- ફેમિસી ઝોન- હેતલ રાવ
આજની ફાસ્ટ જીવનશૈલીમાં મોટા ભાગે લોકો તણાવનો ભોગ બનતા હોય છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ જે રીતે પરિવાર, જોબ અને સમાજના વ્યવહારોની જવાબદારી નિભાવી રહી છે, તે જોતા તેમણે આ સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે, પરંતુ હવે માઇન્ડફુલનેસ થેરાપીથી મહિલાઓ તણાવમાંથી મુક્તિ મેળવી શકે છે.
ઇલાની વધતી જતી ઉંમર અને વધતાં જતાં કામના ભારણને કારણે તે સતત તણાવમાં રહેતી. ઘણીવાર તો તે પતિ અજયને કહેતી પણ ખરા કે હવે ઘર, નોકરી અને આ વ્યવહાર-તહેવાર મારાથી નથી સચવાતા, એમ થાય છે કે બધંુ છોડી ક્યાંક દૂર ચાલી જાઉં, પરંતુ ઘર, બાળકો અને તમારી ચિંતા મને ક્યાંય નથી જવા દેતી. ત્યારે અજય કહેતો કે તું શાંત થઈ જા, જો હવે આપણો કૃતાજ્ઞ મોટો થઈ ગયો છે. સાતમા ધોરણમાં આવી ગયો. જોબ પણ તારી ઇચ્છા છે માટે જ કરે છે અને ઘરની, બહારની આટલી બધી જવાબદારી લઈને ના દોડીશ. થોડું જતું કરતા શીખ. ત્યારે ઇલા તરત જ ગુસ્સામાં બોલી કે તમારે શંુ, પગ લાંબા કરીને ટીવી જોતા-જોતા માત્ર સલાહ આપવી છે. મારી જગ્યાએ કામ કરો તો ખબર પડશે. ઇલા રોજ આ રેકોર્ડ ચલાવતી. હવે અજયને લાગ્યું કે ઇલા માટે કંઈક તો કરવું જ પડશે. તેણે ડૉક્ટરની સલાહ લેવાનું વિચાર્યું, ફેમિલી ડૉક્ટર હતા માટે ખૂલીને વાત કરી, ડૉક્ટરે કહ્યંુ, ઇલાબહેનને દવાની નહીં, પણ માઇન્ડફુલનેસ થેરાપીની જરૃર છે, જેનાથી તે તણાવમુક્ત બનશે. આ થેરાપી એક પ્રકારનું ધ્યાન જ છે. અજયે ઇલાને વાત કરી અને ઇલાબહેન થેરાપી માટે માની ગયાં. માત્ર પંદર દિવસની થેરાપીથી તેમનામાં નવી ઊર્જા આવી.
માઇન્ડફુલનેસ થેરાપી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. હકીકતમાં તો આ એક પ્રકારનું ધ્યાન જ છે, પરંતુ આ થેરાપી મગજને શાંત કરી જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. દરેક વ્યક્તિ માટે આ થેરાપી ઉપયોગી છે, પરંતુ ખાસ કરીને મહિલાઓ જે ઘણી બધી જવાબદારી સાથે જીવન જીવે છે તેમના માટે આ થેરાપી આશીર્વાદરૃપ છે. માઇન્ડફુલનેસ થેરાપી દ્વારા આપણી અંદર, અને આસપાસ બનતી ઘટનાઓ અને સ્થિતિઓ પ્રતિ જાગરુકતા ઉત્પન્ન થાય છે. આ ધ્યાનનો જ એક પ્રકાર કહી શકાય, ફરક માત્ર એક જ છે કે ધ્યાન કરવા માટે કોઈ ચોક્કસ સમય નક્કી કરીએ છીએ જ્યારે માઇન્ડફુલનેસ માટે આપણે જે જગ્યાએ હોઈએ છીએ ત્યાં આપણે પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. એટલંુ જ નહીં, પરંતુ તે ક્ષણને મહેસૂસ કરી તેને જીવવાની હોય છે.
આ વિશે વાત કરતાં ધ્યાન કેન્દ્રનાં ઊર્મિલાબહેન ઉપાધ્યાય કહે છે, ‘અમારી ભાષામાં આ થેરાપીને ધ્યાન જ કહેવાય, પરંતુ મગજને સંપૂર્ણ પણે કેન્દ્રમાં રાખવામાં આવે છે જેના કારણે માઇન્ડફુલનેસ થેરાપી કહી શકાય. આ તકનીકની નિયમિત રીતે પ્રેક્ટિસ કરવામાં આવે તો ધીમે-ધીમે ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિ પણ ખુશ રહેતા શીખી જાય છે. આ થેરાપી દ્વારા જે ક્ષતિ હોય તેની સાથે આપણે જોડાઈ જઈએ છીએ. એટલંુ જ નહીં, તેને સ્વીકારી પણ લઈએ છીએ. માટે ભવિષ્યમાં શું બનશે, વર્તમાનમાં કેમ આવું બની રહ્યંુ છે કે ભૂતકાળ કેમ નબળો હતો આ બધાં કારણ વગરના વિચારોથી મુક્તિ મળી જાય છે અને એ હકીકત સ્વીકારી લઈએ છીએ કે જે નજર સમક્ષ છે તે જ હકીકત છે તેમાં ખુશ રહેવાથી જ મુશ્કેલીઓનો હલ થશે. આ થેરાપી કરવા માટે કોઈ ખાસ જગ્યાએ જવાની જરૃર નથી, કે નથી મસ મોટી ફી ચૂકવવાની જરૃર. માઇન્ડફુલનેસ થેરાપી કરવા માટે તમે ગમે ત્યારે ગમે ત્યાં બેસીને ધ્યાન કરી શકો છો. જેમ કે ઘરમાં જમીન પર બેસીને કે પછી ખુરશી પર બેસીને પણ કરી શકો છો. કમરને ટટ્ટાર રાખી બેસો અને દસ મિનિટ સુધી ધ્યાન કરો અને તમારી સમક્ષ જે સ્થિતિ છે તેનો સ્વીકાર કરી માત્ર એટલું જ વિચારો કે જે સત્ય છે તે સામે છે, અને જે થવાનું છે તે થઈને જ રહેશે. બસ, આ રીતે પંદર દિવસ નિયમિત કરશો તો ચોક્કસથી તમારા જીવનમાં ઊર્જા મળશે. બની શકે તો આ થેરાપીને જીવનમાં પૂર્ણ રીતે ઉતારી લો.’
તણાવમાંથી પસાર થઈને ફરી એકવાર જીવનને નિયમિત કરનારાં અમદાવાદનાં પ્રીતિબહેન રાજુભાઈ સરવૈયા કહે છે, ‘નાની હતી ત્યારે જ માતાનું નિધન થઈ ગયું, પિતાજીએ બીજા લગ્ન કર્યાં. નાની ઉંમરમાં લગ્ન થઈ ગયાં. ઘરની બહારની દરેક જવાબદારી મારા પર આવી ગઈ. પહેલાં તો આર્થિક સંકડામણમાંથી પણ પસાર થવું પડ્યું, પરંતુ તે સમયે પણ હિંમત રાખી પતિને સતત પ્રોત્સાહન આપતી રહી. ધીમે ધીમે બદલાતી ગઈ. સંતાનો પરિવાર બધું સેટ થવા લાગ્યું, પણ હું શારીરિક રીતે નબળી પડવા લાગી. પેટના દુઃખાવાના કારણે હું સતત ટેન્શનમાં રહેતી હતી. મોટી બીમારીએ ઘર કરી લીધું છતાં ધ્યાન એક જ્ગ્યાએ કેન્દ્રિત કરવાની ટેવ હોવાના કારણે દરેક મુશ્કેલીમાંથી નિકળતી ગઈ. એમ કહી શકાય કે મારું સમગ્ર જીવન સંઘર્ષમય રહ્યંુ છે. પરિવાર, સંતાન, વ્યવહારો બધંુ સાચવવાનું અને સતત પતિને પણ બધું થઈ જશે એમ કહી પ્રોત્સાહિત કરતા રહેવાનું તે સમય ઘણો મુશ્કેલી ભરેલો હોય છે. છતાં હિંમત રાખવાથી બધું જ થઈ જાય છે. આજે અમે સારી રીતે સેટ થઈ ગયાં છે. દીકરો, દીકરી ઉચ્ચ અભ્યાસ કરે છે. પતિને પણ સરકારી નોકરી છે. બધું જ સારું છે, પણ જો તે કપરા સમયમાં હું ધીરજ ન રાખતી અને પરિસ્થિતિનો સ્વીકાર કરીને જીવવાની જગ્યાએ તેનો અફસોસ કર્યા કરતી તો આજે મારી બીમારીમાંથી પણ બહાર ના આવી હોત. સંતાનોનું ભવિષ્ય પણ ઉજજ્વળ ન હોત અને ઘર પણ સેટ ના થયું હોત. હું દરેક મહિલાને માઇન્ડફુલનેસ થેરાપી કરવાનું કહીશ. રોજ નિયમિત ઘરમાં ધ્યાન કરો. ઑફિસમાં સમય મળે તો ત્યાં પણ કરી શકો છો. થોડો સમય તમારા માટે નિકાળો અને નજર સમક્ષ જે સ્થિતિ હોય તેને સ્વીકારો, શરૃઆતમાં આ કામ અઘરું જરૃર લાગશે, પરંતુ સમય જતા પરિણામ મળશે તેનાથી જીવનની દરેક મુશ્કેલી દૂર થતી લાગશે.’
આણંદમાં જોબ કરતાં કોમલબહેન નિરંજનભાઈ પટેલ કહે છે, ‘હું વર્કિંગ વુમન છું, સાથે અનેક પ્રકારની અધર એક્ટિવિટી કરવાનો શોખ પણ છે. કોઈની મદદ કરવી અને અન્ય કોઈના કામમાં આવવું તેને હું મારી પ્રથમ ફરજ સમજું છું. મારો પરિવાર અમેરિકા રહે છે અને હું અહીં એકલી જ રહું છંુ. માટે ઘર, જોબ અને અધર વર્ક કરવામાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ પોઝિટિવ વિચારોના કારણે હું બધંુ જ મેનેજ કરી લઉં છું. હા, દરેક કામ કરવામાં થોડી ઘણી સમસ્યાનો સામનો તો કરવો જ પડે છે, પરંતુ જો તમે સમસ્યાથી હારી થાકીને બેસી જશો તો સમસ્યા તમારી પર હાવી થઈ જશે. માટે તે સ્થિતિને બદલવાના પ્રયત્ન કરતા રહેવું જોઈએ. માઇન્ડફુલનેસ થેરાપી તમને જે નજર સમક્ષ છે તે સ્થિતિનો સ્વીકાર કરતા શીખવે છે. એટલું જ નહીં, પણ તમને પોઝિટિવિટી પણ આપે છે. તમારે નિયમિત રીતે સારા વિચારોની આપ-લે કરતા રહેવંુ જોઈએ. આજે હું એકલી રહું છંુ તો મારી આસપાસ અને મને ઓળખતા લોકો પણ મને જોઈને પ્રેરણા લે છે, તે મારા જીવનની સફળતા છે. તમે થેરાપીના સ્વરૃપમાં જો કરવા ન માગતા હોવ તો ધ્યાનના સ્વરૃપે કરો. ઘર મંદિર સામે બેસીને પણ ધ્યાન કરી શકો છો, જે છે તેમાં જ ખુશ રહેવું અને તેનો સ્વીકાર કરવો તે ઘણી મોટી વાત છે. ટૂંકમાં, આ થેરાપી તમારા જીવનમાં એટલી બધી પોઝિટિવ ઊર્જા લાવશે કે તમારા માટે કોઈ પણ સમસ્યાને સ્વીકારી તેનું સમાધાન શોધવું સરલ બની જશે.’
બેન્કમાં કેશિયરની જોબ કરતાં અર્ચના પરીન પરીખ કહે છે, ‘તણાવ તો જાણે જીવન સાથે વણાઈ ગયો હોય તેમ લાગે છે. મારી તો જોબ પણ ટેન્શનવાળી જ છે. રોજ સાંજે પૈસા ગણી જમા કરાવતા સમયે એવું જ થતંુ કે હિસાબમાં ભૂલ તો નહીં થઈ હોયને, ઉતાવળે પૈસાની લેણ-દેણ થાય છે તો ચોક્કસથી મારી ભૂલ થઈ જ હશે. આવા નેગેટિવ વિચારોના કારણે રોજ સવારથી લઈને સાંજ સુધી હું ચિંતામાં રહેતી હતી. એટલું જ નહીં, પણ આવા ખોટા વિચારોના કારણે કારણ વિનાની બેચેની રહેતી, જેથી કોઈની પણ સાથે મગજમારી થતી રહેતી. ઘરે જઈને પરિવારમાં વાત કરું તો બધા શાંત રહેવાનું કહે, મારી દીકરી કહેતી કે મમ્મી રોજ ચિંતા કરો છો, પરંતુ ક્યારેય તમારા હિસાબમાં ભૂલ નીકળી છે. ખોટું-ખોટું ટેન્શન કર્યા કરો છો. માઇન્ડફુલનેસ થેરાપી કરો અને પરિસ્થિતિનો સ્વીકાર કરો. દીકરીએ જ ધ્યાન કરતા શીખવ્યું. હવે તો જાણે દરેક સ્થિતિને સ્વીકારતા શીખી ગઈ છું. ધાર્યું તો ઉપરવાળાનું જ થશે તો નાહકની ચિંતા શા માટે કરવી. બસ, આ વિચાર અને ધ્યાને મારી દરેક સમસ્યાનો ઉપાય આપી દીધો છે. માઇન્ડફુલનેસ થેરાપી મગજને શાંત અને ઊર્જાનું પ્રદાન કરે છે.’
આપણા ત્યાં આ થેરાપીથી હજી પણ મહિલાઓ અજાણ છે, પરંતુ તે ક્યાં ચાલે છે, ક્યાં જવંુ, કેટલો ખર્ચ થશે, તેના વિશેની વધુ માહિતી કેવી રીતે મેળવવી જેવા સવાલોના જવાબમાં માત્ર એક જ વાત છે કે ગમે ત્યાં, ગમે તે સ્થિતિને સ્વીકારો મગજને શાંત કરો અને આ થઈ રહ્યું છે, આ જ થશે અને આમાંથી હું બહાર નીકળી જઈશ, જેવા વિચારોને એક્ટિવ કરો. જ્યાં સમય મળે ત્યાં અને જ્યારે પણ પરિસ્થિતિ આપણી મરજી મુજબની ના હોય ત્યાં આ થેરાપી કામ લાગશે. બસ, આંખો બંધ કરો અને દિલને સમજાવો. મગજને શાંત કરો અને સ્વીકારો કે બધું થઈ જશે. ટૂંકમાં, આ થેરાપી વિશે એટલું જ કહી શકાય કે, ઓલ ઇઝ વેલ.
————————.
માઇન્ડફુલનેસ થેરાપી અને તેના ફાયદા
આ થેરાપી કરતા સમયે શ્વાસ પર ખાસ ધ્યાન આપવું જરૃરી છે. એટલંુ જ નહીં, મગજને બરોબર રીતે સાંભળો, તેમાં ક્યા વિચારો ચાલી રહ્યા છે અને તેના પર અંકુશ કેવી રીતે લાવી શકશો તે સ્થિતિને સ્પષ્ટ કરો. ધ્યાનથી સાંભળો અને શરીરનાં અંગ વધુ ખેંચાય તે રીતે ના બેસો. આ થેરાપી માત્ર મહિલા માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે છે. બાળકોને પણ ધ્યાન કરી પોતાના વિચારો પર અંકુશ રાખતા શીખવી શકાય છે. કોઈ પણ પ્રકારના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે આ થેરાપી બેસ્ટ છે. યાદ રાખવાની ક્ષમતા વધારે છે, એકાગ્રતામાં પણ વધારો કરે છે. ભાવાનાત્મક સમતુલા જાળવવામાં મદદરૃપ બને છે. થેરાપીના પંદર દિવસમાં જ તમને શાંતિ અને આનંદનો અહેસાસ થાય છે. હાઈપર-એક્ટિવિટીમાં ઘટાડો થાય છે. ગુસ્સા પર અંકુશ રાખી શકો છો. એક-બીજાને સમજવાની ક્ષમતામાં વધારો થાય છે. નિર્ણય શક્તિ પણ વધે છે, પૂરતી ઊંઘ લઈ શકો છો. આ થેરાપીને ધ્યાન સ્વરૃપે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં નિયમિત બનાવવી જોઈએ.
————————