- ફેમિલી ઝોન – હેતલ રાવ
લૉકડાઉન સમય પૂર્ણ થશે, પરંતુ આ દિવસોની યાદો કદાચ દાયકાઓ સુધી રહેશે. કોઈની સારી યાદો અને કોઈની દુઃખદ યાદો. આ દિવસોને યાદો તરીકે સંઘરવાનું કોઈએ નહીં વિચાર્યું હોય અને રોજબરોજના અનુભવોને શબ્દોમાં આલેખન કરવાનો વિચાર પણ કોઈને નહીં આવ્યો હોય, પરંતુ ઘણી મહિલાઓ છે જે આ સમયને ડાયરીનાં પાનાં પર ઉતારી રહી છે અને લખી રહ્યાં છે લૉકડાઉન ડાયરી.
હું નાની હતી ત્યારે રોજ બનતી નાની-નાની વાતોને ડાયરીમાં લખવાનો ઘણો શોખ હતો, પરંતુ સમયની સાથે મારી ડાયરી ક્યાંય ખોવાઈ ગઈ અને ઘરસંસાર, બાળકો અને સામાજિક વ્યવહારોમાં જિંદગી એટલી ફાસ્ટ બની ગઈ કે ક્યારેય ખોવાયેલી ડાયરીને યાદ ન કરી શકી, પરંતુ આજે ફરી એ નીરવના દિવસો પરત ફર્યા, વિશ્વ મહામારીમાં સપડાયેલું છે અને મને આ દિવસોમાં મારી ડાયરી યાદ આવી ગઈ. કેટલી બધી સમસ્યાઓ અને સાથે કેટલાં બધાં સમાધાનો, ઘર, બાળકો, પરિવાર ફરી સાથે થયાં. સડસડાટ દોડતાં જીવનને બ્રેક લાગી અને ખબર નહીં ફરી મારી ડાયરી યાદ આવી. માત્ર મને જ કેમ, અનેક મહિલાઓ જેમને લખવાનો શોખ હશે, પણ કોઈને જોબના કારણે તો કોઈને જવાબદારીના કારણે પોતાના શબ્દોને ડાયરીમાં સાચવવાની તક નહીં મળતી હોય, પરંતુ આજે એવી દરેક મહિલાઓ આ સમયમાં પોતાના વિચારોને વાચા આપી રહી છે અને ખાસ લૉકડાઉનના દિવસોને ડાયરીમાં લખી રહી છે.
લૉકડાઉન ડાયરીમાં પોતાના વિચારોનું આલેખન કરતાં અંકલેશ્વરનાં મનીષા દુધાત ‘અભિયાન’ સાથે વાત કરતાં કહે છે, ‘મને લખવાનો ઘણો શોખ છે અને આ દિવસોમાં મને યોગ્ય સમય પણ મળ્યો. સમયના સથવારે ભેટ સ્વરૃપે મળેલી નવરાશની પળો હંમેશાં મારા મન અને મગજની ઊર્મિઓને રોજ લખાતી ડાયરીઓમાં વહેતી મૂકવા પ્રેરિત કરે છે, પરિણામ સ્વરૃપે આજે મારી ડાયરી લખવા બેઠી ત્યારે આજના મનોમંથન પછી એક સહજ વિચાર આવ્યો કે સ્પર્શથી પથ્થર પારસમણિ બની જાય એવું સાંભળ્યું હતું, પરંતુ સ્પર્શ માત્રથી સમગ્ર વિશ્વ તહેસ-નહેસ થઈ જાય એવું તો પહેલીવાર જ જોયું, જાણ્યું અને ઘણા બધા લોકોએ તો પહેલીવાર જ માણ્યું પણ ખરા, આ ભયાનક સ્પર્શ એટલે કોરોના વાઇરસ. ચાર યુગ પછી પાંચમા યુગ તરીકે હંમેશાં યાદ રહી જાય તે રીતે જો કોઈ સમયને જીવવો પડ્યો હોય તો તે છે કોરોનાયુગ. પૂરઝડપે દોડતી દુનિયા અચાનક જ જાણે થંભી ગઈ. એક માણસ બીજા માણસ માટે જીવનું જોખમ બની ગયો. સમય નથી કહેવાવાળા સાવ નવરા થઈ ગયા. ૨૫ માર્ચથી ૩ મે સુધીનો સમય એટલે અવિસ્મરણીય અનુભવ. લૉકડાઉનના કારણે દરેક વ્યક્તિને પોતાની સાથે જીવવાનો મોકો મળ્યો. ઘણુ બધું ખોવાઈ ગયું તો ઘણુ બધું નવું પામ્યા પણ ખરા. મારા જેવા અનેક કવિઓ અને લેખકોનો પુનર્જન્મ થયો. ક્યારેય ન ભુલાય તેવા આ અવિસ્મરણીય ઇતિહાસના તમામ ચડાવ-ઉતારોના આપણે સાક્ષી બનીશું અને નવી પેઢીઓનાં દાદા-દાદી તરીકે આપણા બાળકોના બાળમાનસમાં રેડીશું. શહેરની રોનક ઝાંખી પડી હવે, ઘરની દીવાલો વ્હાલી લાગે, માણસે કરેલાં કર્મોનો આજે કુદરત હિસાબ માંગે..’
જ્યારે અમદાવાદમાં રહેતાં અંકિતા પરમાર ‘અભિયાન’ સાથે વાત કરતાં કહે છે, ‘સરકાર કોરોનાના કહેરને માણસની મનોસ્મૃતિમાંથી અને દેશમાંથી દૂર કરવાના પ્રયત્નમાં લાગી છે ત્યારે ખબર નથી પડતી તેવા શબ્દોને હું ડાયરીનાં પાનાં પર ઉતારું, લખવાનો શોખ હતો, પરંતુ આ રીતે લખીશ તે તો ખબર પણ નહોતી. રોજ સવારે ઊઠવું અને રાત્રે પથારીમાં આડા પડતાં પહેલાં મનમાં એક જ વિચાર આવ્યા કરે કે આ વાત તો હું ડાયરીમાં લખીશ જ, પરંતુ લખવા બેસું એટલે એ દરેક વિચારો પર એવી વ્યક્તિઓ હાવી થઈ જાય છે જે, આપણા માટે ચોવીસ કલાક કામ કરે છે. છતાં પણ આ કપરા દિવસોની યાદોને શબ્દોમાં ઢાળવાના પ્રયત્ન કર્યા કરું છું. ખાસ કરીને આવનારી પેઢી માટે, જેમને આ દિવસોની હકીકત અને ગંભીરતાની જાણ થઈ શકે, સાથે જ પારિવારિક મૂલ્યોની પણ સમજ મળે. લૉકડાઉનમાં ડાયરી લખવાની તક મળી છે, તો આગામી પેઢીને આજની દરેક પરિસ્થિતિથી વાકેફ તો કરવી જ રહી.’
લૉકડાઉન શરૃ થતાં જ નક્કી કર્યું કે એક-એક દિવસની વાત ડાયરીમાં લખીશ, એમ કહેતાં શાલિની નિલેષ ત્રિવેદી ‘અભિયાન’ને કહે છે, ‘આ દિવસો ઘણા કપરા છે, અનેક લોકો એવા છે જેમને બે ટાઇમનું ભોજન પણ નથી મળતું, ઘણા ઘરમાં અનેક સમસ્યાઓ છે, તો બીજી બાજુ માનવતાની મહેક પણ જોવા મળે છે. પરિવાર નજીક આવ્યો છે, બાળકો વીસરાયેલી રમતો રમતાં થયાં છે. ઘરમાં સાથે બેસીને જમવાનો જૂનો ચીલો શરૃ થયો છે. સવારે ઘરનું વાતાવરણ ભક્તિમય બન્યંુ છે. આ ઉપરાંત પણ અનેક સારી-નરસી અસરો લૉકડાઉનની જોવા મળી છે. આ તમામ વાતોની સાથે મારા પરિવારની નાની નાની વાતો, બાળકો અને પતિ સાથે હૉમ હોલિ-ડેની મજા જેવી અનેક વાતનો ઉલ્લેખ રોજ હું ડાયરીમાં કરું છું. એમ કહી શકું કે મારા જીવનમાં આ ડાયરી યાદગાર રહેશે અને આ દિવસો જેમાં ઘણુ બધું હસ્યા-રહ્યા અને સાથે મળી ઘણુ બધું જીવ્યા પણ ખરા.’
રાજ્યનાં ઘણા શહેરો છે જેમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો ચિતિંત પણ છે અને એક આશા પણ છે કે આ દિવસો જલ્દી દૂર થશે અને ફરી બધંુ પહેલાંના જેવું જ થશે. એ જ ફાસ્ટ લાઇફ અને એ જૂના જવાબો કે સમય નથી, પરંતુ હજુ સમય લાગશે અને દરેકને જરૃર છે પૅશન રાખવાની, તમે પણ તમારા વિચારોને ડાયરીમાં લખી શકો છો, શું ખબર તમારી માટે પણ લૉકડાઉન ડાયરી હંમેશાં માટેની યાદો બનીને રહે.
————————–