વારસદાર (નવલિકા) – પ્રફુલ્લ કાનાબાર
વિભા વિચારી રહી... શ્વશુરજીના આશીર્વાદથી વિશાલ સાથે તેનું લગ્નજીવન ટકી તો ગયું હતું,
આજે શ્વશુરજીની પ્રથમ પુણ્યતિથિ હતી. વિશાળ ડ્રોઇંગ હૉલની દીવાલ પર ચાંદીની ફ્રેમમાં શેઠ સુમનરાયનો ફુલસાઇઝ ફોટો સુશોભિત હતો. વિભાએ ફોટાને વંદન કર્યા. કોઈ પણ સ્વજન અંતિમ વિદાય લઈને જતું રહે છે ત્યારે તેની પાછળ સ્મૃતિઓની વણઝાર છોડતું જાય છે. વિભાની આંખમાં આંસુનાં તોરણ બંધાયા.
અનાથ વિભાએ દસકા પહેલાં વિશાલ સાથે પ્રભુતામાં પગલાં પાડીને જ્યારે આ બંગલામાં ગૃહપ્રવેશ કર્યો હતો ત્યારે વિધુર સુમનરાયે કહ્યું હતું, ‘મારા માટે તો પુત્રવધૂ એટલે પુત્રથી પણ વધુ.’ વિભા શ્વશુરજીની આંખમાં ડોકાઈ રહેલા પિતાના પ્રેમથી અભિભૂત થઈ ગઈ હતી.
‘બેટા વિભા, જેમ વૃક્ષોને પણ શાંત ઊભા રહેવું હોય છે છતાં ફૂંકાતા પવનની સાથે ડોલતાં રહેવું પડે છે, તેમ લગ્નજીવનમાં પણ દરેક યુગલને શાંત ઊભા રહેવું હોય છે, પરંતુ પરિસ્થિતિના પવનની સાથે તેમને પણ ડોલવું પડતું હોય છે. કયારેક આ પવન વાવાઝોડાનું સ્વરૃપ લઈ લે ત્યારે દાંપત્યજીવનનું વૃક્ષ મૂળ સાથે ઉખડી ન જાય તેની કાળજી લેવી પડતી હોય છે. જે યુગલ આ નાનકડી વાતને કંઠીની જેમ બાંધીને જીવે છે તેમનું દાંપત્યજીવન હંમેશાં લીલાછમ્મ
વૃક્ષની જેમ હંમેશાં હરિયાળું રહે છે.’
વિભા વિચારી રહી… શ્વશુરજીના આશીર્વાદથી વિશાલ સાથે તેનું લગ્નજીવન ટકી તો ગયું હતું, પરંતુ તેમનું લગ્નજીવન લીલાછમ્મ વૃક્ષ જેવું હરિયાળું ક્યારેય બની શક્યું નહોતું. વિભાને વિશાલ સાથેની સુહાગરાત યાદ આવી ગઈ.
‘વિભા, હું રહ્યો બિઝનેસમેન અને તું રહી સાહિત્યનો જીવ. તારી જેમ મને કવિતાઓ કે પ્રેમની ભાષા બોલતાં ક્યારેય નહીં આવડે. હા… એટલું જરૃર કહીશ કે વહુ માટે પપ્પાજીની પસંદગી પરફેક્ટ છે.’
‘શું માત્ર પપ્પાજીની ઇચ્છાને કારણે જ તમે મને હા પાડી હતી?’ વિભાએ વિશાલની આંખમાં જોઈને પૂછયું હતું.
‘વિભા, આજે આપણી ફર્સ્ટનાઇટે ખોટું તો નહીં જ બોલું. તે દિવસે હું અનાથઆશ્રમમાં પપ્પાજીના કહેવાથી જ ડોનેશનનો ચેક લઈને આવ્યો હતો. ક્લાસમાં તું બાળકોને ભણાવતી વખતે કવિતાઓ સંભળાવી રહી હતી ત્યારે પ્રથમ નજરે જ તારી સાદગી મને પસંદ પડી ગઈ હતી.’
વિભા ધ્યાનપૂર્વક વિશાલની વાત સાંભળી રહી હતી.
‘વિભા, તું તો જાણે જ છે કે અમારો કરોડોનો કારોબાર છે. દાદાજીના સમયથી વીસ ટકા ધર્માદો કાઢવાની પરંપરા પપ્પાજીએ પણ ચાલુ રાખી છે. અત્યારે તો દાદાજીના નામે સ્કૂલ, કૉલેજ, ધર્મશાળા તથા અનેક ટ્રસ્ટ ચાલે છે. હું બિઝનેસને વેગ આપવા માટે દિવસ-રાત એક કરી રહ્યો છું. અમારી શાખને કારણે મારા માટે કરોડપતિ ઘરની છોકરીઓના પણ માગાં આવતા હતા. મને અને પપ્પાજીને સંબંધો દ્વારા બિઝનેસ વધારવાનું પહેલેથી જ પસંદ નથી તેથી જ પસંદગીનો કળશ અમે તારા પર ઢોળ્યો હતો.’
વિભા વિશાલની વાત સાંભળીને હરખાઈ ઊઠી હતી.
‘એની વે… આજે આપણે વાતોમાં વધારે સમય બગાડવો નથી.’ વિશાલે વિભાને બાહુપાશમાં જકડીને કહ્યું હતું. લગ્નજીવનની પ્રથમ રાત દરેક યુગલ માટે જીવનની મહત્ત્વની રાત હોય છે. નવોઢા વિભાએ પણ આ રાત માટે રોમાન્સ અને રોમાંચનાં રંગીન સપનાં જોયાં હતાં, કરોડપતિ બાપનો નબીરો વિશાલ તો એ રીતે વિભા સાથે આગળ વધી રહ્યો હતો જેમાં રોમાન્સના રોમાંચનો બિલકુલ અભાવ હતો! પ્રથમ રાત્રે જ વિભાના મનમાં વિશાલ માટે પ્રેમનાં બીજ રોપાઈ શક્યા નહોતા.
થોડા દિવસોમાં જ વિભાને વિશાલની વિચારધારાનો ખ્યાલ આવી ગયો હતો. સમાજમાં સોશિયલ સ્ટેટસ માટે પત્ની તરીકે તો સીધી સાદી ગૃહિણી જ હોવી જોઈએ. યુવાન બિઝનેસમેનનો તો બહાર જ્યાં ચાન્સ મળે ત્યાં લાભ મેળવી લેવાનો જન્મસિદ્ધ અધિકાર હોય છે. વિશાલના આવા આધુનિક (!) વિચારો સાંભળીને વિભાનું મન આળું થઈ ગયું હતું. જેને ‘ગૃહલક્ષ્મી’ના સાચા અર્થની જ ખબર નહોતી તેવા પતિ સાથે ચર્ચા કરવાનો પણ વિભાને કોઈ જ મતલબ લાગતો નહોતો.
વિશાલને વારંવાર બિઝનેસ ટૂરમાં મલેશિયા, થાઇલેન્ડ, સિંગાપુર જવાનું થતું. એકાદવાર તે વિભાને સાથે લઈ ગયો હતો, પરંતુ વિભાને વિશાલમાં ક્યારેય તેની કલ્પનાનો રાજકુમાર દેખાયો જ નહીં. વિશાલ મહિનામાં બે ત્રણ વાર એકલો જ વિદેશમાં જવા લાગ્યો હતો અને તેના રંગીન મિજાજને અનુરૃપ તમામ શોખ પૂરા કરીને જ ઘરે પરત આવતો. હા… વિભા માટે મોંઘી ગિફ્ટ લાવવાનું તે ક્યારેય ચૂકતો નહીંં. સામાન્ય રીતે આડી લાઇને જનાર પતિ તેની પત્નીને વધારે સાચવવાનો દેખાવ કરવામાં માહેર હોય છે. આનું મુખ્ય કારણ તેના મનમાં ધરબાયેલો અપરાધભાવ હોય છે!
વિભાની સિક્સ્થસેન્સ વિશાલનો અપરાધભાવ તરત જ પકડી પાડતી હતી, પરંતુ શાંત અને ઠરેલ સ્વભાવવાળી વિભા હંમેશાં મૌન જ રહેતી. માત્ર એટલું જ નહીં, પરંતુ પથારીમાં પણ તે વિશાલને યંત્રવત્ સાથ આપતી. જે યુગલ પરસ્પર મેન્ટલી એટેચ્ડ હોતું નથી તેમની દરેક ક્રિયાઓ હંમેશાં યંત્રવત્ બની જતી હોય છે!
સુમનરાય હંમેશાં વિભાને અત્યંત આદરથી જોતાં. સુમનરાયના દરેક શબ્દોમાં ખાનદાની છલકાતી. વિભા જાણતી હતી કે સમાજમાં શ્વશુરજીનું સ્ટેટસ માત્ર ઉદ્યોગપતિ તરીકેનું જ નથી, પરંતુ સાથે-સાથે સજ્જન વ્યક્તિ અને દાનવીરનું પણ છે. સુમનરાયે કરેલી સખાવતને કારણે અનેક સેવાભાવી સંસ્થાઓ ચાલતી હતી. માનવધર્મને જ પોતાનો જીવનમંત્ર બનાવનાર સુમનરાયમાં વિભાને હંમેશાં પિતાની છબી દેખાતી.
વિભાને તે દિવસ બરોબર યાદ હતો જ્યારે વિશાલ સાથેનાં લગ્નને નવ વર્ષ પૂરાં થયાં હતાં. મેરેજ એનિવર્સરીને દિવસે પણ વિશાલ પાસે વિભા માટે માત્ર બે કલાકનો પણ સમય નહોતો. બપોર પછી સુમનરાયે વિશાલને ફોન કર્યો હતો. ‘વિશાલ, હું જાણું છું કે આપણા બિઝનેસને આગળ ધપાવવા માટે તું દિવસ-રાત મહેનત કરી રહ્યો છે, પરંતુ આજે તમારી મેરેજ એનિવર્સરીની સાંજ તો તારે વહુ માટે અનામત રાખવી જ જોઈએ.’
‘પપ્પાજી, તેણે મારા માટે કોઈ ફરિયાદ કરી છે?’
‘ના… ના, તેને તો બિચારીને ખબર પણ નથી કે હું અત્યારે તને ફોન કરી રહ્યો છું… આ તો મેં ઑફિસે ફોન કર્યો હતો તો જાણવા મળ્યું કે આજે સાંજે તારે કોઈ બિઝનેસ ડીલ માટે મિટિંગ છે.’
‘હા… પપ્પાજી… આજે ઓસ્ટ્રેલિયાથી જોનડેવિડ આવ્યા છે. તેમની સાથે મિટિંગ છે. ખૂબ મોટો ઓર્ડર મળી શકે તેમ છે.’
‘વિશાલ, એ મિટિંગ તું કાલ પર રાખી દે.’ સુમનરાયના અવાજમાં આદેશનો સૂર હતો.
‘સોરી… પપ્પાજી. તેઓ મોડી રાતની ફ્લાઇટમાં નીકળી જવાના છે. મેરેજ એનિવર્સરીનું ડિનર તો કાલે પણ હોટલમાં લઈ શકાશે. વિશાલે પહેલી વાર પપ્પાજીની વાતને નકારી કાઢી હતી.
‘વિશાલ, મને લાગે છે કે આ તારી ગંભીર ભૂલ છે.’
‘પપ્પાજી, આજની મારી સાંજની મિટિંગ લાખો રૃપિયા કમાઈને આપશે. હું તે નુકસાન જવા દેવા માંગતો નથી.’
‘વિશાલ, જીવનની અમુક બાબતો નફા-નુકસાનથી પર હોય છે. કેટલાક નુકસાનીના સોદા પણ અંગત સંબંધો સાચવવા માટે ફાયદાકારક સાબિત થતાં હોય છે. જેનું મૂલ્ય પૈસામાં આંકી શકાતું નથી.’
‘પપ્પા… પ્લીઝ મને તમારી ફિલોસોફી ન સમજાવશો.’
વિશાલે ફોન કટ કરી નાખ્યો હતો. સુમનરાયનું દિલ તૂટી ગયું હતું.
રાત્રે નવ વાગે એકાએક સુમનરાયની તબિયત લથડી હતી. સીવીયર ચેસ્ટ પેઇન ચાલુ થયું હતું. વિભા દોડીને તેમની પાસે પહોંચી ગઈ હતી.
વિભાએ તરત જ એમ્બ્યુલન્સ માટે ફોન કરી દીધો. સાથે-સાથે વિશાલને પણ ફોન કરી દીધો.
‘બેટા… વિભા, મારી પાસે બેસ.’
વિભા સમજી ગઈ કે શ્વશુરજી કાંઈક કહેવા માંગે છે. તે શ્વશુરજીના બેડ પાસે નીચે બેસી ગઈ.
‘વિભા, વિશાલની ભ્રમરવૃત્તિ મારા ધ્યાન બહાર નથી. તું સહનશીલ છો. તેને સાચવી લેજે. આપણી કરોડોની સંપત્તિનો ઉત્તરાધિકારી હોવો ખૂબ જ જરૃરી છે. આપણા કુળને જરૃર છે એક કુળદીપકની, એક વારસદારની જે આપણા કુળનું નામ રોશન કરે.’ સુમનરાયને બોલતાં બોલતાં શ્વાસ ચડ્યો હતો. સુમનરાયની આંખમાં પૌત્ર માટેની ઝંખના ડોકાતી હતી. સુમનરાયની આંખો દરવાજા તરફ પથરાયેલી હતી. તેઓ વિશાલની રાહ જોતા હતા. કદાચ ‘વારસદાર’વાળી વાત વિશાલને પણ કરવા માંગતા હતા. બંગલાના પાર્કિંગમાં એકબાજુથી સાયરન વગાડતી એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. તો બીજી બાજુથી વિશાલની મોંઘી કાર પણ આવી પહોંચી હતી. વિશાલ કારમાંથી બહાર નીકળીને લગભગ દોડતો પપ્પાજીના રૃમ તરફ દોડ્યોે હતો. સુમનરાયની છાતી ધમનીની જેમ હાંફતી હતી. અચાનક બંગલાની બહાર કૂતરાનો રડવાનો અવાજ સંભળાયો.
સુમનરાયના બંગલાની બહાર કૂતરું રડી રહ્યું હતું. એમ્બ્યુલન્સ સાયરન વગાડતી આવી પહોંચી હતી. વિશાલ દોડતો સુમનરાયના ખંડમાં પ્રવેશ્યો. થોડીક જ ક્ષણોનો ફેર પડ્યો હતો. સુમનરાયે દેહ છોડી દીધો હતો. કોઈ પણ માણસ કેવું જીવન જીવ્યો છે તેનો ખ્યાલ તેની સ્મશાનયાત્રામાં કેટલા માણસો આવ્યા છે, તેના પરથી આવી શકતો હોય છે. સુમનરાયની સ્મશાનયાત્રામાં પણ માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. વિશાલે જ્યારે સુમનરાયની ચિતાને અગ્નિદાહ આપ્યો ત્યારે મૃત્યુનો મલાજો સૌ કોઈના ચહેરા પર વેદના બનીને સન્નાટાની જેમ છવાઈ ગયો હતો. દરેક વ્યક્તિને જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ તો હોય જ છે, પરંતુ સ્મશાનમાં તેનો સાક્ષાત્કાર થતો હોય છે. કદાચ તેથી જ દરેક માણસથી અનાયાસે જ મૃતદેહને બે હાથ જોડીને નમન થઈ જાય છે! સ્મશાનમાં આદર્શ પણ હાજર હતો. આદર્શ અને વિશાલ સ્કૂલમાં સાથે હતા. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતો આદર્શ તેના પિતાની આર્થિક સ્થિતિને કારણે દસમા પછી અભ્યાસ છોડી દેવાનું વિચારતો હતો. સુમનરાયને આ વાતની જાણ થઈ એટલે તેમણે આદર્શના આગળ અભ્યાસની આર્થિક જવાબદારી ઉપાડી લીધી હતી. વિશાલને તો ભણવામાં બિલકુલ રસ નહોતો તેથી તે તો કૉલેજનું પગથિયું ચડ્યોે જ નહોતો. આદર્શે તો માસ્ટર ડિગ્રી અને પીએચ.ડી. નાની ઉંમરે જ કરી નાખ્યું હતું. આદર્શ હાઈલી એજ્યુકેટેડ થયો ત્યાં સુધીમાં તો વિશાલ બિઝનેસમાં ઘણો પાવરધો થઈ ગયો હતો. બંને બાળપણના મિત્રો વચ્ચે વિચારોનું અંતર તથા આર્થિક અંતર એટલું બધું હતું કે તેઓ વરસમાં એકાદવાર માંડ મળતા. જોગાનુજોગ આદર્શે સુમનરાયની કૉલેજમાં જ લેક્ચરર તરીકે નોકરી મેળવી હતી. ત્રણેક વર્ષ બાદ પ્રિન્સિપાલનું અવસાન થતાં સુમનરાયે આદર્શને પ્રિન્સિપાલનો હોદ્દો આપી દીધો હતો.
સમય વીતતો ગયો. સુમનરાયને અન્ય સ્ટાફના માણસો દ્વારા જ્યારે જાણ થઈ કે આદર્શ તેના પગારમાંથી મોટા ભાગનો હિસ્સો ગરીબ વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ કરે છે ત્યારે તેઓ આદર્શના આદર્શથી પ્રભાવિત થઈ ગયા હતા. આદર્શ જાણતો હતો કે શિક્ષકોનું કામ માત્ર વિદ્યાર્થીઓને ભણાવવાનું જ નહીં બલ્કે ભારતના ભાવિ નાગરિક તરીકે સમગ્ર સમાજનું શ્રેષ્ઠ ઘડતર કરવાનું પણ છે.
એકવાર વિભા કૉલેજ આવી પહોંચી હતી. આદર્શે વિભાને કૉલેજમાં સાથે ફરીને તમામ પ્રવૃત્તિઓથી વાકેફ કરી હતી. વિભા પ્રવૃત્તિઓથી તથા આદર્શના આદર્શ વિચારોથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. કેબિનમાં બેઠા બાદ આદર્શે પટાવાળાને કૉફીનો ઓર્ડર આપ્યો હતો. ‘મેડમ, મારું તો સ્વપ્ન છે કે આપણી કૉલેજને રાજ્યકક્ષાની પ્રથમ રેન્કની કૉલેજ બનાવવી.’
‘આદર્શ, મારું નામ વિભા છે. મેડમ નહીં કહેવાનું. વળી, આપણે તો લગભગ સરખી ઉંમરનાં જ છીએ. વિશાલનો તો તું શાળા જીવનના દિવસોનો મિત્ર છે.’
‘હા… વિભા, પરંતુ અત્યારે વિશાલ શહેરનો સૌથી મોટો ઉદ્યોગપતિ છે. વરસે દહાડે તેને એકાદવાર ઔપચારિકતા માટે જ મળવાનું થાય છે. ઘણું અંતર છે અમારા વચ્ચે.’
‘આદર્શ, તને ક્યારેય એવી ઇચ્છા નથી થતી કે તારી પાસે પણ ગાડી, બંગલો, નોકર, ચાકર, ધન વૈભવ હોય.’
‘વિભા, મારી જીવન જીવવાની વ્યાખ્યા જ અલગ છે. પૈસાનો મને લગીર પણ મોહ નથી. ઈશ્વરે માનવદેહ આપ્યો છે, તો માનવધર્મ પાછળ જીવાઈ જવાય એટલે ઘણું.’
વિભા મંત્રમુગ્ધ થઈને આદર્શના સોહામણા ચહેરાને તાકી રહી હતી. આજના જમાનામાં આવા પણ યુવાનો હોય છે તે વાતની વિભાને ખૂબ જ નવાઈ લાગી રહી હતી.
‘આદર્શ, એક અંગત વાત પૂછું?’
‘બોલો મેડમ… સોરી વિભા.’ આદર્શે શાલીનતાથી કહ્યું.
‘તારા જીવનમાં અત્યાર સુધી કોઈ છોકરી આવી જ નથી?’
‘ના’ આદર્શે ટૂંકાક્ષરી જવાબ આપીને વાત બદલવાના ઇરાદાથી પૂછયું. ‘વિશાલ ઇન્ડિયામાં છે કે એબ્રોડ?’
‘અત્યારે ઓસ્ટ્રેલિયા ગયા છે. કાલે આવી જશે.’
વિભાના ગયા બાદ કેબિનમાં આદર્શ એકલો પડ્યો. તેને વતનની રમણકાકાની પૂર્વી યાદ આવી ગઈ. ગામડે વૅકેશનમાં જતો ત્યારે પૂર્વી તેની આગળ પાછળ ફરતી. પૂર્વી સાથેની છેલ્લી મુલાકાત આદર્શની સ્મૃતિમાં અકબંધ સચવાયેલી હતી.
‘આદર્શ, તું ભણેલો-ગણેલો છે અને હું માત્ર આઠ ચોપડી પાસ છું. તેથી તું મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે ને?’
‘ના પૂર્વી, એવું નથી. હું લગ્ન કરવા માગતો જ નથી. આજીવન કુંવારો રહેવા માંગુ છું.’
‘લે… કર… વાત, તને લગ્ન કરવાની ઇચ્છા જ નથી થતી.’
‘પૂર્વી, તું જે સેન્સમાં પૂછી રહી છે તે વાત તો માત્ર શરીરની જરૃરિયાત પૂરતી જ હોય છે. તેના માટે થઈને આખી જિંદગીનું બંધન સ્વીકારવાનું?’
‘લગ્ન કર્યા વગર મનફાવે તેમ રહીએ તો તો માણસમાં અને ઢોરમાં તફાવત શું?’ પૂર્વીએ આંખો પટપટાવીને પૂછયું હતું.
‘પૂર્વી, તું મારું કહેવાનું તાત્પર્ય સમજી જ નથી. મારા મનમાં સમાજ માટે જે કાંઈ કરી છૂટવાની ભાવના છે તે એટલી બધી પ્રચંડ છે કે પેલી બધી અંગત ક્ષણોને હું માણવા જ નથી માગતો.’
‘એટલે તું આજીવન બ્રહ્મચારી રહેવા માગે છે. એમ જ ને?’
‘હા… સાધુ બાવાના સ્વરૃપમાં નહીં, પરંતુ સમાજમાં જ રહીને સમાજનું ઋણ ચૂકવવા માટે તે રીતે રહેવા માંગુ છું. મારી મંજિલમાં રૃકાવટ થાય તેવું લગ્ન જેવું કોઈ જ પગલું હું ભરવા માંગતો નથી.’
આદર્શે જીન્સના પોકેટમાંથી વૉલેટ કાઢીને તેમાં રાખેલો સ્વામી વિવેકાનંદનો ફોટો બતાવીને આગળ કહ્યું હતું. ‘જો આ મહાન માણસે પણ લગ્નના બંધનમાં પડવાનું મુનાસિબ નહોતું માન્યું.’
પૂર્વી સમજી ગઈ કે આદર્શ પીગળે તેમ નથી. તે મુલાકાત તેમની છેલ્લી મુલાકાત હતી. આખરે પૂર્વીએ ગામમાં જ બીજા મુરતિયા સાથે લગ્ન કરી લીધા હતા. આદર્શે રાહતનો દમ ખેંચ્યો હતો.
* * *
સુમનરાયના અવસાન બાદ વિભા વિશાળ બંગલામાં સાવ એકલી પડી ગઈ હતી. નોકર, ચાકર, રસોઇયા, માળી અને સમૃદ્ધિની રેલમછેલ વચ્ચે વિભાએ જાણે કે એકલતાનું આકાશ ઓઢી લીધું હતું.
આજે શ્વશુરજીની પ્રથમ પુણ્યતિથિએ વિભા મનોમન તેમના ફોટાને વંદન કરીને તેમના આશીર્વાદ માગી રહી હતી. અચાનક ઉપરના માળેથી વિશાલ ડ્રોઇંગ હૉૅલમાં આવી પહોંચ્યો. વિભાને સજળનેત્રે પપ્પાજીના ફોટાને વંદન કરતી જોઈને તે પણ બાજુમાં આવીને ઊભો રહી ગયો.
‘વિશાલ, પપ્પાજીના ગયા બાદ મને એકલતા કોરી ખાય છે. તમારી બિઝનેસ ટૂર વધતી જાય છે. પપ્પાજીની અંતિમ ઇચ્છા પણ પૌત્ર માટેની હતી. મને લાગે છે કે
માતૃત્વનું સુખ મારા નસીબમાં જ નથી.’ વિભાથી રડી પડાયું.
વિશાલે વિભાના બંને ખભે હાથ રાખીને તેને આશ્વસ્ત કરતા કહ્યું, ‘વિભા, આપણે બાળક દત્તક લઈએ તો?’
વિભાએ તરત જ હા પાડી દીધી. વિભા જાણતી હતી કે લગ્નજીવનનો દસકો વીતી ગયો હતો. મેડિકલ રિપોર્ટ મુજબ બાળક ન થવા માટે વિભાની શારીરિક ખામી જ જવાબદાર હતી.’
બીજે જ દિવસે વિભાને લઈને વિશાલ શહેરથી દૂર હાઈવે પર આવેલા અનાથ આશ્રમમાં પહોંચી ગયો હતો.
બંને એકાદ વર્ષના સુંદર બાળકને લઈને ઘરે આવ્યાં હતાં.
‘વિભા, આપણા વારસદારનું આઇ મીન દીકરાનું નામ શું રાખીશું’?
‘વંશ’ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વિભા બોલી ઊઠી હતી. વિશાલ વિભાને વળગી પડ્યો હતો. વંશની સાથે-સાથે વિશાલે વિભાને પણ ચુંબનોથી નવડાવી દીધી હતી. વિભા જાણતી હતી કે રાતની ફ્લાઇટમાં જ વિશાલને બિઝનેસ ટૂરમાં મલેશિયા જવાનું છે. અત્યારે તેનો રંગીન મિજાજ સોળેકળાએ ખીલીને સમુદ્રનાં મોજાંની જેમ ઊછળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ મલેશિયા જઈને મનમાની કરવાનો તેનો મક્કમ ઇરાદો છે!
વિશાલ દશ દિવસ માટે બિઝનેસ ટૂરમાં મલેશિયા જવા માટે ઉપડી ગયો. ચાર દિવસ બાદ પંદર ઑગસ્ટ હતી. આદર્શ દર વર્ષે કૉલેજમાં વિવિધ પ્રોગ્રામ રાખતો હતો. આ વર્ષે પણ આદર્શે વકૃત્વસ્પર્ધાનું આયોજન કર્યું હતું. દર વર્ષે તો ચીફ ગેસ્ટ તરીકે સુમનરાય શેઠ જ આવતા, જેમના હાથે ઇનામ વિતરણ થતું. આદર્શને વિચાર આવ્યો કે આ વખતે તો વિશાલને જ ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપી દઉ.
આદર્શે વિશાલના બંગલે ફોન લગાવ્યો.
સામા છેડેથી વિભા બોલી રહી હતી.
‘વિભા, આવતીકાલે અન્કલની જગ્યાએ કૉલેજમાં ચીફ ગેસ્ટ તરીકે વિશાલને પધારવાનું છે.’
‘આદર્શ, એ તો ગઈકાલે જ મલેશિયા જવા નીકળી ગયા. તું બીજા કોઈ ચીફ ગેસ્ટ શોધી લે.’
‘વિભા, મારે ક્યાં બહુ દૂર સુધી જવાની જરૃર છે? તું ચીફ ગેસ્ટ બનીને આવી જા.’
વિભા ખડખડાટ હસી પડી.
‘વિભા, આઇ એમ નોટ જોકિંગ, કાલે તારે જ અતિથિ વિશેષનું પદ શોભાવવાનું છે.’
‘ઓ.કે.’ આખરે વિભાએ હા પાડી દીધી.
પ્રોગ્રામ સવારનો હતો. વંશનું ધ્યાન રાખવા માટે કૅરટૅકર માયાબહેન તો હતાં જ તેથી એવી કોઈ ચિંતાનો વિષય નહોતો. આમ પણ વંશ સવારે મોડો જ જાગતો. બીજે દિવસે કૉલેજના હૉલમાં વક્તૃત્વસ્પર્ધાનો મુખ્ય વિષય હતો ‘પુરુષાર્થ ચડે કે પ્રારબ્ધ?’
લગભગ ડઝન જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોઈ પ્રારબ્ધને ચડિયાતું માનતું હતું તો કોઈ દાખલા-દલીલ સાથે પુરુષાર્થની ફેવર કરતું હતું. નિર્ણાયક સમિતિ વક્તાને ધ્યાનપૂર્વક સાંભળીને દરેકને માર્ક્સ આપી રહી હતી. આખરે જ્યારે ઇનામ વિજેતા તરીકે કિશન ગોસ્વામીનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તાળીઓના ગડગડાટથી હૉલ છલકાઈ ગયો હતો. કિશને પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને તરફ બેલેન્સ રાખીને એવી જોરદાર રજૂઆત કરી હતી કે બંનેનું મહત્ત્વ જીવનમાં ફિફ્ટી-ફિફ્ટી હોય છે. કોઈને એકાવન ટકા આપી શકાય નહીં. વિભાના હાથે જ્યારે ઇનામ લેવા માટે સત્તર વર્ષનો કિશન સ્ટેજ પર આવ્યો ત્યારે વિભાએ તેને પૂછયું હતું. ‘કિશન તું મોટો થઈને શું બનવા માગે છે?’
કિશને ત્વરિત ગતિએ જવાબ આપ્યો હતો. ‘પૂજારી.’
હૉલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કિશને તેની પરવા કર્યા વગર માઇક પરથી જ વિભાને સંબોધીને વિવેકપૂર્વક કહ્યું હતું. ‘મેડમ, જો ડૉક્ટરનો દીકરો ડૉક્ટર થઈ શકતો હોય, વકીલનો દીકરો વકીલ થઈ શકતો હોય તો પૂજારીનો દીકરો પૂજારી શા માટે ન થઈ શકે?’
વિભા કિશનના વક્તવ્યથી તો ખુશ હતી જ પરંતુ અત્યારનો તેનો જવાબ સાંભળીને તેની ખુશી બેવડાઈ ગઈ હતી.
પ્રોગ્રામની સમાપ્તિ વખતે આદર્શે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું, ‘ફિફ્ટી-ફિફ્ટી’ બોલવામાં ભલે આ શબ્દ સારો લાગતો હોય, પરંતુ પ્રારબ્ધનું મહત્ત્વ હંમેશાં વધારે હોય છે. ભલે એવું કહેવાતું હોય કે દરેક માણસે પુરુષાર્થ વડે પોતાનું પ્રારબ્ધ બનાવવાનું હોય છે, પરંતુ પ્રારબ્ધમાં હોય તો જ માણસનો પુરુષાર્થ યોગ્ય દિશામાં જતો હોય છે.’
વિભા આદર્શની વાત સાંભળીને મનોમન વિચારી રહી. તે ખુદ અનાથ હતી, પરંતુ પ્રારબ્ધને કારણે જ આજે શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિની પત્ની હતી. આ પ્રારબ્ધ નથી તો બીજું શું છે? અરે ખુદ આદર્શ પણ પ્રારબ્ધને કારણે જ જિંદગીના આ પડાવ સુધી પહોંચી શક્યો છે ને? જો શ્વશુરજીએ કિશોરાવસ્થામાં તેનો હાથ ન પકડ્યો હોત તો તે અત્યારે ક્યાં હોત?
પ્રોગ્રામ પૂરો થયો એટલે કિશને વિભાને અને આદર્શને નજીકમાં જ તેમનું નાનકડું મંદિર હતું ત્યાં દર્શન કરવા આવવા માટે આગ્રહ કર્યો.
આદર્શ અને વિભાએ કિશનને રાજી રાખવા તેના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો. મંદિરના પ્રાંગણમાં ડ્રાઇવરે કાર ઊભી રાખી. વિભા અને આદર્શે જોયું કે મંદિર ભલે નાનું હતું, પરંતુ વિશાળ પ્રાંગણમાં આવેલા મોટા વડલાને કારણે ઠંડક અને પવિત્રતાનો અહેસાસ થતો હતો. પાછળના ભાગે આવેલ એક રૃમમાં વિધુર ગોસ્વામીજી એટલે કે કિશનના પિતા રહેતા હતા. તેઓ તરત વિભાને અને આદર્શને આવકારવા માટે કાર સુધી દોડી આવ્યા. મંદિરમાં વિભાએ અને આદર્શે દર્શન કર્યા. કિશન ઝડપથી કીટલીમાં ચા લઈ આવ્યો. તેણે રકાબીમાં ચા કાઢતાં કહ્યું. ‘સર, પ્લીઝ ના ન પાડતા. આ પ્રસાદ છે. શિવજીને અમે ઘરે બનાવીને જ યથાશક્તિ પ્રસાદ ધરતાં હોઈએ છીએ. તેમાં ચાનો પણ સમાવેશ થઈ જાય છે.’
આદર્શ હસી પડ્યો… ‘કિશન, મને તો એમ કે શિવજી તો માત્ર ભાંગ જ પીએ. ચા પણ પીએ છે, તે તો આજે જ ખબર પડી.’
વિભા પણ હસી પડી. આજે વિભાને કૉલેજની સ્પર્ધાનું વાતાવરણ, મંદિરની પવિત્રતા અને નિર્દોષ કિશનની કંપની ખૂબ પસંદ પડી હતી. ઘરે આવ્યાં બાદ પણ સવારના પ્રસંગોને તેનું મન વાગોળતું રહ્યું હતું. હા, ક્યાંક-ક્યાંક આદર્શનો ચહેરો અને તેના પ્રારબ્ધ વિશેના વિચારો પણ તેના માનસપટ પર આવી જતા હતા, પરંતુ તેમાં વિકારનો કોઈ ભાવ નહોતો. વિભા મનોમન વિચારી રહી. આદર્શ અને વિશાલ હમઉમ્ર હતાં. બંનેની આર્થિક પરિસ્થિતિમાં જમીન આસમાનનું અંતર હતું, પરંતુ ખબર નહીં કેમ તેના મનના ત્રાજવાનું પલ્લું આદર્શ તરફ વધારે ઝૂકી જતું હતું. શું આદર્શ નિખાલસ, સરળ, સૌમ્ય અને ચારિત્ર્યવાન હતો તે કારણે? વિભા પાસે કોઈ જ જવાબ નહોતો. તેણે માંડ-માંડ આ સરખામણી બંધ કરી અને મન વંશ તરફ વાળી લીધું.
નાનકડો વંશ ઘોડિયામાંથી તેની સામે હસી રહ્યો હતો. વિભાનું મનોમંથન પેલી પ્રારબ્ધવાળી વાત પર ફરીથી શરૃ થઈ ગયું. આ વંશને કોઈ અનાથઆશ્રમમાં છ મહિના પહેલાં મૂકી ગયું હતું. વંશના નસીબમાં માત્ર છ માસ જ અનાથઆશ્રમની આબોહવા માણવાનું લખ્યું હશે. હવે તે કરોડોનો વારસદાર થઈને આ બંગલામાં આવી પહોંચ્યો છે. આ પ્રારબ્ધ નથી તો બીજું શું છે? સમયનું ચક્ર ફરતું ગયું. વંશ મોટો થતો ગયો. વિભાએ તેનું સમગ્ર જીવન વંશને સમર્પિત કરી દીધું હતું.
વંશ હવે કૉલેજે જતો થઈ ગયો હતો.
વિશાલની આર્થિક સમૃદ્ધિ ઉત્તરોત્તર ગુણાકારમાં વધતી જતી હતી. હવે વિશાલ સદંતર આર્થિક પ્રવૃત્તિ બંધ કરી દે તો પણ તેની સાત પેઢી બેઠા-બેઠા ખાય તેટલી
સમૃદ્ધિનો તે માલિક બની ચૂક્યો હતો. શહેરના જ નહીં, બલ્કે સમગ્ર રાજ્યના સૌથી વધારે ધનાઢ્ય ઉદ્યોગપતિ તરીકે વિશાલની ગણના થવા લાગી હતી.
વિભાનું મન વધારે ને વધારે ધર્મ તરફ ઢળતું જતું હતું. વિભાને પૈસાનો લેશમાત્ર મોહ નહોતો. વિભાએ યુવાન વંશમાં પણ એવા ધાર્મિક વિચારોનું સિંચન કર્યું હતું કે વંશના સ્વભાવમાં અભિમાનનો અંશ પણ નહોતો.
પરંતુ પ્રારબ્ધના ખેલ કોઈ જાણતું નથી. એ દિવસોમાં એકવાર અચાનક શહેરમાં હલચલ મચી ગઈ. શહેરમાં એક સંત પધાર્યા હતા.
(ક્રમશઃ) બે પ્રકરણમાં પૂરી થતી નવલિકા