બેઠાડુ જીવનથી માણસ જલદી ઘરડો બને છે

હાડકાનું ડિજનરેશન તો ખૂબ નાની ઉંમરે શરૃ થઈ જાય છે.

હેલ્થ – ભૂમિકા ત્રિવેદી

આજે ઑફિસ કે ઘરમાં કરતા કામમાં આપણે આપણા મગજનો તો ઘણો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શરીરને હલાવવાની તસ્દી પણ લેતાં નથી. એક રિસર્ચ મુજબ આ કારણે શરીરના કોષો આઠ વર્ષ જેટલા જલદી વૃદ્ધ થઈ રહ્યા છે. શરીરને જેટલું ચલાવીશું તેટલું તે ચાલશે. આરામદાયક જીવન શરીરને પેઢી દર પેઢી નબળું બનાવે છે.

તમે શાંતિથી વિચારો અથવા એક યાદી બનાવો કે તમે દિવસના કેટલા કલાક બેઠા બેઠા પસાર કરો છો. સવારે ઊઠો ત્યારથી નહાવા માટે બેસો છો, નાસ્તો કરવા બેસો છો. ઑફિસ જવા માટે ગાડી કે ટુ વ્હીલર પર બેસો છો. પછી આઠથી દસ કલાક ઑફિસમાં બેસો છો. ઘરે આવીને ટીવી જોવા બેસો છો. પછી જમવા બેસો છો અને રાત્રે સૂઈ જાવ છો. દિવસના આઠ કલાક સૂવામાં અને ૧૦થી ૧૨ કલાક બેસવામાં તેમજ ૪થી ૬ કલાક આમ તેમ જવામાં વિતાવીએ છીએ. આજની જનરેશનને સીટ ડાઉન જનરેશન કહેવાય છે. દિવસનો મોટા ભાગનો સમય બેસવામાં જ કાઢે તેવી જનરેશન. આ કારણે પેઢી દરપેઢી આપણુ શરીર નબળું પડી રહ્યંુ છે.

તમે  ક્યારેક તો માર્ક કર્યું જ હશે કે જે કામ આપણા દાદા કે પપ્પા ૭૦ વર્ષે કરી શકતા હતા તે તેમનો પુત્ર ૫૦ વર્ષે નહીં કરી શકે. લેડીઝને ખાસ એ અનુભવ થતો હશે કે તેમની દાદી જે કામ ૭૦ વર્ષે કરી શકતી હતી તે ૫૦ વર્ષે પણ તેમને થકવી દેશે. આજે મશીનનો યુગ છે. સુવિધાઓ વધી એની સામે શરીર કસવાના કામ ઘટ્યા. શરીરને આરામદાયક જીવન આપીને આપણે તેને વધુ ને વધુ નબળું બનાવી દીધું.

થોડા સમય પહેલાં કેલિફોર્નિયામાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ બેઠાડુ જીવન જીવે છે તેમના કોષોની ઉંમર આઠ વર્ષ એની ઉંમર કરતાં વધી જાય છે. જેને કારણે આ સ્ત્રીઓમાં ઉંમરને લગતા રોગો પણ જલ્દી આવે છે. બેઠાડુ જીવન જીવતી વ્યક્તિને ઓબેસિટી અને તેના લીધે કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગો ઘર કરી જાય છે. વધુ પડતંુ વજન હાડકાં અને સ્નાયુઓને સીધી અસર પહોંચાડે છે. હાડકાનું ડિજનરેશન તો ખૂબ નાની ઉંમરે શરૃ થઈ જાય છે. બેઠાડુ જીવનની અસર માત્ર સ્ત્રીઓ નહીં, પુરુષો પર પણ થાય છે.

શું કરી શકાય ?
જેમ કોઈ પણ મશીનને લાંબો સમય સુધી વાપરવામાં ન આવે તો તેને કાટ લાગી જાય છે. મશીનને સમયાંતરે ઓઇલિંગની જરૃર પડે છે તેજ રીતે શરીરનું પણ એવું જ છે. બેઠાડુ જીવનથી છુટકારો કદાચ શક્ય નથી, પરંતુ કેટલાક એવા ફેરફારો લાવી શકાય જેના લીધે તમારી શારીરિક એક્ટિવિટી થોડી વધી શકે છે અને અર્લી એજિંગને રોકી શકાય છે. જે અંગને ઓછંુ ઉપયોગમાં લઈએ તે જલ્દી ઘસાય છે. પહેલાં કરતાં અત્યારે ઘૂંટણના પ્રોબ્લેમ વધુ થાય છે તેનું કારણ છે. બેઠાડુ જીવન. આમ ન થાય તે માટે એક એક્ટિવ લાઇફસ્ટાઇલ માટે તૈયાર રહો. વ્યક્તિની ઉંમર ગમે તે હોય, પરંતુ પોતાના કામ માટે બીજા પર નિર્ભર રહેવું ન પડે એટલી ક્ષમતા કેળવો. ઘરના નાના મોટા કામ જાતે કરો, એકની એક જગ્યાએ બેસી ન રહો. સવારે અને સાંજે ચાલવા જાવ અને આ રૃટિન જાળવો. ચાલવું એક આદત બનાવો. ફોન પર ચાલતા ચાલતા વાત કરો. નજીકની જગ્યાએ ચાલીને જાવ. શાક કે કરિયાણુ જાતે જ ઊંચકીને લાવો. સીડી ચડી શકતા હો તો લિફ્ટનો ઉપયોગ ન કરો. યોગ અને પ્રાણાયામ કરો. ચાલવું અને સ્વિમિંગ બંને કસરતો શરીર માટે સેફ છે. તેમાં ઇન્જરીની શક્યતા પણ નથી તેથી તે કરી શકાય.—————————

ભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment