પાકિસ્તાનનામા -હિંમત કાતરિયા
ગત ૧૮ ફેબ્રુઆરીએ વિખ્યાત ક્રિકેટર અને તહરીકે-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ૬૫ વર્ષીય ઇમરાન ખાને ત્રીજી વાર લગ્ન કરી લીધા. ત્રીજી ઇનિંગમાં ઇમરાને ૪૦ વર્ષની બુશરા મનિકા ઉર્ફે પિંકી પીર સાથે શાદી કરી. આ શાદીથી બીજા બધાનું તો ઠીક, પણ ઇમરાનની બીજી પત્ની રેહામ ધૂંઆપૂંઆ થઈ છે. ૪૪ વર્ષીય રેહામે ૨૦૧૫માં ઇમરાન સાથે લગ્ન કર્યાં હતાં અને તેમની ગૃહસ્થી માત્ર ૧૦ મહિના જ ટકી. રેહામ ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી ત્યારે જ ઇમરાને મેસેજ કરીને તલ્લાક લઈ લીધા હતા. રેહામ કહે છે કે ઇમરાન નખશિખ જુઠ્ઠો માણસ છે. પાકિસ્તાનમાં ચૂંટણી આડે ચાર મહિના જ બાકી છે ત્યારે ઇમરાનની ત્રીજી શાદી ચર્ચામાં છે.
ધર્મના નામે જુદા પડેલા પાકિસ્તાનમાં સમય જતા પીર-ફકીરોનું સામ્રાજ્ય પણ સતત વિસ્તરી રહ્યું છે. પિંકી પીર સાથે શાદી કરતા પહેલાં ઇમરાન ખાન આ પીરને તેમની આધ્યાત્મિક સલાહકાર માનતા હતા. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ઇમરાન મોટાભાગના રાજકીય નિર્ણયો પિંકી પીરને પૂછીને લેતા હતા. પિંકી પીર પાકપટ્ટનના એક સમૃદ્ધ પરિવારની દીકરી છે અને ઇમરાન સાથે લગ્ન પહેલાં તે એક સમૃદ્ધ અને સુસંસ્કૃત પરિવારની વહુ પણ હતી. પિંકી પરંપરાઓ અને સૂફી માન્યતાઓને એટલી હદે માને છે કે તે મોટેભાગે પરદામાં જ રહે છે અને બુરખો તેની એક ઓળખ છે.
પિંકી પીર ઉર્ફે બુશરાની જૂના સસરા ગુલામ ફરીદ માનેકા પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. તેના પિયરના મુઅજ્જમ ખાન પણ કેન્દ્રીય મંત્રી હતા. રાજકીય પૃષ્ઠભૂમિ છતાં બુશરા બાબા ફરીદની મુરીદ છે. તેનો મોટા ભાગનો સમય દરગાહમાં જ વીતે છે. ઇમરાન ખાન સાથે તેની પહેલી મુલાકાત પણ બાબાની દરગાહ પર જ થઈ હતી.
બાબા ફરીદની ચર્ચિત દરગાહ પાકિસ્તાનના પંજાબના પાકપટ્ટન શહેરમાં આવેલી છે. દિલ્હીના હઝરત નિજામુદ્દીન ઔલિયા બાબા ફરિદના મુરીદ હતા અને તેમને પોતાના ગુરુ માનતા હતા. પારિવારિક રાજકારણ જેટલું અહીં છે એટલું જ પાકિસ્તાનમાં પણ છે. ભુટ્ટો પરિવાર અને શરીફ પરિવાર, ઇમરાન પરિવાર ત્યાં અગ્રિમ હરોળના રાજકીય પરિવારો છે. જોકે પાકિસ્તાનમાં સાર્વજનિક કે રાજકીય જીવનમાં વ્યક્તિગત જીવનના આદર્શો હલાલ થઈ રહ્યા છે. વાત તેમના અંગત જીવનની છે પણ વાત જાહેર કરવી પડે એમ છે. પિંકી પીરનાં પાંચ સંતાનો હોવા છતાં તેણે માનેકાને તલાક આપીને ઇમરાન સાથે નિકાહ પઢી લીધા. પીર તરીકે ઓળખાતી હોવા છતાં અને આધ્યાત્મિક વલણ હોવા છતાં આવી આસક્તિ આપણા પાડોશી દેશમાં જ શક્ય છે. આ ત્રીજા નિકાહ કેટલો સમય ટકશે એવો લોકો અત્યારથી સવાલ ઉઠાવે છે એ ત્યાં ઇમરાનની પ્રતિષ્ઠા કેટલી છે એનો અંદાજ આપે છે. એક આદર્શ નાયક, આઇકોન વિશે ત્યાં કોઈ વિચારતું હોય એવું લાગતું નથી. કેમકે તલાક, નિકાહ, પુનર્વિવાહમાં આખો દેશ રમમાણ હોય એવું લાગે છે. એ વિસંગતિ તો જુઓ કે જે દેશમાં વારિસ શાહ, બુલ્લેશાહ, ફૈજ, હબીબ જાલીબ, કતિલ શિફાઈ અને અસ્માં જહાંગીર જેવી મહાન હસ્તીઓ સાથે હાફિજ સઇદ જેવા ઝેરીલા લોકો પણ સક્રિય રહે છે. ત્યાં એકતરફ બાબા ફરીદની વાણી ગુંજે છે ત્યારે જ બીજી તરફ આતંકી પ્રશિક્ષણ કેન્દ્રોમાં ગોળાબારીની તાલીમ આપતા જોવા મળે છે. ત્યાં એક સ્પષ્ટ અને સમજદાર સોસાયટી પણ છે, પરંતુ તેનો અવાજ સેના નથી સાંભળતી કે નથી સરકાર સાંભળતી કે નથી નિમ્ન-મધ્યમ વર્ગના કરોડો લોકો સાંભળતા. ત્યાંની નોબલ વિજેતા મલાલા પોતાના જ દેશમાં પ્રવેશી નથી શકતી. તેને સરકાર પણ સુરક્ષાની ખાતરી આપી શકતી નથી. પિંકી પીરની ઘટના પછી એક વાત સારી લાગી. માનેકા પરિવારે સ્પષ્ટ કરી દીધું છે કે સંબંધ વિચ્છેદ પછી પણ પિંકીના વિરોધમાં કોઈ આપત્તિજનક ટિપ્પણી સહન કરવામાં આવશે નહીં. છૂટાછેડા મળેલા પતિએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમના તલાક પરસ્પરની સહમતિથી થયા છે અને તે આજે પણ પિંકીનો આદર કરે છે.
બુશરાના પૂર્વ પતિ પ્રમાણે ઇમરાનને બુશરાએ કહ્યું હતું કે તમારા ત્રીજા નિકાહ પછી જ તમે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની શકશો. એ પછી બુશરાએ પતિને કહ્યું કે, મેં સપનામાં જોયું કે અલ્લાહે તેમને ઇમરાન ખાન સાથે નિકાહ કરવાનો સંદેશ આપ્યો છે. એ રીતે બંનેના નિકાહ થયા. બાકીની વાતો અલ્લાહ જાણે.
——————