હૂંફાળા પાણીથી સ્નાન સૌથી બેસ્ટ કેમ ગણાય? 

સ્નાન માટે હંમેશાં હૂંફાળું પાણી વાપરવું જોઈએ.
  • ફેમિલી ઝોન ( હેલ્થ )  – ભૂમિકા ત્રિવેદી

કેટલાક લોકોને અતિશય ગરમ પાણીથી નહાવાની આદત હોય છે. તો કેટલાક લોકો એકદમ ઠંડા પાણીથી નહાતા હોય છે. નહાવા માટે માત્ર હૂંફાળું પાણી જ વાપરવું જોઈએ. પાણી શરીરના તાપમાન પર કેવી રીતે અને કેટલી અસર કરે છે તે જાણવું પણ જરૃરી છે.

સાયન્સની દ્રષ્ટિએ સ્નાન હાઇજિન સંબંધિત ક્રિયા છે, પરંતુ શરીરને સ્વચ્છ રાખવા સિવાય એના બીજા પણ ફાયદા છે. આજે લગભગ દરેક ઘરમાં ગિઝર આવી ગયા છે અને આ કારણે વ્યક્તિ શિયાળો હોય કે માત્ર થોડી ઘણી ઠંડક, ગરમ પાણીથી જ નહાવાનું જ પસંદ કરે છે. ગરમ પાણીથી નહાવાની મજા પણ આવે છે અને વ્યક્તિને આદત પણ પડી જાય છે. આજે પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં લોકો શિયાળામાં નદીના પાણીમાં નહાતા હોય છે. મુંબઈ જેવા શહેરોમાં બારે મહિના ગરમ પાણીથી નહાવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે નહાતી વખતે પાણી કેવું હોવું જોઈએ અને શા માટે.

દાયકાઓથી લોકો કહેતા આવ્યા છે કે નહાવા માટેનું પાણી હૂંફાળું હોવું જોઈએ. ખૂબ ગરમ કે ખૂબ ઠંડા પાણીથી ન નહાવું જોઈએ. ખાસ કરીને ઉંમરલાયક લોકો, જેમને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે હાર્ટ પ્રોબ્લેમ છે તેમણે ખૂબ ઠંડા કે ખૂબ ગરમ પાણીથી ન નહાવું જોઈએ, જ્યારે આપણે ખૂબ ઠંડા પાણીથી નહાઈએ છીએ ત્યારે શરીરમાં રહેલી લોહીની નળીઓ ખૂબ સાંકડી બની જાય છે અને ખૂબ ગરમ પાણીથી નહાઈએ છીએ ત્યારે નસો પહોળી બને છે. આ નસો સાંકડી કે પહોળી થાય ત્યારે તેની સીધી અસર બ્લડ પ્રેશર પર પડે છે. બ્લડ પ્રેશર ઉપર નીચે થાય એટલે હાર્ટ પર જોખમ વધે છે. આ સંજોગોમાં જો વ્યક્તિને પહેલેથી જ હાર્ટમાં તકલીફ હોય કે કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ હોય કે પછી લાંબા  સમયથી ડાયાબિટીસ હોય તો તેના પર જોખમ વધે છે. આમ તો દરેક વ્યક્તિએ આ બાબતનું ધ્યાન રાખવું, પરંતુ જેને રિસ્ક ફેક્ટર હોય તેણે વધુ એલર્ટ રહેવું જોઈએ. નહીંતર જીવ જોખમમાં મુકાઈ શકે છે.

સ્નાન માટે હંમેશાં હૂંફાળું પાણી વાપરવું જોઈએ. સ્નાનનો પહેલો સંબંધ સ્કિન સાથે છે. જો તમારે સ્કિન સારી રાખવી હોય તો હૂંફાળું પાણી જ વાપરવું જોઈએ. ગરમ પાણી વ્યક્તિની સ્કિનને ડ્રાય બનાવે છે. જે વ્યક્તિની સ્કિન ઓઇલી હોય તેને કોઈ પ્રોબ્લેમ થતો નથી, પરંતુ ડ્રાય કે નોર્મલ સ્કિન હોય તેમણે વધુ ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં આમ પણ સ્કિન ડ્રાય થઈ જતી હોય છે અને લોકો ગરમ પાણીથી નહાય છે એમાં વધુ પ્રોબ્લેમ થાય છે. સ્કિન અને હેર બંને સારા રાખવા હોય તો હૂંફાળું પાણી બેસ્ટ છે, અતિ ગરમ પાણી નહીં.

આટલું ખાસ કરો
હૂંફાળા પાણીથી નહાવાનું પૂરું થાય ત્યારે એ ધ્યાન રાખો કે છેલ્લે નહાવાનું પૂરું થાય એ પછી શરીર પર થોડું ઠંડું પાણી નાખવું જરૃરી છે. મોટા ભાગના લોકોને એ જાણકારી નથી કે હૂંફાળા પાણીથી છિદ્રો ખૂલી જાય છે એ પછી તેને બંધ કરવાનું કામ આપણે જ કરવું પડે છે. જો આમ કરવામાં ન આવે તો તેમાં કચરો ભરાઈ જાય છે, જે વધુ નુકસાન કરે છે. આ માટે છેલ્લે થોડું ઠંડું પાણી વાપરીને શરીરને ઠંડંુ કરવામાં આવે છે.
———-

ફેમિલી ઝોનભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment