- યુવા ( ફેેમિલી ઝોન ) – હેતલ રાવ
હરવા-ફરવામાં અને હંમેશાં કંઈક નવું કરવા માટે યુવાનો તૈયાર જ હોય છે. છેલ્લા થોડા સમયથી યુવાનોમાં સ્કૂબા ડાઇવિંગનો ટ્રેન્ડ વધુ જોવા મળે છે. પાણીના ઊંડાણમાં જઈને ત્યાંની જુદી જ દુનિયાનાં રહસ્યો જાણવા અને પાણી જીવને ઓળખવાનો અનુભવ જુદો હોય છે.
સ્કૂબા ડાઇવિંગ આમ તો વિદેશી લોકોની પ્રથમ પસંદ છે, પરંતુ ભારતીયો પણ તેમાં જાય તેમ નથી. હવે તો ગુજરાતી યુવાનો પણ ફરવાની સાથે આ શોખને માણી રહ્યા છે. અંડરવૉટર, પાણીની અંદરની એક જુદી જ દુનિયા જોવાનો અનુભવ સ્કૂબા ડાઇવિંગ પૂર્ણ કરે છે. કંઈક જુદંુ કરવા અને અન્ય કરતાં વિશેષ શોખ ધરાવતા યુવાનો માટે જ આ પ્રવૃત્તિ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે માત્ર ને માત્ર દરિયાઈ જીવને પ્રેમ કરનારા યુવાનો જ આનો લહાવો લે છે, કારણ કે હવે તો સ્કૂબા ડાઇવિંગ કરવું અને કરાવવું બંને ટ્રેન્ડમાં છે. સુંદર માછલીઓની સાથે તરવું અને તે પણ તેમના વિશ્વમાં તે બધાથી અલગ ફીલિંગ હોય છે. માટે યુવાનો હવે આ તરફ વધુ પ્રેરિત થઈ રહ્યા છે. ભારતમાં સ્કૂબા ડાઇવિંગ માટે ઘણા ટાપુ અને દરિયા જાણીતા છે, પરંતુ ગુજરાતીઓ માટે ગોવા પ્રથમ પસંદ છે.
આ વિશે વાત કરતા સ્કૂબા ડાઇવિંગના જાણીતા આનંદ પરમાર કહે છે, ‘સ્કૂબા એ સાધન છે જેનાથી પાણીની અંદર પણ શ્વાસ લઈ શકાય છે. દરિયામાં ઊતરતાં પહેલાં તે પહેરવું અનિવાર્ય છે. દરિયાની અંદર કેવી દુનિયા હશે.. તેવા પ્રશ્નના ઉત્તર મેળવવા યુવાનો અહીં આવે છે. સમુદ્ર કુદરતે બનાવેલી એવી જગ્યા છે જે માનવજાતિના નિયંત્રણથી પર છે. પાણીની અંદર શ્વાસ લેવો શક્ય નથી માટે જ સ્કૂબા ડાઇવિંગ એ તક પૂર્ણ પાડે છે. થોડા સમયનો આ અનુભવ યુવાનો માટે જીવનભરની યાદ બની જાય છે.’
જ્યારે ગોવામાં સ્કૂબા ડાઇવિંગની મજા માણી ચૂકેલા આશ્વા પટેલ અને તેનું ગ્રૂપ કહે છે, ‘આ એવી ક્ષણ હોય છે જે તમે ક્યારેય ભૂલી નથી શકતા. દરિયાની અંદર જવાની કલ્પના જ તમને રોમાંચિત કરે છે. હા, તેના માટે સુરક્ષિત રહેવું પણ જરૃરી છે. સાથે જ તમારે ડાઇવિંગની ટ્રેનિંગ લેવી પણ આવશ્યક છે. સ્કૂબા ડાઇવિંગમાં તમે શાર્ક સાથે તરવાનો અનુભવ પણ માણી શકો છો જે તદ્દન અલગ હોય છે. સ્ટીલના પાંજરામાં તમને બંધ કરીને શાર્ક માછલીઓને તમારી આસપાસ છોડવામાં આવે છે. હૃદયના ધબકારા વધી જાય છે, પણ વર્ણી ન શકાય તેવો અહેસાસ લાઇફ ટાઇમ તમારી સાથે રહે છે. અમે તો આ મજા નથી માણી શક્યા, પરંતુ અમારી સાથે આવેલા અન્ય ગ્રૂપે જ્યારે શાર્ક માછલીની વાત કરી ત્યારે અમારા રૃંવાટા ઊભા થઈ ગયા હતા. જીવનમાં એકવાર તો સ્કૂબા ડાઇવિંગની મજા માણવી જ જોઈએ.’
ફિલ્મોમાં જ્યારે કલાકારોને ઊંડા પાણીમાં જોઈએ છીએ ત્યારે તેમની સાથે આપણે પણ તેની મજા લઈએ છીએ. રીલ લાઇફની મજા ઘણી થઈ હવે રિયલ લાઇફમાં પણ સ્કૂબા ડાઇવિંગને એન્જોય કરો.
————————-