મલ્ટિવિટામિનની ટેબ્લેટ્સના બદલે શિયાળાનાં લીલાં શાકભાજી ખાવ

શિયાળામાં મળતાં લીલાં શાકભાજીમાં સ્ટાર્ચ, ફાઇબર અને કાર્બોહાઇડ્રેડ હોય છે
  • હેલ્થ – ભૂમિકા ત્રિવેદી

ફૂલગુલાબી શિયાળામાં હેલ્થ જાળવવા માટેના આવશ્યક પોષકતત્ત્વો તમને વટાણા, પાપડી, વાલોળ, તુવેર, લીલા ચણા, લીલા કાંદા અને લીલા લસણમાંથી જ મળી જશે.

શિયાળો આવે એટલે વ્યક્તિની ભૂખ ઓટોમેટિક વધી જાય. શરીરને ગરમી આપતી વસ્તુઓ જેમ કે બાજરો, રીંગણનો ઓળો, ઊંધિયું, ગુંદર પાક, અડદિયા, ખજૂર પાક વગેરે લગભગ દરેક ઘરમાં ખવાતું જ હશે. આ સિઝન આમ જોવા જઈએ તો ટેસ્ટ માટે નહીં, પરંતુ તંદુરસ્તી માટે છે. ઠંડીની સિઝનમાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળતાં લીલાં શાકભાજી પાપડી, વટાણા, તુવેર, વાલોળ, લીલા ચણા, ચોળી વિટામિન્સનો ખજાનો છે. તે મલ્ટિવિટામિનની ટેબલેટની ગરજ સારે છે.

શિયાળામાં મળતાં લીલાં શાકભાજીમાં સ્ટાર્ચ, ફાઇબર અને કાર્બોહાઇડ્રેડ હોય છે. લીલા વટાણામાં વિટામિન કે અને પ્રોટીનની માત્રા ઘણી ઊંચી હોય છે. સો ગ્રામ વટાણામાં આશરે ચાર ગ્રામ પ્રોટીન મળે છે. વટાણા બારેમાસ મળતા નથી, તેથી અત્યારે ખવાય એટલા ખાઈ લેવા જોઈએ. સારા પ્રમાણમાં સલ્ફર ધરાવતી તુવેર ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે જરૃરી છે. તે કોષોને લગતા ઘસારાથી આપણને સુરક્ષિત રાખે છે. ફાઇબરનો વિશેષ ગુણ ધરાવતી પાપડી આંતરડાની સફાઈ કરે છે. ઍન્ટિઓક્સિડન્ટનો ગુણ ધરાવતી શાકભાજીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્રદૂષણ સામે લડવાની તાકાત મળે છે. બિયાંવાળી શાકભાજી ઉપરાંત લીલું લસણ, લીલા કાંદા, મૂળા, તાંદળજાની ભાજી, પાલક, મેથીની ઝૂડી પણ આ સિઝનમાં સારી મળે છે. ન્યુટ્રિશનથી ભરપૂર પાનવાળી લીલી ભાજી પણ ખૂબ ખાવી જોઈએ. મેથીમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. ભાજીમાં કુદરતી રીતે મીઠું હોવાથી તેમાં વધુ પ્રમાણમાં મીઠું નાખવાની જરૃર રહેતી નથી.

શિયાળામાં કુદરતે આપેલાં આ લીલાં શાકભાજી એક રીતે તો મલ્ટિવિટામિનની ટેબલેટ જેવા જ છે. તેથી કોઈ પણ પ્રકારની મલ્ટિવિટામિનની દવાઓ લેવાના બદલે શિયાળામાં ભરપૂર ખાઈ લેવું જોઈએ.

આટલું ધ્યાન રાખો

*           શરીરને અંદરથી સ્વચ્છ રાખવા શાકભાજીને કાચી જ ખાવી જોઈએ. રાંધવાથી ન્યુટ્રિશન વેલ્યુ સંપૂર્ણ પણે ખતમ ન થતાં ઓછી થાય છે, તેથી તેને ગળી જાય ત્યાં સુધી ન રાંધવા જોઈએ.

*           શાકભાજી માટીમાં ઊગે છે, તેથી તેની પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે, તેથી વપરાશમાં લેતા પહેલાં દરેક શાકભાજી ધોવા જોઈએ.

*           વટાણા કે તુવેરના બીને વપરાશમાં લેતાં પહેલાં પાણીમાં ડુબાડીને ધોવા જોઈએ.

*           વટાણા કે તુવેરને સ્ટોર કરવાથી ૧૦૦ ટકા ન્યુટ્રિશન વેલ્યુ રહેતી નથી, પરંતુ સુપર માર્કેટમાંથી લાવીને ખાવા કરતાં ઘરના ડીપ ફ્રીઝમાં મૂકેલા બિયાંમાં પોષકતત્ત્વો સારી રીતે જળવાઈ રહે છે. કોઈ પણ પ્રકારના ફાસ્ટ ફૂડ, શાક કે રાઇસની આઇટમમાં આ બિયાં ઉમેરવા જોઈએ. વાપરવાના હોય ત્યારે તેને થોડી વાર રૃમ ટેમ્પરેચરમાં રાખીને વાપરવા જોઈએ.
——————–

ભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment