કેમ્પ ફાયરઃ પરિવાર સાથે પિકનિકનો નવો ટ્રેન્ડ 

હવે કેમ્પ ફાયરની વ્યાખ્યા થોડી બદલાઈ છે.
  • ફેમિલી ઝોન ( યુવા ) – હેતલ રાવ

ઠંડીની મોસમ બરાબર જામી છે ત્યારે યુવાનો કેમ્પ ફાયરનું આયોજન ના કરે તેવું તો બને જ કઈ રીતે..! પરંતુ હવે કેમ્પ ફાયરની વ્યાખ્યા થોડી બદલાઈ છે. અત્યાર સુધી યુવાનો સાથે મળી કોઈ ફાર્મ હાઉસ કે પછી પિકનિક સ્પોટ પર કેમ્પ ફાયરનું આયોજન કરતા, પણ હવે આ કેમ્પ ફાયરમાં યુવાનો સાથે ઘરના વડીલો પણ ઠંડીને એન્જોય કરે છે.

છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોમાં કેમ્પ ફાયરનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો સાથે મળીને એક બે દિવસ માટે પિકનિક કે પ્રવાસનું આયોજન કરે છે. જેમાં રાત્રીના સમયમાં લાકડાંને ફાયર કરી ચોતરફ બેસીને ઠંડીની મજા માણે છે અને સાથે મજાક-મસ્તી પણ કરે છે. આ ઉપરાંત પણ શહેરથી દૂર આવેલા કોઈ મિત્રના ફાર્મ હાઉસ કે બંગલામાં કેમ્પ ફાયરનું આયોજન કરે છે. જેમાં સમગ્ર પાર્ટી કેમ્પ ફાયરની આજુબાજુ જ રાખવામાં આવે છે. આ ટ્રેન્ડથી હટી આજના યુવાનો હવે ફેમિલી સાથે પણ કેમ્પ ફાયરનું આયોજન કરે છે. ઘણા ફ્રેન્ડ્સ-ગ્રૂપ એવા હોય છે જે રોજબરોજ એકબીજાના ઘરે આવતા જતા હોય છે. જેના કારણે મિત્રની સાથે-સાથે તેમના પરિવાર પણ એકબીજાથી પરિચિત હોય છે. તો ઘણા યુવાનો બાળપણથી જ સાથે સ્ટડી કરીને મોટા થયા હોય છે. આવા ગ્રૂપ પોતાની ફેમિલીને પણ કેમ્પ ફાયર પાર્ટીનો હિસ્સો બનાવે છે. આજકાલ આ ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે છે.

પરિવાર છે તો આપણે મજાક-મસ્તી નહીં કરી શકીએ, એ વિચારશૈલી ધીમે ધીમે આજના યુવાનોમાં ઓછી થતી જાય છે. તેની પાછળનું એક કારણ એ પણ છે કે આજના પેરેન્ટ્સ પણ પોતાનાં સંતાનો સાથે મૈત્રીભાવ રાખતાં થયા છે. જેના કારણે આવી પાર્ટી માટે યુવાનો ઘરનું આંગણ, સોસાયટીનું કમ્પાઉન્ડ કે પછી કોઈ મિત્રનું ફાર્મ પસંદ કરે છે.

આ અંગે આર્યન ગુપ્તા કહે છે, ‘હા, એ વાત બિલકુલ સાચી હતી કે પહેલાં યુવાનો એકલા જ મોજમસ્તી કરતા હતા. જોકે મારી વાત કરું તો હું કૉલેજના ફર્સ્ટ યરમાં છું અને કેમ્પ ફાયર પાર્ટીમાં પ્રથમ વાર ભાગ લઈ રહ્યો છું, પરંતુ વિન્ટરમાં ચાલતા કેમ્પ ફાયર વિશે ઘણુ બધું જાણું છું. અમે મિત્રોએ સાથે મળીને આવા કેમ્પનું આયોજન કરવાનું વિચાર્યું ત્યારે મારી બાળપણની મિત્ર માયરા રાજેશ્વરીએ કહ્યંુ કે, આ કેમ્પ આપણે શહેરની બહાર જઈને કરીશંુ તો ઘણા પેરેન્ટ્સ આ માટે રજા નહીં આપે. બીજું કે બહાર જઈને બધું આયોજન કરવું, વધારે ખર્ચ કરવો તેના કરતાં આપણે કોઈ એક મિત્રની સોસાયટીના કમ્પાઉન્ડમાં જ કેમ્પનું આયોજન કરીએ અને સાથે આપણી ફેમિલીને પણ ઇન્વોલ કરીશું. વડીલો સાથે મળીને પાર્ટી કરીશું તો મજા પણ આવશે અને દરેક મિત્ર તેમાં સામેલ પણ થઈ શકશે. અમને બધાને માયરાનો આઇડિયા પસંદ પડ્યો અને અમે અમારા અન્ય એક મિત્ર પૂજનના ફાર્મ પર પાર્ટીનું આયોજન કર્યું.

શિયાળાની કડકડતી ઠંડીમાં અંતાક્ષરીની મજા સાથે કેમ્પ ફાયરની પણ મજા લેવાનો અલગ જ લુત્ફ હોય છે. આજે પણ ગામડાંઓમાં વડીલો ઘરની બહાર કે ગામના પાદરે ભેગા મળી તાપણું કરતા જ હોય છે. ફરક એટલો જ છે કે યુવાનો આ તાપણાને કેમ્પ ફાયર કહે છે અને વડીલો માટે આજે પણ લાકડાં બાળી વગર પૈસે કરાતી મોજ છે.
          ——————

યુવાહેતલ રાવ.
Comments (0)
Add Comment