્પા, મારે ભણવું નથી, હું ફક્ત ગિટાર વગાડીશ! ઓકે. તેને જે ગમે તે અભિવ્યક્ત કર્યું એ સારું કર્યું, પણ ત્યાંથી તે ઊંચે ચઢશે? શું તું દિવસના ૮ કલાક ગિટાર વગાડીશ? જો ગિટાર વગાડવું બહુ ગમતું હોય ‘ને  ગિટારિસ્ટ થવું હોય તો તે માણસ હા પાડે. આઠ નહીં તો સાતથી નવ કલાક ગિટાર વગાડી બતાવશે.

કોઈ બોલે કે અમે મહિનામાં બે વાર થોળ તળાવ જઈએ. ફોટા પાડીએ. ત્યાં સરસ પક્ષીઓ આવે છે. આઇ લાઇક નેચર! આઇ લવ બર્ડ્સ! ફોટાનું શું કરવાનું? કલેક્શન, એક્ઝિબિશન ઔર સેલ! સવાલ એ થાય કે લાઇક એન્ડ લવવાળા માણસ તું ત્યાં કુદરત ‘ને પક્ષીઓ માટે શું કરે છે? અમુકને જંગલ ‘બૌજ’ ગમે. બિરાદર, કોઈ દિવસ જંગલમાં રોપો વાવ્યો છે? જ્યાં જાતે ફળ ફૂલ તોડવા જોવાના ના હોય ત્યાં બીજ નાખ્યા છે? પોતાના પીવાના પાણીમાંથી કોઈ ‘જંગલી’ છોડને કે ઘાસને પાણી પીવડાવ્યું છે? કોઈને સિંહ બૌ ગમે તો કોઈને સાપ, પણ સિંહ કે સાપને એ પ્રેમ કેવી રીતે કરશે? કુદરતને આઇ લવ/લાઇક યુ કહો તો એને પ્રશ્ન થશે કે શું આ સાચું કહે છે? અને એ જવાબ શોધવાની મહેનત કરશે.

Related Posts
1 of 57

ફોટા જોઈને હિમાલય ગમે, પ્રેમ ઊભરાય, પણ હિમાલય પાસે જતા જોર આવે. ‘પેકેજ’ જોઈએ. પહેલાં સંડાસ ચેક કરીએ ‘ને ખાવા શું ‘ને કેવું મળે તેની ક્રાઇમ પોલીસની જેમ જાંચ પડતાલ કરીએ. ગિરનાર વિષેનું પુસ્તક વાંચીને વા વા વા કરીએ ‘ને ગિરનારના પહાડો ખૂંદતા આપણને ઘણુ ઘણુ રોકે. નર્મદા નર્મદા નર્મદા. ‘ને અંતે નર્મદા પ્રત્યેનો અહોભાવ બંધ ‘ને નહેર પર અટકે. આ બધું કેવું કહેવાય? ચાલો એ સમજી શકાય કે કોઈને અશ્વિની ભટ્ટની નવલકથામાં ભેડાઘાટ વિષે વાંચ્યા પછી જ નર્મદા તથા એ તરફની ભૂગોળની માહિતી મળી હોય, પરંતુ એ પછીય ભેડાઘાટ વગેરે પ્રત્યેનો પ્રેમ વાયા એ વાર્તા જ રહે, વળી જાતક કુદરતને કહે કે આઇ લાઇક/લવ યુ તો કુદરત સાચું માને? નર્મદા તીરે વિહરતો ટુરિસ્ટ વેગડજીની બુક્સના ગુણ ગાય એમાં કશું ખોટું નથી. સમજવાનું એ છે કે એ પુસ્તકોનું અસ્તિત્વ કોને આભારી?

સાબર ‘ને સાબરમતી બંને ગયા. નર્મદામાં રહેતાં માતાના વાહન મગર ‘ને આસપાસના જંગલમાં વસતાં પ્રાણી-પક્ષીના મહત્ત્વ અંગે સંશોધન થયું છે? નર્મદા સૂકાયા કરે ‘ને સૌ લેવાદેવા કરે એ હાઉ ફેર? નહેરમાં ચૂંદડી મનોરથનો ઉત્સવ ના થાય! બિશ્નોઈ જાતિને વંદીએ. ચિપકો આંદોલનને સ્મરીએ, પણ નર્મદા વિસ્તારમાં ડેમ બન્યા બાદ હજ્જારો વૃક્ષ કપાયા એ અંગે શું? કચ્છ ‘ને પડોશી પંથકમાં રણ આગળ વધે છે. ‘સફેદ રણનો કાળો બાદશાહ’ કરીને રોમાંચક જાસૂસી કથા લખીશું? ‘રે તાપી તાપી રે’ કરતી કટાર ચાલે તો તાપીને ભરખતી જળકુંભિ પર તલવાર દોડવી જોઈએ.

ફોરેસ્ટ સફારી ‘જંગલ બુક’ કે ‘અરણ્યકાંડ’ વાંચીને ના થાય. કાલેલકરજીના ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક કરતાં હિમાલયના ગુણગાન ઘણા વધારે થાય ત્યારે ખરી વાતનો પ્રારંભ થાય. જે-તે ફોટા, ફિલ્મ કે લેખ, પુસ્તકનું વજૂદ પણ ત્યારે જ પોંખાય. કાશ્મીરની ચિંતા કરવા ‘કશ્મીર કી કલી’ કે ‘રોઝા’ જોવાનું ના હોય. હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો પછી કુદરત કે પર્વત પ્રેમીઓ હિમાલય જવા આતુર થયેલા, હિલેરીના ઘરે નહીં. ભીંડા બહુ ભાવે એમ કહેવાય. બહુ ગમે છે ના બોલાય. આઇ લવ ધીસ ડ્રેસ નહીં, આઇ લવ વેરિંગ ધીસ ડ્રેસ. કુરાન ગમે છે કે મહમદ સાહેબ કે અલ્લાહ? સોહમ્ હોય કે નેતિ, પ્રેમ ઉપનિષદ કે કથાકારોને નહીં ‘તે’ને કરવાનો હોય.

બસ એમ જ લાગણી થઈ જાય, ચેતાતંત્ર કોઈ રાસાયણિક ફેરફાર પામે કે લાઇક એન્ડ લવ એટલે લાય અને લાવ? બલિદાન, આત્મસમર્પણ કે સ્વનિગ્રહ જેવું કશું જે-તે ‘પ્રેમ’ની આત્મકથામાં આવે છે? માનવતા ‘ને સમાનતાની વાતો જેવું! માનવતા ‘ને સમાનતાની વાતો સારી, પણ વાતોમાં ‘કામ’ છે, કાર્ય કે કર્મ નથી. કરિયાણાનો વેપારી કે બારણે પ્રગટેલો ‘વેચાણ-પુરુષ’, એમના મસ્ત પ્રેઝન્ટેશનનો અર્થ કેટલો? ઋજુ, સુષ્ઠુ ‘ને ગમતીલા શબ્દનો રિઅલ આઉટપુટ કેટલો? ટીવીમાં જાહેરાતો જોઈએ છે. ઑપરેશન થિયેટરમાં ડૉક્ટર ગમે તેટલી સરસ રીતે વાત કરે આખરે ઑપરેશન કરવું જ પડે અને કુદરત જોડે માનવતા ‘ને સમાનતા રાખીશું? કુદરતને કુદરતતા દાખવવા દો. કુદરતને બધાંમાં એક કુદરત જોવાની સમાનતા દાખવવા દો. એ સ્વયં નેચર છે જ્યારે આપણી પોતપોતાની પ્રકૃતિ છે. એ પરભાવમાં છે. આપણે સ્વભાવમાં. પ્રેમ ખાતર પ્રેમ એ કળા કે અધ્યાત્મ હશે, વ્યવહારુ માણસોએ સ્વીકારી લેવું જોઈએ કે સપોર્ટિંગ એક્શન વિના પ્રેમ નકામો. કૃષ્ણ કહે છે નો ટૉક, જસ્ટ ટ્રાય. એક્શન વગરનો પ્રેમ કરવો હોય તો મીરાં કે રૃમીની જેમ થાય!

તાજેતરમાં યુનિ. ઓફ એક્ઝેટર દ્વારા એક નવતર અભ્યાસ કરવામાં આવ્યો. સંશોધનના અંતે તારણ નીકળ્યું કે જે લોકો એવા વિસ્તારમાં રહે છે જ્યાં પક્ષીઓ, વૃક્ષ કે ઝાડી છે તે લોકો હતાશા, ચિંતા, તાણ/ભાર જેવી માનસિક સમસ્યાઓનો શિકાર બને તેવી શક્યતા ઓછી છે. માત્ર ઈંટ રેતીની દુનિયામાં રહીને સિમેન્ટ કોન્ક્રીટ જ જોયા કરે છે તેમના કરતાં ઘરની આસપાસ પક્ષી, વૃક્ષ કે ઝાડી જોવાને કારણે જે-તે રહેવાસીઓ વધુ પ્રસન્ન રહે છે. ના, કુદરત વિષયક પુસ્તક વાંચવાથી કે ચલચિત્ર માણવાથી માનસિક રીતે સ્વસ્થતા કે વધુ સ્વસ્થતા પ્રાપ્ત થાય છે તેવું એ કે તે રિસર્ચ ‘ને એનાલિસિસ કરનારા નથી માનતા.

ચાર ધામ ખોલવા અક્ષય તૃતિયા આવી. ચારધામ સારાં છે. સુંદર છે. સવિશેષ છે. ઈશ્વર કે કુદરતને લાઇક એન્ડ લવ કરવું તો કરવું, પણ શું આપણે વળતું ‘લાય અને લાવ’ ભરપાઈ કરીએ છે? સમ-ભોગમાં સમ-ઘર્ષ હોય. મનોમન ફેન્ટસીથી જ ફેન્ટાસ્ટિક ના થાય. એક બીજ/છોડ એ નિસર્ગના બ્રહ્માંડમાં ફૂલની પાંખડી પણ માંડ છે. રાજાઓનાં રજવાડાં ગયાં. બહાદુરશાહ કવિતા કરતા એક કોટડીમાંથી જ નીકળી ગયા. શું ઈશ્વર ઈશ્વર રહેશે? જવા દો એ કે તે ઈશ્વરની વાત. આપણા માટે જે હિમાલયનું આપણાપણુ છે તે રહેશે? જતાં-આવતાં એક યાત્રી એક બીજ/છોડ વાવે તો તો દેવો પુષ્પવૃષ્ટિ કરે! ખેર આપણે એટલી આશા રાખીએ કે એક હથેળીમાં સમાય એટલા યાત્રિકો પ્લાસ્ટિક ઉપાડે ‘ને નવું કશું પર્યાવરણ વિરોધી ‘કામ’ ના કરે જેથી આવનારી પેઢી સદેહે ચાર ધામ જોઈ શકે.

નરસિંહ કેદાર ગાતા. આપણને કેદાર નામ પડે કે પેલી હોનારત યાદ આવે. જે વાસ્તવમાં માનવ સર્જિત કેદારકાંડ હતો. કેદાર એટલે? ચોખા, ચોખાનું ખેતર. પાણીમાં જે પ્રદેશ હોય તે કે પવિત્ર સરોવર કે વૃક્ષને ફરતું તળાવ. હિમાલયન ચેરિને કેદાર કહેવાય. શું ચોખા, ચેરિ કે સરોવર, ખેતરનો નાથ યાને કેદારનાથ? કેદારનો એક અર્થ છે કે ધસમસતા પૂરને જે રોકે છે તે! આપણને એ સંશોધન કરવા માટે કોઈ લાઇક કે લવ નથી કે કેમ એ જગ્યાએ કેદારનાથનું લિંગ/મંદિર છે? કશો વાંધો નહીં. આપણને ખ્યાલ છે હિમાલય કાચો પર્વત છે. પર્વત પર ઊગતાં વૃક્ષોનાં મૂળિયાં જે-તે જમીનને પકડી-જકડી રાખે છે અને આપણી સામાજિક, આર્થિક અને બિનઅધ્યાત્મિક એવી ધાર્મિક ભૂખ એ મૂળિયાંને ઉખાડી રહી છે. અહીં હિમાલય રૃપક છે. આપણે કુદરતને જે બોલવા પૂરતું લાઇક/લવ કરીએ એવું જો કુદરત આપણને કરશે તો આપણે પણ રૃપક જ રહી જઈશું. ફોટા, ફિલ્મ કે લેખ, પુસ્તક કે વાતો, કવિતા વગેરે પૂરતી કુદરતાઈ રાખવાથી હવે નહીં ચાલે. પૈસાનો કાગળ પણ કુદરત જ આપે છે. કલાકારી જ ખપતી હોય તો ઓઝોન લેયરનું કાણુ એ કુદરતે ત્રીજી આંખ ખોલી છે એવું માનવું રહ્યું. કામધંધો એની જગ્યા એ બરાબર, કર્મફરજ એની જગ્યાએ આસન ગ્રહણ કરશે તો. બાકી, માનવતા નામના શબ્દ કરતાં કુદરતતાનો મર્મ કેટલો મોટો છે એ સમય બતાવશે. મધર નેચર ઝિંદાબાદ!

બુઝારો
જેવી નદી રૃપી નાડીની સ્વસ્થતા તેવી સાગર રૃપી હૃદયની વિશ્વ રૃપી શરીરમાં પાણી રૃપી લોહી ફેરવાની કામગીરી.

——————–.—————————————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »