વેલ ડન નિશીતા!

'સારા કામ માટે હંમેશાં તત્પર રહેવું જોઈએ

– હેતલ રાવ

કહેવાય છે કે ભણે તે ગણે, પરંતુ દરેક વ્યક્તિ અભ્યાસ નથી કરી શકતી. ખાસ કરીને જ્યારે દીકરીઓના અભ્યાસની વાત આવે ત્યારે ભણીને શું કરશે? પારકા ઘરે જઈને સંસાર જ સાચવવાનો છે ને. એવી અનેક વાતો થતી હોય છે. કોઈ મરજીથી તો કોઈ મજબૂરીથી દીકરીઓને અભ્યાસ નથી કરાવી શકતા. આવી દીકરીઓને અભ્યાસ કરાવવા વડોદરાની એક દીકરીએ અનોખી શરૃઆત કરી છે.

‘મા, મારે ભણવું છે. જો ને, ભાઈને તો તમે શાળાએ મોકલો છો, તો પછી મને કેમ નથી જવા દેતાં. મા કહે છે કે દીકરી, અમે તો બેમાંથી એકને જ ભણાવી શકીએ. માટે ભાઈ ભણે અને તંુ કામે જા.’ આવી તો કેટલીય દીકરીઓ હશે જેમને અભ્યાસ કરવો હોય છે, પરંતુ કરી નથી શકતી. આવી દીકરીઓ માટે વડોદરાની નિશીતા રાજપૂત એક અભિયાન ચલાવી રહી છે. સાચું દાન વિદ્યાદાનને સાર્થક કરતાં નિશીતાએ અત્યાર સુધીમાં સત્તર હજાર કરતાં પણ વધુ દીકરીઓને અભ્યાસ કરાવ્યો છે. ન્યૂઝ પેપરોથી લઈને ટીવી સુધી નિશીતાનું નામ હવે નવંુ નથી રહ્યું, પરંતુ જ્યારે કોઈ નેગેટિવ ન્યૂઝને વારંવાર વાંચતા અને જોતા હોઈએ ત્યારે આવી પોઝિટિવ વાતને પણ ફરી એકવાર રજૂ કરી શકાય તેવા જ આશયથી ‘અભિયાન’એ નિશીતાની મુલાકાત લીધી.

મૂળ રાજસ્થાની અને વડોદરામાં જન્મેલી નિશીતા માતા અલ્પિતા અને પિતા ગુલાબસિંગનું પ્રથમ સંતાન. અલ્પિતાબહેન કહે છે, ‘જ્યારે અમારી નિશીતાનો જન્મ થયો ત્યારે ઘરમાં લક્ષ્મી આવવાથી અમે ઘણા ખુશ હતાં. ભગવાનનો વારંવાર આભાર માનતા. ધ્રુવિલનો જન્મ થયો ત્યારે નિશીતા માત્ર બે વર્ષની હતી. છતાં પણ તેની કાળજી લેતી. બાળપણથી જ બધાની મદદ કરવાની તેની ભાવના આજે પણ યથાવત્ છે.’ જ્યારે ગુલાબસિંગ કહે છે, ‘નિશીતા છે તો મારી દીકરી, પણ દીકરાથી સહેજ પણ ઓછી નથી. સમાજસેવાનું કાર્ય છેલ્લાં બાવીસ વર્ષથી કરું છું અને મારી નિશીતા પણ મારા નકશેકદમ પર ચાલી ગરીબ વિદ્યાર્થિનીઓની જે મદદ કરી રહી છે તેનાથી અમને ગર્વ છે.’

એકવીસ બાવીસ વર્ષની યુવતી જે ફરવા કરતાં ભણવામાં વધુ મજા લે છે. કોઈ પણ વિદ્યાર્થિનીને અભ્યાસ કરવો હોય તો તેની જવાબદારી સહેજ પણ વિચાર્યા વિના ઉપાડી લે છે. એચ.આર.માં માસ્ટર ડિગ્રી મેળવી સી.એસ.આર. કરીને પીજીડીએલપી કરનાર નિશીતા આજે એક બે નહીં, પરંતુ દસ હજાર જેટલી વિદ્યાર્થિનીઓની ફી ભરવા જઈ રહી છે. પોતે સારો અભ્યાસ કરી રહી છે તો અન્ય દીકરીઓ કેમ નહીં. તેમ વિચારી પિતાના માર્ગદર્શન હેઠળ ૨૦૧૧માં નિશીતાએ ગરીબ દીકરીઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની શરૃઆત કરી. સૌ પ્રથમ ૨૪૦ વિદ્યાર્થિનીઓ માટે દાતાઓ તરફથી ચેક આવ્યા. પિતા પાસેથી અને તેમના મિત્રવર્તુળની મદદથી નિશીતાએ ફી ભરવાનું શરૃ કર્યું. સમય વીત્યો તેમ દાતાઓ વધતા ગયા અને વિદ્યાર્થિનીઓની સંખ્યા પણ વધવા લાગી. હાલમાં વડોદરાની ૧૦૦થી પણ વધુ શાળાઓની વિદ્યાર્થિનીઓની ફી નિશીતા ભરે છે.

આ વિશે વાત કરતાં નિશીતા રાજપૂત કહે છે, ‘સારા કામ માટે હંમેશાં તત્પર રહેવું જોઈએ તેવું પપ્પાએ બાળપણથી જ શીખવ્યું છે. આજે હું જે કામ કરી રહી છું તેની મને ઘણી ખુશી છે. ભગવાનનો આભાર પણ માનું છું કે આવા સારા કાર્ય માટે મને સહકાર આપ્યો. શહેરની નામાંકિત શાળાઓમાં તો ધનિક વર્ગનાં બાળકો અભ્યાસ કરતા હોય છે. માટે તે લોકોને કોઈ મદદની જરૃર નથી હોતી, પરંતુ જે શાળાઓ એનજીઓ ચલાવે છે અથવા તો જે નાની શાળાઓ છે. જેની ફી ૨૦૦થી લઈને ૩૦૦ જેટલી હોય છે તેવી ૧૦૭ શાળાની વિદ્યાર્થિનીઓને અભ્યાસ કરવામાં અમે મદદ કરીએ છીએ. જેમાં ફી ઉપરાંત તેમની નોટબુક, પુસ્તકો, યુનિફોર્મ જેવી અનેક જરૃરિયાતો પુરી કરવાનો અમારો ધ્યેય હોય છે. આ વર્ષે દસ હજાર વિદ્યાર્થિનીઓને અભ્યાસ કરાવવાનો અમારો હેતુ છે. જેના માટે એક કરોડ રૃપિયાની સહાય દાતાઓ તરફથી મળશે. મારા જીવનનો ધ્યેય દીકરીઓનેે ભણી-ગણીને પગભર બનાવવાનો છે. જેની માટે હું જીવન પર્યન્ત પ્રયત્ન કરતી રહીશ.’

વડોદરાની  એચ.ડી. બાળકલ્યાણ કેન્દ્ર, મહારાણી, લિટલ ફ્લાવર, સરદાર વિનય મંદિર જેવી અનેક શાળાની વિદ્યાર્થિનીઓની ફી નિશીતા ભરે છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓનો જન્મદિવસ પણ ઊજવવામાં આવે છે. એટલું જ નહીં, એવા દાતાઓ પણ છે જે હોશિયાર વિદ્યાર્થિનીને દત્તક લઈને તેને જ્યાં સુધી અભ્યાસ કરવો હોય ત્યાં સુધીનો તમામ ખર્ચ ઉપાડે છે. નિશીતાના આ કાર્યથી ગરીબ દીકરીઓ  સારો અભ્યાસ કરી પગભર બને છે.  નિશીતા જે કામ કરી રહી છે તેવું કાર્ય જો દરેક શહેર અને ગામમાં થાય તો કોઈ દીકરી અશિક્ષીત ન રહે.
———————————–.

ફેમિલી ઝોનહેતલ રાવ.
Comments (0)
Add Comment