તમારા માટે, તમારી સાથે, સતત…

‘રાઇટ એન્ગલ’ નવલકથા પ્રકરણઃ 5 – કામિની સંઘવી

હવે તને પબ્લિક પ્રોસિક્યુટર ન મળે...

0 433

વિશ્વાસની દીવાલમાંથી કાંકરી ખરી પડી….

કશિશે સવારે ઊઠીને જોયું તો કૌશલ બેડ પર નહોતો. કશિશને ફાળ પડી કે તેને ઊઠવામાં મોડું થઈ ગયું અને એટલે કૌશલ તૈયાર થઈને ઑફિસે ચાલ્યો ગયો. એટલામાં જ કૌશલ ચાની ટ્રે લઈને કશિશ પાસે આવ્યો. કશિશે ચા પીતાં પીતાં કૌશલને સમગ્ર વાત કહી. કશિશને એમ હતું કે કૌશલ તેના વિચારો સાથે સહમત થશે. પોતાની સાથે અન્યાય થયો છે અને તે પણ માત્ર એક સ્ત્રી હોવાના કારણે એ વાત કૌશલ સમજશે અને જે લડત લડવા તે જઈ રહી છે તેમાં સપોર્ટ કરશે એમ હતું. કશિશે કૌશલને વાત કરી કે બારમા ધોરણમાં સારા ટકા આવ્યા હોવા છતાં અને મેડિકલમાં ઍડ્મિશન મળતું હોવા છતાં તેના પિતા અને ભાઈએ તેને છેતરી હતી. મેડિકલમાં નહોતી જવા દીધી કારણ કે તેણે મેડિકલનો અભ્યાસ કરવા શહેરમાં જવું પડે એમ હતું. છેતરપિંડીની વાત કહ્યા બાદ કશિશે પોતાનો નિર્ણય જાહેર કર્યો કે તે તેના પિતા અને ભાઈ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરી રહી છે. આ સાંભળીને કૌશલ નવાઈ પામ્યો. તેણે કશિશને આ પગલું ન ભરવા સમજાવી, પણ કશિશ ન માની. આખરે કૌશલે કશિશના વિચારો પર નારાજગી વ્યક્ત કરી અને તૈયાર થઈને કશિશને મળ્યા વિના ઑફિસે જતો રહ્યો. હવે આગળ વાંચો…

 

‘રેડી?’ ધ્યેયની ઑફિસમાં કશિશ આવી એટલે એણે પૂછ્યું.

‘યસ!’ કશિશે ગોગલ્સ પહેર્યા હતા એટલે એના ચહેરા પરના ભાવ વાંચી શકાતા ન હતા, પરંતુ એના અવાજના રણકારમાં મક્કમતા સ્પષ્ટ દેખાતી હતી. એ ચૅર પર  બેઠી એટલે ધ્યેયએ એની ઑફિસમાં એક ખૂણામાં એક યુવાન કામ કરતો હતો એને બોલાવ્યો.

‘રાહુલ કમ હિયર ફોર ટુ મિનિટ્સ.’ જેને રાહુલ તરીકે સંબોધન થયું હતું તે યુવાન એમની તરફ આવ્યો,

‘આ મારો જુનિયર છે રાહુલ આચાર્ય. હવેથી એ તારો વકીલ. તે પ્રાઇવેટ કમ્પ્લેઇન કરી છે એટલે હવે તને પબ્લિક પ્રોસિક્યુટર ન મળે.’

ધ્યેયએ જે કહ્યું તે કશિશ ધ્યાનથી સાંભળી રહી. પછી બોલી,

‘તું નહીં સહી તો તેરા જુનિયર હી સહી.’ ધ્યેય એનો કટાક્ષ સમજ્યો, પણ એને અવગણીને એ બોલ્યો,

‘રાહુલ સાથે પહેલાં રજિસ્ટ્રાર પાસે જઈને  સોગનનામું રજૂ કરીને ફરિયાદ નોંધાવી દો. રાહુલ ગો વિથ હર.’

બંને જણાં રજિસ્ટ્રાર પાસે આવ્યાં.  રજિસ્ટ્રારે સોગનનામું વાંચી લીધું, એટલે પછી કશિશને પૂછ્યું,

‘બહેન આ તમારી જ સહી છે ને?’

‘જી સાહેબ, આ મારી જ સહી છે.’ કશિશ બોલી એટલે રજિસ્ટ્રારએ પોતાની ફરજના ભાગરૃપે કહ્યું,

‘બહેન બોલો ખોટું બોલશો તો ભગવાન પૂછશે.’

કશિશે તેમ કહ્યું અને બધી ફોર્માલિટી પતી ગઈ એટલે રાહુલ સાથે એ ફરી ધ્યેયની કેબિનમાં આવી,

‘તો કામ પતી ગયું?’ ધ્યેયએ પૂછ્યું, એટલે રાહુલે હા પાડી.

એટલે ધ્યેયએ કશિશ સામે જોયું,

‘હવે જજસાહેબ સામે કોર્ટમાં તારે નિવેદન આપવા આવવું પડશે. જો જજસાહેબ તારી ફરિયાદ સ્વીકારશે તો આરોપીઓને સમન્સ જશે અને એમને કોર્ટમાં હાજર થવાનું ફરમાન બહાર પડશે.’ ધ્યેય આટલું બોલીને અટક્યો. એણે કશિશની સામે જોઈને પૂછ્યુું,

‘તને ખ્યાલ છે શું કામ હું આ બધું કહું છું?’

‘હાસ્તો, મને કોર્ટ પ્રોસિજરનો ખ્યાલ આવે એટલે જ ને?’ કશિશે વિચાર્યા વિના જવાબ આપી દીધો.

‘ના જી, માત્ર એટલા માટે નહીં.’  ધ્યેયને એની બાલિશતા પર હસવું આવ્યું. કશિશને એ ગમ્યું નહીં, એ ચિડાઈ,

‘વકીલ તું છે હું નથી, સમજ્યો! ક્લિયર કટ કહી દે ને!’

ધ્યેય હવે ગંભીર થઈ ગયો. એ કશિશ સામે જોઈ રહ્યો.

‘તું સમજી નહીં. મારો કહેવાનો મતલબ છે કે તારા પપ્પા અને ઉદયભાઈએ કોર્ટમાં હાજર થવું પડશે. જજ સામે આરોપી તરીકે!’

‘ઓહ!’ કશિશ એકદમ ગંભીર થઈ ગઈ. કોઈ દિવસ પપ્પા કોર્ટમાં આરોપીના બોક્સમાં ઊભા નથી રહ્યા. મારા કારણે એમણે આરોપીના પીંજરામાં ઊભા રહેવાનો વારો આવશે. કશિશ ઇમોશનલ થઈ ગઈ. એના ચહેરા પર ગિલ્ટના ભાવ આવી ગયા. ધ્યેય એના હાવભાવ નિહાળી રહ્યો હતો.

‘બોલ શું કરવું છે? હજુ તું પાછી વળી શકે છે!’ ધ્યેયએ કહ્યું.

એક-બે મિનિટ પછી કશિશે આંખો મીંચીં દીધી. એના કાનમાં રોજ સવારે પપ્પા ઠાકોરજીની પૂજા કરતાં કરતાં ગાતા હતા તે ભજન ગુંજવા લાગ્યું,

‘મેરું તો ડગે પણ જેના મન નવ ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે…’

અને કશિશે આંખ પરથી ગોગલ્સ હટાવ્યાં.

Related Posts
1 of 34

‘મારે હવે શું કરવાનું છે?’ કશિશ બોલી એટલે ધ્યેયએ નિરાશામાં માથું હલાવ્યું. પછી વાતાવરણને હળવું કરવા બોલ્યો,

‘તુમ નહીં સુધરોગી!’ અને કશિશ કશું બોલી નહીં માત્ર સ્માઇલ આપ્યું, એટલે ધ્યેયએ એને સમજાવવાનું માંડી વાળીને કામની વાત કરી,

‘રિસેસ સુધીમાં જજ સાહેબ પાસે તારી ફરિયાદ પહોંચી ગઈ હશે એટલે રિસેસ પછી  ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ તને લઈને આવી જશે. ત્યાં સુધીમાં તું રાહુલ સાથે કેસ ડિસકસ કરી લે અને મૅજિસ્ટ્રેટ સામે કેમ વાત કરવી એ તને ગાઈડલાઈન આપી દેશે.’

‘ઓ.કે.’ કશિશે જવાબ આપ્યો.

રાહુલ સાથે કશિશ કેસ સમજવા બેઠી અને ધ્યેયને કોઈ કેસમાં જુબાની લેવાની હતી એટલે એ કોર્ટરૃમમાં ગયો.

‘મેમ, આપણો કેસ સહેલો નથી કે તરત સમન્સ નીકળે. આપણા કેસમાં બધી રજૂઆત સરખી રીતે કરવી પડશે નહીં તો ગયા કામથી!’

‘અચ્છા? તું કહીશ તેમ હું કરીશ એની ખાતરી રાખજે.’ કશિશે પૂરી તૈયારી દેખાડી એટલે રાહુલે કહ્યું,

‘મેમ, કોર્ટમાં જજને ખાતરી કરાવવી પડશે કે આપણા કેસમાં દમ છે. જેથી કરીને જજસાહેબ પોલીસ ઇન્ક્વાયરીનો આદેશ આપે કાં તો સીધા સમન્સ કાઢે. આપણે પ્રયત્ન એવો કરવાનો છે કે સીધા સમન્સ નીકળે. એટલે બધો આધાર તમે ત્યાં કેવી રીતે તમારી વાત રજૂ કરો છો તે પર રહેશે. હું તમને કહું તમારે કેવી રીતે વાત કરવી…’ રાહુલે તે પછી એને બધી વાત વિગતે સમજાવી અને છેલ્લે બોલ્યો,

‘ખરાખરીનો ખેલ ત્યાં જ છે. જો આપણે જજસાહેબને સમજાવી ન શક્યા તો પછી ફરિયાદ ડિસમિસ થઈ જાય. એટલે આપણું કામ ફરિયાદ સ્વીકારી લેવાય તે માટે પ્રયત્ન કરવાનો છે.’

કશિશ ગંભીર થઈ ગઈ. પોતે માનતી હતી તેટલી વાત આસાન ન હતી. રિસેસ સમય પૂરો થયો એટલે બંને ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં આવ્યાં. કશિશ કોર્ટરૃમનો અંદરનો માહોલ આશ્ચર્યથી જોઈ રહી. ફિલ્મમાં દેખાડાતા કોર્ટના સીન કરતાં અહીં માહોલ જુદો જ હતો. જજસાહેબની સામે પાંચ-દસ વકીલ ઊભા હતા. રાહુલ પણ ત્યાં જઈને ઊભો રહી ગયો. જજ એક વકીલને કહેતા હતા,

‘તમારા સાક્ષી આવી ગયા હોય તો આ પછી ઊલટતપાસ માટે તૈયાર રહો.’ આટલું કહીને જજ વળી ત્રીજા વકીલને કહેતા સંભળાયા.

‘તમારે અસીલ હાજર છે? તો એમની જુબાની આમના પછી કરજો.’ પેલો વકીલ બોલ્યો,

‘જી સર…મારો અસીલ આવી ગયો છે.’ જજ સાહેબે કોર્ટરૃમના દરવાજા પર ઊભેલા બેલિફને કહ્યું કે, આ ભાઈના અસીલ અને પેલા ભાઈના સાક્ષીના નામનો પોકાર કરી દો. એટલે બિલિફે દરવાજા પાસે જઈને બૂમ પાડી.

‘રમણિકલાલ સોની હાજીર હો!’

‘જયેશભાઈ જોશી હાજીર હો!’

જજસાહેબની આ મલ્ટિપલ કામગીરી કશિશ આશ્ચર્યથી જોઈ રહી હતી. એને તો એમ જ હતું કે કોર્ટરૃમમાં એ અને રાહુલ બે જણાં અને જજસાહેબનો સ્ટાફ હશે, પણ અહીં તો કેટલા બધા વકીલ છે અને બધાનાં કામ એકસાથે થાય છે.

રાહુલે એને બેસવાનું કહ્યું તે જગ્યા પર એ બેઠી રહી. થોડીવારમાં કશિશનું નામ બોલાયું અને જજસાહેબ સમક્ષ એની ફરિયાદ આવી હતી તે એમણે જોઈ. નિવેદન લેવા માટે કશિશને ફરિયાદી બોક્સમાં આવવા કહ્યું અને કશિશના હાર્ટબીટ્સ વધવા લાગ્યા. રાહુલે કહ્યું હતું કે અહીં જ સરખી વાત રજૂ થવી જોઈએ. નહીં તો બધું ખતમ!

કશિશ ફરિયાદી બોક્સમાં ઊભી રહી કે તરત જ જજસાહેબ બોલ્યા,

‘ બહેન, પૂરું નામ કહો અને સરનામું બોલો.’

‘હું કશિશ કૌશલ નાણાવટી, રહેઠાણ પંચવટી સોસાયટી, કૉલેજ રોડ, બંગલોનું નામ ‘ચિત્રકૂટ’…! કશિશે પૂરી માહિતી આપી એટલે જજસાહેબે પૂછ્યુું,

‘હવે કહો શું થયું હતું?’

કશિશ હિંમતથી બોલી,

‘સાહેબ, હું ડૉક્ટર બનવા માગતી હતી. મારે બારમા ધોરણમાં ૮૭ પર્સન્ટેજ પણ આવ્યા હતા, જેથી હું ડૉક્ટર બની શકું તેમ હતી… પણ મને શહેરમાં ભણવા જવા દેવી પડે તે માટે માત્ર હું છોકરી હતી એટલે મને મારા ભાઈ ઉદય શાહ અને મારા પિતા મહેન્દ્રભાઈ શાહે જવા ન દીધી. એટલે મારી ફરિયાદ કોર્ટ સ્વીકારે તેવી મારી અરજ છે.’

કશિશની વાત સાંભળીને જજસાહેબ બોલ્યા,

‘બહેન, આ સિવાય કશું કહેવું છે?’

જજસાહેબના ચહેરા પર કોઈ હાવભાવ દેખાયા નહીં. બહુ સામાન્ય વાત હોય તેવું તેમને લાગતું હશે? સાહેબ હમણાં અરજી ખારેજ કરી દેશે તો? કશિશને ગભરાટથી પસીનો થવા લાગ્યો. અચાનક એને યાદ આવ્યું કે પોતે મુખ્ય વાત કહેતા જ ભૂલી ગઈ છે. પોતે રજૂઆત સરખી કરી ન હતી. સારું છે જજસાહેબે એને બીજો મોકો આપ્યો. હવે આ મોકો ગુમાવવો યોગ્ય નથી. એણે ગળું ખંખેર્યું અને પછી બોલી,

કામિની સંઘવીની કલમે લખાયેલી અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર નવલકથાનો રસાસ્વાદ માણવા અને ‘અભિયાન’ આજે જ સબસ્ક્રાઇબ કરો…

………………..

Leave A Reply

Your email address will not be published.

Translate »