જનરેશન નેકસ્ટ માટે પંચતંત્રની પંચાત…

પંચતંત્રની પ્રખ્યાત વાર્તાઓ
  • રસાસ્વાદ – પરીક્ષિત જોશી

પુસ્તક જેમને અર્પણ થયું છે એ, જગતભરમાં ખ્યાતિ પામેલી પંચતંત્રની મૂળ વાર્તાઓના રચયિતા વિષ્ણુ શર્માએ રાજકુંવરોને રાજવ્યવહારથી વાકેફ કરવા માટે જે બોધપ્રદ વાર્તાઓના નિમિત્તે એમને શિક્ષણ આપવાનો માર્ગ પસંદ કર્યો હતો, એ પછી તો બીબાંઢાળ રીતે અનેકોનેક વાર પુનરાવર્તિત થયો. પંચતંત્ર, અકબર-બીરબલ અને તેનાલીરામા વગેરેની વાર્તાઓ સદાબહાર છે જે ક્યારેય અપ્રસ્તુત થવાની નથી, પરંતુ એમાં કશું નાવીન્ય નહોતું. આ બધી વાર્તાઓની જેમ પંચતંત્રની વાર્તાઓ તો અનેકોનેક વાર લખાઈ ચૂકી છે, રજૂ થઈ ચૂકી છે તો વધુ એકવાર એ વાર્તાઓને લઈ પંચાત કરવાનો ઉદ્દેશ શો? એવો સવાલ થવો સ્વાભાવિક છે.

શીર્ષક ઉપરથી પહેલાં તો માત્ર બાળકો માટે કે વાર્તાઓના વિવેચન સંદર્ભનું આ પુસ્તક હોય એવી છાપ ઉપસે છે, પરંતુ પંચતંત્રની વાર્તાઓના પુર્નકથન વિશે લેખકનો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે કે, માણસની નવી પેઢી વધુ સ્માર્ટનેસ લઈને જન્મે છે. તેથી જ સ્તો, અત્યારના બાળદોસ્તોના સવાલો અને તર્ક આપણને ગૂંચવી દે એવા હોય છે. જુઓ, આ ઉદાહરણ ઃ

ચોમાસાની ઋતુમાં એક ભાઈ તેમની ૬ વર્ષની દીકરીને નિશાળે મૂકવા ગયા. મોડી રાત્રે વરસાદ પડ્યો હતો એટલે રસ્તામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયેલા હતા. આ જોઈ, દીકરીએ પપ્પાને બાળ-સહજતાથી કહ્યું, પપ્પા પાણી… દીકરીની વાત સાંભળી, વાત વાતમાં બાળકોને બોધ મળે એ શીખવવા તત્પર રહેતાં વાલીઓની જેમ પપ્પાએ કહ્યું, પાણી છે પણ ડ્રિન્કિગ વૉટર નથી. ત્યારે નવી પેઢીનો ચમકારો પપ્પાએ અનુભવ્યો જ્યારે દીકરીએ તત્ક્ષણ કહ્યું કે આપણા માટે નથી પણ ગાય માટે તો ડ્રિન્કિગ વૉટર જ છે, ને! (પા.૫)

આવું આઉટ ઓફ ધ બોક્સ વિચારવા ટેવાયેલી આ પેઢીને વાર્તાઓ પણ હટ કે જ આપવી અને એ પ્રયાસરૃપે આ નેક્સ્ટ જનરેશન માટે પંચતંત્રની વાર્તાઓ લખાઈ છે. જોકે, વાર્તામાં કરાયેલા ફેરફાર કહેવા પૂરતા કે અતાર્કિક નથી. એ એટલા તો આધુનિક છે કે નાના-મોટા દરેક વ્યક્તિને, નવી જ વાર્તા વાંચી રહ્યા હોય એવો અહેસાસ થાય એમ પણ બને. ૯૬ પાનાંના પટ પર વિસ્તરેલી કુલ ૨૯ વાર્તાઓના મૂળ વિષયની જેમ શીર્ષક પણ પંચતંત્રના જ છે, પરંતુ એ બોધપ્રદ વાર્તાઓની પંચાત અહીં જરા જુદી રીતે કરવામાં આવી છે એ આપણે થોડીક વાર્તાઓનો મર્મ માણીએ.

‘સાપ અને ચકલી’ શીર્ષકની પહેલી જ વાર્તાનું કથાનક તો આપણે જાણીએ છીએ, પરંતુ એ વાત આપણી આ વાર્તાનાં પાત્રો, જંગલના બધાં જ પ્રાણીઓ અને વાર્તાનો નાયક કાળોતરો પણ જાણે છે, પણ જ્યારે પિંકી ચકલીનાં ઈંડાં એ કાળોતરો ખાઈ જાય છે ત્યારે પિંકી ચકલી બદલો લેવાનો જે વિચાર શોધી કાઢે છે અને પછી એમાં કાળોતરાના રામ રમી જાય છે, એ વિચાર અદ્ભુત છે. આપણુ વિજ્ઞાન અને એના તર્ક પણ એને અનુમોદન આપે છે. પિંકી ચકલી પોતાના આયોજનનું રહસ્ય ખોલતાં જણાવે છે કે, હું શહેરમાંથી જાણી લાવી હતી કે પેટે ઘસડીને ચાલતાં સરીસૃપોને દૂધ પચતું નથી. જો એ વધુ દૂધ પી જાય તો મૃત્યુ પણ થઈ શકે છે. તેમ છતાં બુદ્ધિમાન માણસો નાગપંચમીના પવિત્ર દિવસે સાપ માટે દૂધના કટોરા ભરી ભરીને મૂકે છે. એટલે મને વિચાર આવ્યો કે જો કાળોતરાને સફેદ પ્રવાહીની જિજ્ઞાસા સાથે શહેરમાં મોકલી શકાય તો આપણુ કામ થઈ જાય અને ખરેખર એમ બન્યું પણ ખરું.(પા.૧૧)

‘સોનેરી ઈંડું’ વાર્તાનો નાયક ગોલ્ડી સોનાનું ઈંડું આપતી મરઘીનાં ઈંડાંને લીધે ગોલ્ડમેન તરીકે પ્રખ્યાત થાય છે, પરંતુ એકસામટાં બધાં ઈંડાં મેળવવા મરઘીની કતલ કરવાને બદલે એ સંશોધન કેન્દ્રમાં પ્રયોગો કરાવીને સોનાનાં ઈંડાં આપતી બીજી મરઘીઓ જન્માવે છે. મૂળ વાર્તાની જેમ, ટૂંકા ગાળામાં પૈસાદાર બનવાને બદલે આ વાર્તા મહેનતનું માહાત્મ્ય કરવા સાથે બુદ્ધિ અને તકનીકના ઉપયોગની પણ હિમાયત કરે છે.

‘ત્રણ વાંદરાઓ’ વાર્તામાં વાંદરાઓ પોતાનામાંથી ત્રણ વાંદરા ઃ કનુ, મનુ અને તનુને પસંદ કરી એમની ઉપર એક પ્રયોગ કરે છે. કનુને ભણતરથી વંચિત રાખે છે, પણ ખૂબ જ સૂકોમેવો ખવડાવે છે. મનુને દરરોજ ભણાવે, પણ અન્ય બાળવાનરો સાથે ભળવા દેવાતો નથી. તો તનુને ભણતર અને ગણતર બેયનો લાભ આપે છે. ત્રણેય મોટા થતાં એમને એક બંધ પાંજરાની અંદરના સ્ટીલના સાંકડા મોઢાના ઘડામાં રહેલા ચણાને બહારથી જ કાઢી લાવવાની પરીક્ષા આપવાની થાય છે. કનુ ઘડામાંથી ચણા લીધા પછી મુઠ્ઠી ખોલ્યા વગર હાથ જોરથી બહાર કાઢવામાં કાંડાનું ફ્રેક્ચર કરી બેસે છે. મનુ એ પ્રયાસમાં ચણા સાથેનો હાથ બહાર આવવો અશક્ય લાગવાથી ચણા લીધા વગર પરત ફરે છે. તનુ પણ મનુ જેમ સમસ્યા સમજી જાય છે, પણ એ ઘડાને ઊંધો પાડી વેરાયેલા ચણાને લઈને પાછો આવે છે. આ પરિણામને આધારે વાંદરાઓએ શું તારણ કાઢ્યું? જુઓ.

સૂકોમેવો ખાવાથી બુદ્ધિ વધતી નથી, પણ ખર્ચો વધે છે..વળી, ભણેલા ન હોય એવા વાંદરાઓ જડ પ્રકારના હોય છે, જે પોતાની જીદ પૂરી કરવામાં ક્યારેક પોતાને જ નુકસાન કરી બેસે છે. ભણતરની સાથે ગણતર પણ એટલું જરૃરી છે. ખાલી ભણતર કે ખાલી ગણતરથી સર્વાંગી વિકાસ થઈ શક્તો નથી.(પા.૧૬)

‘ઊંટ અને શિયાળ’ વાર્તામાં ખેડૂત પોતાના ખેતરમાં શેરડી ખાવા ઘૂસેલા બેયને આંતરે છે અને ઊંટ-શિયાળ બેય ગભરાય છે કે હવે સરખા ભાગે બેયને લાકડીઓ પડશે. પણ શું થાય છે? વાંચો.

ખેડૂત એકદમ પાસે આવી ગયો. ખેડૂતે લાકડી ઉગામી અને…તેને પોતાના ખભે ટેકવી દીધી. તે બોલ્યો, સારું નાચો-ગાવ છો. મને લાઈવ પરફોર્મન્સ જોવાનો શોખ છે. હમણા જ મુંબઈમાં જસ્ટીન બીબરનો લાઈવ કાર્યક્રમ જોવા ૭૬૦૦૦ની ટિકિટ ખરીદીને ગયો હતો. તમે બેય અહીં રોજ આવીને ઇચ્છા પડે એટલી શેરડી ખાઈ શકો છો, પણ એની ફી પેટે લાઈવ પરફોર્મન્સ કરવું પડશે. (પા.૨૭)

‘કાગડો અને પૂરી’ વાર્તામાં કાગડો પૂરી લઈને ઝાડની ડાળીએ જઈ બેઠો અને એને કાળિયો કૂતરો જોઈ ગયો. પૂરી પડાવી લેવા એણે જૂનો ઉપાય અજમાવ્યો અને એણે કાગડાને શું કહ્યું અને કાગડાએ શું કર્યું? વાંચો.

કાગડાભાઈ તમારો સ્વર એટલો સુરીલો છે કે તમે જ્યારે ગાવ છો ત્યારે હની સિંહ પણ ભૂલી જવાય છે. તમે એકાદું ગીત ગાઈ સંભળાવો ને ? કાગડાએ તરત જ પોતાની પૂરી સાચવીને ડાળ પર ગોઠવીને મૂકી અને રાગ કર્કશામાં કાં કાં ગાવાનું શરૃ કર્યું.(પા.૩૨)

‘ગણેશજીનું માથું હાથીનું કેમ?’ વાર્તામાં ગણેશજીનું છેદાયેલું મસ્તક જ પુનઃ ન ચોંટાડી શકાયું એ મુદ્દે બાળસહજ જિજ્ઞાસાવૃત્તિ, જુઓ.

ઇટ્સ અનએક્સેપ્ટેબલ. પ્લાસ્ટિક સર્જરીથી માથું જોડી શકાય તો એલિફન્ટનું જ શું કામ? કપાઈને પડેલું ગણેશજીનું માથું જ કેમ ન ચોંટાડ્યું? મેં ઈન્ટરનેટ પર વાંચેલું કે જો કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણની અસરથી બહાર ફેંકવો હોય તો એને ૧૧.૨ કિમી પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવો પડે. જેને એસ્કેપ વેલોસિટી કહે છે. એનો મતલબ એ થયો કે કપાઈને ફંગોળાયેલા માથાનો પ્રારંભિક વેગ એના જેટલો કે એનાથી વધુ હશે એટલે જ કોઈને એ જડ્યું નહીંં.

‘તરસ્યો કાગડો’ વાર્તામાં પાણીના કૂંજામાં પરંપરાગત રીતે પથ્થર નાંખીને પાણી મેળવનારો મજૂર કાગડો, બિસ્લેરીની બોટલમાંથી સ્ટ્રો વડે પાણી પીતો સ્માર્ટ કાગડો અને શહેરના નળમાંથી વહેતું પાણી પી સુખી થનારો લકી કાગડો એવા પ્રકાર, કાગડાની હકારાત્મક વિચારસરણીને આધારે પાડી આપ્યા છે. તો ‘બ્રાહ્મણ અને ત્રણ ચોર’ વાર્તામાં ત્રણ ચોરોએ બકરીને બદલે કૂતરું ખભે ઊંચક્યું છે એમ સમજાવીને પડાવી લેવાની વૃત્તિ દર્શાવી, પરંતુ ત્રણેયને મહેનત કર્યા પછી અંતે ખબર પડે છે કે પોતાના ખભે બકરી ઊંચી કરીને જતો ખડતલ બ્રાહ્મણ બહેરો છે ત્યારે એમની હાલત દયનીય થઈ જાય છે.

૨૯ વાર્તાઓમાંની અન્ય વાર્તાઓમાં દૂધનું તળાવ, નકલમાં અક્કલ નહીં, ઉંદર સાત પૂંછડીવાળો, એકતામાં બળ, કીડી અને તીડ, વાઘ આવ્યો વાઘ, વાંદરો વગેરે જેવી પંચતંત્રની પ્રખ્યાત વાર્તાઓનો સમાવેશ થાય છે. દરેક વાર્તામાં અવનવી રીતે બોલી અને ભાષાના પ્રયોગ પણ થયા છે. ક્યાંક કાઠિયાવાડી, ક્યાંક મેહોણી, ક્યાંક ચરોતરી તો ક્યાંક સુરતી, તો ક્યાંક ગુજલિશ જેવા પ્રયોગો દ્વારા વાર્તાને ગુજરાતી ભાષાને અનેકવિધ રીતે બોલતી નવી પેઢી માટે, તદ્દન નવી રીતે મૂકવામાં આવી છે. જોકે બાળવાર્તાનું ફોર્મેટ હોવાથી વાર્તાને અંતે બોધનું તત્ત્વ તો રહ્યું છે છતાં પણ આ વાર્તાઓ આબાલવૃદ્ધને મજા કરાવે એવી રીતે કહેવાઈ છે. આજની પેઢી જેની પાછળ ઓળઘોળ થઈ છે એ મોબાઇલ કે ટીવી કરતાંય મજા પડે એવો અવર્ણનીય આનંદ તો આપણી વાર્તાઓ જ આપી શકે એ વાતનો આ પુસ્તક એક વધુ સબળ પુરાવો છે.

——————————————

ન્યૂ જનરેશનપંચતંત્રપરિક્ષિત જોષીરિડિંગ હેબીટ
Comments (0)
Add Comment