કાર્તિ ચિદમ્બરમ્ સામેની તપાસ – સનસનાટી અને સુરસુરિયાનું રિ-પ્લે?
પી.ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ મની લોન્ડરિંગના મામલે ભરાયા...
ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ
આજકાલ દેશમાં સૌથી વધારે ચર્ચામાં આવતા હોય તો તે આર્થિક ગોટાળાઓના સમાચારો છે. આભ ફાટે ત્યારે થીંગડાં ક્યાં લગાવવા તેની ચિંતા દેશની જનતાને હોય તે સ્વાભાવિક છે, પરંતુ તે કરે પણ શું? ક્યારેક હવાલા કૌભાંડ આવે, ક્યારેક બેંકોનાં કૌભાંડ આવે, ક્યારેક શૅરબજારનાં કૌભાંડો આવે તો આ લખી રહ્યો છું ત્યારે જ ૩,૨૦૦ કરોડના ટીડીએસ કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. રાજકીય મોટાં માથાંઓના ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ બહાર પડે તો ક્યારેક સનસનાટી સર્જી ચૂકેલા હાઈપ્રોફાઈલ કિસ્સાઓના કેસના ફુગ્ગામાંથી અચાનક હવા નીકળી ગયાના ચોંકાવનારા અહેવાલો પણ બહાર આવે! લોકો પૂછવા લાગ્યા છે કે આવા કૌભાંડો બહાર આવે ત્યારે સરકારના વહીવટને ચુસ્ત ગણવો કે ઢીલો?! જ્યાં અર્થતંત્રની ઉન્નતિની ચિંતા કરવાની હોય, ત્યાં તેની સાફ-સૂફીની પ્રાથમિકતા પણ એટલી જ અગત્યની હોય. આમ છતાં રાજકીય સ્તરે જે ગતિવિધિઓની સાથે કાદવ-ઉછાળની રાજરમતની ભેળસેળ જોવા મળે છે, ત્યારે ભાગ્યે જ કંઈક ન્યાયસંગત કહી શકાય તેવા જનહિત કે દેશહિત માટેના સારા પરિણામની આશા રાખી શકાય.
નવામાં નવા સમાચાર ભૂતપૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ની મની લોન્ડરિંગના મામલે સી.બી.આઈ. દ્વારા થયેલી ધરપકડના છે. છેલ્લા અહેવાલો મુજબ આઇએનએક્સ મીડિયા મામલે પૂછપરછ માટે કાર્તિને ઇન્દ્રાણી મુખર્જીની સામે બેસાડીને પૂછપરછ કરાઈ છે અને કાર્તિએ ત્યાર બાદ પણ નિશ્ચિંત અને હસતાં ચહેરા સાથે મીડિયાને કહ્યું છે કે મારી સામેના બધા જ આરોપો તદ્દન આધાર વગરના અને રાજકીય દ્વેષ પ્રેરિત છે. કાર્તિ ચિદમ્બરમ્ પોતે હવે આઇએનએક્સ મીડિયા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની વિરુદ્ધ અપાયેલી નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકારવાના છે. સવાલ એ છે કે કાર્તિ સામેની તપાસ એ સાચે જ કોઈ ગુના સામેની તપાસ બને છે કે ભૂતકાળમાં વગદાર કેન્દ્રીય મંત્રી તરીકે નડતા રહેલા પી.ચિદમ્બરમ્ સાથેનો રાજકીય હિસાબ-કિતાબ પતાવવા માટેની આ બદલાસ્વરૃપ કવાયત છે?
સૌ પ્રથમ કેસની વિગત સમજીએ. કાર્તિ ચિદમ્બરમ્ ઉપર આઇએનએક્સ મીડિયા પાસેથી નાણા લેવાનો અને એરસેલ-મેક્સિસ મર્જરનો લાભ લેવાનો આરોપ છે. તેમણે પોતાના પિતાના નાણામંત્રી તરીકેના પ્રભાવનો દુરુપયોગ કરીને કેટલીક કંપનીઓ વચ્ચે નાણાકીય અનિયમિતતાઓ આચરી હોવાનો પણ આક્ષેપ છે. આ મામલાની શરૃઆત પણ ઘણા લોકોને નડવાનો ટ્રેક-રેકોર્ડ ધરાવતા સુબ્રમણ્યમ સ્વામીએ જ કરેલી છે. તેમનો આક્ષેપ એવો હતો કે ચિદમ્બરમે જે રીતે અધિગ્રહણ પ્રક્રિયાને નિયંત્રિત કરવા દસ્તાવેજો રોક્યા હતા તેના કારણે તેમના પુત્રને પોતાની કંપનીઓના શૅરની કિંમત વધારવા માટે કેટલાંક પગલાં લેવાનો સમય મળી ગયો હતો. આવી તરફેણ કરાવી દેવા બદલ કાર્તિને આઇએનએક્સ મીડિયા દ્વારા એક કરોડ રૃપિયાની રકમ મળેલી, તેવી જાણકારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સી.બી.આઈ.ને આપી હતી, જેના આધારે સી.બી.આઈ.એ ૧૫-મે-૨૦૧૭ના રોજ કાર્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. આ એફઆઈઆરમાં એવો આરોપ છે કે કાર્તિએ મોરેશિયસથી રોકાણ મેળવવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની શરતોના ઉલ્લંઘનની એક ચાલી રહેલી તપાસને અસર પહોંચાડવા માટે પોતાનો પ્રભાવ વાપર્યો અને એ માટે આઇએનએક્સ મીડિયા પાસેથી પૈસા લીધા હતા. આઇએનએક્સ મીડિયાના ડિરેક્ટર્સ એટલે પીટર અને પોતાની પુત્રી શીના બોરાની હત્યા કેસમાં જે મુંબઈની ભાયખલ્લા જેલમાં છે તે ઇન્દ્રાણી મુખર્જી. આ ઇન્દ્રાણી મુખર્જીએ આપેલી માહિતીના આધારે જ કાર્તિની સી.બી.આઈ. દ્વારા ધરપકડ થઈ છે.
આ સિવાય એરસેલ-મેક્સિસ મર્જરના કેસનો મામલો વર્ષ-૨૦૦૬નો છે. એ સમયે એરસેલ કંપનીને તેના માલિક સી. શિવશંકરને મેક્સિસને સાવ નજીવી કિંમતે વેચી દીધી હતી. ચર્ચાઓ એવી છે કે આવું કરવા માટે શિવશંકરન પર તે સમયના સંચારમંત્રી દયાનિધિ મારને દબાણ કર્યું હતું, જેના બદલામાં મેક્સિસે મારનના ભાઈ કલાનિધિ મારનની કંપની સન ગ્રુપમાં ૪૭ કરોડ રૃપિયાનું રોકાણ કર્યું હતું. કાર્તિ ચિદમ્બરમ્ ઉપર એવો આરોપ છે કે આ સોદો તેમણે પોતાની કંપની એડવાન્સ કન્સલ્ટિંગ દ્વારા પાર પડાવ્યો હતો. આક્ષેપમાં લાંચની લેવડ-દેવડ થયાની પણ વાત છે.
ગયા વર્ષે મે મહિનામાં ઈડીએ કાર્તિ ચિદમ્બરમ્ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યા બાદ સપ્ટેમ્બરમાં કાર્તિ સાથે જોડાયેલી ૯૦ લાખ રૃપિયાની કિંમતની સંપત્તિ, બેંક એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ એટેચ કરી દીધા છે. ઈડીએ કુલ ૧.૧૬ કરોડ રૃપિયાની અસ્થાયી સંપત્તિ પણ જપ્ત કરી છે અને ૧૩ જાન્યુઆરીએ કાર્તિના દિલ્હી અને ચેન્નઈ ખાતેનાં સ્થળોએ દરોડા પણ પાડ્યા છે.
રાજકીય બાબત એવી છે કે પી. ચિદમ્બરમ્ જ્યારે કેન્દ્રમાં નાણામંત્રી અને ગૃહમંત્રી હતા ત્યારે તેમનો પ્રભાવ સરકારમાં ખાસ્સો હતો. તેઓ એક અભ્યાસુ, વિદ્વાન અને સ્પષ્ટ વિચારસરણીને આધીન કામ કરનારા નેતા તરીકે તેમની છાપ છે. અર્થશાસ્ત્ર અને કાયદો, બંને સ્તરે તેઓ નિષ્ણાત છે. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની યુપીએ સરકાર સામે લડવામાં તેઓને સૌથી વધુ ભારે પડનારાઓમાંના એક ચિદમ્બરમ્ હતા. હવે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં વડાપ્રધાન છે અને ચિદમ્બરમ્ પોતાના અનુભવ અને વિષયની તજજ્ઞતા થકી આર્થિક ક્ષેત્રે મોદી સરકારની ઘોર નિષ્ફળતાઓને અસરકારક રીતે ઉજાગર કરી રહ્યા છે. આમ ચિદમ્બરમ્ પોતે વર્તમાન કેન્દ્ર સરકારની સામે સતત એક મોટો પડકાર બનતા રહ્યા છે.
હવે કરીએ વાત સી.બી.આઈ.ની. આ એ જ સી.બી.આઈ. છે, જેણે ભૂતકાળમાં ઘણા ખેરખાંઓને હલાવી દીધેલા છે, દેશભરમાં સનસનાટીની સાથે શુદ્ધિ માટે આશાવાન જનતાને ઉત્સાહિત કરી છે અને પાછળથી કેટલાય કિસ્સાઓમાં પીછેહઠ કરી છે અથવા તો પછડાટ ખાધી છે. સાવ તાજા દાખલા ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી અને બહુચર્ચિત આરુષિ હત્યા કેસના છે. આ બે કેસમાં સી.બી.આઈ.ની તપાસ એવી જોરદાર હતી કે તેના ગરમા-ગરમ સમાચારો દેશના ખૂણે-ખૂણે રોજેરોજ ફેલાતા હતા. આમ છતાં આ કિસ્સાઓમાં સી.બી.આઈ. ને પુરાવાઓના વાસ્તવિક લેખાંજોખાં સમયે માત્ર ટ્રાયલ કોર્ટની જ નહીં, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની પણ ફટકાર સાંભળવી પડી હતી. ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ તો એટલું ગાજેલું કે કેન્દ્રની યુપીએ સરકારનું શાસન પણ અડધું તેમાં જ વગોવાઈને જતું રહ્યું, પરંતુ લાખ્ખો પાનાંની ચાર્જશીટ પછી પણ સી.બી.આઈ. કોઈને આરોપી સાબિત કરી ન શકી! ભૂતકાળમાં રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ કહેવાય તેવા બોફોર્સ કેસમાં પણ સી.બી.આઈ. અદાલતમાં પોતાનો કેસ સાબિત કરી શકી નથી. દિલ્હી હાઈકોર્ટે છેલ્લે ૩૧-૦૫-૨૦૧૫ના રોજ હિન્દુજા બંધુઓ; શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશચંદની સાથે બોફોર્સ કંપનીને પણ તમામ આક્ષેપોમાંથી મુક્ત કરી દીધી છે.
બોફોર્સના કિસ્સામાં સી.બી.આઈએ જે રીતે કેસ હેન્ડલ કર્યો હતો, તેનાથી હાઈકોર્ટ નારાજ થઈ હતી. સી.બી.આઈ.એ અદાલતમાં કહ્યું હતું કે બોફોર્સ સોદાના કારણે સરકારી તિજોરીને ૨૫૦ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું! આવો જ એક જબરજસ્ત કેસ હતો જૈન હવાલા કાંડ, જેમાં અડવાણીજીએ રાજીનામું આપેલું. સી.બી.આઈ.એ ત્યારે જૈન બંધુઓની ડાયરીમાં ૬૪ કરોડ રૃપિયાની ચુકવણી માટે ૧૧૫ જણાનાં નામો લખેલાં, તેમાં કેટલાય વરિષ્ઠ સાંસદો, મંત્રીઓ અને મોટા ઓફિસરોને લાંચ અપાયાનું વર્ણન હતંુ. પાછળથી એ કેસ પણ સાબિત ન થઈ શક્યો. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે હમણાં જ સી.બી.આઈ.ની તપાસ પર તીખી ટિપ્પણી કરતાં કહ્યું છે કે આટલાં વર્ષો પછી પણ તપાસમાં હજુ ખાસ પ્રગતિ જોવા મળતી નથી અને તે અનંત બની શકે છે! આ જ રીતે કોલસા કૌભાંડમાં પણ સી.બી.આઈ.ની તપાસ પર સ્પેશિયલ ટ્રાયલ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સવાલો ઊઠ્યા છે.
આ પહેલાં લાલુપ્રસાદ યાદવ સાથે જોડાયેલા ચારા કૌભાંડ મામલે અદાલત એવી ટિપ્પણી કરી ચૂકી છે કે એજન્સીની તપાસ તેની પ્રતિષ્ઠાને અનુરૃપ નથી! આવું જ કંઈક કર્ણાટકના બેલ્લારીમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામના કેસમાં સી.બી.આઈ.ને ઝટકો મળેલો. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પા અને બીજા કેટલાકની સામે સી.બી.આઈ.એ ચાર્જશીટ દાખલ કરેલી, પરંતુ ટ્રાયલ કોર્ટે જ તમામ આરોપીઓને મુક્ત કરી દીધા. આવી તો ઘણી લાંબી યાદી છે, પરંતુ સી.બી.આઈ.ની તપાસના કેસોની સંખ્યા સામે અદાલતમાં આરોપો સિદ્ધ કરી શકવાનો દર વર્ષ-૨૦૦૫માં ૫૯.૫%, ૨૦૦૬માં ૬૦.૮%, ૨૦૦૭માં ૬૭.૭%, ૨૦૦૮માં ૬૬.૨%, ૨૦૦૯માં ૬૪%, ૨૦૧૦માં ૭૦.૮%, ૨૦૧૧માં ૬૭%, ૨૦૧૨માં ૫૮%, ૨૦૧૩માં ૫૬.૮%, ૨૦૧૪માં ૬૯.૦૨%, ૨૦૧૫માં ૬૫.૧% અને ૨૦૧૬માં ૬૬.૮% રહ્યો છે. આમાં પણ ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં સરેરાશ દર આનાથી પણ ઓછો હોય છે.
આમ કાર્તિ ચિદમ્બરમ્ના કિસ્સામાં આખો કેસ કેવો વળાંક લે છે તે જોવું રહ્યું. શરૃઆતમાં સનસનાટી અને પછીથી સુરસુરિયાનું પુનરાવર્તન થયા કરે તે સમગ્ર સિસ્ટમ સામે આંગળી ચીંધે છે. મૂળ વાત એ છે કે ગુનેગાર હોય તો તેને સજા મળવી જ જોઈએ, પરંતુ સાથે-સાથે એ પણ સુનિશ્ચિત થવું જોઈએ કે કાયદો અને કાર્યવાહિની તીવ્રતા દરેકને સરખી લાગુ પડવી જોઈએ. ભ્રષ્ટાચારી કોઈ પણ પક્ષનો હોય કે કોઈ પણ વિચારધારાને વફાદાર હોય, ગમે તેટલો વગદાર હોય કે સાવ સામાન્ય નાગરિક હોય, સાફ-સૂફીની પ્રક્રિયામાં નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ કાર્યવાહીની અપેક્ષા આ દેશ રાખી રહ્યો છે, એ કોઈએ પણ યાદ રાખવું રહ્યું.
——————.