- હેલ્થ – ભૂમિકા ત્રિવેદી
આપણે આજે યુવાનીમાં પણ સફેદ વાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. તેનું કારણ શું છે જાણો છો, આપણે એ વાત પણ જાણીએ જ છીએ કે આજે નાનું બાળક પણ સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યું છે. આ જ છે સફેદ વાળની સમસ્યાનું મુખ્ય કારણ. જો તમારે નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ ગયા છે તો તેનો અર્થ એ છે કે તમે ખૂબ જ સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યા છો.
માણસના શરીરમાં લાખો હેર ફોલિકલ્સ હોય છે જે વાળના ગ્રોથ અને વાળની નીચેની ત્વચાને અસર કરે છે. આ ફોલિકલ્સની અંદર મેલેનિન નામનું રંજકદ્રવ્ય હોય છે જે વાળના રંગને જાળવી રાખવાનું કામ કરે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ મેલેનિન પોતાની ક્ષમતા ગુમાવે છે અને તેના કારણે વાળ પાકી જાય છે. ઉંમરની સાથે વાળનો રંગ બદલાય એ સામાન્ય બાબત છે, પરંતુ હવે કોઈ પણ ઉંમરે વાળ ધોળા થઈ રહ્યા છે. નાની ઉંમરમાં મેલેનિનની ક્ષમતા ધીમી પડવાનું કારણ સ્ટ્રેસ હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.
તાજેતરમાં નેચર જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું હતું કે સફેદ વાળ એ સ્ટ્રેસફુલ લાઇફનું પહેલું લક્ષણ છે. સ્ટ્રેસ હેર ફોલિકલ અને રિ-જનરેટિંગ સ્ટેમ સેલ્સને ડેમેજ કરી નાંખે છે. સ્ટ્રેસથી તમારા શરીરના હોર્મોન કાર્ટિઝોલ લેવલમાં વધારો થતા વાળની કોશિકાઓને પારાવાર નુકસાન થાય છે.
સ્ટ્રેસ ઉપરાંત આ પણ છે કારણો
નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવાનંુ મુખ્ય કારણ સ્ટ્રેસ અભ્યાસમાં સાબિત થઈ ચૂક્યું છે. આ ઉપરાંત હોર્મોનલ ઇમ્બેલેન્સ, ઇટિંગ હેબિટ, લાઈફ-સ્ટાઈલ, હેરકૅરની ખોટી મેથડ, કાળજીનો અભાવ, વારસાગત સમસ્યા જેવા કારણો હોઈ શકે છે. વિટામિન બી-૧૨, વિટામિન ડી-૩, આયર્ન, કોપર અને પ્રોટીનની ઊણપ, પ્રી મેચ્યોર્ડ હેર ગ્રેઇંગનાં કારણો છે. તેમાં તાણ અને ચિંતા ભળે એટલે વાળ સફેદ થવામાં કંઈ બાકી રહેતું નથી.
આ છે ખોટી માન્યતાઓ
* આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે આજની જનરેશન માથામાં તેલ લગાવતી નથી એટલે વાળ ધોળા થઈ જાય છે, પરંતુ તેલ લગાવવાને અને વાળ ધોળા થવાને કોઈ જ લેવાદેવા નથી. આ માત્ર એક માન્યતા છે. તેલ નાંખવાથી વાળને પોષણ મળે છે, પરંતુ તે ન નાખવાથી વાળ ધોળા થઈ જાય તેવું હોતું નથી.
* વાળની પ્રોપર કૅર ન લેવાથી તેની ક્વોલિટી બગડી શકે છે. વાળની માવજતમાં બેદરકાર રહો તો વાળ પાતળા કે રુક્ષ થઈ જાય તે સાચું, પરંતુ તેનાથી વાળ સફેદ ન થાય.
* હેર કલર કર્યા બાદ મેઇન્ટેન ન કરો તો કલર ઊડી જાય અને વાળને નુકસાન પહોંચે. શેમ્પુ અને કન્ડિશનરની ગુણવત્તા પર ધ્યાન ન આપવાથી વાળ સફેદ થવાની પ્રક્રિયા ઝડપી બને છે.
આટલું ધ્યાન રાખો
જિનેટિક સમસ્યા અથવા કેટલાક ગંભીર રોગોમાં વાળને અસર થાય ત્યારે તબીબી સારવાર ફરજિયાત બને છે. પોષકતત્ત્વોની ઊણપ અને તાણના લીધે વાળ ધોળા થવા લાગ્યા હોય તો જાગી જવાની જરૃર છે. સ્વસ્થ વાળ માટે ડાયેટ પર ફોકસ રાખવું અત્યંત જરૃરી છે. શરીરમાં પ્રોટીન, આયર્ન, વિટામિન્સની પર્યાપ્ત માત્રા જવી જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ. વાળ માટે ઉપયોગી પ્રોડક્ટની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. સમયાંતરે વાળના રોગોનું પરીક્ષણ કરાવી લેવું. જરૃર જણાય તો ડૉક્ટરની સલાહથી સપ્લિમેન્ટ્સ લેવા. જો તમે ઇચ્છતા હો કે તમારા વાળ કુદરતી રીતે કાળા રહે અને હેરકલર પર નિર્ભર ન રહેવું પડે તો તણાવમુક્ત જીવનશૈલીને પ્રાધાન્ય આપો.
——————————