ફેબ્રુઆરી ફેસ્ટિવલ મજા તો આવશે જ..

યુવાનો માટે વર્ષમાં સૌથી ફેવરિટ મહિનો હોય તો તે ફેબ્રુઆરી છે
  • યુવા – હેતલ રાવ

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે, કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.વસંતના વાયરા વિતેલાં વર્ષોમાં યુવાનોને લાગણીની આપ-લે કરાવતા હતા. એવી જ રીતે આજની જનરેશન માટે ફેબ્રુઆરી મહિનો છે. માત્ર વૅલેન્ટાઇન-ડે કે પછી વૅલેન્ટાઇન વીક નહીં, પરંતુ પુરા પંદર દિવસની સુંદર સફર આ દિવસોમાં હોય છે. એક પછી એક જુદા-જુદા દિવસ અને તેની સાથે વહેંચાતી લાગણીઓ.

યુવાનો માટે વર્ષમાં સૌથી ફેવરિટ મહિનો હોય તો તે ફેબ્રુઆરી છે. થોડાં વર્ષો પહેલાં આ મહિનામાં માત્ર વેલેન્ટાઈન વૅલેન્ટાઇન-ડેની જ ઉજવણી કરવામાં આવતી હતી. ધીમે-ધીમે વૅલેન્ટાઇન વીકની શરૃઆત થઈ અને હવે તો ૭ તારીખથી લઈને ૨૧ તારીખ સુધીનો નવો જ ફેસ્ટિવલ શરૃ થયો છે. તહેવાર એટલા માટે કહી શકાય કે આ દિવસોમાં યુવાનો પોતાની ઇચ્છા પ્રમાણે જુદા-જુદા દિવસોને એન્જોય કરે છે. પ્રેમમાં કોઈની હાર તો કોઈની જીત થાય છે. સ્કૂલ સમયથી મિત્ર બનવાની ભાવના રાખતા યુવાનો ગિફ્ટ, ચોકલેટ, રોઝ આપીને વર્ષો સુધી દોસ્તી નિભાવવાના બંધનમાં બંધાઈ જાય છે. એ જુદી વાત છે કે દોસ્તી કે પ્રેમ કેટલો સમય ટકી રહે છે. તો બીજી બાજુ લગ્ન કરી ઠરીઠામ થયેલા અને ઉંમરના પડાવ પાર કરી ચૂકેલી વ્યક્તિઓ પણ આ દિવસોમાં પોતાની જૂની યાદો તાજી કરે છે અને નવી યાદો બનાવે છે.

ફેસ્ટિવલ-ડેની ઉજવણી શરૃ થઈ ગઈ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સાત તારીખથી શરૃ થતા ડે છેક એકવીસ તારીખ સુધી ઉજવવામાં આવે છે. ૭- રોઝ-ડે, ૮-પ્રપોઝ-ડે, ૯-ચોકલેટ-ડે, ૧૦-ટેડી-ડે, ૧૧-પ્રોમિસ-ડે, ૧૨-હગ-ડે, ૧૩-કિસ-ડે, ૧૪- વેલેન્ટાઇન-ડે, ૧૫- સ્લેપ ડે, ૧૬- કિક-ડે, ૧૭-પરફ્યુમ ડે, ૧૮-ફ્લર્ટિંગ ડે, ૧૯-કન્ફેશન ડે, ૨૦- મિસિંગ ડે અને આ દિવસો દરમિયાન એકબીજાને સંપૂર્ણ જાણવાની વાતો કરતા યુવાનોને જો એકબીજાનો સાથ પસંદ ના આવે તો તે યુવાનો ૨૧ તારીખે બ્રેકઅપ ડે ઉજવી પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મુકે છે. પશ્ચિમ દેશોમાં ફેબ્રુઆરી મહિનાને લઈને ઘણુ એક્સાઇટિંગ જોવા મળે છે. ધીમે-ધીમે આપણા ત્યાં પણ આ મહિનાને લઈને ઉત્સાહ વધતો જાય છે. તેમાં પણ ખાસ કરીને યુવાનો આ દિવસોને લઈને ઘણા ક્રેઝી હોય છે.

એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો કૃપાલ પંડિત કહે છે, ‘અમારા ગ્રૂપમાં વેલેન્ટાઇન વીકની ઉજવણી તો ઘણી સારી રીતે કરવામાં આવે છે. ગ્રૂપમાં બધા જ સાથે મળીને એન્જોય કરીએ છીએ, પરંતુ હવે પુરા પંદર દિવસ મસ્તી કરીએ છીએ. જેમાં બોય્ઝ અને ગર્લ્સ બંને હોય છે, પરંતુ ૨૧ તારીખે બ્રેેકઅપ-ડેની ઉજવણી કરવાની જગ્યાએ તે દિવસે ફરી એકવાર સાથે રહેવાનું પ્રોમિસ કરીએ છીએ. મજા આવે છે આ દિવસો દરમિયાન.’ પહેલાં તો માત્ર વૅલેન્ટાઇન-ડેનું સાંભળ્યું હતું. પછી એક વીક અને હવે તો પુરા પંદર દિવસ અલગ-અલગ દિવસની ઉજવણી થાય છે, તેમ કહેતાં એકતા ગિફ્ટ શોપની ઓનર પલક નંદિની દાસ કહે છે, ‘આમ તો આ વિદેશી પરંપરા છે, પરંતુ આપણા છોકરાઓ કોઈને હેરાનગતિ ના થાય તે રીતે એન્જોય કરે તો તેમાં કોઈને તકલીફ નથી અને ખુશીઓ તો વહેંચવાથી વધે છે. આ મહિનામાં મારે પણ સારી આવક થાય છે.’ યુવાનો વૅલેન્ટાઇનના આ દરેક દિવસોને પોતાની રીતે જ એન્જોય કરે છે. હવે આ ઉત્સવોમાં ફેબ્રુઆરી ફેસ્ટિવલનો પણ ટ્રેન્ડ વધ્યો છે.
——————————————————–.

યુવા. ફેમિલી ઝોનહેતલ રાવ.
Comments (0)
Add Comment