– હેતલ રાવ
કોઈ પણ મહિલા ગર્ભવતી હોય ત્યારે બાળકના હલનચલન પરથી ડૉક્ટર બાળકની પરિસ્થિતિ બતાવે છે, પરંતુ કોઈને એ ખ્યાલ નહીં હોય કે બાળકનું સ્વસ્થ, તંદુરસ્ત હોવું તે પૂરતું નથી. બાળક માતાના ગર્ભમાં ફરે છે તેનાથી જ તેનાં હાડકાં જોડાય છે તે વિશે વિશ્વનું શ્રેષ્ઠ રિસર્ચ થયું છે. આવો જાણીએ બાળક ગર્ભમાં શું કામ ફરે છે.
એક સ્ત્રી જ્યારે માતા બનવા તરફ ડગ માંડે છે ત્યારે તે વિશ્વનું સૌથી અમૂલ્ય સુખ ભોગવવા તરફ આગળ વધતી હોય છે. એક-એક પલ તેને પોતાના બાળકની ચિંતા રહેતી હોય છે. સામાન્ય રીતે પ્રથમ ચાર માસ તો તેને કોઈ ખાસ અનુભવ બાળકના ગર્ભમાં હોવાનો થતો નથી, પરંતુ જ્યારે ચાર માસ પૂર્ણ થાય અને બાળકની હાર્ટબીટ્સ શરૃ થાય ત્યારે માતા એક-એક સેકન્ડ બાળકની સાથે વાતો કરતી હોય તેવું લાગે છે. ક્યારેક તેનો નાનો-નાનો હાથ વાગે છે, તો ક્યારેક તેનો પગ કિક કરે છે. આ બધું માતા માટે દુનિયાની દરેક દોલત કરતાં કીમતી હોય છે, કારણ કે આ નવ મહિના દરેક માતા માટે ખાસ હોય છે, પરંતુ હજુ સુધી કોઈ માતાને કે અન્ય કોઈને ખ્યાલ પણ નહીં હોય કે જ્યારે ભ્રૂણ ગર્ભમાં ફરે છે ત્યારે જ તેનાં હાડકાં જોડાય છે. જો ભ્રૂણ ફરવાનું બંધ કરે તો ગર્ભનો વિકાસ તો થશે, પરંતુ તેનાં હાડકાં જોડાશે નહીં, સાંધા નહીં બને. પ્રથમ વખત સાંભળે આ વાત ખોટી લાગતી હશે, પરંતુ એક રિસર્ચમાં આ હકીકત સાચી પુરવાર થઈ છે.
ગર્ભવતી મહિલાઓના અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન ડૉક્ટર ભ્રૂણના હલનચલન પરથી બાળકની પરિસ્થિતિ જાણે ઇછે, પરંતુ બાળક ગર્ભમાં કયા કારણોસર ફરે છે તે અત્યાર સુધી કોઈને જાણ નથી, પરંતુ હવે આઇઆઇટી કાનપુરના બાયોલોજિકલ સાયન્સ એન્ડ બાયોએન્જિનિયરિંગ (બીએસબી) વિભાગના પ્રોફેસર અમિતાભ બંદોપાધ્યાય આ વિષય પરથી પરદો ઉઉઠાવવામાં સફળ રહ્યા છે. જેના માટે તેમણે ત્રણ વર્ષ સુધી આ વિષય પર રિસર્ચ કર્યું છે. જેમાં તેમનો સાથ આયરલેન્ડના જંતુવિજ્ઞાનના પ્રોફેસર પાઉલા મર્ફીએ આપ્યો છે. આ બંને પ્રોફેસરના સહિયારા પ્રયત્નથી આજે એ જાણકારી પ્રાપ્ત થઈ છે કે ભ્રૂણ જો ગર્ભમાં ફરતું ન હોય તો હાથ-પગ કે શરીરના કોઈ સાંધા યાને જોઈન્ટ બનતાં નથી.
ત્રણ વર્ષ દરમિયાન મરઘી અને ઉંદર પર થયેલા રિસર્ચ દરમિયાન તેમને જાણકારી મળી કે જો ભ્રૂણ ગર્ભમાં ફરે નહીં તો માત્ર હાડકાં બની શકે છે, પરંતુ તે જોડાઈ શકતાં નથી. માટે ભ્રૂણનું ગર્ભમાં ફરવું જરૃરી છે. આઇઆઇટી કાનપુરનો આ રિપોર્ટ વિશ્વની શ્રેષ્ઠ શોધમાંથી એક છે. આ રિપોર્ટને અત્યાર સુધીમાં ૯૧.૯૫ લાખ લોકોએ આવકાર્યો છે. બંને પ્રોફેસરે સાથે મળીને આ વિષય પર રિસર્ચ શરૃ કર્યું હતું. પ્રો.મર્ફીએ આયરલેન્ડની પ્રયોગશાળામાં ઉંદર પર અને પ્રો. બંદોપાધ્યાયે આઇઆઇટી લેબમાં મરઘીના ભ્રૂણ પર સંશોધન કર્યું. આ આખી પ્રક્રિયામાં પ્રથમ ભ્રૂણને વિકસિત કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ ધ્યાનથી જોવામાં આવ્યું કે કેવાં પરિવર્તન થયાં છે. સામાન્ય રીતે ગર્ભમાં ભ્રૂણ ફરે છે તેની સૌ કોઈને જાણ હોય છે, પરંતુ કેમ ફરે છે તેની જાણકારી કોઈની પાસે નથી. ભવિષ્યમાં આ સંશોધન મેડિકલ સાયન્સ માટે મહત્ત્વનું પુરવાર થશે તેમાં કોઈ બેમત નથી.
પ્રો.બંદોપાધ્યાયનું કહેવું છે કે, હાડકાં અને કાર્ટિલેજ એક જ સેલથી બને છે. ગર્ભમાં ભ્રૂણ વિકસે તે દરમિયાન બીએમપી પ્રોટીન નીકળે છે જે હાડકાંઓને વિકસિત કરે છે. આ પ્રોટીન સેલથી જ મળે છે. મેડિકલ સાયન્સમાં બીએમપી પ્રોટીનનું મહત્ત્વ ખૂબ રહેલું છે. શરીરના કોઈ પણ ભાગનાં હાડકાં તૂટી ગયાં હોય અને તેને બીએમપી પ્રોટીન મળી જાય તો તેની રિકવરી છ માસમાં થવા લાગે છે એટલે કે તેનાં હાડકાં મજબૂત બનવા લાગે છે.
પ્રો.બંદોપાધ્યાયએ થ્રી-ડી કાર્ટિલેજ પણ તૈયાર કરી છે. શરીરના જુદા-જુદા અવયવો માટે જુદી-જુદી કાર્ટિલેજ હોય છે. પ્રોફેસરે દિલ્હી આઇઆઇટી સાથે મળીને આ કાર્ટિલેજ તૈયાર કરી છે. જે ખૂબ જ મહત્ત્વની છે. તેની ખાસિયત એ છે કે, લાંબા સમય સુધી હાડકાંના રૃપમાં તેનું પરિવર્તન થવંુ સંભવ નથી. ભવિષ્યમાં જેનો ઉપયોગ નિ-રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણના પ્રત્યારોપણમાં થશે જે લાભકારી સાબિત થશે.
જે આઇઆઇટીમાં આ રીતના રિસર્ચ ચાલી રહ્યાં છે ત્યાં ભૂતકાળમાં પણ ઘણા સારાં કાર્યો થયાં છે. જ્યાં વરસાદ ઓછો પડે છે અને દુકાળની સંભાવના વધુ રહેલી છે ત્યાં આઇઆઇટી કૃત્રિમ વરસાદ લાવી શકે તેવી શોધ કરી છે. આ ઉપરાંત એશિયાનું પ્રથમ એરોસોલનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. ફ્લેક્સિબલ ઇલેક્ટ્રોનિક્સ પર રિસર્ચ ચાલી રહ્યું છે, જ્યારે ટ્રેનનું લોકેશન જાણી શકાય તે સૌથી અસરકારક સિમરન પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ હોવા છતાં પણ બજેટના કારણે આજે પણ ડબ્બામાં બંધ છે.
આ વિષય પર પ્રકાશ પાડનાર પ્રોફેસર અમિતાભ બંદોપાધ્યાયની વાત કરીએ તો તે ૧૯૯૨માં કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી બી.એસસી. પાસ કરી ૧૯૯૪માં કોલકાતાના જ વિશ્વવિદ્યાલયમાં એમ.એસસી. કર્યું. આ ઉપરાંત ૨૦૦૨માં યુએસની આલ્બર્ટ આઇનસ્ટાઇન કૉલેજ ઓફ મેડિસિન ઓફ એશિયા યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. હાલમાં તેઓ આઇઆઇટી કાનપુર બાયોલોજિકલ સાયન્સ એન્ડ બાયોએન્જિનિયરિંગમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ નિભાવે છે. જ્યારે પ્રોફેસર પાઉલા મર્ફી યુનિવર્સિટી ઓફ ડબલિન, ટ્રિનિટી કૉલેજમાં જંતુવિજ્ઞાનના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. જેમણે ૧૯૮૨માં મ્યૂન ભેગ વોકેશનલ સ્કૂલથી હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો, ૧૯૮૬માં ટ્રિનિટી કૉલેજ, ડબલિનમાંથી બેચરલની ડિગ્રી પ્રાપ્ત કરી અને ૧૯૯૦માં ધ યુનિવર્સિટી ઓફ ઇડિનબર્ગમાં પીએચ.ડી. કરી. આ રીતનાં સંશોધન કરી રહ્યાં છે. આ બંને પ્રોફેસરોની મહેનતના ફળ સ્વરૃપે આજે આપણે જાણી શક્યા છીએ કે બાળકનું ગર્ભમાં પરિભ્રમણ કરવું કેટલું જરૃરી છે.
બાળક ગર્ભમાં હોય ત્યારથી લઈને તેનો જન્મ થાય ત્યાં સુધીની યાત્રા માતા-સંતાન બંને માટે અલગ અનુભૂતિ હોય છે. જોકે બાળક આ સફરને ભૂલી જાય છે અને માતા માટે આ સફર જીવન જીવવાની જડીબુટ્ટી બની જાય છે, પરંતુ જો બાળક ગર્ભમાં ફરતંુ બંધ થાય તો એટલું સમજવંુ જરૃરી છે કે ક્યાંક ને ક્યાંક તેનાં હાડકાંનું જોડાણ અટક્યંુ છે. બાળકનું ગર્ભમાં ફરવું સામાન્ય નહીં, પરંતુ ફરજિયાત છે.
————————.