ખાંડથી દૂર રહો અને ગોળને અપનાવો

ખાંડના કારણે શું નુકસાન થઈ રહ્યું છે તે જાણવા છતાં આપણે તે છોડી શકતા નથી.
  • હેલ્થ  – ભૂમિકા ત્રિવેદી

ખાંડમાં માત્ર કેલરી હોય છે જ્યારે ગોળમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, ઝિંક, મેન્ગેનીઝ, સોડિયમ, તાંબું જેવાં ખનીજતત્ત્વો ઉપરાંત વિટામિન એ, બી૧, બી૨, બી૫, બી૬, વિટામિન સી, ડી૨ અને ઇની ભરપૂર માત્રા હોય છે. રિફાઇન્ડ કરેલી ખાંડનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સર્જે છે.

છેલ્લા ઘણા સમયથી આપણે ગોળને છોડીને ખાંડને અપનાવી લીધી છે. આમ તો ખાંડને સફેદ ઝેર કહેવાય છે. આપણે બધા આ વાત જાણતા હોવા છતાં ગળ્યું ખાધા વગર રહી શકતા નથી. ખાંડના કારણે શું નુકસાન થઈ રહ્યું છે તે જાણવા છતાં આપણે તે છોડી શકતા નથી. શેરડીના રસને ઉકાળ્યા બાદ બચેલા અવશેષમાંથી ગોળ બને છે. ગોળ હેલ્ધી છે. રિફાઇન્ડ કરેલી ખાંડનો વધુ પ્રયોગ કરવાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો આપણે ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરવા લાગીશું તો ઘણા પ્રકારની સમસ્યાઓથી બચી શકીશું.

ખાંડ કેલરી અને ગોળ પોષણ આપે છે
ખાંડમાં માત્ર કેલરી હોય છે, જ્યારે ગોળ જરૃરી પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ કારણે તે પોષણનો શક્તિ યુક્ત સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, મેન્ગેનીઝ, સોડિયમ, તાંબું, વિટામિન એ, બી૧, બી૨, બી૫, બી૬, વિટામીન સી, ડી૨ અને ઇની પણ વધુ માત્રા હોય છે. ગોળમાં અર્ક અને ફેનોલિક યૌગિક હોય છે. તેમાં એન્ટિઇન્ફ્લેમેટરી, ઍન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. તે તણાવ ઘટાડે છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. તેમાં સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા એન્ટિઓક્સિડન્ટ પ્રચૂર માત્રામાં હોય છે. લીમડાનાં પાન સાથે ગોળ લેવામાં આવે ત્યારે તે શરીરમાં ઓક્સિડેટિવ તણાવને ઘટાડવામાં મદદ કરે છે.

થાક અને માથાનો દુખાવો મટાડે છે
ગોળ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. તે માંસપેશીઓને આરામ આપવાનું કામ કરે છે. તે નર્વસ સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે. તે થાક દૂર કરવામાં મદદ કરે છે. માઇગ્રેનથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ ૧૦થી ૧૨ ગ્રામ ગોળ ૫ મિલીલિટર ઘી સાથે ખાવો જોઈએ. સૂવાની ૩૦ મિનિટ પહેલાં પણ આમ કરી શકાય છે.

સિઝનલ બીમારીઓથી બચાવે છે
શ્વાસ સંબંધિત બીમારીઓ અને ગળા સાથે જોડાયેલી સમસ્યાઓમાં ગોળનો પ્રયોગ ઉપયોગી છે. તેમાં રહેલા ખનિજ ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ, ઝિંક, સેલેનિયમ, પોટેશિયમ અને ઘણા ઍન્ટિઓક્સિડન્ટ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવીને શરદી, ખાંસી, ગળામાં દુખાવો, શ્વાસની પરેશાની સામે લડવામાં મદદ કરે છે. એક મોટી ચમચી હળદળ પાવડર, એક ચમચી માખણ, પાંચ ગ્રામ ગોળ મિક્સ કરીને જો સવાર સાંજ લેવામાં આવે તો તે પ્રદૂષણના જીવાણુઓને દૂર રાખવામાં મદદ કરે છે.

પ્રદૂષણનો ખતરો ઘટાડે છે
શું તમે એ વાતથી ચિંતિત છો કે પ્રદૂષણ તમારા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે. રોજ એક નાનો ટુકડો ગોળ ખાવ, તે આપણા ફેફસાંને પ્રદૂષણથી બચાવવામાં મદદ કરે છે. તે આપણા ફેફસાંને પ્રદૂષણના નુકસાનથી બચાવવામાં મદદ કરે છે, કેમ કે તેનાથી શ્વસનમાર્ગ સાફ થાય છે. સાથે સાથે તે ફેફસાં, અન્નનળી, પેટ અને આંતરડાંને પણ સાફ કરે છે.

પાચન સરળ બનાવે છે
તેમાં રહેલા ફાઇબર કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ભારે ભોજન કે નોનવેજ ખાધા બાદ ગોળ ખાવાથી પાચન ઝડપથી થાય છે. તે સારા પાચન એન્જાઇમને ઉત્તેજિત કરે છે. તે પેટમાં એસિડિક એસિડના રૃપમાં કાર્ય કરે છે. તે પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે.

તણાવ ઘટાડે છે
શરીરમાં એન્ડોર્ફિન કે ફીલ ગુડ હોર્મોન નીકળવાની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. આ માટે ગોળ સાથે એક કપ ગરમ ચા પણ પીવો. શક્ય હોય તો ગોળવાળી જ ચા પીવો. વૈકલ્પિક રૃપે ગોળ સાથે એક કપ ગરમ પાણી પણ તમારી વ્યાકુળતાના સ્તરને ઘટાડે છે.
—————————-

ભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment