પંચામૃત – ભૂપત વડોદરિયા
abhiyaan@sambhaav.com
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનના યુદ્ધમંત્રી સ્ટેન્ટને એક વાર ફરિયાદ કરી કે લશ્કરના એક મેજર જનરલે મારી ઉપર પત્ર લખ્યો છે. આ પત્રમાં એણે મને ગાળો દીધી છે અને લાગવગશાહી ચલાવવાનો આક્ષેપ કર્યો છે. હવે મારે શું કરવું? એણે મને ખરાબ પત્ર લખ્યો છે. હું તેનો ઉપરી છું તે હકીકત જ એ ભૂલી ગયો છે. હવે મારો વિચાર એવો છે કે એ બળીને બેઠો થઈ જાય એવો જવાબ હું એને આપું! અત્યારે મારી નસોમાં લોહીને બદલે ક્રોધ જ દોડી રહ્યો છે! તમારી સલાહ શું છે? હું એને પત્ર લખું?
અબ્રાહમ લિંકને જવાબ આપ્યો ઃ ‘અરે ભલા માણસ! એમાં વળી પૂછવાનું શું? તમે એને પત્ર લખવા જ માંડો! જરાય સંકોચ રાખ્યા વગર સાફસાફ શબ્દોમાં એની ઝાટકણી કાઢી નાખો! એક પણ મોળો શબ્દ વાપરશો નહીં! એને બરાબર ડામ લાગે એવા ગરમ-તીખા શબ્દો વાપરજો!’
યુદ્ધમંત્રી સ્ટેન્ટને તો પૂરા જોશથી મતલબ કે પૂરેપૂરા ક્રોધથી પત્ર લખી નાખ્યો. મેજર જનરલ વાંચે તો એની આંખે બરાબર મરચાં લાગે એવો તીખો-તમતમતો પત્ર હતો. સ્ટેન્ટને લાંબો પત્ર પૂરો કરીને પછી પ્રમુખ લિંકનને કહ્યું ઃ ‘એક પરબીડિયું આપો! હમણાં ને હમણાં ટપાલ રવાના કરી દઉં!’
અબ્રાહમ લિંકને કહ્યું ઃ ‘શું તમે આ પત્ર રવાના કરવા માગો છો? અરે, આવો પત્ર રવાના કરવાનો હોય જ નહીં! હું જ્યારે ગુસ્સે થાઉં છું ત્યારે આમ જ કરું છું! મારા ગુસ્સાને બરાબર પ્રગટ કરતો સુંદર પત્ર લખી નાખું છું અને પછી એ પત્રને ચૂલામાં નાખી દઉં છું! આપણા મનમાં ગુસ્સો જ્યારે ભયભીત ઉંદરની જેમ દોડવા માંડે ત્યારે તેને આ રીતે શબ્દોના પાંજરામાં પૂરી દેવાનો! બસ, પછી એ ઉંદર કોઈ બીજા માણસને ઘરે મૂકવા ન જવાય. તમે જ કહો,
આ પત્ર લખવાથી તમને ખૂબ સારું લાગ્યુંને? ગુસ્સા ભરેલો પત્ર લખવાની મજા આવે છે! કાગળમાં ક્રોધ ઠાલવીએ એટલે આપણને ખૂબ સારું લાગે છે. આ એક પત્ર લખવાથી તમને બરાબર સારું લાગ્યું ન હોય તો તમને બીજો કોરો કાગળ આપું? આ પત્રને પણ ચઢી જાય એવો બીજો પત્ર લખી નાંખો! પણ ગુસ્સો હંમેશાં ઠાલવવા માટે જ હોય છે! ગુસ્સાને કદી ટપાલમાં ન નંખાય! ગુસ્સો કરવાની જરૃર જ નહીં! તમારી અંદર ઊભરાઈ ઊઠેલો ગુસ્સો બહાર નીકળી જાય એટલું જ તમારા માટે બસ છે! સાવ સાચું કહેજો, આ પત્ર લખ્યા પછી તમને ખૂબ સારું લાગ્યુંને? ગુસ્સો ઠાલવવા બેસીએ પછી ખરેખર રાહત જેવું લાગતું હોય છે! હું તો હંમેશાં આમ જ કરું છું! ગુસ્સાથી ભરેલા પત્રો લખું છું, પણ કદી રવાના કરતો નથી!’
અબ્રાહમ લિંકને પોતાની આ સલાહ હંમેશાં અમલમાં મુકી હતી. અગર ખરું કહીએ તો લિંકનની આ સલાહ તેના પોતાના વહેવારના અનુભવસિદ્ધ નિચોડરૃપ હતી. એક અગર બીજા પ્રકારના સંજોગોમાં ગુસ્સો ન આવે એવો માણસ ભાગ્યે જ કોઈ હશે. ગુસ્સો ચઢવાનું સ્વાભાવિક છે. કોઈ બીજી વ્યક્તિ આપણને ખોટી રીતે સમજી રહી છે- આપણને અન્યાય કરી રહી છે- બીજાઓની નજરમાં આપણને ખરાબ રીતે રજૂ કરી રહી છે એવું આપણને લાગે ત્યારે ગુસ્સો ઉદ્ભવવાનું સ્વાભાવિક છે. આવી વ્યક્તિ જ્યારે આપણી નજીકની હોય, લોહી કે લાગણીના સંબંધથી જોડાયેલી હોય ત્યારે તો ‘કાં તો મારું અગર મરું’ એટલી હદે ઉશ્કેરાટ પેદા થતો હોય છે. કેટલીક વાર માણસને પોતાની જાત ઉપર પણ અનહદ ગુસ્સો આવતો હોય છે.
મોટા ભાગે ક્રોધ એ પોતાના સ્વમાનની રક્ષા માટે, ન્યાયની માગણી માટે, સહાનુભૂતિની ભૂખ માટેની એક ચીસ હોય છે. લિંકન જે કહેવા માગતા હતા તે એ છે કે ગુસ્સો ઊછળી આવે ત્યારે તેનાથી મુક્ત થવાની કોશિશ કરવી. ક્રોધ કાગળ ઉપર ઠાલવી દેવો, પણ આ ક્રોધને ટપાલપેટીમાં નાખવો નહીં. તેને રવાના કરવાની ભાંજગડમાં પડવું નહીં. તમે જ્યારે ક્રોધને એકદમ ચલણમાં મુકી દો છો ત્યારે તે મોટા ભાગે ચક્રવર્તી વ્યાજ સાથે પાછો ફરે છે. ક્રોધ પેદા થાય ત્યારે તેને કાગળ મારફતે કે બીજી કોઈ રીતે ક્યાંક ભંડારી દેવો પડે છે. તેને બરાબર ટીપીને તેનો એક અંકોડો બનાવો અને આવા અંકોડાની એક સાંકળ બનાવો ત્યારે તે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચેની હાથકડી બની જાય છે. કેટલીક વાર આવા ક્રોધનું વિષચક્ર તોડવાનું શક્ય નહીં તો પણ મુશ્કેલ બની જાય છે.
ક્રોધ એક જાતનો તાવ છે અને આ તાવ ઉતારવાની દવા પણ લિંકને બતાવી છે. અબ્રાહમ લિંકને એક વાર પોતાના સાથીદારને કહ્યું હતું કે, ‘ક્રોધનો હુમલો આવે ત્યારે હું કોઈક રમૂજી ટૂચકો યાદ કરું છું અને પછી હસી પડું છું! મતલબ કે ક્રોધની દવા હાસ્ય છે – ક્રોધને ખળખળ વહેતાં હાસ્યમાં ઓગાળી નાખવો પડે છે.
————————–.