ફેશન કોમ્યુનિકેશન, સપનાં સાકાર કરતી કારકિર્દી

ફેશન કોમ્યુનિકેશન દ્વારા પ્રોફેશનલ્સ પોતાના ક્લાયન્ટ અથવા કંપનીની માર્કેટમાં ઇમેજ બનાવે છે.
  • નવી ક્ષિતિજ –  – હેતલ રાવ

ફેશન ઇન્ડસ્ટ્રી વિસ્તૃત ક્ષેત્ર છે, જ્યાં વિદ્યાર્થી પોતાનાં સપનાંની ઉડાન ભરી શકે છે. ફેશન કોમ્યુનિકેશન આ ઇન્ડસ્ટ્રીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. માર્કેટમાં ઝડપી વૃદ્ધિ થવાના કારણે આ સેક્ટરમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. સાથે જ યુવાનો માટે કારકિર્દી બનાવવાનો શ્રેષ્ઠ  વિકલ્પ પણ છે.

સામાન્ય એવું રીતે માનવામાં આવે છે કે ફેશન ઇન્ડસ્ટ્રી ગ્લેમરથી જ ચાલે છે, પરંતુ હકીકતમાં આ ક્ષેત્રમાં ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવશે કે એ ઘણું જ મજબૂત અને સશક્ત માધ્યમ છે. મહેનત કરવાની સાથે-સાથે કશુંક અલગ કરવાની એષણા રાખતા વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં ક્યારેય નિરાશ થવાનો સમય નથી આવતો.  આ કાર્ય ઘણી જહેમત માગી લે તેવંુ છે, પરંતુ ફેશન કોમ્યુનિકેશનના પ્રોફેશનલ્સ મુશ્કેલીઓને ઘણી સરળ બનાવે છે.

ફેશન કોમ્યુનિકેશન એક્સપર્ટનું કાર્ય
ફેશન કોમ્યુનિકેશન દ્વારા પ્રોફેશનલ્સ પોતાના ક્લાયન્ટ અથવા કંપનીની માર્કેટમાં ઇમેજ બનાવે છે. ઉત્પાદનને કોઈ પણ પ્રકારના વિવાદ વગર ગ્રાહકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ આ પ્રોફેશનલ્સ નિભાવે છે. બ્રાન્ડ પ્રત્યે લોકોને આકર્ષિત કરવા અને તેના વિશે લોકોના મનમાં કેવા પ્રશ્નો છે તેના નિરાકરણ વિશે પ્રોફેશનલ્સ વિચારે છે. ક્લાયન્ટ અને બિઝનેસ હાઉસ તરફથી મીડિયા સાથે ડીલ કરે છે. ઉપરાંત ડિઝાઇન લે-આઉટ, વેબપેજ અને મલ્ટિમીડિયા ડિઝાઇન વિકસિત કરવા પર ધ્યાન આપે છે.

ક્યારે કરી શકાય પ્રવેશ
ધોરણ બારમાં ઓછામાં ઓછા ૫૦ ટકા માક્ર્સ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ફેશન કોમ્યુનિકેશનના સ્નાતક લેવલના કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. ત્યાર પછી તે માસ્ટર ડિગ્રી અને પીએચડીનો અભ્યાસ પણ કરી શકે છે. ઘણી સંસ્થાઓ એન્ટ્રેન્સ એક્ઝામના આધારે પ્રવેશ આપે છે. જ્યારે ઘણી સંસ્થાઓ ઇન્ટરવ્યૂ લેવલે પ્રવેશ આપે છે. જુદી-જુદી સંસ્થાઓમાં સ્નાતક પછી ડિપ્લોમા કોર્સ પણ કરી શકાય છે.

કોર્સ વિશે માહિતી
સામાન્ય રીતે આ કોર્સમાં બેઝિક ઓફ ડિઝાઇન, ટૅક્નિકલ ડ્રોઇંગ, ફેશન સ્ટડીઝ, પ્રિન્સિપલ ઓફ માર્કેટિંગ, ફેશન જર્નાલિઝમ અને પોર્ટફોલિયો ડેવલોપમૅન્ટના અભ્યાસનો સમાવેશ થાય છે. ઉપરાંત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ, કલર મિક્સિંગ, વાતચીત સંબંધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી દૂર કરવાની ટ્રિક અને ફેશન કોમ્યુનિકેશનની મૂળભૂત જાણકારી પણ આપવામાં આવે છે. ડિઝાઇન રણનીતિ, સ્ટાઇલિંગ, ક્રિએટિવ રાઇટિંગ, કન્ઝ્યૂમર બિહેવિયર અને ફેશન ફોરકાસ્ટિંગ વગેરે વિશે માહિતી આપવામાં આવે છે. દેશી-વિદેશી બ્રાન્ડના માર્કેટ ભાવનું નિરીક્ષણ કરવા જેવી કુનેહ પણ મહત્ત્વનો હિસ્સો છે.

રોજગારની વિપુલ તક

*           વિઝ્યુઅલ મર્ચેન્ટાઇઝર

*           રિટેલ સ્પેસ ડિઝાઇનર

*           ફેશન સ્ટાઇલિસ્ટ

*           પીઆર મેનેજર

*           ગ્રાફિક ડિઝાઇનર

*           ઇવેન્ટ મેનેજર

*           ફેશન જર્નાલિઝમ

*           ફેશન ઍડ્વર્ટાઇજર

ફેશન ઇન્ડસ્ટ્રીનો વિસ્તાર એક્સ્ટ્રિમ લેવલ પર છે. પછી તે વિદેશી કંપનીઓ હોય કે લોકલ બ્રાન્ડ વપરાશકર્તાને આકર્ષિત કરવા માટે પોતાનું બ્રાન્ડિંગ કરે છે. આ કામ માટે ફેશન કોમ્યુનિકેશન પ્રોફેશનલ્સની નિયુક્તિ કરવામાં આવે છે. આ ક્ષેત્ર એવા યુવાનો માટે છે જેમને ફેશન, બિઝનેસ, રિટેલ મર્ચેન્ટાઇઝિંગ, પ્રત્યાયન અને પત્રકારત્વ, ઇવેન્ટ મૅનેજમૅન્ટ, લાઇફ-સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી વગેરેમાં કારકિર્દી બનાવવામાં રસ છે.

યોગ્ય પગાર
શરૃઆતના સમયમાં પ્રોફેશનલ્સને મહિને ૨૫ થી ૩૦ હજાર રૃપિયા વેતન મળી રહે છે. બે-ત્રણ વર્ષના અનુભવ પછી પગાર ધોરણ વધીને ૫૦થી ૫૫ હજાર સુધી પહોંચી જાય છે.  વિદેશી કંપનીઓ લાખો રૃપિયાનું પેકેજ આપે છે. એમ કહી શકાય કે આ ક્ષેત્રમાં યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી શરૃઆતથી જ આવકના સારા સ્ત્રોત ઊભા થાય છે. પોતાનું કામ શરૃ કર્યા પછી પણ સમયની સાથે આવકમાં વધારો થતો રહે છે.

ધ્યાનમાં રાખો

*           સફળતા માટે ઉમદા કારકિર્દી

*           વ્યાવસાયિક દ્રષ્ટિએ ગ્લેમરસ ક્ષેત્ર

*           ઓળખ બનાવવામાં સમય લાગે છે

*           ધૈર્ય જરૃરી

*           વપરાશકર્તા અને કંપની વચ્ચે તાલમેલ બેસાડવામાં મુશ્કેલીઓનું નિરાકરણ

*           સમયની સાથે ચાલવાની તૈયારી

*           સતત કામ કરવાની સાથે મહેનત

ફેશન માર્કેટની વર્તમાન સ્થિતિ પ્રમાણે પ્રોફેશનલ્સે પોતાની કાર્ય શક્તિ વધારવી જરૃરી બની રહેશે. સખત પરિશ્રમ વગર ફેશનની દુનિયામાં ઓળખ બનાવવી અઘરી છે. ફેશન કોમ્યુનિકેશનના સેક્ટરમાં બેસ્ટ સાબિત થવા માટે અન્ય કરતાં કામ કરવાની પદ્ધતિ અલગ હોવી જોઈએ. પ્રોફેશનલ્સ પાસે કૌશલ્ય, જ્ઞાન અને બીજા કરતાં જુદી રીતે રજૂઆત કરવાની રીત-યોગ્ય આવડત જરૃરી છે. માત્ર પુસ્તકોના જ્ઞાનથી વેચાણ કરવાની કલા શીખી નથી શકાતી. માટે વિદ્યાર્થીઓએ વ્યાવહારિક નિપુણતા મેળવવી પડે છે. જેના કારણે જ કોર્સ કર્યા પછી આ સેક્ટરમાં ડગ માંડનારા યુવાનો પોતાના વિચારો અને રચનાત્મક્તાથી નવી ઊંચાઈ સર કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ક્ષેત્રમાં પ્રવેશ કરનારા યુવાનોએ પહેલેથી જ ધીરજનો પાઠ શીખવો પડશે, કારણ કે આ એવંુ સેક્ટર છે જેમાં કોઈ જ શોર્ટકટ નથી. માર્કેટનું વલણ સમજવું, ક્લાયન્ટની સંતુષ્ટિના નિર્ણયને જાળવી રાખવો જેવા અનેક પડકારો છે જેના માટે પ્રોફેશનલ્સે તૈયાર રાખવી પડશે. વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્ર સોના પે સુહાગા જેવું બની શકે છે, જો તેમનામાં ઇન્ડસ્ટ્રીની અપેક્ષા પૂર્ણ કરવાનો ઉત્સાહ હોય.

વિશ્વ ફલક પર આ સેક્ટર ઊંચાઈઓ પાર કરી રહ્યું છે. આજના સમયમાં યુવાનો આવા વિષયો પર ગંભીરતાપૂર્વક વિચારે પણ છે. ધીમે-ધીમે દરેક વર્ગમાં ફેશનને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આજના દૌરમાં બધી જ વ્યક્તિઓ માટે ફેશન મહત્ત્વનો ભાગ બની છે. કદાચ આવા જ કારણોસર આ સેક્ટરમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. સાથે જ યુવાનો માટે કરિયર બનાવવાનું નવું માધ્યમ પણ બની રહ્યું છે.
——————————

નવી ક્ષિતિજહેતલ રાવ.
Comments (0)
Add Comment