આધુનિક પ્લેટફોર્મ પર ડિજિટલ માર્કેટિંગની કારકિર્દી

ડિજિટલ માર્કેટિંગ સંપૂર્ણ રીતે ઓનલાઇન માર્કેટિંગ પદ્ધતિ પર કામ કરે છે
  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

સારી કારકિર્દી બનાવવા માટે આજની જનરેશન અનેક પ્રકારના કોર્સ કરી રહી છે. નવા ક્ષેત્રમાં ડગ માંડી સારી આવક મેળવવાની ઇચ્છા દરેક યુવાનને હોય છે. વર્તમાન સમયમાં ડિજિટલ માર્કેટિંગ કરિયર માટે યોગ્ય છે.

આજના તકનીકી સમયમાં ઘણા એવા સેક્ટર છે જેણે ઇન્ટરનેટના સહારે રફ્તાર પકડી છે. તેમાં ડિજિટલ માર્કેટિંગનો પણ સમાવેશ થાય છે. ગઈકાલ સુધી જે કામ કોમ્પ્યુટર પર કરવા અશક્ય હતાં તે કામ આજે મોબાઇલ દ્વારા સહેલાઈથી કરી શકાય છે. ઓનલાઇન ખરીદી અને પ્રોડક્ટની સેવાઓ જાણવામાં નેટનો ઉપયોગ કરવાનું ચલણ લોકોને ગમી રહ્યું છે. કંપનીઓ પણ લોકોની મનોવૃત્તિને સમજી પોતાની પ્રોડક્ટનો પ્રચાર ઈ-મેઇલ, એસએમએસ, વેબસાઈટ, ફેસબુક અને વૉટ્સઍપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કરે છે. સ્માર્ટફોને તેમનું કામ વધુ સરળ બનાવ્યું છે. હકીકતમાં આ બધું ડિજિટલ માર્કેટિંગની જ સ્ટ્રેટેજી છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના તાજેતરની આંકડાકીય માહિતી પ્રમાણે આ વર્ષ એટલે કે ૨૦૨૦માં દેશના ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૫૦ કરોડથી પણ વધારે છે. જ્યારે ૨૦૧૮ના અંત સુધીમાં આ ક્ષેત્રે નોકરીની સંખ્યામાં ૧૫થી ૨૦ લાખ જેટલો વધારો થયો હતો. ચાલુ વર્ષમાં આ સંખ્યામાં વધારો થયો છે. ડિજિટલ માર્કેટિંગ સેક્ટરમાં સોફ્ટવેર પ્રોડક્ટ, ડેવલોપમૅન્ટ, ડેટા એનાલિસ્ટ જેવી અનેક પોસ્ટ પ્રોફેશનલ્સ માટે છે. એક સર્વે પ્રમાણે ૮૧ ટકા જેટલી નાની-મોટી કંપનીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. આ જ કારણ છે કે ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં દર વર્ષે ગ્રોથ વધી રહ્યો છે.

ડિજિટલ માર્કેટિંગ વિશે
ડિજિટલ માર્કેટિંગ સંપૂર્ણ રીતે ઓનલાઇન માર્કેટિંગ પદ્ધતિ પર કામ કરે છે. આ આધુનિક માધ્યમનો ઉપયોગ કરી કંપનીઓ ઉત્પાદન પ્રત્યે ગ્રાહકોને જાગૃત કરે છે. તેમની જરૃરિયાતોને પણ સંતોષવાનો પ્રયાસ કરે છે. ડિજિટલ માર્કેટિંગ ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનું સંકલન છે. આ કાર્યમાં કંપનીઓ મોબાઇલ પર અથવા કોઈ વેબસાઇટ ઓપન કરવા પર નોટિફિકેશન મોકલીને પોતાની બ્રાન્ડને મજબૂત બનાવે છે. સાથે-સાથે કન્ટેન્ટ રાઇટિંગ અને રિપોર્ટના આધારે ગ્રાહકોને આકર્ષિત કરે છે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (એસઇઓ) આ ક્ષેત્રની નવી તકનીક છે.

કોર્સ ક્યારે કરી શકાય
ડિજિટલ માર્કેટિંગ સેક્ટરમાં કામ કરવા માટે પ્રોફેશનલ્સ પાસે માર્કેટિંગ, કોમ્યુનિકેશન કે પછી ગ્રાફિક ડિઝાઇનના ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૃરી છે. કોમ્પ્યુટર વિષય સાથે પણ ગ્રેજ્યુએશન પાસ કરનારા વિદ્યાર્થીઓ પણ ડિજિટલ માર્કેટિંગમાં પ્રવેશ મેળવી શકે છે. મોટાભાગની સંસ્થાઓ સામાન્ય સ્નાતક વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપે છે. કોર્સનો સમયગાળો ત્રણ મહિનાથી લઈને એક વર્ષ સુધીનો હોય છે. વિદ્યાર્થી આ કોર્સ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકે છે. ફી ધોરણ સંસ્થાઓ અને તેમાં મળતી સુવિધાઓના આધારે નક્કી થાય છે.

સ્કિલ્સ ઉપયોગી છે
ઇન્ટરનેટ સાથે રોજબરોજ કામ કરનારા અને તેમાં ફાવટ હોય તેવા પ્રોફેશનલ્સ આ પ્રોફેશનમાં ટકી રહે છે. આ ઉપરાંત પણ કોમ્યુનિકેશન સ્કિલ, એનાલિટિકલ સ્કિલ, ટાઇમ મૅનેજમૅન્ટ જેવા ગુણ પણ જરૃરી છે. માર્કેટની સમજ અને બિઝનેસ વિશે ઝીણવટ ભરેલી જાણકારી હેલ્પફુલ બની રહે છે. સફળ થવા માટે પરિશ્રમ, રચનાત્મક્તા, ધીરજ અને શિસ્તબદ્ધ બનવું અતિ મહત્ત્વનું છે.

અભ્યાસક્રમની જાણકારી
કોર્સ દરમિયાન વિદ્યાર્થીઓને ટાર્ગેટ માર્કેટ આઇડેન્ટિફિકેશન, એડવર્ટાઇઝિંગ સ્ટ્રેટેજી, માર્કેટિંગ કેમ્પેઇન એનાલિસિસ, કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી, ટૅક્નોલોજી જેવા વિષયોની વિસ્તારથી જાણકારી આપવામાં આવે છે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, ઈ-મેઇલ માર્કેટિંગ, મોબાઇલ માર્કેટિંગ અને એફિલિએટેડ માર્કેટિંગની જાણકારી હોવી જોઈએ. વિદ્યાર્થીઓને ડિઝાઇન ડેટા એનાલિસિસ, કન્ઝ્યુમર રિલેશન મૅનેજમૅન્ટની સમજ પણ આપવામાં આવે છે. ઉપરાંત ટ્વિટર, લિન્ક્ડઇન, ગૂગલ પ્લસ, પ્રિંટરેસ્ટ અને ફેસબુક જેવા સોશિયલ માધ્યમની કામગીરી અને લોકોને તેની સાથે કેવી રીતે કનેક્ટ કરવા તે વિશેની માહિતી પણ આપવામાં આવે છે.

રોજગારના વિકલ્પ
દેશમાં ઇન્ટરનેટ યુઝરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેની સાથે જ ડિજિટલ માર્કેટિંગનું પણ વિસ્તરણ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા ડિજિટલ માર્કેટિંગનું સૌથી મોટું હબ બની ચૂક્યું છે. આજે જે પણ જોબ પોર્ટલ, વેબસાઇટ છે તેના પર જુદી-જુદી કંપનીઓની નોટિફિકેશન જોવા મળતી રહે છે. ઇકોમર્સ, એફએમસીજી, મીડિયા, આઇટી, ટ્રાવેલ, ફાઇનાન્સ, બેન્કિંગ વગેરે જેવા સેક્ટરોમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રોફેશનલ્સની ડિમાન્ડ છે. દેશ-વિદેશની ઓનલાઇન શોપિંગ વેબસાઇટ અને સર્વિસ પ્રોવાઇડિંગ કંપનીઓ મોટા પાયે નોકરી આપી રહી છે. નોકરીની જગ્યાએ પોતાનું કામ પણ શરૃ કરી શકો છો. મલ્ટિનેશનલ કંપનીઓ ઉપરાંત વિદેશમાં પણ વિશાળ પાયે કામ મળી રહે છે.

પગાર ધોરણ
આ ક્ષેત્રમાં સૅલરી બ્રાન્ડ પ્રમાણે નક્કી કરવામાં હોય છે. આજના સમયમાં ઘણા એવા પ્રોફેશનલ્સ છે જે દર મહિને પોતાના દમ પર એક લાખ રૃપિયા સૅલરી મેળવે છે. સામાન્ય રીતે શરૃઆતના તબક્કે પ્રોફેશનલ્સ ૨૦થી ૨૫ હજાર રૃપિયા પ્રતિમાસની આવક કરે છે. સમયની સાથે પગાર વધીને ૪૦-૪૫ હજાર રૃપિયા સુધી પહોંચે છે. ફ્રીલાન્સર તરીકે પણ સારી આવક કરી શકાય છે. જો કે નેટવર્કિંગ સારું હોવું જરૃરી છે.

ખરીદીનાં માધ્યમ બદલાઈ રહ્યાં છે
માર્કેટના સ્વરૃપમાં ઝડપી બદલાવ આવી રહ્યા છે. ભીડભાડમાં જઈને શોપિંગ કરવાની જગ્યાએ હવે લોકો ઘરે બેસી ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. જેના કારણે રિટેલર્સ પણ પોતાના ઉત્પાદનનું બ્રાન્ડિંગ અને પ્રમોશન ઓનલાઇન જ કરે છે. આ વેબ વર્લ્ડ સેક્ટરનું સૌથી ઝડપી અને વેગવંતું માધ્યમ છે. વર્તમાન સમયમાં આ પૈસા બચાવવાના માધ્યમની સાથે સશક્ત કારકિર્દી પણ બની રહી છે. જેના અંતર્ગત બ્રાન્ડ અને પ્રોડક્ટને ઇલેકટ્રોનિક અને ડિજિટલ મીડિયાની મદદથી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ માધ્યમની સૌથી મોટી વિશેષતા એ છે કે યોગ્ય સમયે ગ્રાહકોને માર્કેટને સમજવા અને જાણકારી મેળવવા માટે પ્રેરિત કરે છે. ૨૦૧૪થી આ સેક્ટરમાં રોજગારની તક ઊભી થઈ રહી છે. આ સેક્ટર શોપિંગ, મનોરંજન, સોશિયલ ઇન્ટરેક્શન, ન્યૂઝ જેવા માધ્યમોને ઝડપથી લોકો સુધી પહોંચાડે છે. પ્રોફેશનલ્સે દરેક સેક્ટર કેવી રીતે કાર્ય કરે છે તે ધ્યાન રાખવું અનિવાર્ય છે. લોકોની જરૃરિયાત અને માઇન્ડસેટને સમજી કંપનીની પ્રોડક્ટને યોગ્ય માધ્યમની મદદથી લોકો સુધી પહોંચાડવી તે પણ કલા છે. જોકે આ ત્યારે જ શક્ય બને જ્યારે દરેક પ્લેટફોર્મ વિશેની સાચી જાણકારી હોય ઉપરાંત નેટની ઇન્ફોર્મેશન પણ સતત મેળવતા રહો.

—–.

આ હોદ્દા પર મળી રહે છે જોબ

*           ડિજિટલ માર્કેટિંગ મેનેજર

*           કન્ટેન માર્કેટિંગ મેનેજર

*           સોશિ. મીડિયા માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ

*           વેબ ડિઝાઇન

*           ઍપ ડેવલોપમેન્ટ

*           કન્ટેન રાઈટર

*           સર્ચ એન્જિન માર્કેટર

*           ઇનબ્રાઉન્ડ માર્કેટિંગ મેનેજર

*           સર્વ એન્જિન ઓપ્ટિમાઇઝર એક્ઝિક્યુટિવ

*           કન્વર્ર્ઝન રેન્ટ ઓપ્ટિમાઇઝર

ઉપયોગી કોર્સ

*           સર્ટિફાઇડ ડિજિટલ માર્કેટિંગ માસ્ટર કોર્સ

*           સર્ટિફાઇડ પ્રોગ્રામ ઇન ડિજિટલ માર્કેટિંગ

*           પ્રોફેશનલ ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ

*           પ્રોફેશનલ ડિપ્લોમા ઇન સોશિયલ મીડિયા માર્કેટિંગ

*           પ્રોફેશનલ ડિપ્લોમા ઇન સર્ચ માર્કેટિંગ

*           પ્રોફેશનલ ડિપ્લોમા ઇન મોબાઇલ માર્કેટિંગ

સંસ્થાઓ

*           ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા, નવી દિલ્હી

*           ભારતીય વિદ્યાપીઠ યુનિવર્સિટી, પૂણે

*           જામિયા મિલ્લિયા ઇસ્લામિયા, નવી દિલ્હી

*           એનઆઇઆઇટી ડિજિટલ માર્કેટિંગ

*           ટીસીજી એનિમેશન એન્ડ મલ્ટિમીડિયા, નવી દિલ્હી

*           દિલ્હી સ્કૂલ ઓફ ઇન્ટરનેટ માર્કેટિંગ, નવી દિલ્હી
————————–

નવી ક્ષિતિજહેતલ રાવ.
Comments (0)
Add Comment