– હેતલ રાવ
એક સમય એવો હતો જ્યારે બે વ્યક્તિ એક જેવા કપડાં પહેરવા પસંદ નહોતાં કરતાં. ત્યાં સુધી કે પેરેન્ટ્સ જો બે ભાઈ કે બહેનોના એક જેવા ફ્રોક કે ટી-શર્ટ લાવે તો તેમના ચહેરાનો હાવભાવ બદલાઈ જતો, પરંતુ હવે યુવાનોમાં અને ફેમિલીમાં એક સરખા પહેરવેશ પહેરવાનો નવો જ ટ્રેન્ડ શરૃ થયો છે.
ડેડી, હું કંદર્પ જેવા પેન્ટ ‘ને ટી-શર્ટ નહીં પહેરું, મને બીજા અલગ કલરનાં અપાવો. જ્યારે કૃપાલીએ નાક ચઢાવતા કહ્યું કે, મમ્મી, હંમેશાં મારા અને નીલમના ડ્રેસ એક જેવા જ લાગે છે. મને તો આવું ગમતું જ નથી. કોઈ બેન્ડવાજાવાળા કહે. આવંુ મારી તમારી અને લગભગ દરેક ફેમિલીમાં ક્યારેક ને ક્યારેક બન્યંુ જ હશે, પરંતુ તે વીતેલા દાયકાની વાતો છે. હવે તો યુવાનો સાથે મળીને એક જેવા કપડાં ખરીદે છે. જેમાં ભાઈ-ભાઈ, બહેન-ભાઈ અને ખાસ કરીને આજનું ફ્રેન્ડસ ગ્રુપ. તો વળી માતા-પિતા પણ પોતાના માટે અને દીકરા-દીકરી માટે એક જેવી ટી-શર્ટ ખરીદે છે. એટલે સુધી કે ઉનાળાની રજાની મજા માણવા જતાં કપલ કે ફ્રેન્ડગ્રુપ એક જેવી ટીશર્ટ પહેરીને પોતાની દોસ્તીને વધુ મજબૂત બનાવે છે.
આ વિશે વાત કરતા દીપ્તિ જોષી કહે છે કે, મારી એક દીકરી છે. મોટા ભાગે કોઈ ફંકશન હોય તો હું અને મારી દીકરી સુહાની એક જેવા કપડાં પહેરીએ છીએ. એટલંુ જ નહીં, નવરાત્રીના સમયમાં ખાસ એક કલરના ચણિયાચોળી પહેરવાની શરૃઆત અમે જ કરી હતી. જોકે તે સમયે આટલો બધો ટ્રેન્ડ નહોતો. હવે તો મેં મારા હસબન્ડ, દીકરી અને મારા માટે એક જેવી ટી-શર્ટ અને જિન્સ ખરીદ્યા છે. જે અમે વેકેશનમાં બહાર ફરવા જતા પહેરીશું. જ્યારે અંકિત પંચાલ કહે છે, ‘બધા મિત્રો સાથે મળીને અમે વોટર પાર્કમાં ગયા હતા ત્યારે દરેક મિત્રએ ઓરેન્જ કલરની ટી-શર્ટ અને બ્લેક કલરનું ટ્રાઉજર પહેર્યું હતું. ટી-શર્ટની આગળ ફ્રેન્ડ્સ ફોરેવર અને પાછળ બધાનાં નામ લખેલાં હતાં. આ ટી-શર્ટ અમે ઓર્ડર આપીને બનાવડાવી હતી.
આ ઉપરાંત માય લિટલ મોનસ્ટાર, માય ડેડી ઇઝ ગ્રેટ, આઇ લવ યુ મોમ, બ્રધર-સિસ્ટર ,બર્થ યર, વેકેશન મૂડ ઓન જેવી અનેક ટી-શર્ટ માર્કેટમાં અને ઓનલાઇન મળે છે. હમ દો હમારે દોમાં તો આ ટી-શર્ટનો ટ્રેન્ડ છે જ, પરંતુ કૉલેજ ગ્રુપ તો દિવસ પ્રમાણે એક જેવી ટી-શર્ટ અને જિન્સ પહેરે છે. વાત આખરે ટ્રેન્ડની છે અને યુવાનોને ટ્રેન્ડી અને કૂલ દેખાવું ગમતું હોય તે સ્વાભાવિક છે.
————————–.