ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
સંવેદના સહિયારી ભલે, વેદના હર એકની આગવી ‘ને અંગત હોઈ શકે
બદન ઉપર રંગ ચઢે ઊતરે તેથી શું, અંદરના રસાયણ સઘળું જોઈ શકે
મજા એવું તત્ત્વ છે જે તમામ સજીવને એકમેક સાથે સાંકળે છે. સંસારમાંથી જો મજા બાદ કરી દેવામાં આવે તો આદમ-ઈવનું સફરજન ન્યૂટન સુધી ના પહોંચ્યું હોત અને આજે લાખો લોકો નીમ કારોરી બાબા ‘ને સ્ટીવ જોબ્સને ઓળખતા ના હોત. મજાની વાત તો એ છે કે મજા એવો શબ્દ છે જે ગુજરાતી, પંજાબી, પાકિસ્તાની, તુર્કી, બલ્ગેરિઅન, ગ્રીક, રોમેનિઅન, સર્બો-ક્રોએશિઅન ‘ને અનેકો અંગ્રેજીને જોડે છે. ગુજરાતમાં કોઈ બિનગુજરાતી માઇકમાં પૂછે, કેમ છો એટલે ક્રાઉડ મજાથી ડોલીને કહે, મજામાં. જી, મજા એવું એલિમેન્ટ છે જેની અંદર જવા, રહેવાની બૌ મજા આવે. બૌ એટલે બૌઅજ. ખૂબ જ. કચ્છમાં બચ્ચાંઓને ખાવા માટે અપાતાં મેવા/ગોઠને મજા કહે છે તો જોર્ડનની એક વ્યંજન સભર થાળીને મેઝે/મઝેહ કહેવાય છે. મૂળ ફારસી શબ્દ. એ મૂળની જમીન સંસ્કૃતનું મહસ ‘ને મજ્જ. હાસ્ય ‘ને મહા બંને સાથે સંબંધિત મહસ એટલે જ્ઞાન, દયામય ‘ને વિન્યાસ કે અનુન્યાસ. સૂફી ઉપન્યાસમાં ઇશ્ક-એ-મઝાજી યાને ઇન્સાની મહોબ્બતનો અસમન્યાસ ‘ને ઇશ્ક-એ-હકીકી યાને પરમ પ્રેમનો સમન્યાસ એમ બે મજાનો ન્યાસ કર્યો છે. ખેર, આપણને કોઈ બી મજાની પ્યાસ એટલે મજાનો વ્યાસ નહીં, થોડો ક્યાસ કાઢીએ.
ગુજરાતીમાં આનંદ, લહેર, લહેજત, સુખ. મજા પડવી-ઉડાવવી-કરવી-માણવી-મારવી-લૂંટવી છે ‘ને મજા ચખાડવી પણ છે. મજા ધરાવવી નથી. સ્ત્રીલિંગ મજા લાગણીનો મામલો છે. મજાના વિશિષ્ટ અર્થ છે- ઉત્સાહ, કસ, બળ, સત્ત્વ, શક્તિ. કે પછી ગર, ગર્ભ, રસ, ચરબી, માવો. મજ્જા = હાડકાંમાંનો માવો/શરીરની એક ધાતુ/સ્નાયુ. મજ્જાતંત્ર એટલે નર્વસ સિસ્ટમ વા ચેતાતંત્ર. સંસ્કૃતમાં મજજ વર્ડ સાથે ઊંડા ઊતરવાની, નાહવાની, ડૂબવાની, ઓગળવાની, ભળી જવાની ક્રિયા વણાયેલી છે. અગંભીર કે નકારાત્મક રીતે ટીકા, મશ્કરી ચ રમૂજ માટે મજા વપરાય છે. તમાશો, ખેલ. ઇન્દ્રિયગમ્ય સ્વાદ ઓર ભોગ માટે મજાનો યુઝ થાય છે. ગમ્મત, ક્રીડા, લિજ્જત, રસ. સુના હૈ જૈનવાદમાં અઢાર દૂષણ કીધાં છે, જેમાં એક મજા છે. નવમાંના એક રસનો વર્ણ શ્વેત ‘ને દેવ પ્રમથ. ગણપતિ અથર્વશિર્ષમાં પ્રથમ મહાભૂતેશ ગણેશને તો શિવ પંચાક્ષરસ્તોત્રમાં સર્વ ભૂતના આદિ અંત શિવને પ્રમથનાથ કીધાં છે. યાદ રહે ગ્રીક માયથોલોજીના પ્રોમેથિઅસનું કનેક્શન આ પ્રમથમાં. ભલે પ્રમથનો એક અર્થ શારીરિક માનસિક વ્યથા પહોંચાડનાર થતો ‘ને મજાના દેવ કે દાનવ કે ઇવન મનુષ્ય જે હોય તે, વી લવ મજા.
પરિહાસ, ઉત્સવ, મહાયાય્ય, હસ્કૃતિ અર્થાત્ મજાને જમણેથી વાંચીએ તો જામ થાય. સહજ ‘ને સનાતન દોષમુક્ત બાળકોનેય જામ ગમે. જામો પડવો ‘ને જરકસી જામા વગેરેની વાત જવા દઈને ફિરહાલ મજા પર અટકીએ, બલ્કે લટકીએ. આ તો રિવાજ થઈ ગયો છે બનાવટી દુનિયાનો બાકી કેમ છો પૂછનારા, પણ ક્યાં મજામાં હોય છે. જિંદગી જીવવાની મજા તો ત્યારે આવે સાહેબ, જયારે આપણે અગરબત્તીની જેમ સળગતા હોય અને ગામ આખું સુગંધ લેવા તડપતું હોય. કોઈની પાસેથી જૂઠ સાંભળવાની મજા ત્યારે આવે જ્યારે તમને સત્ય ખબર જ હોય. દોડી ગયા છે જે એમને શું ખબર કે સાથે ચાલવાની મજા કેવી હોય છે. યાદ જેવી કોઈ સજા નથી, તોય યાદ વગર મજા નથી. દવામાં કંઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી. જિંદગીની મજા લેતાં શીખો, સમય તો તમારી મજા લેતો જ રહેશે. બદલો લેવામાં શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે સામેવાળાને બદલી નાખો. મજાને હેશટેગનું એન્જિન પહેરાવી ટ્વિટર પર લોકોના વિચાર ‘ને અનુભવ મજાનું વિવિધ ઇન્ટરપ્રિટેશન આપે છે. શું છે આ મજા?
જાતક પોતાને પૂછે કે તને કેમ કેવી રીતે મજા આવે છે તો ખરી ખબર પડે! સામાન્યતઃ જનરલ હ્યુમન પોતાના સમય-સંજોગને મજાનું કારણ માને છે. અન્ય મનુષ્યને થોડી ક્રેડિટ આપી ‘ને તેની સાથેના પોતાના સંબંધની વધારે ક્રેડિટ લેતો હોય છે. કર્મનું તંત્ર મજાને અન્ય અસરની જેમ ડેબિટના બોન્ડનું એનકેશમેન્ટ ગણે છે અને આધુનિક વિજ્ઞાન સમસ્ત મજાની પ્રોસેસને કેમિકલ એક્શન-રિએક્શન ગણે છે. ન્યૂરોકેમિકલ્સ, ન્યૂરોટ્રાન્સમીટર્સ ‘ને હોર્મોન જેવા નામથી ઓળખાતા આવાં ઘણાં રસાયણ છે જેમની વધઘટ આપણા મૂડ ‘ને તે થકી આપણા જીવન રૃપી વૃક્ષમાં પરિવર્તન આણે છે. મજાની માહિતી એ છે કે જેને આપણે લાગણી કહીએ છીએ તે હકીકતમાં એક રાસાયણિક ક્રિયા છે ‘ને તેનું રસોઈઘર હૃદય નહીં, મગજ છે. પ્રમાણપત્ર વિહોણો મુન્નાભાઈ એમ.બી.બી.એસ જ્યારે જાદુની ઝપ્પીની વાત કરે છે ત્યારે તેને માલૂમ નથી હોતંમ કે હગ ઉર્ફે ભેટવાના એક્ટ દરમિયાન અમુક-તમુક રસાયણનું એકાઉન્ટ બદલાય છે. જ્યૂસ પીને આશીર્વાદ આપનાર કે કેરમ રમતી વખતે દુવા માંગનારને શાયદ એ પ્રોસેસની જાણ નથી હોતી. સંગીત હોય કે સ્પ્રે, હેપીનેસના કેમિકલ્સ સ્વાદિષ્ટ લોચો કૂક કરે છે. અલબત્ત, ઘણા આ વાસ્તવથી પરિચિત હશે જ.
એસિટાય્લ્કોલાઇનનું ક્ષેત્ર છે સાવધપણું, સ્મરણ, જાતીય કાર્યસિદ્ધિ, ભૂખનો કાબૂ. ડોપામાઇન આનંદથી લઈને પરાકાષ્ટાનો હર્ષ સંભાળે છે તેમ જ ભૂખ, હલનચલન ‘ને મનનું કેન્દ્રીકરણ પણ. એન્ડોર્ફિન મિજાજ ઉન્નત કરે, દર્દનું શમન કરે. એન્કેફેલિન્સ દુખાવાના સંદેશાવ્યવહારને મર્યાદામાં રાખે છે, નિરાશા ‘ને ભારે તલપ યા હવસને પણ. ગાબાથી ઓળખાતો એસિડ સ્ટ્રેસ એવમ એન્ક્ઝાઇટીનું શમન કરે છે તથા ભય, શાંતિ વગેરે સામે મનને ફોકસ કરવાનો પાવર અર્પે છે. મેલેટોનિન એન્ટિ-એજિંગ છે, બોડીના ક્લોકનું સંચાલન કરવા સાથે આરામ આપે, સ્વાસ્થ્ય આપે. નોરિપિનેફ્રીન જોય સાથે ઉત્સાહ વધારે ‘ને જાતીય ઉત્તેજન આપે. ઓક્સિટોસિન પણ સેક્સ્યુઅલ અરાઉઝલનો કારક, સાથે ઇમોશનલ રિલેશનશિપની ફીલિંગ્સ આપે. ફેનેલેથેલ્મીન મોહ મુગ્ધતા ‘ને સ્વર્ગીય આનંદ આપે. સેરોટોનિન સારી ઊંઘ તથા આત્મવિશ્વાસ આપે ‘ને ચિંતા ઘટાડે.
બેશક પ્રશ્ન થાય કે આ ઇન્ફોનું શું કરવાનું? ના, આ ઇન્ફોનું શાક નથી બનાવવાનું કે નથી આની સજદા કરવાની. કોશિશ કરવાની છે કે આ રસાયણો તમારા પર રાજ કરે તો તમને યત્ર તત્ર સર્વત્ર મજા પડે. અધર વાઇઝ તમે આ રસાયણો પર રાજ કરો ‘ને હીઅર એન્ડ નાઉ તમે મજા કરો. ઇન્સાનનું શરીર ઓરિજિનલી વન, ગુફા અને આજની સભ્યતા-સંસ્કૃતિ નહોતી એવી સ્થિતિ-પરિસ્થિતિ માટે ઘડાયું છે, પરંતુ હવે આપણે ઘર, સમાજ ‘ને અર્થકારણ વગેરે વચ્ચે જીવીએ છીએ કે પછી અસ્તિત્વનો સંઘર્ષ કરીએ છીએ. શા માટે? મજા માટે! કવિતા હોય કે વાર્તા, સેલ્ફી હોય કે ચલચિત્ર આખરે સૌને મજા જોઈએ છે તેવું વિવેચકોનું અને બબૂચકોનું કોમન તારણ છે. ફન ફોર ધ સેક ઓફ ફન કહો કે સત્યાનંદ વા પરમાનંદ, આપણે મજાને પોંખીએ છીએ. જય મોજેશ્વર. એટ ધ એન્ડ ઓફ ધ ડે શાંતિ, સંતોષ કે સુખ-સગવડ શું કામના? મન આપવાના! અતઃ ઉપરોક્ત કેમિકલ્સનું મૅનેજમેન્ટ કરવાના પ્રયત્નમાં સૌનું હિત છે.
મનુષ્યની કાયા ચાલવા માટે બની છે. ચરકસંહિતા સેઝ જમ્યા પછી સો કદમ ચાલવું. એ સિવાય જાતે સમજવાનું છે કે સ્લિમ ‘ને ફિટ હો તોય કસરત કરવી. કસરતનો ક્રમ બદલવો. આજે પુશ-અપ પછી સીટ-અપ, તો કાલે સીટ-અપ પછી સાઇક્લિંગ પછી પુશ-અપ. દોડતા કે ચાલતા આકસ્મિક સ્પીડ બદલવી, દિશા બદલવી. નવરા બેસી રહ્યા હો કે આડા પડ્યા હો ત્યારે વચ્ચે-વચ્ચે હાથ ‘ને પગની વિવિધ મૂવમેન્ટ કરવી. ધ્યાન કરવું. સ્માઇલ ‘ને લાફની સંખ્યા વધારવી. આંખને બ્રેક આપતા રહેવું. ખુલ્લામાં કે જ્યાં પ્રાણવાયુ વધારે હોય તેવી જગ્યા માટે સમય ફાળવવો. તડકાને આવકારવો. આકાશ તરફ જોયા કરવું. સૂર્ય સામે પણ જોઈ શકાય. સૂતી વખતે ઇલેક્ટ્રોનિક વાજિંત્રો બંધ કરી દૂર મૂકવા, અંધારું રાખવું. બાળકો, પાલતુ પ્રકારના જીવો ‘ને છોડ-ઝાડના સંસર્ગમાં આવવું-રહેવું. નદી, તળાવ, સાગર ઓલ્સો હેલ્પફુલ. કોઈ પણ સર્જનાત્મક કામ કરવું, શીખવું. થોડોક અઘરો પણ લગભગ પાર પાડી શકાય તેવો ટાર્ગેટ રાખવો અને તેના માટે મથવું. પોષણયુક્ત ખાવાનું તમને કહેવું પડે? ચોકલેટ સારી. મકાઈ, મગ, લીલાં શાકભાજી યુઝફુલ. શેરડી, કોપરું ‘ને મધ ઉપયોગી. ગાયનું ઘી અર્થસાધક. ખજૂર. કાળી દ્રાક્ષ. ઇલાયચી. બ્રાહ્મી, શંખપુષ્પી ‘ને અશ્વગંધા.
કિન્તુ, આ બધાં સાધન કરતાં એક કર્મ કરવું કે ના કરવું એ વેરી વેરી યૌગિક છે. ફેસ ટુ ફેસ, રેડિયો-ટીવી-મૂવી-પેપર થકી અને આભાસી દુનિયાના તમામ મંચ પર માનવી-માનવીના સંબંધની વાતો ચર્ચાયા કરે છે. ગુડ. બટમ, એ તમામ ટોક્સમાં રિલેશનશિપના પડદા પરનું દિગ્દર્શન શરીરનાં આ રસાયણો કરે છે એ વાત અપવાદ સિવાય કહેવા-સાંભળવામાં નથી આવતી. કહેનાર ‘ને સાંભળનાર એ રસાયણોના પોતપોતાના કોઠામાં કેદ હોય છે. ભાવાર્થનું કહેવાનું કે એક માનવીને બીજા એક, અગિયાર કે એક સો માનવી વગર નથી જ ચાલવાનું, પરંતુ સંબંધ સંબંધ સંબંધની માળા જપવાથી શરીર ચોક્કસ પ્રકારનાં રસાયણોનું ગુલામ થાય છે. ટેક્સ્ટથી લઈને ટચનું બંધાણ શરીરની રાસાયણિક વ્યવસ્થા સાથે માયાવી મસ્તી કરે છે એ મજા કરનારને ભાન નથી હોતું. વિટામિન જે ફોર જોય ફક્ત રિલેશનશિપના તાબામાં નથી. બોડી એ જાદુ, જાદુગર ‘ને જાદુના ખેલ માણનાર કે ભોગવનાર ત્રણે છે. મજાની લ્હાયમાં દૈહિક નાતા પર આધારિત રહેવામાં ક્યાંક મન તમને દઝાડી ના દે. આફ્ટર ઓલ, હિત ‘ને હિટ ભિન્ન બાબત છે.
ઓટોનોમસ સેન્સરી મેરીડિઅન રિસ્પોન્સનો શિકાર હોય તેવું તન વાળ કપાવવાની ક્રિયા થકી ઓર્ગેઝમ પ્રાપ્ત કરે છે. એવાંય છે જેમને દેહના નોર્મલ પાર્ટ, ડૂંટી કે બગલમાં સામાન્ય પંપાળવાની પ્રોસિજરથી અરાઉઝલ નહીં, ઓર્ગેઝમ મળે છે. એવી સન્નારીઓ પણ છે જેમને બાળકને જન્મ આપતી વખતે ઓર્ગેઝમ પ્રાપ્ત થયું હોય. ઘણા લકવાના પેશન્ટને અંગૂઠાને પસવારવાથી ઓર્ગેઝમ મળ્યાનું નોંધાયું છે. કેટલાંય ફક્ત કોઈ વ્યક્તિના વિચાર કરવાથી સીધું ઓર્ગેઝમ પામે છે. ના, મજાના માર્ગ પર ચરમસીમાનું હોવું કમ્પલસરી નથી. મજા એ મંજિલ છે તો મુસાફરી પણ છે. મુદ્દો સિમ્પલ છે- સંબંધ/ રિલેશનશિપ કે સામાજિકતાના રસ્તે જ મજા મળે એ અનિવાર્ય નથી. શરીરમાં અમુક-તમુક રસાયણના વધવા-ઘટવાથી મજા મેનેજ થતી હોય છે. સો, મજાના ચક્કરમાં આપણે એકબીજા જોડે ફેરફૂદરડી રમવી જ પડે એવો કાયદો નથી. નિઃસંદેહ આજના ઝડપ ‘ને ઝપાઝપીના કાળમાં એકથી વધારે મનુષ્ય સાથે, પાસે કે નજીક હોવું અને જીવવું જરૃરી છે, પરંતુ આપણે એ સતત યાદ રાખવું જોઈએ કે મારી મજા મને મારા વડે મળી શકે છે. મારી મજા મારા મગજમાં છે, અન્યના તન-મનમાં નહીં. રોમન મૈયા ફેલિસીટસ ‘ને ગ્રીક મૈયા યુફ્રોઝેનિને વંદન!
બુઝારો
‘૯૬માં આવેલું અદ્દભુત મૂવી ‘ઇનટુ ધ વાઈલ્ડ’ જેમના પરથી બનેલું તે ક્રિસ્ટોફરનું કહેવું હતું કે સુખ ત્યારે જ સાચું હોય છે જ્યારે તે કોઈની સાથે વહેંચાયેલું હોય છે. સામે એક ‘આઉટ ઓફ ધ સોસાયટી’ વાસ્તવિકતા એ છે કે આનંદ હંમેશાં પોતાનો જ હોય છે, વ્યક્તિગત જ હોય છે.
—————————-.