તમારા માટે, તમારી સાથે, સતત…

ગરીબો પ્રત્યેના આપણા પ્રેમની ચાડી ખાય છે ઓક્સફેમનો અહેવાલ!

ભારતમાં આર્થિક વિકાસનો લાભ સમાજના ગણ્યાગાંઠ્યા મૂડીપતિઓ અને ધનવાનોને જ મળી રહ્યો છે.

0 492

૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ની મધરાતે બ્રિટીશરો જે ભારત છોડી જતા હતા, તે ભારત કેવું હતું અને આજે ૭૦ વર્ષ પછીનું આપણે બનાવેલું સ્વતંત્ર ભારત કેવું છે તેવો પ્રશ્ન સહેજે મનમાં ઊઠે તો સાચો જવાબ મેળવવા નિષ્ઠાપૂર્વક નિષ્પક્ષ પ્રયત્ન કરવો જોઈએ. તે સમયનું વાતાવરણ, સંસાધનો, વસ્તી, સમસ્યાઓ કે સામર્થ્ય જેવાં પરિબળો પર અભ્યાસ કરતી વખતે ઉપલબ્ધ આંકડાઓ, તજજ્ઞોનાં તારણો અને અનુભવીઓના માર્ગદર્શનને ધ્યાને લઈ વાસ્તવિકતાની નજીક જવા શક્ય એટલો નિખાલસ પ્રયત્ન કરવો જોઈએ. સ્વતંત્ર ભારતની જ વાત છે તો ઉત્કર્ષ કે અધઃપતન માટે સરવાળે હવે આપણે ભારતીયો જ જવાબદાર છીએ તે સ્વીકારવું રહ્યું.

આઝાદીની મધરાતે ભારત કંઈક આવું હતું. ૨૭ કરોડ ૫૦ લાખ હિન્દુ જેમાં ૭ કરોડ તો અસ્પૃશ્યો ગણાતા હતા. ૩ કરોડ ૫૦ લાખ મુસલમાન, ૭૦ લાખ ખ્રિસ્તીઓ, ૬૦ લાખ શીખો, ૧ લાખ પારસીઓ અને ૨૪ હજાર યહૂદીઓ હતા, જેઓ કુલ મળીને સત્તાવાર ૧૫ ભાષાઓ અને ૮૪૫ બોલીઓ બોલતા હતા.! તેમની પરિસ્થિતિ એ હતી કે અરસ-પરસ તેઓ અંગ્રેજી સિવાય તેમની બીજી કોઈ રાષ્ટ્રભાષામાં વાત કરી શકે તેમ નહોતા! આખો હોલેન્ડ દેશ ભરાય તેટલા ભિખારીઓ હતા; ૧ કરોડ ૧૦ લાખ સાધુ સંન્યાસી હતા; ૨ કરોડ આદિવાસીઓ હતા; ગારૃડી, જાદુગર, દોરડા ઉપર ચાલનાર ખેલાડી, ઔષધ-વનસ્પતિઓ વેચનારા વગેરે જેવી સ્થિર મુકામ વિના ભટકતી રહેવાની જાતિઓની જનસંખ્યા ૧ કરોડ હતી. દરરોજ ૩૮ હજાર નવા બાળકો જન્મ લેતાં હતાં અને તેમાંના ૨૫ ટકા પાંચ વર્ષની ઉંમરે પહોંચતા પહેલાં જ કુપોષણના કારણે મૃત્યુ પામતાં હતાં. દર વર્ષે આ સિવાયના બીજા ૧ કરોડ લોકો પૂરતા પોષણને અભાવે મરણ-શરણ થતાં. ૮૩ ટકા વસતી નિરક્ષર હતી. રોજની માથાદીઠ આવક પોણા ચાર રૃપિયા જેટલી હતી. દાયકાઓથી પોતાના જ દેશમાં આઝાદી માટેની ચળવળ ચલાવી રહેલા કરોડો ભારતીયો માટે સ્વાતંત્ર્યની ઉજવણી પણ લાખ્ખો સ્વજનોની કત્લેઆમથી રક્તરંજિત રહી હતી.

આઝાદીના ૭૦ વર્ષ પછીનું સ્વતંત્ર ભારત આજે કેવું છે? આજે ભારતમાં એક તરફ ગગનચુંબી ઇમારતો, આલીશાન રહેણાકો, ધમધમતાં ઉદ્યોગગૃહો, અદ્યતન ટૅક્નોલોજી અને આંખને આંજી દે તેવી ગ્લેમરસ જીવનશૈલી જીવતા માલેતુજારોનો પરિચય કરાવતું ભવ્ય અને સંપન્ન ભારત જોવા મળે છે, જ્યારે આ જ દેશમાં એક બીજું ભારત પણ સહઅસ્તિત્વ ધરાવે છે, જેમાં એક અંદાજ મુજબ ૪૭ ટકા જેટલાં પોષણવિહીન બાળકો માત્ર અન્ન-પાણી, સ્વચ્છતાના અભાવે મરવા વાંકે જીવી રહ્યાં છે..! દેશની અડધી આબાદી ગરીબીની હાલતમાં જીવનભર કણસતી રહે છે..!  નાના-મોટા કુલ મળીને ૧૩ હજાર કોમી રમખાણો આપણે વેઠી ચૂક્યા છીએ..! કૃષિપ્રધાન ભારતમાં જ ખેતી સતત નબળી પડતી જાય છે..! દેશનાં રાજ્યો વચ્ચેની અસમાનતા એવી છે કે ગુજરાત જેવા ૧૦ ટકાથી વધારે તો બિહાર જેવા ૩ ટકાના દરે વિકાસ કરે છે..! ગરીબોની ભલાઈ માટે સરકારો અબજો રૃપિયાનો ખર્ચો કરે છે, તેમાંથી કરોડો ભ્રષ્ટાચારમાં ચવાઈ જાય છે..!

આપણી નીતિઓ, આપણા સ્વતંત્ર નિર્ણયો અને આપણી નિયતના પરિણામસ્વરૃપ ભારતના અસલ ચિત્રમાં અમીર-ગરીબ વચ્ચેની ખાઈ કેટલી ઊંડી બની છે, તેને આંકડાઓમાં સમજવા માટે તાજેતરનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થા ઓક્સફેમ ઇન્ટરનેશનલનો અહેવાલ પૂરતો છે. આવો જરાક એ આંકડાઓ પર પણ નજર કરીએ.

આજે દેશના અબજપતિઓની સંપત્તિ સમગ્ર દેશના જીડીપીના ૧૫ ટકા જેટલી છે. પાંચ જ વર્ષ પહેલાં આ સંપત્તિ જીડીપીની ૧૦ ટકા બરાબર હતી. આનો અર્થ એ છે કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન જ અમીરોની અમીરી જેટ ઝડપે વધી છે અને આને માટે અહેવાલમાં સરકારી નીતિઓને જવાબદાર ઠેરવાઈ છે. ૨૦૧૭ના વર્ષના આંકડા પ્રમાણે આજે ભારતની કુલ સંપત્તિના ૭૩ ટકા જેટલી સંપત્તિ ઉપર દેશની વસતીના માત્ર ૧ ટકા કહી શકાય તેટલા ગણ્યાગાઠ્યા અમીરોએ કબજો જમાવી દીધો છે! ભારતના ૧ ટકા એવા આ અમીરોની સંપત્તિમાં એક જ વર્ષમાં ૨૦.૯ લાખ કરોડ રૃપિયાનો જે વધારો થયો તે દેશના ૨૦૧૭-૧૮ના કુલ બજેટ બરાબર છે! ૬૭ કરોડ લોકો આજે પણ ગરીબી અવસ્થામાં જીવે છે અને મધ્યમવર્ગને અમીરોની આવક સુધી પહોંચવું હોય તો અંદાજે ૯૪૧ વર્ષો લાગી શકે છે!  ગરીબોની આવકમાં ગયા વર્ષે માત્ર ૧ ટકાનો વધારો થયો છે, જ્યારે અમીરોની આવકનું પ્રમાણ દેશની કુલ સંપત્તિના ૫૮ ટકા જેટલું વધ્યું છે, જે વૈશ્વિકસ્તરના સરેરાશ ૫૦ ટકા કરતાં વધારે છે.

Related Posts
1 of 37

આવી જ હાલત વિશ્વના બીજા ઘણા દેશોમાં પણ છે જ્યાં અમીર-ગરીબ વચ્ચેની સ્થિતિ અત્યંત ખરાબ છે, પરંતુ ભારતની જ વાત કરીએ તો આંકડાઓ સૂચવે છે કે ભારતમાં આર્થિક વિકાસનો લાભ સમાજના ગણ્યાગાંઠ્યા મૂડીપતિઓ અને ધનવાનોને જ મળી રહ્યો છે. અબજોપતિની સંખ્યામાં વધારો થવો અને ગરીબ તથા મધ્યમવર્ગના હિસ્સાની સંપત્તિ પણ તેને ફાળે જવી, એ યોગ્ય અર્થવ્યવસ્થાનાં લક્ષણો નથી. આ પ્રકારની અમીર-ગરીબ વચ્ચેની વધતી ખાઈ એ સમાજને, દેશને અને લોકશાહીને નબળી કરે છે. આ જ સ્થિતિ જો ચાલુ રહી તો સામાજિક સદ્દભાવના પણ ખોરવાઈ શકે છે. એટલું જ નહીં, ભારત જેવા વિવિધ ધર્મ, સંપ્રદાય, જાતિવાળા દેશમાં ગૃહયુદ્ધ પણ આકાર લઈ શકે છે. અર્થશાસ્ત્રીઓ ટ્રિકલ ડાઉન થિયરીની ઘણીવાર ચર્ચા કરતા હોય છે. આ થિયરી પ્રમાણે અર્થવ્યવસ્થામાં પૈસો આવે તો તેનો ફાયદો ગરીબને પણ આપોઆપ મળે છે, પરંતુ આ પરિસ્થિતિ તો ટ્રિકલ ડાઉન થિયરીના ધજિયા ઉડાવે છે.

આમ પણ થોડા સમય પહેલાં જ ૧૫૦ દેશોની અર્થવ્યવસ્થા પર અભ્યાસ કરીને પ્રકાશિત થયેલા એક અહેવાલે લખેલું કે લોકોની આવકના દર વચ્ચેના અંતરના કારણે દેશની પ્રગતિમાં રૃકાવટો આવતી હોય છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના વર્ષ-૨૦૧૬ના અહેવાલમાં પણ લખાયેલું કે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ભારત અને ચીને વેગીલો વિકાસ કર્યો છે, પરંતુ તે દરમિયાન નાણાકીય અસમાનતા પણ વધી છે. એક અન્ય વિશ્વસનીય સંસ્થા ‘ક્રેડિટ સુઇસ’ના અહેવાલે પણ નોંધ્યંુ હતું કે ભારતમાં અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. આ અહેવાલ પ્રમાણે ભારતમાં ૯૫ ટકા લોકોની સંપત્તિ ૫,૩૦,૦૦૦ રૃપિયાથી ઓછી છે, જ્યારે ૬૨ લાખથી વધારે સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા કુલ વસતીના ફક્ત ૦.૩ ટકા છે.

ગરીબી સાથે જોડાયેલી બેરોજગારીની બાબતમાં પણ વર્ષ-૨૦૧૧ની વસતી ગણતરીના આંકડાઓ પ્રમાણે ભારતમાં ૬.૦૭ કરોડ એવા લોકો હતા, જેમની  પાસે કોઈ જ કામ નહોતું. ૫.૫૬ કરોડ લોકો એવા હતા જેમની પાસે યોગ્ય કહી શકાય તેવું કામ નહોતું. વર્ષ-૨૦૦૧થી ૨૦૧૫ સુધીમાં ભારતમાં ૨,૩૪,૬૫૭ ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરેલી, કારણ કે તેમને તેમના કામ પ્રમાણે પૂરતી આવક નહોતી થઈ, ન તેમને સલામતીની કોઈ બાંહેધરી મળેલી કે ન કુદરતી આફતો સામે જરૃરી રાહત મળેલી. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા પ્રમાણે આ જ અરસા દરમિયાન ૭૨,૩૩૩ લોકોએ ગરીબી અને બેરોજગારીના કારણે જ આત્મહત્યા કરી છે. આ આંકડાઓ આજે ઘણા મોટા હોઈ શકે છે.

આશ્ચર્યની વાત એ છે કે કુદરતી સંસાધનો અને માનવ સંપદાની બાબતમાં સમૃદ્ધ કહી શકાય તેવી હોવા છતાં ભારતની ગણના આજે દુનિયાના માપદંડોના આધારે ગરીબ દેશોમાં થાય છે. ૭૦ વર્ષના સરવૈયાની ફળશ્રુતિ એ છે કે ગરીબી નિર્મૂલન માટે જ સરકારો આવી અને ગઈ, નીતિઓ ઘડાતી રહી અને બદલાતી રહી, અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિચારાતા રહ્યા અને અમલ થતા રહ્યા, અબજો રૃપિયા ગરીબોના નામે જ ખર્ચાયા, પરંતુ ગરીબી વધતી જ રહી છે. લાગે છે કે ગરીબો સાથેનો આપણો નાતો અત્યંત આત્મીય છે, કારણ કે આપણે ગરીબી હટાવવાની કટિબદ્ધતા દાયકાઓથી દાખવતા રહ્યા છીએ, છતાં ઓક્સફેમ, અન્ય સંસ્થાઓ અને વાસ્તવિક સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગરીબોની સંખ્યા સતત વધતી જ રહી છે.

આ તબક્કે મને ઓલ ઇન્ડિયા રેડિયો પર તા.૩૧-જુલાઈ-૨૦૧૭ના રોજ પ્રસારિત થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’નું સ્મરણ થાય છે, જેમાં તેઓએ બે અઠવાડિયા પછી આવનારા સ્વાતંત્ર્ય દિને દેશને પાંચ દૂષણોમાંથી મુક્ત કરવા માટેનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. ‘ગંદકી-ભારત છોડો’, ‘ગરીબી–ભારત છોડો’, ‘આતંકવાદ–ભારત છોડો’, ‘જાતિવાદ–ભારત છોડો’, ‘સંપ્રદાયવાદ–ભારત છોડો’. તેમણે કહ્યું હતું કે આવનારાં પાંચ વર્ષો એટલે કે ૨૦૧૭થી ૨૦૨૨ સંકલ્પસિદ્ધિનાં વર્ષો સાબિત થનારાં છે. ઓક્સફેમના અહેવાલમાં છેલ્લા એક જ વર્ષ દરમિયાન ભારતની જે ‘પ્રગતિ’ નું ચિત્રણ છે, તે જોયા પછી ભારત જો આ જ દિશામાં અને આ જ નીતિઓ પર ચાલવાનું હશે તો ૨૦૨૨માં ક્યાં જઈને અટકશે, તે સ્વયંસ્પષ્ટ છે, સાથે સાથે વડાપ્રધાનના સંકલ્પ પછી પણ વર્તમાન વાસ્તવિકતા શું સૂચવે છે, તે સમજવું પણ એટલું જ સ્વયંસ્પષ્ટ છે!

——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »