આપની રસોઈ, આપના માટે, આપ સુધી…
સાબુદાણાની ખીર
સામગ્રી ઃ દૂધ દોઢ લિટર, સાબુદાણા પા કપ, એલચીનો પાવડર-પા ચમચી, સમારેલો મેવો જરૃર પૂરતો, કેસર થોડા તાંતણા
રીત ઃ સાબુદાણાને ખીર બનાવવાના અડધો કલાક પહેલાં ધોઈ, પાણી નીતારી ને રાખી મુકો. જાડા તળિયાવાળી તપેલીમાં દૂધ ગરમ કરો, દૂધ ઉકળવા લાગે અને તેમાં ચાર પાંચ ઊભરા આવે એટલે સાબુદાણા નાખી દો. આને સતત હલાવતા રહો, સાબુદાણા બરાબર ગળી જવા દો. તે પછી તેમાં ખાંડ નાખો. ખીર ઘટ્ટ થવા લાગે અને સાબુદાણા એકદમ પારદર્શક થઈ જાય એટલે આંચ પરથી નીચે ઉતારી લો. કેસરને થોડા પાણીમાં ઘોળો. હવે ખીરમાં સમારેલો મેવો, એલચીનો પાવડર અને કેસર ભેળવો. આના પર તમે ઈચ્છો તો કાજુના ટુકડા અને પિસ્તાના ટુકડા ભભરાવી શકો.
———————–.
ફરાળી પિઝા
સામગ્રીઃ ૨૫૦ ગ્રામ બટાકા, ૫૦ ગ્રામ મોરૈયાનો લોટ, ૨૦૦ ગ્રામ દૂધી, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૧ ટીસ્પૂન તલ, ૧ ટીસ્પૂન ગરમ મસાલો, ૧ ઝૂડી લીલા ધાણા, ૧ લીંબુ માખણ, મીઠું, તેલ, તજ, લવિંગ, ખાંડ, મરચું જરૃર પ્રમાણે.
રીતઃ બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં મીઠું અને મોરૈયાનો લોટ નાંખી બરોબર મસળીને તેની કણક બાંધો. બૅકિંગ ડિશમાં તેલ લગાડી તેમાં બટાકાનો રોટલો બનાવો. તેના પર ચટણી લગાડી દૂધીનું છીણ પાથરી કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. થોડું મરચું અને માખણ લગાવી ઓવનમાં બૅક કરી દહીંની ચટણી સાથે પિઝા સર્વ કરો. ચટણી બનાવવા લીલા મરચા, આદુ, મીઠું અને ધાણા નાંખી થોડો લીંબુના રસને મિક્સ કરો. દૂધીને છીણીને તેલ મુકી તજ, લવિંગનો વઘાર કરો. તે બરોબર બફાય પછી તેમાં ખાંડ, ગરમ મસાલો અને લીંબુ તથા લીલા ધાણા નાંખી મિશ્રણ તૈયાર કરવું. ફરાળી પિઝા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોય છે.
———————–.
રસોઈ ટિપ્સ
* કડક થયેલા લીંબુને થોડીવાર ગરમ પાણીમાં રાખવાથી રસ સારો નીકળે છે.
* નૂડલ્સને બાફી લીધા પછી તેમાં થોડું ઠંડંુ પાણી નાખવામાં આવે તો તે છુટ્ટી રહેશે.
* એક ચમચી ખાંડને ભૂરી થાય ત્યાં સુધી ગરમ કરો. તેને કેકના મિશ્રણમાં મિક્સ કરો, તેનાથી કેકનો રંગ સારો બનશે.
* કાપેલા સફરજન પર લીંબુનાં થોડાં ટીપાં નાખવામાં આવે તો તે કાળું નહીં પડે.
* મરચાના ડબ્બામાં થોડી હિંગ નાંખવાથી તે વધુ સમય સુધી ચાલશે.
* ખીર બનાવતા સમયે ચોખામાં થોડું મીઠું નાખવાથી ખીરની મીઠાશ પણ ઓછી થશે અને તે વધુ સ્વાદિષ્ટ લાગશે.
* ટામેટાંને શેકવા હોય તો તેના પર તેલ લગાવીને શેકવા જોઈએ. જેના કારણે ટામેટા જલ્દી છોલાઈ જાય છે.
* ભજિયા અને પકોડા સર્વ કરતાં પહેલાં તેના પર ચાટ મસાલો લગાવવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.
* પરાઠા બનાવતા સમયે તેમાં એક બાફેલો બટાકો અને એક ચમચી અજમો નાંખવાથી તે સ્વાદિષ્ટ તો બને જ છે સાથે તે ખાવામાં નરમ પણ લાગે છે.
* ફણગાવેલું અનાજ ફ્રીઝમાં મૂકતાં પહેલાં તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો તો તેમાંથી ગંધ નહીં આવે.
* સાબુદાણાના વડા બનાવતા સમયે તેમાં થોડો રાજગરાનો લોટ મિક્સ કરવાથી વડા તૂટતા નથી. બટાકા પણ મિક્સ કરી શકાય.
* ઈડલી બનાવતા સમયે તેના કૂકરમાં ઢાંકણ ઊંધંુ મૂકવાથી ઈડલીમાં પાણી વરસે નહીં અને તે જલ્દી બની જશે.
* દહીં રાતે જમાવાનું ભૂલી ગયા હોય અને બપોરે તેની જરૃર હોય તો ઉકાળેલા દૂધમાં જમાવટ વધુ નાંખીને ડબ્બો બંધ કરી તેને તડકામાં અથવા તો સ્ટેબીલાઇઝર પર રાખવાથી દહીં જામી જશે.
———————–.