ઠાણેમાં ‘પિરિયડ રૃમ,’ પ્રયોગ અને વાસ્તવિકતા

એક વર્ષ પહેલાં બરાબર આ જ સમયગાળામાં બનેલી એક ઘટના

આને સંયોગ જ કહીશું કે માસિક ધર્મ પર આ સ્ટોરીનો પહેલો શબ્દ લખવા જઈ રહ્યો છું ત્યારે યાદ આવે છે એક વર્ષ પહેલાં બરાબર આ જ સમયગાળામાં બનેલી એક ઘટના. જેમાં કચ્છમાં એક મહિલા કૉલેજમાં યુવતીઓનાં કપડાં ઉતરાવીને માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. આ મામલો હજુ શાંત નહોતો પડ્યો ત્યાં એક સાધુનો વિવાદિત વીડિયો વાયરલ થયેલો. જેમાં તેઓ એમ કહેતા જોવા મળ્યા હતા કે જો કોઈ પુરુષ માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથનું બનાવેલું ભોજન આરોગી લે તો આવતા જન્મમાં બળદ તરીકે જન્મ લે છે. આ બંને પ્રસંગો અહીં ટાંકવાનું કારણ કોઈ વ્યક્તિ કે સંસ્થાને અપમાનિત કરવાનું નહીં, પણ માસિક ધર્મ મામલે આપણે ત્યાં આજની તારીખે પણ કેવી માનસિકતા પ્રવર્તે છે તે સમજવા માટે છે. આજેય બહુમતી લોકો માસિકનું નામ પડતાં જ સંકોચ સાથે તેના પર બોલવાનું ટાળે છે. ગામડાંઓમાં તો સદીઓ જૂના રિવાજો આજેય માસિકમાં આવેલી છોકરીઓ અને સ્ત્રીઓ પર થોપાયેલા છે. હજુ પણ રજસ્વલા સ્ત્રીઓને રસોડામાં કે મંદિરમાં પ્રવેશ નથી અપાતો. માસિકને લઈને અનેક ગેરમાન્યતાઓ વચ્ચે દેશની મહિલાઓ જીવી રહી છે. આ સમયગાળામાં રાખવાની થતી કાળજીઓ અને સ્વચ્છતા બાબતે હજુ પણ ઘણુ અંધારું પ્રવર્તે છે. આવી સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રની ઠાણે નગરપાલિકા તરફથી હૃદયને શાતા આપતા એક સમાચાર આવ્યા છે. બન્યું છે એવું કે, અહીં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દેશનો પહેલો ‘પિરિયડ રૃમ’ શરૃ કરવામાં આવ્યો છે. એક જાહેર શૌચાલયમાં શરૃ કરવામાં આવેલો આ રૃમ આ પ્રકારનું પહેલું પગલું છે. જેમાં ટોઇલેટ રોલ હોલ્ડરથી લઈને જેટ સ્પ્રે, સાબુ, પાણી અને કચરાપેટી સહિતની સુવિધાઓ છે. માસિક ધર્મમાં રહેલી મહિલાઓ આ પિરિયડ રૃમનો ઉપયોગ પોતાની જરૃરિયાત માટે કરી શકશે. મોડા મોડા પણ સ્થાનિક તંત્રે લીધેલાં આ પગલાંને આવકારવું રહ્યું.

પહેલાંની સરખામણીએ આજે સ્થિતિ ચોક્કસ સુધરી છે. સરકારના પ્રયત્નો, પ્રચાર અને પૅડમેન જેવી ફિલ્મો બાદ લોકો સમજતાં થયા છે કે માસિક એ સ્ત્રીઓનાં શરીરમાં થનારી એક સામાન્ય પ્રક્રિયા છે અને તે શરમની વાત નથી, પણ જાગૃત થવાની જરૃર છે. સમસ્યા એ છે કે આપણે ત્યાં સ્ત્રીઓને લગતી બાબત પર ક્યારેય પૂર્ણવિરામ નથી લાગતું. પછી વાત તેનાં કપડાંની હોય, તેના પર થતાં અત્યાચારોની હોય કે પછી પ્રકૃતિના નિયમનો એક ભાગ રહેલ પિરિયડની.

એક અંદાજ મુજબ ભારતમાં માસિકમાં આવતી સ્ત્રીઓનો આંકડો ૩૫૫ મિલિયન જેટલો છે, જે દેશની કુલ વસ્તીના ૩૦ ટકા આસપાસ થવા જાય છે. માસિક ભારતમાં જાતિભેદનો વિષય છે. આ મામલે અનેક સાચીખોટી માન્યતાઓ લોકોનાં મનમાં ઘર કરી ગયેલી જોવા મળે છે. એટલે જ ઘણી છોકરીઓને દર મહિને માસિક દરમિયાન શાળા છોડી દેવાની ફરજ પડે છે. ૨૦૧૪માં એક એનજીઓના સરવેમાં જાણવા મળ્યું હતું કે વર્ષે ૨૩ મિલિયન છોકરીઓ પિરિયડ દરમિયાન જરૃરી સુવિધાઓ ન મળતી હોવાથી શાળાઓ છોડી દે છે. તેમાં સેનિટરી નેપ્કિનની ઉપલબ્ધતા અને માસિક સંબંધી યોગ્ય તાર્કિક જાગૃતિનો અભાવ પણ સામેલ હતો. અહેવાલમાં બીજી પણ કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી હતી. તે મુજબ માસિક ધર્મમાં રહેલી દીકરીઓની ૭૦ ટકા માતાઓ પિરિયડને ગંદું માનતી હતી. તો ૭૧ ટકા કિશોરીઓ માસિક સ્ત્રાવ સુધી તેનાથી સાવ અજાણ હતી. જો ટીવી પર સેનિટરી પૅડની જાહેરાત જોઈને તમે એમ માનતા હો કે હવે સ્ત્રીઓ આઝાદ છે અને મૉડર્ન થઈ ચૂકી છે, તો જાણી લો કે ૯૩ ટકા મહિલાઓ આજેય સેનિટરી નેપ્કિનનો ઉપયોગ કરે છે. ૫૩ ટકા મહિલાઓ દિવસ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વાર સેનિટરી પૅડ બદલવા માટે ઑફિસ,

સિનેમાગૃહ કે મૉલનાં જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે અને ત્યાં પૂરતી સુવિધાઓ જ હોતી નથી. સૌથી અગત્યની વાત એ રહી કે સરવેમાં ૭૫ ટકા મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તેઓ પિરિયડ દરમિયાન સેનિટરી પૅડ બદલવા જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં અસ્વસ્થતા અનુભવે છે અને આ મામલે કોઈની સાથે વાત કરવામાં પણ સંકોચ અનુભવે છે.

અમદાવાદનાં જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. શોભા વાઢેર પિરિયડ્સ અને તેની સાથે જોડાયેલી બાબતો વિશે પોતાનો મત રજૂ કરતાં કહે છે, ‘અર્બન એરિયામાં લોકો હવે ધીરે-ધીરે માસિકને એક સામાન્ય પ્રાકૃતિક બાબત તરીકે સ્વીકારતા થયા છે. તેમાં મોટો ફાળો જાહેરાતોનો છે. ટીવી પર આવતી સેનિટરી પૅડની જાહેરાતો અને સરકાર દ્વારા ચલાવવામાં આવતાં વિવિધ લોકજાગૃતિ અભિયાનોને કારણે અહીં લોકો તેને સહજતાથી લેતા થયા છે. જોકે શહેરોથી બહાર નીકળતા જ માહોલ બદલાઈ જાય છે. ગામડાંઓમાં સ્ત્રીઓનાં મનમાં એવું ઠસાવી દેવાયું છે કે માસિક એ અશુભ વસ્તુ છે અને એ દરમિયાન અમુક વસ્તુઓને ન અડાય, મંદિરમાં ન જવાય, રસોડામાં ન પ્રવેશાય કેમ કે તેનાથી તે અશુદ્ધ થઈ જાય છે. આજેય ગામડાંઓમાં મહિલાઓ માસિક દરમિયાન સેનિટરી નેપ્કિન તરીકે જૂનાં કપડાં વગેરેનો ઉપયોગ કરે છે, જેનાથી ચેપ લાગવાની શક્યતા રહે છે. સેનિટરી પૅડનો ઉપયોગ તેઓ ભાગ્યે જ કરે છે. તેની પાછળ તેની કિંમત ઉપરાંત બીજા પણ અમુક કારણો રહેલાં છે. જેમ કે તે અહીં સહેલાઈથી ઉપલબ્ધ નથી. આ સિવાય મેડિકલ સ્ટોર કે દુકાનેથી તેની ખરીદી કરવામાં શરમ લાગવી, ખરીદ્યા પછી તેને ઘર સુધી કોઈનું ધ્યાન ન પડે એ રીતે પહોંચાડવી, ઘરમાં સાચવવા માટે યોગ્ય જગ્યા ન મળવી વગેરે પણ જવાબદાર છે. આ બધા સિવાય છેલ્લે તેનો વપરાશ કર્યા બાદ કોઈનું ધ્યાન ન જાય એ રીતે પૅડનો નિકાલ કરવાની બાબત પણ સ્ત્રીઓને સેનિટરી પૅડ વાપરવાથી દૂર લઈ જાય છે. એક ગાયનેકોલોજિસ્ટ તરીકે મેં અનુભવ્યું છે કે ૨૫થી ૪૦ વર્ષની મહિલાઓ માસિક ધર્મની સમસ્યાઓને લઈને દવાખાને આવે અને ત્યાં જો પુરુષ ડૉક્ટર હોય તો તેની સાથે વાત કરતા ખચકાય છે, પણ મહિલા ડૉક્ટર હોય તો મોકળા મને વાત કરે છે. આ સ્થિતિમાં ગામડાંઓમાં કામ કરતી આરોગ્ય કર્મચારી બહેનો પર ઘણો આધાર રહેલો છે. તેમના દ્વારા માસિક મુદ્દે

લોકજાગૃતિ લાવવામાં સારી એવી મદદ મળી રહે છે. આ સિવાય શાળાઓમાં પણ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટને બોલાવીને ૧૦ વર્ષથી ઉપરની છોકરીઓને માસિક, તેમાં રાખવાની થતી કાળજી અને સમસ્યાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ કરી શકાય. હાલ સરકાર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થતાં જ હોય છે. છતાં વર્ષમાં બે વાર આ પ્રકારના કાર્યક્રમો થાય તો છોકરીઓને સારી એવી જાણકારી મળી રહે. છેલ્લે વાત ‘પિરિયડ રૃમ’ જેવી સુવિધાની, તો આ બહુ જ આવકાર્ય પગલું છે અને વધુ ને વધુ શહેરોમાં તે શરૃ થવા જોઈએ. વિદેશોમાં તો વર્ષોથી જાહેર શૌચાલયોમાં પિરિયડ્સ દરમિયાન જરૃરી તમામ સુવિધાઓ મહિલાઓ માટે ફ્રીમાં ઉપલબ્ધ હોય છે. આપણે ત્યાં મોટાં શહેરોના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સાંકડા ઘરોમાં મોટા પરિવારો રહેતાં હોય છે. એ સ્થિતિમાં માસિક વખતે મહિલાઓ અને છોકરીઓએ ઘણુ સહન કરવું પડતું હોય છે. તેમના માટે ‘પિરિયડ રૃમ’ જેવી સુવિધા આશીર્વાદરૃપ બની રહેશે એમાં કોઈ શંકા નથી.’

family zone- hetal rao
Comments (0)
Add Comment