ચાલો કરીએ નેટ ઉપવાસ…

ઇન્ટરનેટની  જરૃરિયાત ન હોય ત્યારે આ ઉપવાસ ફરજિયાત કરવો જ.
  • યુવા – હેતલ રાવ

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા તમામ વ્યક્તિ માટે અતિ મહત્ત્વની જરૃરિયાત છે. સવારે ઊઠવાની સાથે સૌ પ્રથમ મોબાઇલનાં દર્શન કરવામાં આવે છે. મોડી રાત સુધી ઇન્ટરનેટની દુનિયાની સેર કરી મોબાઇલની બેટરી લો થતાં તેને આરામ આપવા ચાર્જ માટે મૂકવામાં આવે છે, પરંતુ સવાર થતાં જ…. પણ હવે સામાન્ય ઉપવાસની જેમ જ ઇન્ટરનેટ ફાસ્ટની પરંપરા શરૃ થઈ છે. તો ચાલો સમજીએ, શું કામ આવા ફાસ્ટની જરૃર પડી અને શું છે આ ઇન્ટરનેટ ઉપવાસ..?

આર્જવ માત્ર ૧૫ વર્ષનો કિશોર છે. તેની ઉંમરના લોકોની જેમ જ તે મોબાઇલ યુઝ કરતો હતો, પરંતુ ધીમે-ધીમે વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટા જેવા સોશિયલ માધ્યમોનો તે આદી બની ગયો. એટલી હદે કે હવે તેને ઘરની કે બહારની દુનિયા સાથે કોઈ લેવા-દેવા જ નહોતી. બસ, તે અને તેનો મોબાઇલ. માતાપિતા પહેલાં તો માત્ર તેને સામાન્ય રીતે ટોકતાં હતાં કે દીકરા, જમવા બેઠા છીએ એટલી વાર તો મોબાઇલને મૂક, ભણવામાં ધ્યાન આપ, પરીક્ષા આવે છે, આ તારો મોબાઇલ પાસ નહીં કરાવે, વગેરે..વગેરે.. પરંતુ આર્જવ પર કોઈ જ અસર થતી નહીં. હવે પરિવારને ચિંતા થવા લાગી, તે આર્જવ સાથે સ્ટ્રિક થયાં, પરંતુ તેનો પણ કોઈ જ અર્થ નહોતો. અન્ય લોકોની સલાહ લીધી કે શું કરવું, પણ કોઈ જ વિકલ્પ ન જડ્યો. મોબાઇલ લેવાની ધમકી આપી તો આર્જવે માતાપિતાને ઇમોશનલી બ્લેકમેલ કરવાનું શરૃ કર્યું. માતાપિતાએ હાર માની અને આર્જવની જીત થઈ. છ મહિના સુધી આવું જ ચાલ્યા કર્યું. પછી સમયની સાથે ૧૫ વર્ષના આર્જવની તબિયત બગડવા લાગી. શરીર વીક થવા લાગ્યું. શાળામાં જવાનું પણ તે ટાળતો. તેની માનસિક સ્થિતિ એટલી બધી બગડી ગઈ કે સ્વભાવમાં ચીડિયો બની ગયો. સંસ્કારોની વચ્ચે ઉછરેલો આર્જવ હવે નાના-મોટાની આમાન્યા પણ રાખતો નહીં. અંતે સાઇકિયાટ્રિસ્ટની પાસે જવાનો સમય આવ્યો. આર્જવ જેવા આપણી આસપાસ અસંખ્ય કિશોરો, યુવાનો અને દરેક ઉંમરના લોકો છે. જેમની માટે મોબાઇલ જીવલેણ બની ગયો છે. કામ માટે ઉપયોગમાં લેવાતા સાધનને આપણે એટલું બધું મહત્ત્વ આપી દીધું કે વ્યક્તિ વગર ચાલે, પણ મોબાઇલ વગર નહીં. સોશિયલ માધ્યમો પર એક્ટિવ રહેવું સારી વાત છે, પરંતુ એટલી હદે પણ નહીં કે તે તમારા માનસ પર હદથી વધારે નેગેટિવ અસર કરે. અન્ય ખોટી લતની જેમ જ ઇન્ટરનેટનો વધારે ઉપયોગ પણ વ્યસન છે. જેનાથી છુટકારો મેળવવા માટે જ ઇન્ટરનેટ ફાસ્ટ જરૃરી છે.

નિકેત સોની વીકેન્ડનો સમય વેબ સિરીઝ જોઈને પસાર કરતો હતો. જેના કારણે દિવસના ૧૦ કલાક કરતાં પણ વધારે તે ઓનલાઇન રહેતો. જોકે હવે તેને પોતાની આદત બદલી છે. તો બીજી બાજુ પેમેટ્સ અને ઇ-કોમર્સ સ્ટાર્ટઅપ ઇન્સ્ટામોજોના કો-ફાઉન્ડરએ પોતાની સ્ક્રીન ટાઇમ ઓછો કર્યો. હવે તે વીકેન્ડ પર વધારેમાં વધારે માત્ર બે કલાક જ મોબાઇલનો યુઝ કરે છે. હવે લોકો ઇન્ટરનેટની લત છોડવા માટે જુદા-જુદા ગતકડા અજમાવી રહ્યા છે. આવી જ વ્યક્તિઓ ઇન્ટરનેટ મુક્ત ઉપવાસ કરી રહી છે. બેંગ્લુરુમાં તો કાયદેસર રીતે આ ઉપવાસને ડોપામાઇન ફાસ્ટિંગનું નામ આપવામાં આવ્યંુ છે. એટલે કે એવો ઉપવાસ જે કોઈ લત છોડાવવા માટે રાખવામાં આવે છે.

૧૫થી ૨૪ વર્ષના યુવાનો વધુ સક્રિય
વિશેષજ્ઞોના મતે આ ડિજિટલ ફાસ્ટિંગ છે માટે જે યુવાનો આ લતના આદી છે તેમને સ્પષ્ટ સમજવાની જરૃર છે કે, સહેલાઈથી આ લતનો પીછો છોડાવી શકાતો નથી. આ આદતને કંટ્રોલ કરવા માટે ધીરે-ધીરે પ્રયત્ન કરવા પડે છે. અત્યાર સુધીમાં જે પણ યુવાનો આ આદતથી પરેશાન છે, તેમની ઉંમર ૧૫થી ૨૪ વર્ષની વચ્ચે છે. આ યુવાનો સોશિયલ મીડિયા, ઓનલાઇન ગેમિંગ અને પોર્નોગ્રાફીની લતથી હેરાન છે.

ઉપરાંત મહત્ત્વની એક એ પણ છે કે, આવી લતનો શિકાર બનનારી વ્યક્તિમાં વધારે લોકો આઇટી સેક્ટરમાં કામ કરનારા કર્મચારી પણ છે. એક અંદાજ પ્રમાણે નિષ્ણાતોની સલાહ માટે રોજના ઓછામાં ઓછા દસ કેસ આવે છે. માનસિક પ્રોબ્લેમની સાથે ઍડિક્શનના કારણે આંખોની સમસ્યા, હાથ અને શરીરનાં અંગોમાં દુખાવો, થાક લાગવો જેવી અનેક સમસ્યા ઉત્પન્ન થાય છે.

ઉપવાસ કેવી રીતે રાખવો
આ ફાસ્ટમાં તમારે ફોન, લેપટોપ, કોમ્પ્યુટર જેવી વસ્તુઓથી દૂર રહી રિયલ લાઇફની મજા લેવાનો અનુભવ કરવો. દીનકર પરીખની વાત કરીએ તો તેણે નેટ ઉપવાસનો સહારો લઈને સફળતા મેળવી છે. ફાસ્ટની શરૃઆત પહેલાં જ તેણે પોતાના મિત્રો, પરિવાર, ઑફિસમાં જાણ કરી દીધી હતી કે આજે આવતીકાલ સવાર સુધી તે કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક કરી નહીં શકે તો કોઈએ હેરાન થવું નહીં. વર્કિંગ દિવસ દરમિયાન તેના નિર્ણયે તેને બિલકુલ ફ્રી બનાવી દીધો. શહેરની એ જગ્યાઓ જ્યાં તે કાયમ જવા ઇચ્છતો હતો, ત્યાં જઈ એન્જોય કર્યું. દીનકર કહે છે, ફાસ્ટિંગ સમયે મારા પર કોઈ પ્રકારનું પ્રેશર નહોતું, કોઈના જોક પર મારે પરાણે કોમેન્ટ કરવાની નહોતી. કોઈના વૉટ્સઍપ સ્ટેટસ પર કોઈ ઇમોજી સેન્ડ કરવાની ઝંઝટ નહોતી. કોઈની નોટિફિકેશન, ફ્રેન્ડ રિક્વેસ્ટ, ફોટા, મેસેજીસ, કોઈ વાતના ટેન્શન વગર હું સ્વતંત્ર રીતે મારી માટે જીવી રહ્યો હતો. એ ચોવીસ કલાકે મને જુદી જિંદગી આપી. ત્યારથી જ નક્કી કર્યું કે ઇન્ટરનેટની  જરૃરિયાત ન હોય ત્યારે આ ઉપવાસ ફરજિયાત કરવો જ.

રિસર્ચ કહે છે…
આજના સમયમાં વર્કલાઇફનો તણાવ એટલો વધારે છે કે, ઑફિસમાંથી નીકળ્યા પછી પણ કામનો સ્ટ્રેસ હોય છે, જેનું સૌથી મોટું કારણ મોબાઇલ ફોન છે, જે ઑફિસથી દૂર થયા પછી પણ કૉલ, મેસેજ, ચેટ જેવા માધ્યમોથી ઑફિસ સાથે જોડાણ રાખે છે. ગત દિવસોમાં મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને વિશ્વના જુદા-જુદા ભાગમાં ઘણા પ્રકારનાં રિસર્ચ થયાં જેના પરિણામ આઘાતજનક હતાં. અભ્યાસમાં જાણવા મળ્યું કે ટીનેજર્સ અને યુવાનોના મોબાઇલ પ્રેમના કારણે માનસિક અવસ્થા ખરાબ થઈ રહી છે. પોતાની લાગણી પણ યોગ્ય રીતે રજૂ નથી કરી શકતાં. સાથે જ યુવાનોનો સ્વભાવ પણ ચીડિયો બની ગયો છે. ભારતની વાત કરીએ તો ખાનગી ફર્મ દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં સાબિત થયું છે કે અન્ય વિકાસશીલ દેશોની તુલનામાં ૮૨ ટકા ભારતીય યુવા કોઈ ને કોઈ પ્રકારના તણાવનો સામનો કરી રહ્યા છે. મોબાઇલના કારણે માનસિક તણાવની સાથે મેદસ્વિતા, હાર્ટ ડિસીઝ, અસ્થમા, પાચન સંબંધી સમસ્યાઓ અને ઘણી બધી બીમારી પણ થાય છે. જુદા-જુદા ફર્મ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં સાબિત થયું છે કે અન્ય દેશોની તુલનામાં ભારતના કામ કરતા કર્મચારીઓને વર્કપ્લેસ પર વધુ તણાવનો સામનો કરવો પડે છે. મોબાઇલનો વપરાશ વધવાના કારણે આ સ્ટ્રેસમાં વધારો થઈ રહ્યો છે. રિસર્ચમાં ૬૮ ટકા લોકોએ સ્વીકાર્યું કે અચાનક વાઈફાઈ કનેક્શન લો થતાં તેમને ગુસ્સો આવે છે. મિત્ર, પરિવાર કે અન્ય લોકોની નાની વાત પર ઝઘડો કરી બેસે છે. ૬૩ ટકા લોકો કહે છે, ચાર્જિંગમાં રાખવામાં આવેલા ફોનની બેટલી ફુલ થતાં પહેલાં કોઈ તેને હટાવે તો ગુસ્સાનો પારો વધી જાય છે.

એન્જિનિયરિંગમાં અભ્યાસ કરાવતા અમદાવાદના ગૌરવ ગોહિલ કહે છે, ‘વીકમાં એકવાર તો આ ફાસ્ટ રાખવો જ જોઈએ. જ્યારે પરિવાર કે મિત્રો સાથે હોઉં છું ત્યારે તે સમય મોબાઇલથી દૂર રહું છું. કોઈ પ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે પણ મોબાઇલનો યુઝ નથી કરતો. મારી પાસે અંગ્રેજી શીખતા વિદ્યાર્થીઓ માટે પણ પ્રયત્ન કરું છું. જેમ કે તેમને ઇંગ્લિશ લેન્ગ્વેજમાં વાત કરવાની હોય ત્યારે તે વચ્ચે ગુજરાતીનો એક પણ શબ્દ નથી બોલી શકતા, જો તેમની ભૂલ થાય તો સજા રૃપે મોબાઇલનો પંદર મિનિટ વપરાશ નહીં કરવાનો, એવી રીતે જેટલી ભૂલ એટલી સજા. યુવાનો ઘણીવાર બે કલાક તો ઘણીવાર વધારે સમય સુધી મોબાઇલથી દૂર રહે છે. આ શરૃઆત ધીમે-ધીમે તેમનામાં ઇન્ટરનેટનો યુઝ ઓછો કરાવશે.’

સુરતનાં પ્રિયા વ્યાસ પણ નેટ ઉપવાસને યોગ્ય માને છે. તેમનું કહેવું છે કે, ‘જેટલો સમય ઇન્ટરનેટ પર વેસ્ટ થાય છે એટલા સમયમાં અન્ય ઘણા કામ થઈ શકે છે. મોબાઇલ ફોન, સોશિયલ મીડિયાનો વપરાશ જરૃરી છે, પરંતુ તે તમારા પર હાવી ન થાય તે પણ જોવાનું રહ્યું. મારી માટે એ તમામ સમય જે મારા પરિવારનો, મિત્રોનો છે તે ઇન્ટરનેટ ઉપવાસ છે. હંમેશાં મારો પ્રયાસ રહે છે કે સોશિયલ મીડિયાની લતમાં ફસાવું નહીં. માટે જ નેટ ઉપવાસ બેસ્ટ છે.’

સ્લો ઇફેક્ટ
સામાન્ય ઉપવાસ કરતા આ ફાસ્ટ જુદો છે, જેની અસર થતાં વાર લાગે છે. શરૃઆતના સમયમાં તમને આ ફાસ્ટ હેરાન કરશે, પરંતુ ધીમે-ધીમે તેની પોઝિટિવ અસર પણ જોવા મળશે. માનસિક ચિકિત્સક પરાગ શાહ કહે છે, ‘ખુશ રહેવંુ જીવનનો મહત્ત્વનો ભાગ છે. માટે આ ઉપવાસ એવી વ્યક્તિએ ન કરવો જે પહેલેથી ઘણી દુઃખી હોય અથવા તો માનસિક સમસ્યા સામે લડી રહી હોય. આ ઉપવાસ માનસિક કન્ફર્ટને ધ્યાનમાં રાખીને કરવો વધુ યોગ્ય છે, પરંતુ એક વાત નક્કી છે કે જો તમે મનથી મક્કમ રહેશો તો મોબાઇલની ખોટી લત અને સોશિયલ મીડિયામાં પસાર થતા વેસ્ટ સમયમાંથી તમે બચી શકો છો.’

પહેલાંનો સમય કેટલો સારો હતો, બધાં સાથે હતાં અને અત્યારે સાથે હોવા છતાં સાથે નથી. ફેસબુક ઇન્સ્ટા પર હજારો મિત્રો હોવા છતાં વ્યક્તિ એકલતાથી પીડાય છે, જેનું કારણ મોબાઇલ ફોન છે. જેવા મેસેજ આપણે સોશિયલ મીડિયા પર જ વાંચીએ છીએ, મનમાં મેસેજ સાચા છે તેવી અનુભૂતિ પણ કરીએ છીએ, પરંતુ પહેલાના સમયને પરત લાવવાનો કોઈ પ્રયત્ન નથી કરતા. હવે ઇન્ટરનેટ ઉપવાસનો પ્રયાસ કરી જુઓ, શું ખબર, સાચે જ પહેલાના દિવસો પરત ફરે.
———————————-

ફેમિલી ઝોન. હેતલ રાવ
Comments (0)
Add Comment