તમારા માટે, તમારી સાથે, સતત…

ચીટરો અગણિત, ચીટરકથા અગણિત

ફ્રોડની માયાજાળ જ એવી છે કે લાંબું વિચારો 'ને ઊંડું જાણો એટલે એમ થાય કે મનુષ્ય મૂળે સામાજિક કે રાજકીય નહીં, ફ્રોડ છે.

0 330

આપણે માણસો કાયદા અને ધર્મથી ઊંચે રૃપિયો ધારનાર ‘ને માનનાર છીએ
પોતાના પૈસા ના જાય તો કરું પાર્ટીઓને સ્વીકારનાર ‘ને આવકારનાર છીએ

 

કૃષ્ણ બોલેલા કે છળ કરવાવાળામાં દ્યૂત હું છું. દ્યૂતમ છલયતાસ્મિ. શક્ય છે એ જમાનામાં જુગાર સર્વોચ્ચ છળનું માધ્યમ હોય. આપણું આજનું માનસ એવું કહેશે કે છળ મતલબ કપટ કે છેતરપિંડી સ્વરૃપે કૃષ્ણ જુગારમાં બિરાજમાન હશે. વાસ્તવમાં છળ એટલે ભ્રમ, માયા. જે નથી તે છે તેવું માની લેવું. પોતે પોતાને જે કીધું ‘ને સાંભળ્યું તે માનસિક જૂઠાણું. ડિલ્યૂઝન. કૃષ્ણનું કહેવું હતું કે ગેમ્બલિંગની ક્રિયામાં જે ફિક્શનરી તત્ત્વ છે તે હું છું. ઘણા ‘મથુરા નગરીમાં જૂગટું રમતા…’ સવારે સાંભળીને મોટા થયા. અંગ્રેજીમાં ગેમલ અર્થાત્ રમત રમવી પરથી આવેલો ગેમ્બલ શબ્દ ઘણો જૂનો. સ્વાભાવિક છે મનુષ્ય મૂળે રમતિયાળ. ડાયલોગબાજી કરતા ઘણા બોલે કે લાઇફ ઇઝ એ ગેમ્બલ એન્ડ વી આર ગેમ્બલર્સ. તે રીતે કૃષ્ણ રમતેશ્વર ‘ને કિંગ ઓફ ગેમ્બલિંગ છે. નટવર તેમ જ છળવર.

બસ, આ જ ‘છળ’ માટે એક શબ્દ ફ્રોડ વપરાય છે. ફરક એટલો છે કે ફ્રોડની સામે બાજુ ભ્રમ હોય છે. ફ્રોડ જેમણે ભોગવવો પડે છે એ લોકો ભ્રમમાં કહો કે ‘કૃષ્ણ’માં રહેતા હોય છે. વેલ, અમુક ભ્રમ રસાળ હોય છે. મધુકૈતવ રાક્ષસના નામમાં કૈતવ એટલે ફ્રોડ. બે હાથથી દડા હવામાં રમાડતો જગલર કદાચ તમે જોયો હશે. હાથચાલાકીના એ ખેલ જોઈ આપણે દંગ થઈને ચાવીવાળા રમકડાંની પેઠે વાઉ વાઉ કરી મૂકીએ. ચલ પરથી ચાલ. છલ પરથી છાલ. છાલ પરથી ફળનો અંદાજ લગાવવો એ ગેમ્બલિંગ. ‘ને એ અંદાજને ખોટો પાડવા ચાલાકી ભરી છાલ રચવી એ ફ્રોડ. સંસ્કૃતમાં જગલ એટલે ફ્રોડ કરનાર. વર્તમાન સ્થિતિમાં જગલર એટલે પૈસા રમાડનાર એવું કહી શકાય. નજરબંધીના ખેલ હોય છે તેમ આ પૈસાબંધીના ખેલની વાત છે. ભાષાની શું વાત કરવી? એ તો ફ્રોડ એટલે વ્યાજ કે વ્યાજીકરણ પણ કહે છે. ભાષા મુજબ આપણે ગુજરાતી. હિન્દુસ્તાની, સંસ્કૃતી નહીં. ઇન્ડિયન, સંસ્કૃતિઅન નહીં અને હવે તો આપણી સંસ્કૃતિ ઘણી આગળ વધી ગઈ છે. તમામ મનુષ્યની, પૃથ્વીવાસીઓની.

લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, એ કહેવત પણ ઘણી જૂની થઈ. ધૃતિ શબ્દ ફરતો-ફરતો અંગ્રેજીમાં અંતે છેક તેરમી સદી આજુબાજુ ‘ફ્રોડ’ બને છે. મનુષ્યને ફ્રોડ સાથે ઘણો જૂનો નાતો. બેંક શબ્દ પછી આવ્યો. ઘણા તો કહેશે કે ફ્રોડ હતું એટલે જ બેંકો આવી. શ્રોફ કે ધીરધારની પેઢીના કારનામા યાદ કરીએ તો એ સાચું લાગે. ફ્રોડની માયાજાળ જ એવી છે કે લાંબું વિચારો ‘ને ઊંડું જાણો એટલે એમ થાય કે મનુષ્ય મૂળે સામાજિક કે રાજકીય નહીં, ફ્રોડ છે. ખોટું કરવાની વૃત્તિવાળો છે અને આ કલ્પના વેદનામાંથી આવે કે કોઈના અંગત સ્વપ્નમાંથી, ‘આપણે ત્યાં’ આવું બહુ થાય છે ‘ને અહીં આવા ચીટર બૌ ભર્યા છે એવું નિવેદનિયું તારણ ઊભરાય, પણ એવું નથી. ફ્રોડની નજરમાં ભલે ભેદભાવ હશે, મનુષ્યની ફ્રોડ તરફ જોવાની નજરમાં એવા ભૂગોળ આધારિત ભેદભાવ નથી.

બાર્ટર સિસ્ટમ ચાલતી હતી એ પછીની વાત કરીએ તો સત્યનારાયણની કથા યાદ આવે. સાધુ વાણિયો સફળ વેપાર કરીને પાછો આવે છે ‘ને દંડી સ્વામીને છેતરે છે. કહે છે લતા પત્રાદિકં ચૈવ વર્તતે. નાવમાં સંપત્તિ નથી, પાંદડાં ‘ને વેલા છે. એથી પણ જબ્બર ઘટના પશ્ચિમમાં નોંધાયેલા ફ્રોડમાં સૌ પ્રથમ ઈસુ પૂર્વે ૩૬૦ દરમિયાન ઘટેલી. મારિઅસ ક્રિસ્ટીને ‘ઇન્ટ્રડક્શન ટુ ધ થિઅરીઝ એન્ડ વેરાયટીઝ ઓફ મોડર્ન ક્રાઇમ ઇન ફાઈનેન્શલ માર્કેટ્સ’ બુકમાં ટૂંકમાં લખ્યું છે ત્યારે દરિયાઈ માર્ગે ધંધો થતો. વહાણનું આયુષ્ય ભયમાં રહેતું. ઝેનેથેમિસ ‘ને હેગેસ્ટ્રેટસ નામક વેપારીઓ પોતાના વહાણમાં મકાઈ ભરીને એથેન્સ આવીશું એમ કરીને વીમો ઉતરાવે છે. ષડ્યંત્ર મુજબ ખાલી વહાણ લઈને આવે છે. દરિયામાં વહાણ ડુબાડી નાવડીમાં પાછા આવી વળતરનો દાવો કરવા ધારેલું, પણ મુસાફરોને ભનક લાગી જાય છે ‘ને હેગેસ્ટ્રેટસને દરિયામાં કૂદવું પડે છે. એ મૃત્યુ પામે છે. ઝેનેથેમિસ પાછો પહોંચે છે ‘ને ખાલી વહાણ હોવાથી પકડાઈ જાય છે. બેશક આ આઇડિયા વાપરીને એ પછી સફળતાપૂર્વક ફ્રોડ કરનાર ત્યાં ‘ને અહીં થઈ ગયાનું કહેવાય છે.

૧૯૩ એ.ડી. આસપાસ પર્ટીનોક્સ રાજાને અમુક ‘વફાદાર’ સૈનિકો મારી નાંખે છે. એ પછી જે કરે છે તે કદાચ હિન્દી મૂવીમાં આવે તો આપણને હમ્બગ લાગે. એ સૈનિકો રોમન એમ્પાયરની હરાજી બોલાવે છે. જુલિઆનસ નામનો માણસ એકના ૨૫૦ સોનામહોરના ભાવે તમામ સૈનિકો ખરીદવાનું નક્કી કરે છે, જે મુજબ હાલના નવસો અબજ રૃપિયાથી વધારે થાય. અંતે રોમન એમ્પાયર એ સૈનિકોના ડેડીનું નથી હોતું એટલે બધું ઉઘાડું પડે છે. આંતરિક યુદ્ધ ફાટી નીકળે છે. જુલિઆનસને રાજા તરીકે કદી માન્યતા નથી મળતી.

Related Posts
1 of 57

આધુનિક શૅરબજાર અંગેના બનાવોની સૌથી જૂની નોંધ એટલે ૧૬૬૮માં આવેલા દ લા વેગાનું પુસ્તક ‘કનફ્યૂઝન ઓફ કનફ્યૂઝન’. તેમાં છેક ૧૬૩૭માં નેધરલેન્ડની ‘ટ્યૂલિપ મેનિઆ’ કંપનીએ કરેલા ફ્યૂચર ટ્રેડિંગના ફ્રોડની વાત છે. એ સિવાય પણ ઢગલો ફ્રોડ નોંધ્યા છે. જેમાં એક ફ્રોડ મોક્ષ મોકલવાની યોજના વેચનારા બાબા-બૂબીઓને પણ શરમાવે એવું છે. ગ્રેગર મેકગ્રેગર સૈન્યમાં જનરલ હોય છે. ૧૮૨૧માં તે હોન્ડુરાઝમાં એક ટચૂકડા ટાપુ ‘પોયાઇસ’ પર કબજો મેળવ્યો છે તેમ જાહેર કરે છે. ત્યાંનો ‘પ્રિન્સ’ બને છે અને એ ટાપુ પર ધરતી પરનું સ્વર્ગ નિર્માણ કરું છું કહીને લોકો પાસેથી ધન વગેરે ઉઘરાવે છે. હવે એ પોયાઇસ નામની જમીન એક્ઝેટલી હોતી જ નથી. તેણે વેચેલા એક પણ મકાનનો પાયો કદી નખાયો હોતો નથી.

૧૭૧૯માં સ્કોટિશ વિત્તપંડિત જ્હોન લો અમેરિકાનું લુઈઝિઆના સ્ટેટ જે ગંદા પાણી ‘ને વનસ્પતિથી ભરેલું હોય છે તેને ડેવલપ કરવા પૈસા ભેગા કરે છે. કંપનીમાં ફ્રાન્સની સરકાર પણ પૈસા રોકે છે. ભવિષ્યમાં સોના-ચાંદી મળી આવશે કરીને શૅરના ભાવ એવરેસ્ટ પર ચઢે છે. અંતે કાદવનો કાદવ ‘ને ઘાસનું ઘાસ થાય છે. સૌનો માલ માટી થાય છે. ૧૯૦૦માં ફાયનાન્સર વ્હીટેકર રાઇટ પોતાની કંપનીઓના બોર્ડમાં અતિપ્રતિષ્ઠિત ભદ્રજનોને લે છે. બધી કંપનીઓ અંદરઅંદર પૈસા આપ-લે કરવા સિવાય કશું કરતી હોતી નથી. બાજી ખૂલે છે, શૅર ગગડે છે ‘ને રાઇટ મહાશય ફ્રોડ જાહેર થાય છે. ન્યૂઝ સાંભળીને એ સાયનાઇડની ગોળી દ્વારા આપઘાત કરે છે.

૧૯૧૧ની વાત. આર્જેન્ટીનાનો ઇક્વાર્ડો દ વેલફિઅર્નો કોઈને વિન્ચીનું પ્રસિદ્ધ પેઇન્ટિંગ ચોરવા માટે પૈસા આપે છે. તેને મૂળ ચિત્ર જોઈતું જ નહોતું. એ તો ચિત્ર ચોરાયું છે એવી હોહા થાય પછી એ એકથી વધારે નકલી ચિત્ર અસલી ચિત્ર કહીને ભૂતિયા બજારમાં વેચવા ઇચ્છતો હતો અને એ એવું કરી શકેલો. ૧૯૨૦. અમેરિકામાં એકના અનેક કરી આપવાની વાર્તાવાળી સ્કીમને ‘પોંશી/પોન્ઝી સ્કીમ’ શબ્દ કહે છે. એ નામના જનક ચાર્લ્સ પોંશીએ જાણ્યું કે પોસ્ટલ રિપ્લાય કૂપન બીજા દેશમાંથી ખરીદી અમેરિકામાં વેચવામાં ૫% નફો થાય છે. પરફેક્ટ બિઝનેસમેન દેખાતા આ ભાઈ અગાઉ ચીટરો દ્વારા કરાયેલી સ્કીમની કોપી કરીને રોકાણકર્તાઓને આકર્ષે છે. અંતે રોકાણકર્તાઓને ૨૦ મિલિયન ડૉલર્સમાં નવડાવે છે. ચાર્લ્સ પોંશી પર મૂવિ પણ બનેલું.

જોવા જેવું મૂવિ તો સ્પીલબર્ગે ફ્રાંક એબ્ગ્નેલ જુનિઅર પર ‘કેચ મી ઇફ યુ કેન’ બનાવેલું. મહાચીટર. ક્યૂટચીટર. જે અંતે એફબીઆઈનો અનન્ય મદદગાર બને છે. ફ્રોડ ના થઈ શકે તેવા ચેકનો ડિઝાઇનર બને છે. ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ ઓફ કોન મેન’ના લેખક ‘ને ૧૯૨૫ આસપાસ એફિલ ટાવર બે વાર વેચનાર વિક્ટર લસ્ટિગ પર પણ ફિલ્મ બની રહી છે. ‘ન્યૂઝવિક’ દ્વારા એક સમયે ગ્રાન્ડફાધર ઓફ સ્કેમ્સ કહેવાયેલા આઇવર કૃગર અનેક કંપનીના માલિક હતા, જેમાંથી ઘણી-ઘણી ફક્ત ઓન પેપર હતી. બેંક વગેરે કૃગરને નાણાંનું ધિરાણ સ્વીકારવા આજીજી કરે. ૧૯૨૯માં છેવટે ફુગ્ગો ફૂટે છે. ઉઘરાણી શરૃ થાય છે. ક્યાં તો એ ગોળી ખાઈ આત્મહત્યા કરે છે ક્યાં તો એ સુમાત્રા જેવા કોઈ દેશમાં ભાગીને બાકીનું જીવન જલસામાં પસાર કરે છે. ૧૯૩૨માં બ્લેક એન્ડ વ્હાઇટ મૂવિ ‘ધ મેચ કિંગ’ બનેલું.

હશે. ગ્રેટ ઇનસાઇડર ટ્રેડિંગ સ્કેમ(૮૬), સેવિંગ્સ એન્ડ લોન સ્કેન્ડલ(૮૯), એન્રોન બેંક્રપ્ટસિ(૨૦૦૧), ધ મેડઓફ પિરામિડ(૮). ચીટરો અગણિત, ચીટરકથા અગણિત. ચલચિત્રો કરતાં વધુ કામની ડોક્યુમેન્ટરી. ૨૦૦૮ના ફિનાન્સિઅલ મેલ્ટડાઉન પર બનેલ દસ્તાવેજી ચિત્ર ‘ઇનસાઇડ જોબ’ને ઓસ્કાર મળેલો. નાણા વિષયક એન્જિનિયરને સાચા એન્જિનિયર કરતાં ચાર કે સો ગણો પગાર શા માટે? અમે સુનામી આવતા જોઈ રહ્યા હતા ‘ને તેઓ રજૂઆત કરતા હતા કે અમે પૂછીએ કે કે આપણે ક્યા પ્રકારના કૉસ્ચ્યૂમ પહેરીશું? આવા પ્રશ્નો એ ડોક્યુમેન્ટરીમાં લોકોને લાભ થાય તે રીતે સાચા ‘ને પૂરા જવાબ મેળવવા પૂછાયા છે. પ્રશ્ન એ છે કે આપણે ત્યાં આવી ડોક્યુમેન્ટરીઝ લોકો માટે બનશે? સંશોધન કરીને પુસ્તકો લખાશે? કે પછી આવું બબડીને છટકી જઈશું- આ કલિયુગ છે, રૃપિયા ‘બનાવવા’ હોય તો કોઈક ‘સ્કીમ’ કરવી જ પડે.

બુઝારોઃ
અર્થશાસ્ત્રના આંકડાઓ ચોવીસ કલાક ટિપિકલ બોલિવૂડ ફિલ્મની જવાબદારી નિભાવે છે. સપનાં, પ્રેમ, વૈભવ, હાસ્ય, આંસુ, હિંસા, ભય, ગરીબી- તમારી કલ્પના બહારનો દરેક અનુભવ તમને ઊંઘમાં પણ કરાવે. શરત ફક્ત એટલી જ કે તમે જીવતા હોવા જોઈએ.

——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »