ખાણીપીણી – બેસન રવા ઢોકળાં અને કેળાંની ચિપ્સનો રસાસ્વાદ

ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ તો ખરાં, પણ ગુજરાતની બહાર અને વિદેશમાં ગુજરાતીઓની ઓળખ છે.
  • ખાણીપીણી – હેતલ રાવ

બેસન રવા ઢોકળાં
ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ તો ખરાં, પણ ગુજરાતની બહાર અને વિદેશમાં ગુજરાતીઓની ઓળખ છે. ફરસાણ ગણાતાં ખમણ-ઢોકળાંએ હવે આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી છે ત્યારે આવો, બેસન રવા ઢોકળાં બનાવવાની રીત જાણીએ.

સામગ્રી ઃ બેસન, રવો, પાણી, દહીં, હળદર, ફ્રૂટ સોલ્ટ, મીઠું, તેલ, રાઈ, લીલાં મરચાં, કોથમીર, ખાંડ, લીંબુનો રસ, મીઠા લીમડાનાં પાન, કોપરાની છીણ.

રીતઃ બેસન અને રવાને મિક્સ કરો. હવે તેમાં દહીં, હળદર, મીઠું અને પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરામાં કોઈ ગઠ્ઠા ન રહે તેનું ધ્યાન રાખો. ખીરું તૈયાર કર્યા બાદ તેને થોડો સમય રહેવા દો. હવે કૂકરમાં થોડું પાણી મૂકી તેમાં ઢોકળાંનું સ્ટેન્ડ મૂકો. ઢોકળાંની થાળીમાં પહેલાં તેલથી ગ્રીસિંગ કરી લો. જેથી જ્યારે ઢોકળાં તૈયાર થાય ત્યારે તે સરળતાથી કાઢી શકાય અને થાળીમાં ચોંટે નહીં. હવે ખીરામાં ખારો ઉમેરો. ખારો ઉમેરવાથી ઢોકળાં ફૂલશે અને પોચાં બનશે. ફરી એકવાર ખીરું બરાબર હલાવી લો. હવે ગ્રીસિંગ કરેલી થાળીમાં બેસન-રવાનું ખીરું પાથરો અને તેને કૂકરમાં મૂકી દો. કૂકરને બંધ કરી વીસથી પચ્ચીસ મિનિટ સુધી ઢોકળાંને ચઢવા દો. જો તમે ઢોકળાંના સ્ટેન્ડમાં ઢોકળાં બનાવી રહ્યા હો તો ઠીક છે, પણ જો કૂકરમાં ઢોકળાં બનાવી રહ્યા હો તો કૂકરને સીટી ન લગાવશો. વીસ મિનિટ બાદ ઢાંકણ ખોલી ઢોકળાં બરાબર ચઢી ગયા છે કે નહીં તે જુઓ. એ જોવા માટે ચમચી અથવા છરીને ઢોકળાંમાં નાંખો. જો ધાર પર ખીરું ન ચોંટે તો સમજવું કે ઢોકળાં તૈયાર છે. એક કડાઈમાં વઘાર તૈયાર કરો. વઘાર માટે તેલ, મીઠા લીમડાનાં પાન, લીલાં મરચાંના ટુકડા, રાઈ અને તલ નાંખો. હવે આ વઘારને ખાંડના તૈયાર કરેલા પાણીમાં નાંખી દો. ત્યાર બાદ કોપરાના છીણ અને કોથમીરથી ગાર્નિશ કરો. હવે ઢોકળાંના ચોસલા પાડી તેને બહાર કાઢી લો. તો તૈયાર છે બેસન-રવા ઢોકળાં. સામાન્ય રીતે ઢોકળાં બનાવવા માટે બેસનનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ રવાને કારણે ઢોકળાંને થોડો કુરકુરો ટચ મળે છે. તેમજ બાળકોને પણ થોડો અલગ ટેસ્ટ મળે છે, જે લોકોને એકલું બેસન ન પચતું હોય એ લોકો માટે પણ બેસન-રવા ઢોકળાં સારો વિકલ્પ સાબિત થાય છે. જરૃરી નથી કે ઢોકળાંને તમારે ચોરસ જ કટ કરવા. તમે તેને જુદા જુદા આકારમાં પણ કાપી શકો છો. લીલી ચટણી સાથે બેસન-રવા ઢોકળાંનો લુત્ફ ઉઠાવો.
——.

કેળાંની ચિપ્સ
સામગ્રી ઃ કાચાં કેળાં, મીઠું, મરચું, હળદર, મરી, ચાટ મસાલો તેલ.
રીત ઃ એક વાસણમાં પાણી લો અને તેમાં મીઠું ઉમેરો. હવે કેળાની છાલ ઉતારી તેની પાતળી પાતળી ચિપ્સ બનાવી લો. ચિપ્સને મીઠાના પાણીમાં નાંખો. દસ મિનિટ સુધી આ ચિપ્સને પાણીમાં પલાળી રાખો. હવે કેળાંની ચિપ્સને એક કાપડ પર પાથરી તેને પંખા નીચે સૂકવવા મૂકી દો. ચિપ્સ બરાબર સૂકાઈ જાય એટલે તેને ગરમ તેલમાં તળી લો. ધ્યાન રહે કે તેલને બરાબર ગરમ થવા દેવું પણ જેવી ચિપ્સ તેલમાં નાંખો કે ગેસની આંચ ધીમી કરી દેવી. જેથી ચિપ્સ બળી ન જાય અને ક્રિસ્પી તળાય. ચિપ્સ તળીને તૈયાર થઈ જાય પછી તેને એક નેપ્કિન પર કાઢી લો, જેથી વધારાનું તેલ શોષાઈ જાય. હવે એક વાડકામાં હળદર-મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો. આ મસાલો કેળાંની ચિપ્સ પર છાંટો અને કેળાંની ચિપ્સનો આનંદ ઉઠાવો. જો તમારે મસાલો ન નાંખવો હોય તો તમે મરીનો પઉડર પણ નાંખી શકો છો. ઉપવાસ માટે ચિપ્સ તળવી હોય તો પાણીમાં મીઠું નાંખવાને બદલે સિંધવ મીઠું નાંખો.
———————–

ખાણીપીણીહેતલ રાવ.
Comments (0)
Add Comment