બાળકોને કરવામાં આવેલા વાયદાઓને હળવાશથી ન લો

આ બધી જ વાતો બાળકોનું મન રાખવા માટે કરવામાં આવે છે

બાળકની ઇચ્છા, બાળકની પસંદ, બાળકની ડિમાન્ડ, બાળકની જીદને પૂરી કરવા, બાળકને સંતુષ્ટ કરવા પ્રત્યેક માતા-પિતા હંમેશ તત્પર રહેતાં હોય છે. એ સ્વાભાવિક છે. ઘણી વખત એવું પણ બને છે કે સંતાનની ઇચ્છા કે જીદને તત્કાલ પૂરી કરવાનું શક્ય ન હોય ત્યારે આપણે તેમને પ્રોમિસ કે વચન આપીએ છીએ, વાયદો કરીએ છીએ. ક્યારેક એવું પણ બને છે કે સંતાનને શાંત કરવા તેની અવાસ્તવિક કે અશક્ય લાગતી ડિમાન્ડને પૂરી કરવાની પણ ખાતરી આપી દઈએ છીએ. ક્યારેક સંતાનની અપેક્ષાને પૂરી કરવી તત્કાલ આપણી ક્ષમતા બહારની વાત હોય છે છતાં આપણે સ્નેહવશ વાયદો કરી નાખીએ છીએ. નાનાં બાળકોને તત્કાલ શાંત કરવા માટે માતા-પિતા દ્વારા કરવામાં આવતા આવા અવાસ્તવિક વાયદા પછીથી ક્યારેક સમસ્યા બની જાય છે. આ સમસ્યા આપણે જ સર્જેલી હોય છે અને આપણે જ તેનું નિરાકરણ કરવું પડે છે.

હેતલ રાવ

વાયદો કરવો તો સરળ છે, પણ તેને પૂરો કરવો કેટલીકવાર મુશ્કેલ બની જતો હોય છે અને તેમાંય ખાસ કરીને બાળકોને કરવામાં આવેલા વાયદા જો ન નિભાવવામાં આવે તો તેમના કુમળા બાળમાનસ પર તેની અવળી અસર પડતી જોવા મળે છે.

માતા-પિતા કેટલીકવાર બાળકોને હોમવર્ક કરાવવા, તેમને ભોજન કરાવવા કે ધમાલ-મસ્તી કરતા હોય-જિદ કરતા હોય તો શાંત કરવા માટે વાયદા (પ્રોમિસ) કરતા હોય છે. માતા-પિતા એકલાં જ નહીં, બાળકો સાથે જોડાયેલી અન્ય વ્યક્તિઓ પણ ક્યારેક ને ક્યારેક બાળકને યેનકેન પ્રોમિસ આપી બેસે છે અને પછી જો એ પ્રોમિસ પૂરી ન થાય ત્યારે…માતા-પિતા હોય કે અન્ય કોઈ વ્યક્તિ બાળકોને કરવામાં આવેલો વાયદો જ્યારે પૂરો કરવામાં નથી આવતો ત્યારે તેમના મન પર તેની અવળી અસર પડતી હોય છે. અવળી અસરને તમે નકારાત્મક અસર તરીકે પણ ઓળખી શકો. સામાન્ય રીતે બાળકોને કરવામાં આવતા વાયદાને ઘણીવાર ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. એટલે કે એ પ્રોમિસને હળવાશથી લેવામાં આવે છે, પણ એ પ્રોમિસ હકીકતમાં બાળક માટે ખૂબ મહત્ત્વની હોય છે. માતા-પિતા અને અન્ય વ્યક્તિઓ આ વાયદાને ગંભીરતાથી લેતા નથી. આગળ જતાં તેનાં પરિણામો વિપરીત પણ આવી શકે તેવી કલ્પના પણ તેઓ નથી કરી શકતા. બાળકના ઘડતર અને ઉછેર પર વાલીઓ દ્વારા કરવામાં આવેલી આ ભૂલની નકારાત્મક અસર ઉદ્ભવતી હોય છે. પરિણામ એ આવતું હોય છે કે બાળક વધારે જિદ્દી બની જાય છે. માતા-પિતાની વાત પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે – કેટલીકવાર વાસ્તવિક પરિસ્થિતિઓને સમજવા અસક્ષમ બની જાય છે – વાતો માનવાનું બંધ કરી દે છે અને વધારે હિંસક તેમ જ નકારાત્મક બની જાય છે.

આ સ્થિતિને ટાળવા માટે દરેક માતા-પિતાએ સમજવું જરૃરી છે કે સમજ્યા-વિચાર્યા વિના બાળકોને વાયદો કરવાનું ટાળવું. વાયદો પણ લાલચનું જ સ્વરૃપ છે. જાણ્યે-અજાણ્યે આપણે બાળકોને ખોટી આદત તરફ ધકલેવાનું કામ કરીએ છીએ. જો તું હોમવર્ક કરીશ તો હું તને ચોક્લેટ આપીશ, જો તું નાસ્તો કરીશ તો હું તને ફરવા લઈ જઈશ, આપણે આવતા વૅકેશનમાં ફલાણી-ઢીંકણી જગ્યાએ ફરવા જઈશું, જો તું મારી વાત માનીશ તો હું તને આ વસ્તુ લાવી આપીશ – આ બધી જ વાતો બાળકોનું મન રાખવા માટે કરવામાં આવે છે, પણ બાળકોનું મન રાખવા માટે કરવામાં આવેલી આ પ્રોમિસ હકીકતે તો બાળકના જીવનનો શોર્ટ ટર્મ ગોલ બની જાય છે. મોટેરાં માટે એ વાયદો ક્ષુલ્લક અને વ્યર્થ કે મામૂલી વાત હોય છે, પણ બાળકો માટે એ વાયદો તેમના જીવનનું મહત્ત્વનું ઍન્ટર્ટેઇનમૅન્ટ બની જાય છે. જ્યારે વાયદો તોડાય છે ત્યારે બાળકોના મન પર તેની માઠી અસર પડે છે. તેઓ માતા-પિતાની વાત માનવાનું બંધ કરી દેતા હોય છે. વિશ્વાસ કરવાનું બંધ કરી દેતા હોય છે. ઘણીવાર તો બાળકો ડિપ્રેશનમાં જતાં રહે છે. તેઓ વધારે તોફાની અને ચીડિયા બની જતાં હોય છે. બાળકોને આ સ્થિતિમાં લાવવા માટે જવાબદાર જો કોઈ હોય તો એ છે માતા-પિતા અને એ દરેક વ્યક્તિ જેઓ બાળકને વાયદો કર્યા બાદ પૂરો નથી કરતા.

સૌથી પહેલાં તો બાળમાનસને કુંઠિત થતું બચાવવા માટે બાળકોને પ્રોમિસ આપવાનું બંધ કરો. જો પ્રોમિસ આપી હોય તો તેને પૂરી કરી જાણો. એવી પ્રોમિસ આપો જે પૂરી કરવા માટે તમે સક્ષમ છો. બાળકોને વાયદો કરવો ભલે મામૂલી વાત હોય, પણ તેને પૂરો કરવો ખૂબ મહત્ત્વનું કામ છે. જ્યારે વાયદો પૂરો નથી કરવામાં આવતો ત્યારે મનમાં અવિશ્વાસની લાગણી જન્મ લે છે અને તે ધીરે ધીરે ડેવલપ થતી રહે છે. ઘણીવાર માતા-પિતા બાળકોને ભણવા માટે પ્રોમિસ આપે છે. જો સારું પરિણામ લાવીશ તો પરવા લઈ જઈશું- ગિફ્ટ અપાવીશું. – આ સાચું અને સારું પેરેન્ટિંગ નથી. જ્યારે બાળકોને કરવામાં આવેલો વાયદો પૂરો નથી થતો ત્યારે તેઓ પોતાને છેતરાયેલા અનુભવે છે. માતા-પિતા બાળકો માટે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાંખે છે, પણ બાળકને કરવામાં આવેલો વાયદો પૂરો ન થાય ત્યારે માતા-પિતા બાળકો માટે જે ત્યાગ કરતાં હોય છે તેનું મૂલ્ય અને મહત્ત્વ નથી સમજી શકતાં. બાળકો માટે તો બસ એ પ્રોમિસ જ મહત્ત્વ રાખે છે. બાળકોની આ સ્થિતિ માટે માતા-પિતા જ જવાબદાર છે એ નક્કર અને કડવી વાસ્તવિકતા છે.

જ્યારે બાળકોને કરવામાં આવેલો વાયદો પૂરો નથી થતો ત્યારે તેમના આત્મવિશ્વાસમાં પણ ઊણપ આવવા લાગે છે. ધીરે-ધીરે આ વાત તેમના વ્યક્તિત્વ સાથે વણાઈ જાય છે. તેઓ માનવા લાગે છે કે વાયદા તો તોડવા માટે જ કરવામાં આવે છે અને મોટા થઈને તેઓ પણ અન્યો સાથે આવો જ વ્યવહાર કરે છે અને જિંદગીમાં ક્યારેક ન કરવાના વાયદા કરીને પોતાની અને અન્યોની જિંદગી દોજખ બનાવી દે છે. તમે ઉનાળાના વૅકેશનમાં આઇસક્રીમ ખવડાવવાનો વાયદો કરી શકો, પણ ફરવા જવાનું શક્ય ન હોય તો એવો વાયદો કરીને બાળકના મનને ઠાલા આશ્વાસનો ન આપી શકો. આ પ્રકારનો વ્યવહાર-વાણી-વર્તન બાળમાનસ માટે હાનિકારક છે.

બાળકોના જીવનમાં સારા મૂલ્યોનું ઘડતર કરવા અને તેમની સાથે સુમેળભર્યા સંબંધો બનાવી રાખવા ચેેલેન્જિંગ ટાસ્ક છે. હવેના સમયમાં પેરેન્ટિંગ રમત વાત નથી રહી. ઘણી વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે સમય-પરિસ્થિતિ-સંજોગોમાં મોટાપાયે પરિવર્તન આવ્યું છે. બાળકોને કરવામાં આવેલો વાયદો પૂરો થાય છે ત્યારે તેમના મનમાં અન્ય માતા-પિતા માટે માનની ભાવના ઉપજે છે. તેમનામાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેઓને એ શીખ પણ મળે છે કે કરવામાં આવેલો વાયદો પૂરો કરવો જોઈએ. જો તમે બાળકોને કરવામાં આવેલો વાયદો ગંભીરતાથી નહીં લો તો બની શકે કે બાળક ભવિષ્યમાં તમને ગંભીરતાથી ન લે.

family zone- hetal rao
Comments (0)
Add Comment