મેકઅપને લાંબો સમય ટકાવી રાખવાના નુસખા

એવું ક્લિન્ઝર પસંદ ન કરો જે ત્વચાને રૃક્ષ બનાવી દે

હેતલ ભટ્ટ

સામાન્ય દિવસોએ કરવામાં આવતો મેકઅપ હોય કે પછી ખાસ પ્રસંગોએ કરવામાં આવતો મેકઅપ- ઘણી વ્યક્તિઓને એક ફરિયાદ રહેતી હોય છે કે મેકઅપ લાંબો સમય ટકતો નથી. તો આ સમસ્યાના નિવારણની વાત આજે આપણે કરવાના છીએ…

સરસ મજાની લિપસ્ટિક લગાવીને ફરતા હોઈએ અને પાણી પીએ ત્યાં લિપસ્ટિક લુછાઈ જવાની અથવા ફેલાવાની ઘટના બનતી હોય છે. કશું ખાવાનું ખાઈએ ત્યારે પણ આ જ હાલ જોવા મળે છે. ભૂલેચૂકે જો આંખ પર કે આંખની આસપાસ પણ હાથ અડી જાય તો આઈ મેકઅપ પણ બગડી જતો જોવા મળે છે. ટૂંકમાં જેમ-જેમ સમય જાય એમ-એમ મેકઅપ બગડી જવાની અથવા લુછાઈ જવાની ફરિયાદો ઊઠતી હોય છે. આ ફરિયાદનું નિરાકરણ લાવવાનું કામ આજે આપણે કરવાના છીએ. મેકઅપ લાંબો સમય સુધી કેવી રીતે ટકાવી રાખવો તેની વાત આજે કરવાની છે.

મેકઅપને લાંબો સમય ટકાવી રાખવા માટે કેટલીક નાની-નાની પણ મહત્ત્વની વાતો પર ધ્યાન આપવું જરૃરી બની જાય છે. જેમ કે, ત્વચાને પાણીથી બરાબર સાફ કર્યા બાદ જ મેકઅપ લગાવો. જેથી મેકઅપ કરવા માટે તમને સ્વચ્છ બેઝ મળે. મેકઅપ ટકાવી રાખવામાં સ્વચ્છ અને સુઘડ બેઝ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારી ત્વચાના પ્રકારને અનુરૃપ ક્લિન્ઝરની પસંદગી કરો. એવું ક્લિન્ઝર પસંદ ન કરો જે ત્વચાને રૃક્ષ બનાવી દે. જો ક્લિન્ઝરની યોગ્ય પસંદગી કરવામાં ન આવે તો પણ મેકઅપ ઝડપથી ત્વચા પરથી ઉતરવા લાગે છે.

બરફના થોડા ટુકડા લઈને એક કપડામાં લપેટીને ચહેરા પર લગાવો. બરફની માલિશ ચહેરાની ત્વચાના રોમછિદ્રોને બંધ કરવાનું કામ કરે છે, જેથી સીબમ અને નૈસર્ગિક ઓઇલ ત્વચા પર ઊભરી નથી આવતા. પરિણામે મેકઅપ માટે એક સારો બેઝ તૈયાર થાય છે. અમુક વ્યક્તિઓ ત્વચા પર સીધો બરફ નથી ઘસી શકતી તો તેમણે બરફના ટુકડા કાપડમાં લપેટીને પછી ચહેરા પર ઘસવા.

મેકઅપ લાંબો સમય ટકાવી રાખવામાં પ્રાઇમર પણ અગત્યનો ભાગ ભજવે છે. આઇલિડ્સ, આંખ અને ચહેરા માટે અલગ-અલગ પ્રાઇમર હોય છે. મેકઅપ લગાવતા પહેલાં ત્વચા પર પ્રાઇમર લગાવવાનું ન ચૂકો. પ્રાઇમર રોમછિદ્રોને નાના કરી દે છે અને સાફ-સુથરો બેઝ તૈયાર કરી આપે છે. આઈ પ્રાઇમર આંખ પર કરચલીઓ નથી પડવા દેતું અને આઈ મેકઅપને ઉભાર આપે છે. ઓઇલ બેઝ મેકઅપ અને વોટર બેઝ મેકઅપનું કોમ્બિનેશન કરો. આમ કરવાથી પણ મેકઅપ લાંબો સમય સુધી નથી ટકી શકતો. આ ઉપરાંત મેકઅપ સેટિંગ સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સ્પ્રે મેકઅપને લાંબો સમય ટકાવી રાખવામાં મદદ કરે છે. તમારી ત્વચાના પ્રકાર અનુસાર મેકઅપ સેટિંગ સ્પ્રેની પસંદગી કરવાનું રાખો.

———–.

ફેમિલી ઝોનહેતલ ભટ્ટ
Comments (0)
Add Comment