- યુવા – હેતલ રાવ
‘સમયનો યોગ્ય ઉપયોગ કરવાથી સમય પણ તમારી કદર કરે છે.‘ આવી જ્ઞાનની વાતો આપણે ઘણી સાંભળીએ છીએ, પરંતુ જીવનમાં ઉતારવાનો સમય જ ક્યાં હોય છે. ફરી-ફરીને વાત સમય પર જ આવીને ઊભી રહી. જોકે કોઈ પણ સમયના પરફેક્ટ યુઝ માટે યુવાનો આયોજન કરી જ લે છે. કહેવાનો અર્થ છે કે હાલની પરિસ્થિતિમાં યુવાનો પોતાના સમયનો સદુપયોગ કરી ધાર્મિક પુસ્તક વાંચતા થયા છે. યુવાનોમાં હાલ આ નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
બેઠે..બેઠે ક્યા કરે કરના હૈ કુછ કામ..શુરૃ કરે…ના..ના.. દર વખત અંતાક્ષરીની જ વાત ના હોય. આ વખત વાત કરવી છે યુવાનોમાં ચાલી રહેલા ધાર્મિક પ્રેમની. જી હા, વર્તમાન સમયમાં યુવાનો નવા જ ટ્રેન્ડને ફોલો કરી રહ્યા છે. યુવાનો ગીતા, રામાયણ, શ્રીમદ્ ભાગવત ગીતા, વિષ્ણુ પુરાણ જેવા અનેક ધાર્મિક ગ્રંથોનું પઠન કરી રહ્યા છે. વાંચનમાં રસ હોય એવા યુવાનો નિયમિત રીતે કોઈ ને કોઈ નોવેલ કે સ્ટોરી વાંચતા રહેતા હોય છે, પરંતુ અભ્યાસથી બહાર ડોકિયું કરીને ક્યારેક જ અન્ય વિષયની બુક પર હાથ અજમાવતા યુવાનો ઘણા ઓછા છે, પરંતુ લૉકડાઉન પિરિયડમાં બુકથી દૂર ભાગનારા યુવાનો પણ વાચક રસિકો બની ગયા છે, જેમાં પોતાના ધર્મ વિશે વધુ ઊંડાણ પૂર્વક સમજવાની ઇચ્છાથી ધાર્મિક પુસ્તકો વાંચી રહ્યા છે. ઘરના વડીલો પણ પોતાના સંતાનોને આ માટે પ્રેરણા પુરી પાડે છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ જુદા-જુદા ધર્મની બુક વાંચતા યુવાનો પણ છે. દરેક ધર્મના ઊંડાણને સમજવાના પ્રયત્ન કરતા યુવાનો ઓનલાઇન બુક વાંચવાનું પણ પસંદ કરે છે.
નિત્યા ઉમેશ જોષી કહે છે, ‘ધર્મનું જ્ઞાન તો દાદીમા બાળપણથી જ આપતાં હતાં અને ઘરમાં ધાર્મિક સિરિયલ પણ જોતાં. છતાં પણ ક્યારેય રામાયણ, મહાભારત કે અન્ય મહાગ્રંથોનું વાંચન કરવાનો વિચાર કે સમય નથી મળ્યો. જ્યારે લૉકડાઉન સમયમાં મોબાઇલથી પણ કંટાળતી તો પપ્પા સાથે વાત કરતી ત્યારે તેમણે જ મને યાદ અપાવ્યંુ કે દાદીમા તને હંમેશાં કહેતાં કે સમય મળે આપણા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરજે. તો હવે તારી પાસે સમય છે તારી ઇચ્છા હોય તો મારા લાઇબ્રેરી રૃમમાં દરેક ધાર્મિક પુસ્તક છે. સાચું કહું તો રામાયણ વાંચવાનું શરૃ કર્યું પછી મારા પોઝિટિવ એનર્જી આવી અને સાથે જ મારા અનેક સવાલોના જવાબ પણ મળ્યા. કદાચ આપણા વડીલો સાચું કહે છે કે જ્યાં પણ અટકો ત્યાં રામાયણ વાંચો તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન હશે. હવે તો હું તમામ ધાર્મિકગ્રંથોનું વાંચન કરીશ.’
ઉર્જવ પરમાર બીએસસીના લાસ્ટ યરમાં અભ્યાસ કરે છે, તે કહે છે, ‘સાયન્સમાં ઍડ્મિશન લઈએ એટલે ફરજિયાત પુસ્કતિયા કીડા બનવું પડે. મને અભ્યાસમાં ઘણી જ રુચિ છે માટે ક્યારેય સેકન્ડ કલાસ નથી આવતો. બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થીઓના લિસ્ટમાં નામ છે. અભ્યાસના કારણે અન્ય પુસ્તક વાંચવાનો કે તેના વિશે વિચારવાનો સમય પણ નથી રહેતો. લૉકડાઉનમાં પણ હું અભ્યાસમાં જ જોડાઈ રહ્યો છું, પરંતુ મિત્રો સાથે વાત કરતા તેમને શ્રીમદ ્ભાગવત ગીતા વિશે વાત કરી, તેમની સાથે વાત કરીને જ હું ફ્રેજ થઈ ગયો, માટે મેં નિર્ણય લીધો કે શિડ્યુલ ચેન્જ કરી, ભગવદ્ ગીતા તો વાંચવી જ છે. હાલમાં હું તેનું વાંચન કરી રહ્યો છું. હવે અન્ય ગ્રંથ પણ વાંચવાનું પણ નક્કી કર્યું છે.’
અનેક યુવાનો એવા છે જેમણે લોકડાઉન પિરિયડને સમયના સદુપયોગ તરીકે જોયો છે. આજની જનરેશન ધર્મ બાજુ પ્રેરિત થશે તો ચોક્કસથી આવનારા દિવસોમાં કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધવા માટે સક્ષમ બનશે.
————-