સોશિયલ મીડિયા ડિપ્રેશનની ભેટ ન આપે તેનું ધ્યાન રાખજો

સોશિયલ મીડિયાએ લોકોની પરેશાની વધારી છે
  • હેલ્થ – ભૂમિકા ત્રિવેદી

એક દિવસ સોશિયલ મીડિયા ચેક કરવા ન મળે અને તમને બેચેની થઈ જતી હોય તો આજે જ ચેતી જજો. આ પરિસ્થિતિ આગળ જતા ડિપ્રેશનની ભેટ આપી શકે છે.

સોશિયલ મીડિયા સારું છે, પરંતુ ‘અતિ સર્વત્ર વર્જયેત’ની જેમ જ સોશિયલ મીડિયાનો અતિરેક પણ નુકસાન પહોંચાડી શકે છે. વૉટ્સઍપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન હોય અને આપણો મૂડ પણ ડાઉન થઈ જાય તે પરિસ્થિતિ થોડી વધુ પડતી છે. થોડા મહિના પહેલાં વૈશ્વિક સ્તરે ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ અને ફેસબુકનું સર્વર ડાઉન થતાં અડધી દુનિયા ટેન્શનમાં આવી ગઈ હતી, તેમજ આવું કેમ થાય છે તેની પોસ્ટ વહેતી થવા લાગી. આ સિચ્યુએશનને અતિરેક સો ટકા કહી શકાય. ઑફિસ કે સ્કૂલ કૉલેજથી ઘરે આવીને તમારા મિત્રએ શું પોસ્ટ કર્યું અથવા તમારી પોસ્ટને કેટલી લાઇક્સ, કેટલા વ્યૂઝ મળ્યા તે જોયા વગર તમને પણ ચેન પડતું ન હોય તો તમે પણ આ ગંભીર રોગના શિકાર છો. સાઇકોલોજિસ્ટો કહે છે કે, મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેવાથી આજે લોકો ઊંઘ પુરી ન લઈ શકતા તેની અસર વ્યક્તિના સ્વભાવ પર પડે છે. વ્યક્તિ થાક ફીલ કરે છે, કામમાં, ભણવામાં મન લાગતું નથી અને જિંદગી નિરર્થક લાગે છે.

સંશોધકોએ તો એ સાબિત પણ કરી દીધું છે કે સોશિયલ મીડિયાએ લોકોની પરેશાની વધારી છે. કેમ કે તેનો લિમિટમાં ઉપયોગ કરવાની બાબત આપણે ભૂલી ચૂક્યા છીએ અથવા શીખવાનું રહી ગયું છે. ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી ધ્યાનની ખામી, હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર, ઇમ્પલસિવ ડિસઓર્ડર, મગજ કામ ન કરે અને એકલાપણાની સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકો એવા છે જે થોડી વાર પણ સોશિયલ મીડિયાથી દૂર રહી શકતા નથી. ફેસબુક પોસ્ટ જોઈને બીજા સાથે સરખામણી કરવાથી પણ ધીમે ધીમે વ્યક્તિમાં ડિપ્રેશન આવતું જાય છે. વ્યક્તિઓ એ વાત સ્વીકારી શકતા નથી કે તે એક વર્ચ્યુઅલ વર્લ્ડ છે. કોઈ વ્યક્તિ પોતાની ખરાબ યાદો કે બદસૂરત તસવીર સોશિયલ મીડિયામાં શેઅર કરવાનું પસંદ કરતી નથી.

સોશિયલ મીડિયા એન્ગ્ઝાઇટીનાં લક્ષણો પણ જાણો

*           કોઈની સાથે વાત કરતા હો ત્યારે પણ સોશિયલ મીડિયા ચેક કરતા રહેવું.

*           મિત્રોને, લોકોને મળવા કરતાં સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવો.

*           ટિકટૉક પર વીડિયો બનાવવા માટે કે વૉટ્સઍપ ગ્રૂપ પર વાતો કરવા ઘરના તેમજ ઑફિસના કામ પુરા ન કરવા.

*           ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર દરરોજ છ કલાકથી વધુ સમય વિતાવવો.

*           સોશિયલ મીડિયા પર કંઈ શેઅર ન કરો ત્યાં સુધી ચેન ન પડવું.

*           સોશિયલ મીડિયા સાઇટ્સને ચેક કરવા ફોન ૨૪ કલાક સાથે રાખવો.

આટલું કરો

*           તમે પોલીસ, ડૉક્ટર કે કોઈ ઇમરજન્સી ફિલ્ડમાં ન હો ત્યાં સુધી ઓશિકા સાથે મોબાઇલ રાખીને સુવાની જરૃર નથી.

*           બિન જરૃરી જોક, ફોરવર્ડેડ મેસેજ, વાઇરલ વીડિયો મોકલવાનું ટાળો.

*           મોબાઇલને રાત્રે એક ડ્રોઅરમાં રાખવાની ટેવ પાડો. આખા ઘરના બધા ફોન તેમાં રાખી શકાય.

——————————-

ભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment