શિવરાત્રિ તો ગઈ, પણ શક્કરિયાં હજી ખાવ

શક્કરિયાંને દરેક વ્યક્તિએ પોતાના ડાયેટ ચાર્ટમાં સામેલ કરવા જોઈએ
  • હેલ્થ – ભૂમિકા ત્રિવેદી

આપણા ત્યાં બટાકાની જેમ સહેલાઈથી શક્કરિયાં મળી આવે છે. સસ્તા અને સ્વાદમાં સહેજ ગળ્યા એવા શક્કરિયાં સંપૂર્ણ સ્વાસ્થ્યવર્ધક આહારની ગરજ સારે છે.

જોેકે હવે આ કંદમૂળ ઊંધિયાની સિઝન અને ફરાળી વાનગી સુધી જ સીમિત થઈ ગયા છે. મહાશિવરાત્રિના દિવસે શક્કરિયાં તો ખાવા જ જોઈએ. આ મહિમા હવે માત્ર તહેવાર પૂરતો બનીને રહી ગયો છે. ખરેખર તો તેનું વૈજ્ઞાનિક કારણ હતું. આપણે માત્ર શિવરાત્રિના દિવસે જ શક્કરિયાં ખાવાનું ભલે વિચારતા, પરંતુ તે શા માટે બારેમાસ ખાવા જોઈએ…

અંગ્રેજીમાં જેને સ્વીટ પોટેટો કહે છે તે શક્કરિયાંને દરેક વ્યક્તિએ પોતાના ડાયેટ ચાર્ટમાં સામેલ કરવા જોઈએ તેની પાછળનું કારણ એ છે કે તે ઘણા બધા પોષકતત્ત્વોનો ભંડાર છે. તેમાં અંદાજે ૭૭ ટકા પાણી હોય છે. પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે તમારા શરીરને હાઈડ્રેડ રાખવાનું કામ કરે છે. ૧૦૦ ગ્રામ શક્કરિયાંમાં ત્રણથી ચાર ગ્રામ ફાઇબર, બે ગ્રામ આસપાસ પ્રોટીન અને ૮૬ ગ્રામ કેલરી હોય છે. તેમાં ફેટ્સનું પ્રમાણ માત્ર ૦.૧ ટકા જેટલું જ હોય છે.

રોજ એક મધ્યમ કદનું શક્કરિયું બાફીને અથવા શેકીને ખાવાથી તમારી આખા દિવસની વિટામિન એની જરૃરિયાત પુરી થઈ જાય છે. ખૂબ જ ઓછી કેલરી અને ઝીરો પર્સન્ટ ફેટ્સ ધરાવતાં શક્કરિયાં વજન ઘટાડવામાં પણ સહાયક છે. શક્કરિયાંમાં રહેલાં અઢળક પોષકતત્ત્વોના કારણે તેને સુપર ફૂડની ઉપમા આપવામાં આવી છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને પાણીની માત્રા વધુ હોવાથી તે આપણી પાચનશક્તિ સુધારે છે. આપણા બ્રેઇન ફંક્શન માટે પણ આ ઉત્તમ કંદ આહાર છે. જિમમાં જઈને બોડી બનાવવા મથતા યુવાનોએ શક્કરિયાંનો રોજ પ્રયોગ કરવો જોઈએ.

કયા રોગોમાં ફાયદાકારક
રોજ ૧૦૦ ગ્રામ શક્કરિયાં ખાવાથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. ફાઇબરની માત્રા સારી એવી હોવાથી પેટનાં તમામ દર્દો મટાડે છે. કબજિયાતની તકલીફવાળા લોકોએ શક્કરિયાં ખાસ ખાવા જોઈએ. તેમાં રહેલું વિટામિન સી ઇમ્યુનિટી વધારે છે. જમીનની નીચે ઊગતા સ્વીટ પોટેટોમાં ગુડ બેક્ટેરિયા હોય છે. તેમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની તાકાત હોય છે. સ્વીટ પોટેટો તમારા ફૂડ ક્રેવિંગને કન્ટ્રોલ કરે છે. લંચ અને ડિનરની વચ્ચેના સમયમાં કોઈ જંકફૂડ આરોગવાના બદલે તમે શક્કરિયાં ખાઈ શકો છો. સાયન્સ કહે છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શક્કરિયાંનું સેવન કરવું જોઈએ. ઍન્ટિઓક્સિડન્ટનો ગુણ ધરાવતાં શક્કરિયાં કૅન્સર સેલ્સ સામે ફાઇટ કરવામાં મદદ કરે છે. ગેસની સમસ્યા હોય તેવા દર્દીઓએ બટાકાની જગ્યાએ શક્કરિયાં ખાવા જોઈએ. તેનું નેચરલ શુગર વજન ઘટાડે છે. કોઈ પણ ખોરાકની એલર્જી હોય તેવા લોકો માટે પણ શક્કરિયાં ફાયદાકારક છે.

કોણે ન ખાવા જોઈએ
કોઈ પણ વસ્તુનો અતિરેક તો નુકસાન કરે જ છે. એ રીતે કોઈ વ્યક્તિ રોજ ફક્ત શક્કરિયાં જ ખાતી હોય અથવા એકાદ- બે કરતાં વધુ શક્કરિયાં ખાઈ લેતી હોય તો સમસ્યા થઈ શકે છે. જે વ્યક્તિની પાચનશક્તિ મંદ હોય અથવા વારંવાર કફ થઈ જતો હોય તેવા લોકોએ બાફેલા શક્કરિયાંની ઉપર મરી પાવડર, આદુ, સંચળ, લીંબુનો રસ નાંખીને ખાવા જોઈએ. કિડની સંબંધિત રોગો હોય તેમને શક્કરિયાં અવોઇડ કરવાની સલાહ અપાય છે. ડાયાબિટીક પેશન્ટે શક્કરિયાં જમવામાં નહીં, પરંતુ સાંજના નાસ્તામાં ખાવા જોઈએ. ફ્રાઇડ કરેલાં શક્કરિયાં ક્યારેય ન ખાવાં. શક્કરિયાંનો શીરો બનાવવાના બદલે નાની સાઇઝના રેસાવાળા શક્કરિયાંને રોસ્ટ કરીને કે બાફીને ખાવાથી વધુ લાભ થાય છે.
—————————-

ભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment