સંબંધની ખરી મીઠાશ માણવા….

સાચા પ્રેમને ઓળખવો મુશ્કેલ છે
  • વિદેશી વાયરા – રેખા પટેલ ( ડેલાવર – યુએસએ )

આધુનિક ભૌતિક સુખો વચમાં પ્રેમનો અર્થ બદલાઈ રહ્યો છે. આંતરિક પ્રેમ એ બાહ્ય દેખાડો અને લેવડદેવડ બની રહ્યો છે ત્યારે સાચા પ્રેમને ઓળખવો મુશ્કેલ થઈ પડે છે. પ્રેમ એ તો હૃદયમાંથી ઊઠતી લાગણીઓ છે જેને કોઈ સ્વરૃપ નથી, કોઈ આકાર કે અંગ નથી છતાં જીવનને રંગી નાખે છે, મઘમઘાવી નાખે છે. સુખની દરેક ક્ષણ પ્રેમ વિના અધૂરી લાગે છે અને દુઃખની ભારેખમ ઘડી પ્રેમના સહવાસમાં હળવી લાગે છે.

તહેવારો તો ખરા અર્થમાં જીવનના ઉત્સાહને વધારવાનું બહાનું માત્ર છે. આપણે ત્યાં  રાધાકૃષ્ણના પ્રેમને સાંકળી લેવા ધુળેટી એક બહાનું બની જાય છે તેમ પશ્ચિમના દેશોમાં ચૌદ ફેબ્રુઆરી વૅલેન્ટાઇન ડેની ઉજવણી પ્રેમના પ્રતીક રૃપે ઊજવાય છે. કેટલાક રૃઢિચુસ્ત લોકો આની વિરુદ્ધમાં પણ છે, ઉત્સવમાં વિવિધતા હોવી જોઈએ, વિરોધતા નહીં.

અમેરિકા જેવા દેશોમાં નાનાં બાળકોને સ્કૂલના દિવસોથી જ આ દિવસને સેલિબ્રેટ કરતા શીખવાડે છે. દરેક બાળકોને બાકીનાં બીજા બાળકો માટે નાના વૅલેન્ટાઇન કાર્ડ અને કેન્ડી કે નાની ગિફ્ટ લાવવાનું કહેવામાં આવે છે. ત્યાર બાદ તેઓ આ બધું એકબીજા સાથે એક્સચેન્જ કરે છે.  આ સમયે નાતજાત કે રંગભેદ જોવાતો નથી. માત્ર બાળકોને મિત્રતાની સાચી સમજ આપવામાં આવે છે.આ માટે સ્કૂલના ટીચર્સ પણ સાથે રહી મદદ કરતા હોય છે. આનો અર્થ લગીરે એવો ના કરી શકાય કે તેમના મનમાં વિજાતીય દોસ્તીને રોપી રહ્યા છે. પ્રેમ અને દોસ્તી દરેક ઉંમરે જરૃરી છે. બાળપણથી અહીં આ શીખવવામાં આવે છે. વૅલેન્ટાઇનને સ્ત્રી-પુરુષના જાતીબાધથી પરે રાખી માત્ર પ્રેમનો તહેવાર સમજવો જોઈએ.

વૅલેન્ટાઇન એટલે પ્રેમ અને ખુશીનો તહેવાર. ગિફ્ટ આપવી લેવી એ બધું સંબંધોને ઉષ્માભર્યા રાખવાની ટૅક્નિક માત્ર છે. જેનાથી રોજબરોજની લાઈફ સ્ટાઈલમાંથી બહાર નીકળી પ્રેમી માટે કંઈક અલગ કર્યાની અનુભૂતિ દર્શાવાય છે અને લાગણીઓને વ્યક્ત કરાય છે. કશું ખાસ ના મળે તો રંગીન ફૂલો અને ફુગ્ગાઓથી પણ આ તહેવારને મસ્તીભરીને માણી શકાય છે.

આ બધું માત્ર સ્વેચ્છાએ શોભે છે. જ્યારે વહેવારમાં, પ્રેમના સંબંધમાં લેવડદેવડ અને ગણતરી વધી જાય ત્યારે તેની અસર પ્રેમની મીઠાશમાં કડવાશ ભેળવી જાય છે, આવી જાય છે. કોણે કોને શું ગિફ્ટ આપી એના દેખાડા થાય છે ત્યારે ગમે તેવા મીઠા સંબંધનો વિચ્છેદ થતા વાર લાગતી નથી.

સુરભિ અને વિતાનની મુલાકાત કૉલેજના પ્રથમ વર્ષમાં થઈ હતી. બંને વચ્ચે બહુ ઝડપથી પ્રેમ પાંગરી ગયો. સારી વાત એ હતી કે બંને એક જ જ્ઞાતિના અને આર્થિક રીતે સદ્ધર હતાં આથી ઘરમાં પણ દરેકને આ સંબંધ મંજૂર રહ્યો. કૉલેજ પૂરી થતાં તેમની સગાઈ પણ ધામધૂમથી કરી દેવાઈ.

જોનારા બધા જ કહેતા કે સ્વભાવે અને દેખાવે સરખાં બંને એકબીજા માટે જ નિર્માયાં છે, પરંતુ આ ભ્રમ થોડા જ દિવસોમાં ભાંગી ગયો. સગાઈ પછીની પહેલી વૅલેન્ટાઇનમાં સુરભિએ વિતાન પાસે ડાયમન્ડની માગ કરી. તે માનતી હતી કે હવે વિતાન ઉપર, તેની મિલકત ઉપર પોતાનો હક છે.

સામે છેડે વિતાન માનતો કે મિલકત ઉપર માત્ર મમ્મી પપ્પાનો હક છે. તેઓ આપે તે જ લેવાય. બાકી પોતે મહેનતથી કમાઈ લેશે. આમ વિતાને સુરભિને આ દિવસે માત્ર ફૂલોનો બુકે અને કાર્ડ આપ્યું. સુરભિને તેના પ્રેમનું અપમાન લાગ્યું. તેને લાગ્યું કે હવે લગ્ન નક્કી થઈ જતાં વિતાન પોતે કંજૂસ અને ગણતરીવાળો છે એવું સાબિત કરી બતાવ્યું. સુરભિની જીદ જોતાં વિતાનને લાગ્યું કે તે લાલચુ અને જીદ્દી છે.

આમ ગિફ્ટની અદલાબદલીમાં મનદુઃખ વધી જતાં પ્રેમસંબંધ સાથેની સગાઈ છ મહિનામાં તૂટી ગઈ.

પ્રેમ એ તો ઈશ્વરની સહુથી મોટી કરામત અને અમૂલ્ય એવી ભેટ છે. બહુ નસીબદારને તેની સાચી પ્રતીતિ થાય છે. જ્યારે પણ લાગે છે સાચો પ્રેમ થઈ ગયો છે ત્યારે તેનો સ્વીકાર કરવો જોઈએ. પ્રેમમાં પડેલી વ્યક્તિને બધું જ સુંદર રુચિકર લાગે છે અને મનગમતા સાથીના વિરહમાં બધું જ શુષ્ક લાગે છે. પ્રેમમાં કોઈ શર્ત કે અપેક્ષા ના હોય તો એ લાંબો વખત મનગમતો રહે છે, પરંતુ જો લેવડદેવડ વધી જાય તો એ જ પ્રેમ ભારરૃપ બની જાય છે. જો પ્રેમમાં લેવા કરતાં આપવાની ભાવના વધારે હશે તો એ હૃદયમાં કાયમને માટે જીવંત રહેશે. એ જીવંતતા અંતરને ભરેલું રાખશે.

સુખરૃપ પ્રેમભર્યું જીવન જીવવા માટેના ઘણા સંબંધોમાં મહત્ત્વનો સંબંધ છે પતિપત્નીનો. બે વ્યક્તિ પ્રેમ કરીને પરણે કે પરણીને પ્રેમ કરે એ બંને સંજોગોમાં ‘તું તારું કર હું મારંુ કરું’ એવી વિચારધારાથી જીવનની ગાડી ચાલતી નથી. બે વ્યક્તિ વચમાં પ્રેમ ના હોય છતાં પણ એકબીજાના ગમા અણગમાને ધ્યાનમાં રાખ્યા સિવાય ચાલે જ નહીં. તેમાંય જો સાથે રહેવાનું હોય તો કાયમી કંકાસથી બચવા માટેનો સરળ ઉપાય એ છે કે સાથે ચાલતી વ્યક્તિ કેટલું સાંભળી શકશે કે કેટલું ચલાવી શકે એ સમજી લેવું.

ભારતીય પરંપરાને આધારે હજુ પણ આપણા સમાજમાં પ્રેમ લગ્નો કરતાં એરેન્જ મેરેજ વધારે થાય છે. જેમાં સાવ અલગ વિચારધારા ધરાવતી, અલગ રહેણીકરણીમાં ઉછરેલી બે વ્યક્તિને એક જ છત નીચે એક જ ઓરડામાં જીવન પર્યંત સાથે રહેવાનું હોય છે. દેખીતી રીતે આ જરાય સહેલું નથી. જીવન જીવવાની શરૃઆતથી એકબીજા સાથે એડજેસ્ટ કરવાનું હોય છે. અહીં જો હું મને ગમે એમ જ કરીશનો ભાવ આવી જાય તો સામેવાળી વ્યક્તિને સાથ નિભાવવામાં ખૂબ તકલીફ પડે છે. આવા સંજોગોમાં મનદુઃખ, મનમોટાવ થયા વિના રહેતો નથી.

સંજીવ અને નેહાનાં લગ્ન આવી જ રીતે માતાપિતા દ્વારા ગોઠવણીથી થયાં હતાં. બંનેનો ઉછેર સાવ અલગ રીતે અલગ વાતાવરણમાં થયો હતો. સંજીવ તેનાં માતાપિતા નાનાં ભાઈબહેન અને દાદાદાદી સાથેના બહોળા પરિવારમાં રહેતો હતો. જ્યારે નેહા એકની એક લાડકી દીકરી તરીકે આઝાદીથી ઉછરી હતી. મુક્ત વિચારો ધરાવતી નેહાને ઘરકામમાં ખાસ રસ નહોતો.

લગ્ન પછી મોટા પરિવારમાં સહુનો પ્રેમ મળશે એવી આશા સાથે એ સાસરે આવી ત્યારે સાથે જવાબદારીઓ પણ માથે ચડશે એ વાત સાવ ભૂલી ગઈ હતી. શરૃઆતના એક બે અઠવાડિયાં સુધી તેને કોઈએ કશું જ કહ્યું નહીં, પરંતુ ત્યાર બાદ સહુની સાથે વહેલા ઊઠી જવું અને કામમાં હાથ આપવો એ વાત દાદી સાથે સાસુએ વાતવાતમાં સમજાવી હતી. પિયરમાં કાયમ મોડા ઊઠવાની આદતમાં નેહાને કોઈ રીતે બાંધછોડ કરવી નહોતી.

રાત્રે વહેલા સૂઈ જવાય તો તેની ઊંઘ પૂરી થઈ જશે એવા વિચારથી સંજીવે પોતાની મોડા સૂવાની આદતને બદલી નાખી. પરાણે તે નવ વાગ્યે સૂવાની કોશિશ કરતો, પરંતુ ના નેહા વહેલી સૂવા માગતી ના વહેલી ઊઠતી. તે એની વર્ષો જૂની આદતને બદલવા તૈયાર નહોતી.

‘સંજીવ, હું સવારે ઊઠી શકતી નથી એ માટે મેં કદીયે મોર્નિંગ ક્લાસ કે મોર્નિંગ કૉલેજ કરી નથી. મારાં મમ્મીપપ્પાએ કદીયે આ વાત માટે જોરજબરજસ્તી કરી નથી અને અહીં તો આટલા જ દિવસોમાં બધા સવારમાં મારી પાસે કામ કરાવવા ઇચ્છે તો એ કદીયે નહીં બને.’ આથી થોડા જ દિવસોમાં ઘરમાં કંકાસ થવા લાગ્યો. સવારથી ધમધમતા ઘરમાં નવી આવેલી વહુ નવ વાગ્યે ઊઠે તો કેમ ચલાવી લેવાય. ‘પિયરમાં કઈ શીખવ્યું નથી, આળસુ છે’ વગેરે વિશેષણો સાંભળીને નેહા પણ ઉશ્કેરાઈ જતી અને બધો ગુસ્સો રાત્રે સંજીવ ઉપર ઠાલવી દેતી. આમ પરસ્પર સમજવાના અને અનુકૂળ થવાના દિવસોમાં નવદંપતી વચમાં આક્ષેપો તણાવ વધી ગયા. અંતે સાવ નાની બાબતમાં બંને છૂટા થવાની સ્થિતિએ આવી પહોંચ્યાં.

આવા જ કપરા સમયમાં વૅલેન્ટાઇનનો તહેવાર બંનેની કડવાશને મીઠાશમાં ભરી જવાનું બહાનું બની ગયો. છેવટે મોટાઓની સમજ અને સમજાવટ પછી બંને આ દિવસની ઉજવણીના બહાને બે દિવસ બહાર ઊપડી ગયાં જ્યાં પરસ્પરની લાગણીને નજીકથી અનુભવી શક્યા અને આ રીતે તેમની ખોરવાઈ જતી જિંદગીની ગાડી ફરી પાટા ઉપર આવી હતી. આમ કોઈ એક જીદ અને અણસમજ ગમે તેટલાં સુખને દુઃખમાં ફેરવી શકે છે. માત્ર ૮-૧૦ કલાકની નોકરીમાં પણ જો  સહકર્મચારી સાથે એડજસ્ટ કરવું પડે છે તો જેની સાથે જીવનભર રહેવાનું હોય ત્યાં સમજણપૂર્વક સાથ આપવો અત્યંત જરૃરી બની રહે છે. પ્રેમ માત્ર તહેવારો પૂરતો ના રહેતા કાયમી બની રહેવો જોઈએ.

આવા તહેવારો આપણી આજુબાજુના સંબંધોમાં ઉષ્મા ભરવાનું કામ કરે છે, જે વખતોવખત પ્રેમનું ખાતરપાણી આપવાનું બહાનું બની જાય છે. આ જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે વૅલેન્ટાઇન જેનો સાદો અર્થ ‘જે-તે સંબંધે પણ તું મારી સાથે રહે’ આ સમજને આપણે લાંબે સુધી લઈ જવી જોઈએ.
——————————————————–.

રેખા પટેલ (ડેલાવર)વિદેશી વાયરાસંબંધો
Comments (0)
Add Comment